Saturday, 6 August 2011

કૃમિરોગઃ ગળ્યું ખાધું તો ગયા સમજો

કૃમિરોગ બાળકો, સ્ત્રી-પુરુષો અને વૃદ્ધોમાંથી કોઈને પણ થઈ શકે છે. માખી બેસેલી હોય તેવાં ભોજન, અથાણાં, તેલ, શાકભાજી, ગળી વસ્તુઓ તથા જલદી ન પચે તેવી વસ્તુઓ ખાવાથી પેટમાં કૃમિ (કરમિયા) પડી જાય છે. વધારે પડતો ગળ્યો ખોરાક ખાનારા મોટેરાઓ તથા બાળકોને આ રોગ વધારે સતાવે છે. આ કરમિયામાં સફેદ રંગનાં બચ્ચાં પણ હોય છે. આ દોરી જેવાં કીડા ૧/૨ થી ૬ સેમી જેટલાં લાંબાં હોય છે. મળત્યાગ કરતી વખતે આ કીડાના નાના-નાના ટુકડા નીકળે છે. હોજરી અને આંતરડાંના કેટલાય વિકારોમાં કૃમિઓનો ફાળો વિશેષ છે. આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ઘરગથ્થુ ઉપચારની સાથે યોગાસન પણ નિયમિત કરવા જોઈએ.
કૃમિ રોગનાં લક્ષણો
* પેટમાં કીડા થયા હોય તો મળદ્વાર અને નાકમાં ખંજવાળ આવે છે. ઊલટી થવા જેવું થાય છે. પેટમાં હળવો દુખાવો રહે છે. ભૂખ ઓછી લાગે છે. લોહીની ઊણપને કારણે નબળાઈ અનુભવાય છે. કબજિયાત, પાતળા સફેદ ઝાડા, ઊંઘમાં પેશાબ થઈ જવો, સ્વભાવ ચીડિયો થઈ જવો વગેરે જેવાં લક્ષણ જોવા મળે છે. આ રોગ વધી જાય છે ત્યારે કોઈ એક અંગ ધ્રૂજવા માંડે છે અથવા વાઇનો હુમલો થાય છે.
* બાળક દાંત કિટ-કિટ કરે છે. નાક ખોતરે છે અને બેચેની અનુભવે છે. કૃમિને કારણે પેટ ફૂલે છે. હોજરીમાં ખૂંચે છે. પિત્ત થાય, શ્વાસ લેવામાં મુશ્કેલી, પેટનો દુખાવો, ઝાડા વગેરે લક્ષણ દેખાય છે.
બાળકો માટે સરળ ઉપાય
* ૨૦-૨૫ ગ્રામ મૂળાનો રસ ૧૫-૨૦ દિવસ સુધી સતત આપવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
* દ્રાક્ષના રસમાં મીઠું નાંખીને પીવાથી લાભ થાય છે.
* કાચા પપૈયાનો એક ચમચી રસ પીવાથી પેટના કીડા મરી જાય છે.
* લીમડાના પાંદડાના રસમાં મધ મેળવી ચાટવાથી પણ કીડા મરી જાય છે.
* એરંડીનું તેલ અથવા તેનાં પાંદડાંના રસને બાળકની ગુદામાં ચાર-પાંચ વાર લગાવો.
મોટેરાંઓ માટે ઘરગથ્થુ ઉપચાર
* રાત્રે એક ચમચી ઇસબગુલની ભૂસી પાણી સાથે લો.
* બેલગિરી ઇન્દ્રજવ, હરડે, વરિયાળી, જીરું, ધાણા અને સિંધવમીઠું સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવો રાત્રે એક ચમચી ચૂર્ણ પાણી કે મધ સાથે લો.
* ૪- ૪ રતી કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં કે પાણી સાથે સવાર-સાંજ લેવું.
* લસણની નાની કળી તથા ૫ચ ગ્રામ ગોળ બંનેને વાટી દિવસમાં બે વાર લેવું.
* ડુંગળીના રસમાં થોડું સિંધવ મીઠું નાખી અડધી ચમચી જેટલું દરરોજ ચાર વાર પીઓ.
* પેટ પર ગરમ ઠંડો શેક ચાર કરવો. દિવસમાં એક બે વાર પેટ પર ઠંડી પટ્ટી ઉપર ગરમ કપડું લપેટી, જો રોગી વધારે નબળાઈ અનુભવતો હોય ૧૫- ૨૦ મિનિટ પગનું ગરમ સ્નાન તેને લેવડાવો. તે પછી તાજા પાણીથી સ્નાન કરાવો અથવા માથાને તાજા પાણીથી ધોઈ આખા શરીરે સ્પંજ કરો. તે પછી અડધો કલાક આરામ કરાવો.
યૌગિક ઉપચાર
* કબજિયાત રહેતી હોય અને પેટમાં કરમિયા હોય તો કબજિયાતને કારણે થનારા કૃમિનો નાશ કરવા માટે યોગથી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નથી. બાળકો નિયમિત કે યોગ્ય રીતે યોગ કરી શક્તા નથી, પરંતુ મોટેરાંઓ તેનો પૂરેપૂરો લાભ લઈ શકે છે.
* યોગાસનોમાં સૂર્ય નમસ્કાર કરો. આ એક સંપૂર્ણ વ્યાયામ છે. નૌકાસન, કમર ચક્રાસન, જાનુ શિરાસન, યોગમુદ્રા, અર્ર્ધ મત્સ્યેન્દ્રાસન તથા પવનમુક્તાસનનો અભ્યાસ કરવાથી પણ રોગમાં રાહત મળે છે. ભૂજંગાસન, ધનુરાસન, મકરાસન, હલાસન તથા સર્વાગાસન પણ શરૂ કરવા, તેનાથી કબજિયાત મટે છે.
* પહેલાં થોડાં દિવસ મીઠું નાંખી કુંજલ કરો પછી અઠવાડિયામાં બે-ત્રણવાર કુંજલ કરો.
* શંખપ્રક્ષાલન કરવાથી આંતરડાની સ્વચ્છતા થઈ જાય છે. બે દિવસ ઘીવાળી ખીચડી ખાવાથી તથા આસન કર્યાં બાદ બીજા ઉપાય શરૂ કરવા, એનિમાની  સાથે સાથે યોગ ક્રિયા પણ કરો.
* પ્રાણાયામનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. જીવનશક્તિ માટે નિયમિત રીતે અગ્નિસાર ક્રિયા, નાડીશોધન, પ્રાણાયામને બ્રહ્મકુંભક સાથે ઉડ્ડીયાન બંધ લગાવી કરો. ભસ્ત્રિકા પ્રાણાયામ ડાબેથી જમણે અને પછી બંને નાકથી કરો. પછી પેટના કૃમિનો નાશ કરનાર સૂર્યભેદી પ્રાણાયામનો અભ્યાસ કરો.
* ઉપચાર પછી અથવા રાત્રે ૧૫-૨૦ મિનિટ શિથિલીકરણ તથા યોગ-નિંદ્રા પણ કરી શકો છો.

1 comment: