યુરોપ- અમેરિકાના દેશો અને આપણા એશિયાના દેશો (ખાસ કરીને આપણે અને આપણા પાડોશી દેશો) વચ્ચે મુખ્ય ફરક એ છે કે એ ગોરી પ્રજા એમના આરોગ્ય સાથે ચેડાં ન થાય એ માટે ઘણી જાગૃત છે અને આપણે તો આરોગ્ય બાબતમાં સહેજે ગંભીર નથી. આપણે બિનઆરોગ્યપ્રદ ખોરાકથી માંડીને બિનઆરોગ્યપ્રદ પ્રોસેસ સુધીનું બધું જ ચલાવીએ લઈએ છીએ. જો પ્રજા આ બાબતમાં ખરેખર ગંભીર હોય તો જાહેર આરોગ્ય માટે સત્તાવાળાઓ એક વાર કડક પગલાં લે તો એ બાબતમાં વારંવાર પગલાં લેવાની જરૂર પડે નહીં. ભેળસેળવાળી, આરોગ્યને નુકસાનકારક હોય, ક્યારેક તો જીવનું જોખમ થઈ જાય એવી વસ્તુઓ હોય, એને વેચનાર પાસેથી લોકોએ ખરીદવાની જરૂર શી છે? મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થખાતું જે વેપારી કે લારી-ગલ્લા કે હોટેલ ઉપર દરોડો પાડીને ભેળસેળ બદલ પગલાં લે છે (અને પૈસા લઈને લૂલા-પાંગળા કેસ કરે છે) એ જ વેપારી, લારી-ગલ્લાવાળાને ત્યાં હોટેલવાળાને ત્યાં બીજા જ દિવસથી ઘરાકી ચાલુ થઈ જાય છે અને થોડા દિવસ પછી તો ઘરાકી વધી ગઈ હોય એવું પણ જોવામાં આવે છે. જો આવું બનતું હોય તો લોકોને આ બાબતમાં ફરિયાદ કરવાનો હક્ક કેટલો? અને એ લોકો નહીં સુધરે તો માત્ર સરકાર કે કાયદાઓથી જ બધું થોડું સુધરી જવાનું છે? છેલ્લા પંદરેક દિવસના અહેવાલ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે લગ્નપ્રસંગના જમણવાર પછી લોકોને ઝાડા-ઊલટી થઈ ગયા છે. કેટલાક માંડ માંડ બચ્યા છે. હોસ્પિટલોમાં એક સાથે વધારે દર્દીઓનો ભરાવો થઈ જતાં વ્યવસ્થા અને સાધન- સગવડતાઓ ખૂટી પડયાંના દાખલા છે. છેલ્લા મહિનામાં કમળાના સેંકડો કેસ બન્યા છે.
દિવસ શરૂ થાય ત્યારથી આપણે ભેળસેળવાળી વસ્તુઓથી ચલાવી લેવાનું શરૂ કરીએ છીએ. સવારના પહોરમાં આવતું પાણી પૂરતું શુદ્ધ હોતું નથી. મિનરલ વોટર કે ફિલ્ટર વોટર તરીકે આવતું પાણી શુદ્ધ હોતું નથી. પીવાલાયક હોતું નથી. દૂધમાં પાણી તો ઠીક એ સિવાયની ભેળસેળ પણ સામાન્ય બની ગઈ છે. ટીવી અને વર્તમાનપત્રોના અહેવાલો મુજબ તો નકલી દૂધ અને ઘી વગેરે મળતાં થઈ ગયાં છે. ચાની પત્તીમાં પણ ભેળસેળ થાય છે અને એ ભેળસેળ આરોગ્ય માટે નુકસાનકારક જ હોય છે. સવારના પહોરમાં ગરમાગરમ ગાંઠિયા ખાવાના શોખીનોને ગાંઠિયાના ભાવમાં ડિટરજન્ટ પાવડરનો પણ લાભ મળે છે- એનાથી કદાચ પેટના કૃમિનો નાશ થવાનો લાભ મળતો હશે! અને ગાંઠિયામાં જ નહિ ગોળમાં પણ ડિટરજન્ટનો લાભ મળે છે.
જો આ રીતે જ બધું ચાલશે તો શહેરના લોકોને હવે હવા શુદ્ધ મળવાનો તો કોઈ અવસર આવવાનો જ નથી પણ ખોરાકની આરોગ્યપ્રદ વસ્તુઓ મળવાનો અવસર પણ ઘટતો જવાનો છે. અને પછી તો આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગવાથી લોકોનાં આરોગ્યને કદાચ નુકસાન થશે!
કઈ કઈ વસ્તુઓમાં શું શું ભેળસેળ થાય છે એનું લિસ્ટ તૈયાર કરવા કરતાં કઈ કઈ વસ્તુઓમાં ભેળસેળ થતી નથી એનું લિસ્ટ તૈયાર કરવામાં આવે તો એ લિસ્ટ ટૂંકું થાય તેમ છે. કેરીના રસમાં થઈ રહેલી ભેળસેળ એ તો એક જાહેર હકીકત છે. કેટલીક વખત તો કેરી એંસી રૂપિયે કિલો હોય અને બજારમાં રસ પચાસ રૂપિયે કિલો મળતો હોય! કહે છે કે તરબૂચ જેવાં ફળોમાં પણ ગળપણ માટે સેકેરિનનાં ઈન્જેક્શનો આપવામાં આવે છે. અનાજ- કરિયાણામાં અને દવાઓમાં થતી ભેળસેળ તો જગજાહેર છે. કઈ કઈ વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓની ભેળસેળ થઈ શકે એના જાણકાર, ભેળસેળ શાસ્ત્રના એક નિષ્ણાત ભાઈએ અફસોસ સાથે કહેલું કે “હવે તો બધા ધંધા ખુલ્લા થઈ ગયા છે. હવે મજા નથી રહી!’’ હવે નવું શું શોધીશું? અને એવું ન શોધી શકાય ત્યાં સુધી ધંધામાં ખાસ ‘કસ’ ન રહે.
