Friday, 12 August 2011

વાળને રેશમ જેવા સુંવાળા બનાવે ચિકાખાઈ

 


આ પે ચિકાખાઈનું નામ તો સાંભળ્યું હશે જ? ઔષધરૂપે તેનો સીધો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. પરંતુ વાળની વિકૃતિઓ માટે જેવી કે વાળ ખરી જવા, બટકી જવા, ખોડો થવો, ઉંદરી થવી, વાળની વૃદ્ધિ અટકી જવી વગેરેમાં અમે વૈદ્યો વાળની સ્વચ્છતા માટે એટલે કે વાળ ધોવા માટે ચિકાખાઈના ઉપયોગની ખાસ સૂચના આપવાના જ. ચિકાખાઈને શિકાકાઈ પણ કહેવામાં આવે છે.
ચિકાખાઈની રૂપકડી શીંગો આયુર્વેદીય કાચાં ઔષધ વેચતાં કરિયાણાના વેપારી પાસેથી મળશે. ચિકાખાઈમાં અરીઠા જેવા ગુણો હોવાથી માથાના વાળ ધોવા માટે તેનો ઉપયોગ અરીઠાની જેમ જ કરી શકાય.
ચિકાખાઈમાં સાબુ જેવું ફીણ લાવનાર તત્ત્વો હોવાથી વાળને સાફ કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સાબુ જેવા વાળને નુકસાન કરે તેવા રુક્ષ અને દાહક ગુણો હોતા નથી. તેમાં શીતળ અને સ્નિગ્ધ ગુણો હોવાથી વાળને રેશમ જેવા સુંવાળા બનાવે છે. સાબુમાં રહેલ કોસ્ટિક સોડા તેના દાહક ગુણથી વાળની ઉપર સૂક્ષ્મ ઉઝરડા પાડે છે. જેથી વાળની મજબૂતાઈ ઘટે છે. ચિકાખાઈમાં એક બીજો વિશેષ ગુણ જંતુઘ્નરહેલો હોવાથી તે માથાની ત્વચાની વિકૃતિઓ જેવી કે ઉંદરી, ખોડો, જૂ, લીખ, ખંજવાળ વગેરેને મટાડે છે. સાબુમાં આ ગુણ હોતો નથી. આ ગુણને ધ્યાનમાં રાખીને જ અમે વૈદ્યો તેના ઉપયોગની સલાહ આપીએ છીએ.
દક્ષિણ તેમજ ઉત્તર ભારતમાં ચિકાખાઈનાં વૃક્ષો ઝાડના રૂપમાં ઊગી નીકળે છે. દક્ષિણ ભારત કરતાં ઉત્તર ભારતમાં થતી ચિકાખાઈની શીંગો ગુણની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે. ઔષધરૂપે તેની શીંગો અને પાન બંને વપરાય છે. ચિકાખાઈની શીંગોનો સ્વાદ અરીઠા જેવો સહેજ ખાટો, સહેજ કડવો અને વધારેપડતો તીખો હોય છે. ચિકાખાઈનાં પાન આમલી જેવાં ખાટાં અને રુચિ ઉપજાવનારાં છે.  ચિકાખાઈ માત્ર વાળ ધોવા માટેનું જ ઔષધ છે તેવું મોટાભાગના લોકો સમજતા હોય છે, પરંતુ તેવું નથી. ચિકાખાઈમાં બીજાં ઘણાં ઔષધીય ઉપયોગો છે.
 ચિકાખાઈની શીંગ કફને દૂર કરનાર અને વાયુનું અનુલોમન (નીચેની ગતિ) કરે છે. નાડીની ગતિ મંદ પડી ગઈ હોય એ વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો નાડીની ગતિ ઉત્તેજાઈ તીવ્ર બને છે. તેના ઉપયોગથી મૂત્રપ્રવૃત્તિ વધે છે. તેથી જ વૈદ્યો મૂત્રકૃચ્છ, મૂત્રઘાત, સોજો અને પથરીના રોગમાં તે વાપરે છે. તેનાં પર્ણો ખાટાં હોવાથી આમલીની જગ્યાએ તે વપરાય છે. તેનાં પર્ણોના ઉપયોગથી યકૃત એટલે કે લિવરની ક્રિયાને ઉત્તેજન મળે છે. તે જમવામાં રુચિ ઉત્પન્ન કરે છે. મળપ્રવૃત્તિ સાફ લાવે છે. ચિકાખાઈનાં પાન વાટી મરીના ચૂર્ણ સાથે ખાવાથી કમળો અને લિવરના રોગ મટે છે. તે પિત્તનું વિરેચન કરાવનાર હોવાથી કમળાના દર્દી માટે હિતાવહ છે. (માત્ર પાન જ ઉપયોગમાં લેવાં)
ચરક- સુશ્રુતમાં ચિકાખાઈનો ઉપયોગ વાયુના અને ઉદરના રોગમાં થયો છે. સંગ્રહણી જેવા કષ્ટસાધ્ય રોગમાં તેનો ક્ષારઘૃતનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે.
ચિકાખાઈનો સાબુ પણ બજારમાં મળે છે, પરંતુ સૌથી ઉત્તમ ઉપયોગ ઉકાળો બનાવીને વાપરવાનો છે. આશરે ચાર ગ્લાસ પાણીમાં ૫૦ ગ્રામ ચિકાખાઈની શીંગોનો અધકચરો ભૂકો નાંખી ઉકાળવો. પાણી બરાબર ઉકળે એટલે નીચે ઉતારી ઠંડું પાડવું. માથાના વાળ ધોવા આ ઉકાળાનો ઉપયોગ કરવો. ખીલ, ખરજવું, દાદર અને ત્વચાના રોગમાં તેનો સ્નાનમાં ઉપયોગ કરવો જોઈએ.

No comments:

Post a Comment