આપણા ભારત દેશના પર્વો અને તહેવારો લગભગ બધા જ કાં તો ધર્મ અને ધાર્મિક આસ્થા સાથે અથવા જીવનમાં ક્યારેક હળવાફૂલ થઈને નચિંતપણે કલાકો ને દિવસો માણી લેવાની ઇચ્છા સાથે સંકળાયેલા હોય છે. હા, વિવિધ વ્રતો મનના સુચારુ ઘડતરનો હેતુ યથાયોગ્ય પાર પાડતા હોય છે. તો રક્ષાબંધન, ભાઈબીજ જેવા તહેવારો લોહીની સગાઈ તથા કુટુંબભાવના તથા કર્તવ્યની યાદ અપાવી તેને દૃઢ બનાવવાનું કામ કરતાં હોય છે.
એક વાત ચોક્કસ છે કે, પર્વો, તહેવારો અને તેની ઉજવણીમાં જે-તે સ્થળકાળના લોકજીવનનો ધબકાર રણકતો જોવા મળે છે અને લોકજીવન એ જે તે સ્થળ-કાળની સંસ્કૃતિમાંથી જ ઉપસી આવેલું રંગોભર્યું ચિત્ર હોય છે. તેમાં જનસામાન્યના એકંદર માનસની જ માત્ર નહીં, તેમના હર્ષ, ઉલ્લાસ, આકાંક્ષાઓ, આદર્શો, જીવનદૃષ્ટિ વગેરે વિવિધ રંગો મનોહર રંગોળીરૂપે જોવા મળે છે.
પરંતુ પશ્ચિમી દેશોની સંસ્કૃતિ, કુટુંબ વ્યવસ્થા અને માનવીય સંબંધો વિશેની સમજણ આપણા કરતાં ભિન્ન રહી છે. તેથી ત્યાંના પર્વો અને તેની ઉજવણીની રીત પણ ભિન્ન રહી છે અને તે સ્વાભાવિક પણ છે. ઘણી વાર પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, વેલેન્ટાઈન ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશિપ ડે જેવા વિદેશી તહેવારોની ઉજવણી અહીં આપણે ત્યાં કરવી તે કેટલે અંશે પ્રસ્તુત ગણાય ? આવો પ્રશ્ન ઉદ્ભવવો પણ અસ્થાને કે અસ્વાભાવિક નથી. આ બધા ‘ડેઝ’ આપણી સંસ્કૃતિ સાથે મેળ ધરાવતા નથી. એવું કોઈ કહેવા ધારે તો કહી શકે, પરંતુ અહીં યાદ અપાવવા જેવું લાગે છે કે, આપણી પ્રાચીન સંસ્કૃતિના સર્જકો, આપણા પ્રાચીન ઋષિઓ એવું કહી નથી ગયા કે : ‘સુંદર વિચારો અમને સર્વ દિશાએથી પ્રાપ્ત થાવ.’ આનો સીધો અને સરળ અર્થ એ છે કે, ‘સુંદર વિચાર’ કે ‘સુંદર ભાવના’ પૃથ્વીની કોઈ પણ દિશાએથી આવતી હોય, આપણે તેને આવકારીએ છીએ. સારાને સ્વીકારવું અને આત્મસાત્ કરવું તે આપણી સંસ્કૃતિ છે જ.
મિત્રતા કે મૈત્રીભાવના પણ સારી જ નહીં, ઉચ્ચ અને ઉદાત્ત ભાવના છે. આપણી સંસ્કૃતિ તેનો ભરપૂર આદર કરતી આવી છે. ફક્ત તે માટે કોઈ દિવસ કે તહેવાર જુદો નથી રાખ્યો એટલું જ. તો પછી જીવનની એક અમૂલ્ય મૂડી તરીકે મિત્રતાનું યશોગાન કરતા આ તહેવારને આવકારવો જ જોઈએ.
No comments:
Post a Comment