હમણાં આપણે ભ્રષ્ટાચાર બાબતમાં સફાળા જાગી ઊઠયા છીએ. બહુ સારી વાત છે. ભ્રષ્ટાચાર ખૂબ નુકસાનકારક છે, પરંતુ હવા, પાણી અને ખોરાક એ ત્રણે વસ્તુમાંથી એકેય વસ્તુ આપણને શુદ્ધ અને આરોગ્યપ્રદ મળતી ન હોય તો એથી વધુ મોટું નુકસાન બીજું કયું હોઈ શકે? ભ્રષ્ટાચાર સામે ઉપવાસ પર ઊતરનાર મહાનુભાવોમાંથી ભેળસેળ વિરુદ્ધ ઉપવાસ કરવા કોઈ તૈયાર છે ખરાં?
મસાલાની સિઝન આવી, ભેળસેળ આવી. કરિયાણાંની સિઝન આવી, ભેળસેળ આવી. કેરી, ટેટી, તરબૂચ જેવાં ફળોની સિઝન આવી તો એમાં ભેળસેળની સિઝન પણ સાથોસાથ જ આવી. દરેક સિઝન સાથે ભેળસેળની સિઝન તો ચીપકી જ જાય છે.
એક ભાઈએ આપણે ત્યાં પ્રખ્યાત છે એ દુહો ટાંક્યોઃ
‘‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારે માસ.’’
અને ઉમેર્યું કે, ‘બધી વસ્તુઓની આપણે ત્યાં સિઝન આવે છે પણ ભેળસેળની સિઝન તો ‘કચ્છડો બારે માસ’ જેમ ચાલે છે.
ભેળસેળ એ કાંઈ આજકાલનો નવો શોધાયેલો રોગ નથી. સદીઓથી એ રોગનું અસ્તિત્વ તો છે જ, પરંતુ હવે એ રોગ જીવલેણ થતો જાય છે. શું અગાઉના વખતમાં સોનામાં ચાંદી કે તાંબાની ભેળસેળ નહોતી થતી? દૂધમાં પાણીની ભેળસેળ નહોતી થતી? અરે, રાજા મહારાજાઓના ખોરાકમાં પણ ક્યારેક ઝેર મેળવી દેવામાં આવતું. એ ઝેર જલદ રહેતું અને અત્યારે ભેળવાય છે એ ઝેર ધીમું છે. હા, ભેળસેળ કરનારની જાણબહાર જ એ ક્યારેક જલદ બની જાય છે ખરું.
ભ્રષ્ટાચાર ચલાવી લેવો જોઈએ એમ કોઈ માનતું નથી, પરંતુ એ નાણાંને લગતી વાત છે અને ભ્રષ્ટાચારીઓને ભેળસેળ નડતી નથી. “નાણાંને નરસું ગમતું નથી’’ ધનવાનોને પોતાનાં ફાર્મ હોય છે, પોતાની ગાયો, ભેંસો હોય છે. એમને શુદ્ધ વસ્તુઓની ખોટ પડતી નથી. અશુદ્ધ ખાવાનું અને એના ઝેરને કારણે બીમાર પડવાનું અને મરવાનું તો નીચલા મધ્યમવર્ગના માણસોને જ હોય છે. અને એના વિશે ઉપવાસ ઉપર ઊતરનાર કોઈ નથી હોતું !
અને સાવ ગરીબ માણસની સ્થિતિ કેવી છે?
મધ્યમવર્ગના સામાન્ય માણસને તો જેવું તેવું પણ ખાવા મળે છે. ગરીબને તો એવું પણ મળતું નથી અને આપણી ગરીબી આફ્રિકાના અમુક દેશોની ગરીબી જેવી જ છે એમ વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે.
મારા એક મિત્ર કહે છે કે, “ગાંધીવાદી લોકો (અને અત્યારે તો બીજા મહાનુભાવો પણ) ખાવાપીવામાં ઘણાં જ ચોક્કસ હોય છે. એમની એ વાતમાં મને ઉમેરવાનું મન થાય છે કે યોગીઓ, બાબાઓ અને સ્વામીઓ પણ શુદ્ધિના એવા જ આગ્રહી હોય છે. જો એવા આગ્રહી ન હોય તો એમનું આરોગ્ય જળવાઈ ન રહે અને પ્રજાને એ ધર્મ અને નીતિ વિષે માર્ગદર્શન આપી ન શકે.
આપણે ઇચ્છીએ કે ભેળસેળના વ્યાપક રોગ સામે અવાજ ઉઠાવનાર- ઉપવાસ કરનાર કોઈક ગાંધી આપણે ત્યાં પેદા થાય!

No comments:
Post a Comment