Sunday, 7 August 2011

કેટલીક એવી વ્યક્તિઓ જેઓ જીંદગી જીવે છે આ રીતે

 
આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પૂરે છે. દરેક પળ નવી હોય છે, પરંતુ જીવનની ભાગદોડમાં દરેક નવો દિવસ આપણા માટે નવી શરૂઆત લઈને નથી આવતો. કોઈ પણ બાબતની શરૂઆત કરવી હંમેશાં સુખદ કે સરળ નથી હોતી. બલકે, નવો પ્રારંભ મોટે ભાગે પોતાની સાથે નવા પડકાર લઈને આવતો હોય છે. અમે કેટલીક એવી વ્યક્તિઓને મળ્યા, જેમણે જીવનના જુદા જુદા તબક્કે કશીક અલગ પ્રકારની શરૂઆત કરી હોય. કેવી હતી તેમની મન:સ્થિતિ? કેવા રહ્યા તેમના અનુભવો? આવો, જાણીએ...

નવી શરૂઆત પોતાની સાથે ઘણું બધું લઈને આવે છે - નવા પડકાર, નવી અનિશ્વિતતા અને સાથેસાથે નવું સુખ અને નવો આનંદ પણ.

મનગમતું કામ શરૂ કરવું સહેલું નહોતું

રતના ઘોડદોડ રોડ પર આવેલા રાજહંસ પ્લાઝા નામના મોલમાં સુરતની એકમાત્ર વિરાજ આર્ટ્સ ગેલેરી તમને જોવા મળશે. તેમાં દાઢી અને ચશ્માંધારી યુવાન દેખાય તો તે ચોક્કસ ઓજસ દેસાઈ હશે. તેંતાળીસ વરસના ઓજસ દેસાઈને આ આર્ટ ગેલેરી નથી વારસામાં નથી મળી કે ન તેઓ પોતે ચિત્રકાર છે. આ આર્ટ ગેલેરી તેમણે નવ વરસ પહેલાં શરૂ કરી હતી. ઓજસે મિકેનિકલ એન્જિનયિંરગ કર્યા બાદ એમબીએ કર્યું હતું. ત્યારબાદ તેણે અરવિંદ મિલ્સ, રિલાયન્સ મિલ્સ લિમિટેડ અને છેલ્લે એક ફાર્માસ્યુટિકલ કંપની સહિત કુલ અગિયાર વરસ સુધી કામ કર્યું. મેનેજર લેવલ સુધી પહોંચી ગયેલા ઓજસને કંપનીનાં કામ માટે અવારનવાર વિદેશ પણ જવું પડતું.

વિદેશમાં બુક શોપ્સ અને આર્ટ ગેલેરીઓ તેને આકર્ષતાં. એક વખત જર્મનીમાં તેમણે આર્ટ ગેલેરીમાં નામાંકિત ચિત્રકારોનાં ચિત્રો સસ્તાંમાં વેચાતાં જોતાં નવાઈ લાગી. પૃરછા કરતાં જાણવા મળ્યું કે આ તો રિપ્રિન્ટ છે. ઓજસના મનમાં સળવળાટ થયો. સારી નોકરી છતાં તેમને કામમાં દિલથી આનંદ નહોતો આવતો. વિચાર આવ્યો: આવું કંઈક કલા અને પુસ્તકોને લગતું કામ કર્યું હોય તો! આઈડિયા મજાનો હતો પણ આ ‘તો’ વચ્ચે આવતો હતો.

ઓજસ મઘ્યમવર્ગીય પરિવારનું ફરજંદ. લગ્ન થઈ ગયાં હતાં અને નાનકડી દીકરી પણ હતી. હાઉસિંગ લોનના હપ્તા પણ ચાલુ હતા... પણ જર્મનીથી આવ્યા બાદ ઓજસે સુરતમાં બુક સ્ટોર શરૂ કરવા માટે પ્લાન ઘડવા માંડ્યા. ઘરમાં બૂમાબૂમ થઈ કે આ શું ગાંડપણ માંડ્યું છે? સુરતમાં બુક સ્ટોર ચાલશે કે નહીં એની ખાતરી નહોતી એટલે કોઈ રોકાણકાર પણ ન મળ્યા. ઓજસે પોતાના જૂના નાના ફ્લેટમાં આર્ટ ગેલેરી શરૂ કરવાનું નક્કી કર્યું. નોકરી છોડી દીધી. ભારતમાં અન્ય શહેરોની આર્ટ ગેલેરીઓનો અભ્યાસ કર્યો.

