એક ફેલોપિયન ટયુબ બંધ હોય તો પ્રેગ્નન્સી રહે?
‘ડો. હાજર છે’ ની નિયમિત વાચક છું. મને એક પ્રશ્નનું માર્ગદર્શન આપશો. મારી બહેનની ઉંમર ૩૦ વર્ષ છે તેનાં લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં પ્રેગ્નન્સી રાખવાના પ્રયત્ન કર્યા પણ પ્રેગ્નન્સી રહી નથી. તેણે ગાયનેકની પાંચ મહિના સુધી દવા પણ કરાવી છતાં પ્રેગ્નન્સી ન રહેતા તપાસમાં ખબર પડી કે ડાબી બાજુની ફેલોપિયન ટયુબ બ્લોક છે. તેને પ્રેગ્નન્સી રહેવાના કેટલા ચાન્સીસ છે? જો ટયુબ ખોલાવવા ઓપરેશન કરાવાય તો તે સફળ થાય કે નહીં?
સુમિત્રા, ધોળકા
તમારાં બહેનની ઉંમર ૩૦ વર્ષ છે અને એક વર્ષ પછી પણ જો બાળક ન રહ્યું તો એમણે આગળ સારવાર કરાવવી જોઈએ. એક નળીથી ગર્ભ રહી શકે છે પણ જો એક વર્ષ સુધી પણ બાળક ના રહ્યું તો હવે એમણે લેપ્રોસ્કોપી કરાવવી જોઈએ કે જે નળી બંધ છે એની શું સ્થિતિ છે? જો શક્ય હોય તો દૂરબીનથી જ ઘણી વખતે નળી ખૂલી જાય છે. જો બંધ નળી ખૂલી જાય તો ગર્ભ જલદી રહેવાની શક્યતા છે. નળી જો આગળના ભાગમાં (એટલે ગર્ભાશયની બાજુમાં) બંધ હોય તો નીચેથી હિસ્ટ્રોસ્કોપની મદદથી એક વાયર નાખી નળી બહુ જ સહેલાઈથી ખૂલી જતી હોય છે. નળી જો પાછળથી બંધ હોય તો પછી પેટમાં દૂરબીન નાંખી એને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કયા કારણથી નળી બંધ છે? એ જાણ્યા બાદ પણ ઓપરેશનની સફળતાની શક્યતા નિર્ભર હોય છે.
શું વધુ બહેનોવાળી સ્ત્રીઓને વધુ પુત્રીઓ થાય?
મેં એવું સાંભળ્યું છે કે જે સ્ત્રીને વધુ બહેનો હોય તેને વધુ પુત્રીઓ થાય શું આ સાચું છે ? આ માન્યતા છે કે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
- નિહાર, અમરેલી
કોઈ યુવતી બધી રીતે લાયક હોય તો પણ જો તેને બહેનો વધારે હોય તો તેની સાથે લગ્ન કરતાં કેટલાક યુવકો અચકાય છે, તેઓ માને છે કે તેના કુટુંબમાં છોકરીઓ વધુ હોવાથી તેને ત્યાં સંતાનમાં પણ છોકરીઓ જ થશે.
સ્ત્રીના બધા અંડકોષોમાં બે ‘એક્સ’ કે ‘એક્સ’ ક્રોમોઝોમ હોય છે; જ્યારે પુરુષના વીર્યકોષ બે પ્રકારના છે. ‘એક્સ’ અને ‘વાય’ પુરુષ અને સ્ત્રીના જનનકોષો એકઠા થાય તેના પરિણામે બંધાતો કોષ ‘એક્સ-વાય’ અથવા ‘એક્સ-એક્સ’ એમ બે ક્રોમોઝોમવાળો હોય છે. આ રીતે બનેલા બીજમાં બે ‘એક્સ’ ક્રોમોઝોમ હોય તો તેમાંથી કન્યાનું નિર્માણ થાય છે. પણ જો તેમાં ‘એક્સ’ અને ‘વાય’ ક્રોમોઝોમ હોય તો તેનાથી પુત્રનું નિર્માણ થાય છે.
એટલે પુત્ર થશે કે પુત્રી, તેનો આધાર સ્ત્રીના અંડકોષોને ફલિત કરનાર પુરુષના શુક્રાણુ વીર્યકોષના પ્રકાર ઉપર છે. કારણ સ્ત્રીમાં બધા જ જનનકોષો સરખા ક્રોમોઝોમવાળા હોય છે. સ્ત્રીની કૂખે પુત્ર કે પુત્રી ઉત્પન્ન થશે તેનો આધાર પુરુષ પર હોય છે નહીં કે સ્ત્રી પર. એટલે એ બાબતમાં બિલકુલ તથ્ય નથી કે જે સ્ત્રીને ત્યાં વધારે બહેનો હોય તેને ત્યાં દીકરી જ જન્મે!
No comments:
Post a Comment