Friday, 12 August 2011

ફલાવર પાવર, પ્રિન્ટસ ઈન




સ્ટ્રાઈપ, પેક્સ, પ્લેનનો જમાનો હવે ઓસરી ગયો હોય તેમ લાગે છે. અત્યારે માનુનીઓના અંગ પર પહેરેલાં ડ્રેસીઝ પર વસંત ખીલી હોય તેમ લાગે છે. એ પછી સાડી હોય કે સલવાર-કમિઝ કે પછી વેસ્ટર્ન ડ્રેસ. એકદમ કલરફૂલ અને ફ્લાવર પત્તાના જોવા મળે છે. ૨૦૦૦ની સાલમાં ફૂલો પર ડિઝાઈનનો ક્રેઝ સર્વવ્યાપી હતો. આજે તે ૧૦ વર્ષ પછી ફરી આવ્યો હોય તેમ ઝળકી રહ્યો છે.
ડિઝાઈનરોએ તેનું નામ આપ્યું છે ફ્લાવર પાવર.આમ જોવા જઈએ તો ૧૯૭૦ના દાયકામાં ફ્લાવર પાવરનું બહુ મહત્ત્વ હતું જે ફરી જોવા મળ્યું.
દિલ્હી-મુંબઈના ફેશન ડિઝાઈનરોએ અત્યારે જેટલા ફેશન શો યોજ્યા.  તે બધામાં તેઓની મોડલોએ ફ્લાવરની ડિઝાઈનનાં કપડાં પહેરીને પ્રદર્શન કર્યું. આ સફળતા પછી સૌએ મળીને ફ્લાવર પાવરનું નવજીવન નિર્માણ કર્યું. જો કે, આ લોકોનું કહેવું છે કે, અમે ૧૯૭૦ કે ૨૦૦૦ની કોપી નથી કરી. તેમાં અમે ઘણો બદલાવ લાવ્યા છીએ.
આપણે પણ સમજીએ છીએ કે, બદલાવ એટલે, ઝીણી ડિઝાઈન ચાલતી હતી, તેની જગ્યાએ મોટા ફ્લાવરનો ઉપયોગ અને મોટા ફ્લાવરની જગ્યાએ નાના ફ્લાવર અથવા પાંદડાંઓની ડિઝાઈનનો ઉપયોગ. ડિઝાઈનર અનંત નાગપાલનું કહેવું છે કે : ના, એવું ના સમજશો. અમે ફ્લાવરના ઝીણાં-જાડામાં નથી પડતા, પરંતુ વસ્ત્રો ઉપર તેની જગ્યામાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. જેમ કે : છાતી સુધીનો ભાગ કોરો હોય તો કેડ પછીનો ભાગ પૂરો ફ્લાવરથી ભરેલો હોય. આ ઉપરાંત ચીલાચાલુ ડિઝાઈનની બદલે ગુલાબ, લીલી, ડેઈન્ડી, પામના પાંદડાં જેવી ભાતના ગારમેન્ટ તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો છે. અમારા દરેક ફેશન શોમાં આ પ્રકારના ડ્રેસીઝે બહુ સરસ દેખાવ આપ્યો છે. જેનો નિષ્ણાતો દ્વારા રિસપોન્સ પણ અમને સારો મળ્યો છે. એક બીજો નુસખો એ છે કે, ફ્લોરલ પ્રિન્ટેડ સ્કર્ટ ઉપર સફેદ લેશ લગાડવાથી સ્કર્ટનું સ્વરૂપ સાવ બદલાઈ જાય છે. તે ઉપરાંત જંગલી ફૂલોને થોડો બદલાવ આપીને તે સ્ટાઈલનું ભરત અથવા એમ્બ્રોઈડરી વર્ક કરવાનો વિચાર કર્યો છે.
આ સિવાય ફેબ્રિકના રંગોમાં પણ ફાસ્ટ કલર્સ લેવાનું અમે વિચાર્યું છે.
આ પ્રમાણેના ફ્લાવર પાવરના ડ્રેસીઝ આકર્ષક વ્યક્તિત્વ ઊભું કરે છે. ચોમાસામાં ફ્લાવર ડિઝાઈન-પ્રિન્ટનાં વસ્ત્રો માનુની માટે સારા લાગે છે. જો કે જેન્ટ્સ શર્ટ્સ પણ ઉત્તમ લાગે છે.
આજકાલ હવે ભારતીય ફૂલોની પ્રિન્ટને બદલે જાપાન કે ચીનનાં ફૂલોની પ્રિન્ટ્સ કપડાં ઉપર કરવાનું ઘેલું લાગ્યું છે. આ પ્રકારનાં કાપડ બહુ ચાલતાં હોવાથી ભારતની ઘણીખરી પ્રખ્યાત મિલોને તેના ઓર્ડર મળવા લાગ્યા છે. ફ્લાવર પાવરમાં અને ગુલદસ્તા’-પુષ્પગુચ્છ-બુકે, પ્રિન્ટનો ઉમેરો કરાયો છે. જે આકર્ષણનું કેન્દ્રબિંદુ બનશે. આ ઉપરાંત વેલવેટનો ઉપયોગ પણ કર્યો છે. જે કપડાંને ગાર્ડન લૂક આપશે.
જ્યોર્જટ ઉપર સિકવન્સ સાથે વેલવેટનાં ફૂલો સારું આકર્ષણ ઊભું કરશે. આ સ્ટાઈલની સાડી બ્રાઈડલ વૂમનને બહુ જ સારી લાગે છે. જો કે ફોર્મલ ડ્રેસમાં પણ સારા લાગે છે.
આજે તો વસ્ત્રો ઉપરાંત અન્ય એસસરીઝમાં પણ ફ્લાવર પાવરઝળકી  રહ્યો છે. જે આ ડ્રેસ સાથે એકદમ મેચ કરે છે. ખરેખરી ફેશન તો એ જ ગણાય, જેમાં રંગ, સ્ટાઈલ અને પેટર્નનો સંગમ હોય. ફ્લાવર પાવરમાં આ બધાનું સંયોજન છે અને એટલે જ તે અપનાવતા પહેલાં તમારે ફેશનેબલ બનવું પડે અને તે માટે તમારે આમાં પણ આગવી શૈલી અપનાવવી પડે.
ચોમાસાની ઋતુને જો તમારે માણવી હોય તો ફ્લાવર પાવરસ્ટાઈલ અપનાવી જ રહી, કારણ કે આ ઋતુને ખુશમિજાજભરી બનાવવામાં ફ્લાવર પાવરફેશન મદદ કરે છે. આ સ્ટાઈલમાં રંગોની વાત જ શી કરવી ? કેસરી, લાલ, આછો પીળો, પીચ જેવા રંગો ચોમાસાની ઋતુમાં સુંદર દેખાય છે.
ફ્લોરલ પ્રિન્ટ્સ, આછા અને ઘેરા રંગો અને ખૂલતી સ્લીવવાળા ડ્રેસીઝ પહેરવાથી યંગસ્ટર્સ જેવો લૂક મધ્યમ બાંધાવાળી સ્ત્રીઓને આવે છે.
લીઝીબીઝી, ક્રશ્ડ કોટન અને ખાદી જેવાં ફેબ્રિક્સ પર ફ્લાવર પાવરપ્રિન્ટ્સ વરસાદની ઋતુમાં રાહત આપે છે. આ જાતના ટોપ નીચે જીન્સ કે કોટન કેપ્રી અથવા શોર્ટ વધારે સારા લાગે છે. ચોમાસાની ઋતુમાં જો તમારે વસંતને ખીલવવી હોય તો ફ્લાવર પાવરઅવશ્ય અપનાવજો. આજકાલ ગોલ્ડન-સિલ્વરના ફ્લાવરની પ્રિન્ટ્સનાં ડ્રેસીઝ અને સાડીની માંગ છે.

No comments:

Post a Comment