બીજાં શહેરમાં જો આર્ટ ગેલેરીઓ ચાલી શકતી હોય તો સુરતમાં પણ ચાલશે જ એવી તેમને ખાતરી થઈ. ઘરમાં લોકોને પૈસાની ચિંતા ન થાય એટલે કોલેજમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે નોકરી સ્વીકારી. સવારે કોલેજ અને બપોરે આર્ટ ગેલેરી. નોકરી છોડી ત્યારે પ્રોવિડન્ટ ફંડની જે રકમ મળી તે આર્ટ ગલેરીમાં લગાવી દીધી. આ રીતે સુરતની પ્રથમ અને એકમાત્ર આર્ટ ગેલેરી શરૂ થઈ! અલબત્ત, નાનકડા ફ્લેટમાં આર્ટ ગેલેરી કઈ રીતે ચાલે! ઓજસે આર્કિટેકટ્સના સંપર્ક કર્યા. ધીમેધીમે લોકોમાં આર્ટ ગેલેરી વિશે સભાનતા ફેલાતી ગઈ.

શરૂઆતનાં વર્ષોમાં ઓજસે દિવસના તેર ચૌદ કલાક કામ કર્યું. આવક નોકરી કરતાં ઓછી હતી પણ કામમાં મજા આવતી હતી. ધીમે ધીમે તેણે ફ્લેટ વેચીને ૨૩૦૦ સ્કવેર ફૂટની જગ્યા લઈને તેને આર્ટ ગેલેરી તરીકે સરસ રીતે વિકસાવી. ઓજસ કહે છે, ‘એક તો આ ક્ષેત્રમાં લોકો તમારી સાથે ખૂબ સલૂકાઈથી વાત કરે. બીજું, ગેલેરીમાં રોજ સરેરાશ બહુ જ ઓછા ગ્રાહકો આવે એટલે બાકીના સમયમાં હું મનગમતું સંગીત સાંભળું, વાંચું અને કોલેજમાં ભણાવવાની તૈયારી કરું, મિત્રો સાથે ફોન કે કમ્પ્યુટર પર ચેટિંગ કરું. કોલેજમાં ભણાવવાની મને મજા આવવા લાગી અને પ્રિન્સિપાલે મારી પોપ્યુલારિટી જોઈને મને કાયમી કર્યો. એટલે કોલેજમાં હું મારી મોજ માટે ભણાવું છું અને આર્ટ ગેલેરી તો મારો વ્યવસાય છે.

નોકરી ન છોડી હોત તો મેં કોલેજમાં ભણાવવાનું પણ ન કર્યું હોત. આમ, નવી શરૂઆત કરવાને લીધે મને મારામાં રહેલી છુપી પ્રતિભાનો પણ પરિચય થયો.’ આજે તો ઓજસની ગેલેરીની જગ્યાની કિંમત અઢી કરોડ રૂપિયા છે. હોમ લોનના હપ્તા પૂરા થઈ ગયા છે. તેઓ કહે છે, ‘અત્યારસુધી હું આર્ટ ગેલેરીને ચલાવવાના જ પ્રયત્ન કરતો હતો. હવે હું સ્થિર થયો છું. હું ગાડી ખરીદી શક્યો છું અને ડ્રાઈવિંગ શીખી રહ્યો છું. હા, મોટી ઉંમરે ગાડી ચલાવતાં શીખવું અઘરું છે, કોન્ફિડન્સ આવતા વાર લાગે પણ નવી શરૂઆત કરવાની મજા તો છે જ!’ આટલું કહીને ઓજસ હસી પડે છે- ઓજસ દિનકરરાય દેસાઈ

