Sunday, 7 August 2011

આ થેરેપી દ્રારા કરો સાંધાની સરળ સારવાર

 
મોટાભાગે ઘૂંટણનો દુખાવો એક સામાન્ય દર્દ હોય એમ આપણે બેદરકારીથી વર્તતા હોઈએ છીએ પણ હકીકત એ છે કે ઘૂંટણનો દુખાવો સૌથી પીડાદાયી હોય છે. ઐને સારા થવામાં સૌથી વધુ વાર લાગે છે. આ દુખાવો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. બીજા કોઈ પણ પ્રકારના દુખાવા કરતાં ઘૂંટણનો દુખાવો આપણી રોજિંદી જીવનશૈલીમાં ભારે અડચણ ઊભી કરતો હોય છે, એટલે આ દુખાવો અટકાવવો મુશ્કેલ હોવા છતાં એને રોકવો અનિવાર્ય થઈ પડે છે. યોગની ચમત્કારિક અસર ઘૂંટણને સહારો આપતી પગની માંસપેશીઓને મજબૂત બનાવે છે.

આ થેરેપી ઘૂંટણને મજબૂત અને લચીલાં રાખવાનું કામ કરે છે, ત્યાર પછી બેસવા - ઊઠવાની ખોટી રીતો, મેદસ્વીપણું અને ઘૂંટણનો ખોટો ઉપયોગ વગેરે બાબતો પર આ થેરેપી ઘ્યાન આપે છે. ઘૂંટણના દર્દનિવારણ માટેનાં આસનો સીમિત છે- એમાં પગનું ખેંચાણને લગતું સુપ્ત પદાંગુષ્ઠાસન સામેલ છે. પગમાં ખેંચાણ પેદા કરતી મુદ્રાઓમાં શીર્ષાસન, સર્વાગાસન, હલાસન જેવી મુદ્રાઓ છે. શીર્ષાસન, પશ્વિમોત્તાનાસન જેવી આગળ તરફ ઝૂકીને થતી મુદ્રાઓ પગને અતિશય મજબૂત કરે છે.

એ ઉપરાંત આ બધી મુદ્રાઓ કરોડરજ્જુ માટે પણ ભારે ઉપયોગી સાબિત થાય છે. કમરનાં હાડકાંમાં રહેલી ઊણપ આગળ જતાં શરીરની સુડોળતા ખરાબ કરે છે અને તે ઘૂંટણ પર ભાર વધારી મૂકે છે. આ ઊણપ યોગ મુદ્રાઓ દ્વારા દૂર થઈ શકે છે. એક વાર આપણે એને જો યોગ્ય રીતે શીખી લઈએ અને નિયમિત રીતે કરીએ તો પછી વજન પણ ઓછું થવા માંડે છે. ઘૂંટણના દુખાવા માટે યોગની મદદ લેવાથી તમારા મોટાપા પર પણ કામ થાય છે, કારણ કે ચરબી એ ઘૂંટણની સમસ્યાનું એક બીજું મોટું કારણ છે.

ઘૂંટણની સમસ્યાની સારવાર વખતે યોગિક થેરાપી લેતા સમયે અમુક પરેજી રાખવી અત્યંત જરૂરી છે. અહીં પરેજી એટલે જેમાં ઘૂંટણ વાળવા પડતાં હોય એવી તમામ ક્રિયાઓને ટાળવી. એટલે સુધી કે સાધારણ પલાંઠી મારીને બેસવાનું સુઘ્ધાં ટાળવું. એમાં વજ્રાસન મુદ્રા અને એના વિકલ્પનો સમાવેશ પણ આવી જાય. ઘૂંટણના દુખાવાનાં અનેક કારણ છે. શરીરનું વજન ઊંચકનારા સૌથી મહત્વના સાંધાઓમાં ઘૂંટણ મહત્વનો સાંધો ગણાય છે.

