Friday, 12 August 2011

વાળ સારા કરવા છે ?

આજકાલ વાળ ખરવાની અને અકાળે વાળ શ્વેત થવાની ખૂબ જ ફરિયાદ સાંભળવા મળે છે. એટલે આ વખતે વાળ ખરવાના મુખ્ય કારણો અને તેની સરળ આયુર્વેદિય ચિકિત્સાનું સંક્ષિપ્ત નિરુપણ કરું છું.
અહીં સૌ પ્રથમ વાળ ખરવાના કારણો જોઈએ.
* ટાઈફોઈડ કે મરડા જેવી વ્યાધિ લાંબો વખત ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે.
* આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે તો પણ વાળ ખૂબ ઊતરે છે.
* ત્વચાના કેટલાક રોગો જલદી મટતા ન હોય તો પણ વાળ ખરે છે.
* પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે.
* પોષણનો અભાવ, વિટામિનોની ખામીથી પણ વાળ ખરે છે.
* વારંવારની ટૂંકાગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.
*વધારે પડતા ખારા, ખાટાં, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળા આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે.
* પ્રાદેશિક પરિવર્તન પણ વાળ ખરવામાં કારણભૂત બને છે.
* કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.
* વિભિન્ન પ્રકારના રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.
* વાળ ખરવાનાં બીજા કારણોમાં મનોવ્યાધિ, ચિંતા-ટેન્શન, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા વગેરે પણ જવાબદાર છે.
* સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પમાસિક, અતિમાસિક, શ્વેતસ્રાવ, ગર્ભાશયના મોંઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.
* વિરુદ્ધ આહાર-વિહારથી પણ વાળ ખરે છે.
* વારસાગત કારણોમાં માતૃપક્ષ કે પિતૃપક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તો પણ વાળ વધારે ખરે છે. આમાં શારીરિક કે માનસિક વ્યાધિઓ પણ હોઈ શકે. જેમાં મંદબુદ્ધિ, અપસ્માર, સ્મૃતિભ્રંશ, ડાયાબિટીસ, ત્વચાના સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી વિકૃતિઓ ગણાવી શકાય.
ઉપચાર
વાળ ખરવાના ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતાં હોય, તે કારણો જો દૂર કરી શકાય એમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન પરિવર્જનપણ કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોના ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.
આયુર્વેદિય મતે શરીરમાં રોગ ઉત્પન્ન થવાના અગાઉથી જ કારણોહોય છે. આ કારણોને લીધે શરીરમાં વાયુ, પિત્તાદિ દોષોનો સંચય હોય છે અને આ સંચિત થયેલા દોષો આગળ જતાં પ્રકુપિત થઈને રોગો ઉત્પન્ન કરે છે. આમ રોગ ઉત્પન્ન થવાની આંતરિક પ્રક્રિયા આગળથી જ હોય છે. જો આ આંતરિક પ્રક્રિયાને તોડવામાં આવે તો એટલે કે રોગોત્પાદક મૂળભૂત કારણોનો ત્યાગ કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જાય છે.
વાળ ખરવાના આટલા સામાન્ય કારણો જાણ્યા પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતાં અટકે છે.
* આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
* કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
* અરીઠા, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
* રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.
* આહાર પૌષ્ટિક-સમતોલ અને છએ રસોવાળો હોવો જોઈએ.
* દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો. બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું.
* તેલ નાંખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવું.

No comments:

Post a Comment