જીવનને નાના નાના ટુકડામાં ન જોવું જોઈએ

વડોદરામાં વસતાં શ્રેયા સંઘવી-શાહનો મોટો દીકરો તનય પંદર વર્ષનો છે અને નાનો અન્વય બે વર્ષનો. ૪૪ વર્ષીય શ્રેયા સ્મિતપૂર્વક કહે છે, ‘ચાળીસ વરસ બાદ મા બનવું કેટલું મુશ્કેલ છે તે મને અનુભવે સમજાયું છે, પણ મારા પતિ સંજયને અમારા બાળકની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે...’ પછી શ્રેયા સ્પષ્ટતા કરે છે: ‘આ મારાં બીજા લગ્ન છે. સાત વરસ પહેલાં જ કર્યા. જીવનની આ નવી શરૂઆત કરવી હતી અને એ સહેલી નહોતી. પણ હું માનું છું કે જિંદગીને આપણે નાના ટુકડાઓમાં જોઈએ છીએ અને દુખી કે સુખી થઈએ છીએ.

જીવનમાં એ જ બનતું હોય છે જે આપણા નસીબમાં લખાયેલું હોય છે...’ શ્રેયાએ પ્રથમ પ્રેમલગ્ન કર્યા હતાં અને તે પણ સંજય નામની જ વ્યક્તિ સાથે. લગ્ન બાદ તનયનો જન્મ થયો. એક તબક્કે બન્નેને લાગ્યું કે સાથે નહીં રહી શકાય એટલે તેમણે છૂટાછેડા લીધાં. ડિવોર્સ પછી શ્રેયાને તો પુનર્લગ્ન નહોતાં કરવાં પણ તનયને પિતાની જરૂર જણાતી હતી. તેને પોતાને પણ સમય જતાં લાગ્યું કે એક સ્ત્રી તરીકે મારે ઘર હોય, પતિ હોય અને પરિવાર હોય... તેઓ કહે છે, ‘જેની સાથે મારો ઋણાનુબંધ નહોતો તેની સાથે ન રહેવાયું તે જો સ્વીકારી શકું તો બીજાં લગ્ન પણ ઋણાનુબંધ હોય તો જ શક્ય થઈ શકે ને? પાછળના અનુભવ પ્રમાણે જ આગલી જિંદગી જશે એવું માનીને જીવવું એ મૂર્ખામી છે. વળી, મારા પતિ સંજયે મારા દીકરા તનયને દિલથી સ્વીકાર્યો છે.’ સંજયની પણ આ નવી શરૂઆત હતી. તેમના પણ છૂટાછેડા થયા છે.

‘અમે બન્ને એકબીજાંની નવી શરૂઆતનો આદર કરી શકીએ છીએ,’ શ્રેયા કહે છે, ‘મારાં બીજાં લગ્ન એરેન્જડ મેરેજ છે. મારાં માતાપિતાને મારી ઘણી ચિંતા રહેતી હતી. મને તનયની ફિકર રહેતી. મારાં પુનર્લગ્નથી દરેકની ચિંતાનો અંત આવ્યો. હું નવ વરસના તનય સાથે સંજયને પરણી ત્યારે નવા ઘરમાં, નવા સેટઅપમાં ગોઠવાવું સહેલું નહોતું.

વળી, મારે અમદાવાદ છોડીને વડોદરા આવવાનું હતું, એટલે મારા માટે તો શહેર પણ નવું હતું. બધું જ એકસાથે બદલાયું... આંતરિક અને બાહ્ય સંઘર્ષોથયા પણ મને સમજાય છે કે જીવવા માટે થોડીઘણી આઘ્યાત્મિકતા કેળવવી પડે છે. મને મિત્રો સારા મળ્યા છે, તેમનો ભરપૂર પ્રેમ મળ્યો છે.’ જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે, માત્ર ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ક્યારેક કપરો પુરવાર થતો હોય છે. ‘કોઈ પણ સમય કાયમ નથી રહેતો,’ શ્રેયા કહે છે, ‘જીવનનો કોઈ પણ તબક્કો પસાર થઈ જ જાય છે, પછી તે સારો હોય કે ખરાબ. આજે હું ખુશ છું. મારા પતિ અને બન્ને બાળક સાથે નવા શહેરમાં ધીમેધીમે મારાં મૂળિયાં રોપી રહી છું.’ બેસ્ટ ઓફ લક, શ્રેયા. -શ્રેયા સંઘવી શાહ