આપણે કામ કરતાં હોઈએ ત્યારે આપણાં શરીરના સૌથી સક્રિય સાંધામાંનો એક સાંધો આ ઘૂંટણ છે. ઘૂંટણનો ખોટો ઉપયોગ પણ દુખાવાનું સૌથી અગત્યનું કારણ છે. વધુપડતું દોડવું, અયોગ્ય પોસ્ચર સાથે વધુપડતું ચાલવું કે સાઈકલ ચલાવવી, ટ્રેડમિલનો ખોટી રીતે થતો ઉપયોગ કે ખોટી રીતે દાદર ચઢવા જેવી ક્રિયાઓ આ સાંધાઓને નુકસાન કરે છે. અયોગ્ય ખાનપાન બીજું એક કારણ છે. વધુપડતો મસાલેદાર આહાર આપણાં શરીરમાં યૂરિક એસિડની માત્રા વધારે છે.

વટાણા, અમુક વિશેષ પ્રકારની માછલીઓ (સારાડીન, એંકોવી) વગેરે યૂરિક એસિડને વધારવામાં મદદ કરે છે. લીવર અને આલ્કોહોલથી વાત રોગ થવાની શક્યતા છે અને એ સાંધાની એક અત્યંત પીડાદાયી અવસ્થા છે. ઘૂંટણના સાંધાનો ખોટી રીતે ઉપયોગ કરવાથી ઓસ્ટિઓ-આર્થરાઈટિસ થાય છે. હાઉસમેડ્સ નીઝ તરીકે ઓળખાતી એક પ્રચલિત બીમારીમાંથી એ જ શીખવાનું છે કે સતત પલાંઠી મારીને બેસવાથી પણ ઘૂંટણને નુકસાન પહોંચી શકે છે. વારસાગત અથવા તો જીવનશૈલીની કુટેવો આનું કારણ બની શકે છે.

ઘૂંટણમાં થતો હ્યુમેટાઈડ આર્થરાઈટિસ એક ખરાબ પરિસ્થિતિ છે. વિજ્ઞાન હજુ સુધી શોધી શક્યું નથી કે એ થવાનું સાચું કારણ શું છે. એનો ઈલાજ ઓટો-ઈમ્યૂન ડિસીઝના રૂપમાં કરાય છે. યોગ પણ ઓટો-ઈમ્યૂન ડિસીઝને સાઈકો સોમેટિક ડિસઓર્ડરનાં લક્ષણોના રૂપમાં સમજે છે. એનો અર્થ એ થયો કે એ માંદગી આપણી વિચારવાની રીતને આભારી છે અને એને ઈલાજની જરૂર છે. મનોચિકિત્સક આવી બીમારી એ લોકોમાં જુએ છે, જેમના પર બાહ્ય તાણની પ્રમાણમાં વધારે અસર થાય છે.

યોગ કેવી રીતે કામ કરે છે? : નિયમિત ઘ્યાન કરવાથી શરીરના ઉપચારની પ્રક્રિયા પ્રોત્સાહિત થાય છે. આપણે ઘ્યાન ધરતાં હોઈએ છીએ ત્યારે આપણી પેરાસિંમ્પેથેટિક તંત્રિકા સક્રિય બની જાય છે અને એનાથી ઝડપથી સારા થવામાં મદદ મળે છે. શારીરિક સ્તરે યોગ માંસપેશીઓના સમૂહને મજબૂતી આપે છે. અલગ અલગ આહારનો સમાવેશ કરી યોગિક આહાર લેવો એ આ ઉપચારમાં લાભદાયી નીવડે છે. ખાંડ અને રિફાઈન્ડ આઈટમને પચાવવા માટે શરીરમાંથી મહત્વનાં પોષકતત્વો ખતમ થઈ જાય છે. એ ટાળવું જરૂરી છે. સારવાર કરનારા વિટામિન સી, લીલાં શાકભાજી તેમ જ ફળોમાંથી મળનારા એન્ટિ-ઓકિસડન્ટ જેવાં તત્વોનો તમારા આહારમાં સમાવેશ કરવો.

No comments:

Post a Comment