પિતાજીનાં પુણ્યનો પ્રતાપ

પંચોતેર વરસીય ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલ આજે સી. બી. પટેલના નામે લંડનમાં જાણીતા છે. ‘ગુજરાત સમાચાર’ (લંડનથી પ્રકાશિત થતું વીકલી છાપું) અને ‘એશિયન વોઈસ’ના આ તંત્રી સહજ અને સહૃદય વ્યક્તિ છે. તેઓ ગૌરવભેર કહે છે, ‘મારા પર સરસ્વતી અને લક્ષ્મીમાતાની અઢળક કૃપા છે.’

છેક ૧૯૭૫માં એટલે કે લગભગ ચાળીસેક વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમના પિતાની ઈચ્છા હતી કે તેઓ કંઈક અક્ષરજ્ઞાનનું કામ કરે એટલે તેમણે પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો એવું સ્વીકારવામાં તેમને વાંધો નથી. સી. બી. પટેલ મૂળ ભાદરણ ગામના વતની. તેઓ ૧૯૬૬માં વકીલાતનું ભણવા લંડન ગયા હતા. ત્યાં ઈન્શ્યોરન્સના એજન્ટ બન્યા અને થોડા જ વખતમાં ૨૨૦૦ પાઉન્ડ કમાઈ લીધા. પછી તેમણે વકીલાતની પરીક્ષા ન આપી. જે પૈસા કમાયા તેમાંથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેમણે રિટેલ દુકાનો ખરીદી, સમય જતાં ત્રીસથી વધુ દુકાનો ખરીદી અને વેચી પણ.

૧૯૭૨ની સાલમાં તેઓ પરિવાર સાથે ભારત આવ્યા. તે વખતે તેમનો દીકરો બે-અઢી વર્ષનો હતો. તેમના પિતાજીએ પચાસ વરસની ઉંમરે તમામ સમૃદ્ધિવાળા સંસારનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો. ભારત આવ્યા ત્યારે સી. બી. પટેલને ખબર મળ્યા કે તેઓ કરનાલીમાં છે એટલે તેમને મળવા ગયા. બાળપણમાં સી. બી. પટેલ કરનાલી પિતાજી સાથે ઘણો સમય રહ્યા હતા. પિતાજી હવે શણના કપડાં પહેરતા એટલે કાથી બાવા તરીકે ઓળખતા હતા.

સી. બી. પટેલ સપરિવાર મળવા ગયા તેનાથી કાથીબાવાને ગુસ્સો આવ્યો: હવે મારે સંસાર સાથે શી લેવાદેવા? જો કે પછી ઠંડા પડ્યા ખરા. બાપ-દીકરો નર્મદાને કિનારે ચાલતા ચાલતા વાતે વગળ્યા. સી. બી. પટેલે પોતાના વ્યવસાયની ને દુકાનોની ને કમાણીની વાતો કરી તો કાથીબાવા કહે: તેરે કો કુત્તા કાટ ગયા હૈ... પૈસાની વાતો કરવી હોય તો બીજીવાર અહીં ન આવીશ. ચિંતન કર, તેનાથી ચેતના આવશે. અક્ષરજ્ઞાનનું કંઈ કામ થાય તો કર. ‘પિતા ચારેક ચોપડી જ ભણ્યા હતા,’ સી.બી. પટેલ કહે છે, ‘પરંતુ તેમને વાંચનનો શોખ. અખંડ આનંદ, પરિચય પુસ્તિકા વગેરે તેઓ વાંચતા.’ એટલે તેમનું કહેવાનું હતું કે આવું કંઈક કર તો ખરું. લંડન પરત આવી ઘણો વિચાર કર્યો પણ શું કરવું સૂઝે નહીં.

સમય જતાં એકાદ વરસ બાદ હું લંડનના સાઉથ વેસ્ટમાં આવેલ થિયોસોફિકલ લોજમાં ત્રણ દિવસ ચિંતન અને વાંચન માટે રહેવા ગયો. ત્યાં મારા હાથમાં પુસ્તક આવ્યું -‘લાઈફ બીગન્સ એટ ફોર્ટી’. તેની મારા પર ખૂબ અસર થઈ, કારણ કે હું બે-ત્રણ વરસમાં ચાળીસનો થવાનો હતો. મને સમજાયું કે ગાડીનો પાટો બદલવો હોય તો વ્યવસ્થિત આયોજન કરવું પડે.’ તે સમયે એટલે કે ૧૯૭૫માં તેઓ વિપુલ કલ્યાણીના સંપર્કમાં આવ્યા અને તેમનો પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ થયો.

તેમણે ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિક ખરીધું અને ચલાવવા માંડ્યું. એપ્રિલ ૧૯૭૬ની આ વાત. શરૂઆતમાં ઘણી ભૂલો અને ખોટ કરી. ‘ગુજરાત સમાચાર’ને પગભર કરવા માટે દર ત્રણ મહિને એક દુકાન વેચવી પડતી. ‘મને ખૂબ પીડા થતી, કારણ કે હું પહેલા હું સારા એવા પૈસા કમાતો હતો. પ્રકાશક, તંત્રી બન્યા બાદ હું પૈસા તોડતો હતો, કમાતો ન હતો. લોકો પણ કહેતા કેટલી દુકાનો વેચશો પણ હું હિંમત ન હાર્યો. પિતાજીનાં વચનો અને ભગવાનમાં મને ખૂબ શ્રદ્ધા હતી અને આજે પણ છે. આજે મારા અંગ્રેજી અને ગુજરાતી સાપ્તાહિક પગભર થઈ ગયાં છે અને મારાં કામને હું એન્જૉય કરું છું. આજે મારી માલિકીની એક પણ દુકાન નથી.

દુકાનો હોત તો હું વધુ પૈસાદાર હોત પણ એના વગરેય હું સમૃદ્ધ છું, સફળ છું.’ આટલું કહીને સી.બી. પટેલ ઉમેરે છે, ‘મારા જીવનની નવી શરૂઆત મારા પિતાજીના પુણ્યબળે જ થઈ છે એવું હું માનું છું. મારા દાદા મણિલાલ અને પછી મારા પિતા જે અક્ષરપુરુષોત્તમમાં શ્રદ્ધા ધરાવતા હતા તેમના પુણ્યને લીધે પ્રમુખ સ્વામીના પણ આશીર્વાદ અને પ્રેમ મળે છે. સમાજમાં મને આદર મળે, માન છે તે આ નવી શરૂઆતને કારણે જ. પૈસા તો પહેલાં પણ કમાતો હતો અને આજે પણ કમાઉં છું. પણ માન, પ્રતિષ્ઠા અને લોકોનો પ્રેમ મને પત્રકારત્વને કારણે મળ્યાં છે.’ -સી. બી. પટેલ

બસ, મારી મરજીથી જીવું છું

પોતાના નાનકડા બંગલાના હીંચકે ઝૂલતાં અને પક્ષીઓના અવાજને શાંતિથી સાંભળતાં ૫૧ વર્ષીય પ્રશાંત દેસાઈને કશું જ કરવાની ઉતાવળ નથી. આ વલસાડવાસી મહાશય પોતાના નામ પ્રમાણે પ્રશાંત મને જીવન જીવે છે. તેમને કવિતા અને સંગીતમાં ખૂબ રસ છે. એટલે મન પડે ત્યારે પુસ્તકો વાંચે કે સંગીત સાંભળે. કાં તો પછી બંગલાની ચારે તરફ ફેલાયેલા બગીચામાં કામ કરે યા તો ચાલવા ઊપડી જાય. છેલ્લાં છ વરસથી તેઓ આજીવિકા માટે કશું કામ કરતા નથી.

‘મને મારી રીતે જીવવું ગમે છે,’ પ્રશાંતભાઈ કહે છે, ‘મને કોઈ પણ કામ કરવાની આળસ આવે છે! કદાચ મારી આળસવૃત્તિમાંથી જ વહેલા નિવૃત્તિ લેવાની વાત મનમાં દ્રઢ થઈ ગઈ હતી. મારે તો ચાળીસમા વરસે જ ઘરમાં બેસી જવું હતું પણ હું જ્યાં કામ કરતો હતો માઈક્રોઈન્ક કંપનીના માલિકોએ કહ્યું કે આખો દિવસ ઓફિસ ન આવ, પણ બેત્રણ કલાક પૂરતો આવ. મેં થોડો વખત આ રીતે પાર્ટ ટાઈમ જવાનું શરૂ કર્યું... પણ જમ્યા બાદ હીંચકે બેઠો હોઉં ને મનમાં ફડક રહે કે મારે ઓફિસે જવાનું છે.

આથી ૪૬મા વરસથી તો મેં ઓફિસ અને કામને સાવ જ તિલાંજલિ આપી દઈ મારી રીતે, મારા માટે જીવવાનું શરૂ કર્યું. વાંચવાનું, કુદરતની વચ્ચે - કુદરતની સાથે રહેવાનું, સંગીત સાંભળવાનું, મિત્રોને મળવાનુ... આ બધાંમાં નવરાશ જ કયા છે કે કંટાળો આવે.’ ખરેખર, ૪૬ વર્ષે સંપૂર્ણ નિવૃત્તિનો નિર્ણય લેવો અને નવી જીવનશૈલી અપનાવવી તે પણ એક વિશિષ્ટ પ્રકારની શરૂઆત છે!

પ્રશાંતભાઈએ વડોદરાથી એન્જિનયિંરગ કર્યા બાદ તેમણે બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. એલેમ્બિક, અતુલ એગ્રો ફાર્મા અને માઈક્રોઈન્ક જેવી કંપનીઓમાં તેમણે જવાબદારીવાળી જુદી જુદી પોસ્ટ પર કુલ બાવીસેક વર્ષ કામ કર્યું. છેલ્લે તેઓ માઈક્રોઈન્કના બોર્ડમાં ડિરેકટરપદે હતા. તેઓ કહે છે, ‘કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. કામ નિમિત્તે મારે અવારનવાર વિદેશ જવાનું થતું. વિદેશના કવિઓ વાંચવા ગમે એટલે વિદેશમાં પણ પુસ્તકો ખરીદું, મ્યુઝિયમ જોઉં.

મારા અર્લી રિટાયર્મેન્ટ સામે મારાં માતાપિતા કે મારી પત્ની કોઈને જ વાંધો ન હતો. હું સારું કમાતો હતો એટલે મેં પૈસાનું આયોજન સારી રીતે કર્યું હતું. વળી અમારી જરૂરિયાત વધુ ન હોવાને કારણે પણ ચિક્કાર ખર્ચ થતો નથી. આજે હું રુમી, ટાગોર, ગાલિબ અને અનેક વિદેશી કવિઓ સાથે મોજ કરું છું. સંગીત સાંભળું છું. ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઉગાડું છું.’

સ્થાયી થવા માટે વલસાડમાં પ્લોટ એટલા માટે ખરીધો કે તેમનું અને તેમના પત્ની મીનળનું બાળપણ અહીં વિત્યું હતું. અહીં મિત્રો ઘણા હતા. તેમનો દીકરો કવન આ વરસે આઠમાં ધોરણમાં આવ્યો. કવન આ વરસથી શાળામાં નહીં જાય, બલકે ઘરે રહીને પરીક્ષા આપશે. હિંમતપૂર્વક નોકરી છોડીને પોતાની રીતે જીવવાનો નિર્ધાર કરનાર વ્યક્તિ જ પોતાના સંતાન માટે આવો વિશિષ્ટ નિર્ણય લે તે સમજી શકાય એવું છે!- પ્રશાંત દેસાઈ

સંજોગોએ મને નવી શરૂઆત કરવા માટે મજબૂર કર્યો

નામ હેન્રી એટલે... શું આ માણસ વટલાયેલા બાદ ખ્રિસ્તી હશે? પણ અટક તો પાછી શાસ્ત્રી છે... તો પછી? મુંબઈવાસી પંચાવન વર્ષીય હેન્રીભાઈ હસતા હસતા કહે છે, ‘મારા પિતા ઈતિહાસપ્રેમી હતા. ઈંગ્લેન્ડમાં હેન્રી - એઈટ સુધી રાજાઓ થઈ ગયા છે એવું ઈતિહાસે નોંઘ્યું છે. હું ઘરમાં નવમી વ્યક્તિ તરીકે જન્મ્યો હતો એટલે મારા પિતાએ હેન્રી - નાઈન્થ એવો મેળ બેસાડીને મારું નામ હેન્રી પાડ્યું.’ હેન્રી શાસ્ત્રીના નામના પ્રોફાઈલ જેટલી જ ઈન્ટરેસ્ટિંગ તેમની કારકિર્દીની પ્રોફાઈલ છે.

હાલ તેઓ ‘ઈન્વેસ્ટસ્માર્ટ કન્સલટન્ટ્સ’ના નામે શેર બ્રોકરનું કામ કરે છે. ૪૫ વરસની વયે તેમણે શેરબ્રોકર તરીકે કામની શરૂઆત કરવી પડશે તેની કલ્પના તેઓ આજેય કરી શકતા નથી! અગાઉ વીસ વરસ સુધી તેમણે પત્રકારત્વ કર્યું. ‘ગુજરાત સમાચાર’, ‘ચંદેરી’, ‘ષટકાર’ બાદ ગુજરાતી ‘મિડ-ડે’ ટેબ્લોઈડ લોન્ચ થતાં એમાં તેઓ ફિચર્સ એડિટર તરીકે જોડાયા.

દરમિયાન ૨૦૦૪ના એપ્રિલમાં તેઓ સપરિવાર માથેરાન ફરવા ગયા. ત્યાં ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યારે અચાનક ઘોડો ભડક્યો. તેઓ પટકાયા અને ખીણ તરફ ફેંકાઈ ગયા. નસીબ એટલું સારું કે વીસેક ફૂટ સુધી ઘસડાઈને તેઓ ઝાડને આધારે લટકી પડ્યા. શરીરને ઈજા ગંભીર થઈ હતી. પગમાં ફ્રેકચર થયું હતું. મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડયું. આ એકિસડન્ટ બાદ હેન્રી શાસ્ત્રીએ પત્રકારત્વ છોડવું પડયું. એટલે આજીવિકા માટે તેમણે શેરબજારનું કામ શરૂ કર્યું, કારણ કે તે ઘરે બેસીને કરી શકાતું હતું.

હેન્રીભાઈ કહે છે, ‘ઘરે બેસીને શું કામ થઈ શકે તેની કશી જ ખબર નહોતી. ભવિષ્ય દેખાતું નહોતું. મારા સાળાએ શેરબજારની લાઈન સૂચવી. સાચું કહું તો તે સમયે શેરબજારનું મેં માત્ર નામ જ સાંભળેલું. એ સિવાય મને કશી જ ગતાગમ નહોતી. અધૂરામાં પૂરું ૨૦૦૮માં શેરમાર્કેટ તૂટ્યું એટલે તેમાંય સેટબેક આવ્યો. મેં શેરબ્રોકરેજ ઉપરાંત લોકોને અંગ્રેજી સ્પિકિંગ અને કોમ્યુનિકેશનના પ્રાઈવેટ ટ્યુશન પણ આપ્યાં.’

જીવનનું બીજું નામ સંઘર્ષ છે, ખરેખર. હેન્રીભાઈ કહે છે, ‘તકલીફોનો સામનો કરવાની આદત પડી ગઈ છે. બાકી આ રીતે ભગવાન કોઈને પણ નવી શરૂઆત ન કરાવે. ખરું કહું છું, અકસ્માત ન થયો હોત તો મને નથી લાગતું કે હું ક્યારેય શેરબજારનું કામ કરતો હોત. જીવનમાં બદલાવ આવે છે અને તેને સ્વીકારવો પડે છે. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ ઓર શામ...’ વેલ, નવી શરૂઆતનો આ પણ એક રંગ છે.- હેન્રી શાસ્ત્રી

No comments:

Post a Comment