બધાં કંઈ પોતાની સંઘરેલી ચીજવસ્તુઓ બીજાને બતાવી બતાવીને હરખથી છાતી ફૂલાવવાના શોખીન નથી હોતાં!
સંગ્રહ કરવાના શોખને આપણે સારો ગણીએ છીએ. સિક્કાનો, પુસ્તકોનો, ફોટોગ્રાફ્સનો, ચિત્રોનો સંગ્રહ કરનાર લોકો આપણી આસપાસ વસે છે. આપણે તેઓમાંના જ એક છીએ. સારા સંગ્રહોને મહોત્સવમાં ઈનામ પણ અપાય છે.
ઇષિતા ઓટોગ્રાફ બુક ખરીદી લાવી છે. તેના રંગીન, સુંવાળાં પાનાંઓ પર તે સહુના હસ્તાક્ષરો એકત્રિત કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં એકવીસ વર્ષની ઇષિતાએ એકવીસ જેટલી ઓટોગ્રાફ્સ બુક્સ છલકાવી દીધી છે. “ઇષિતા, તે આ મહાનુભાવો પાસે લખાવ્યા પછી કેટલીક વાર વાંચ્યું?” “એક્કેય વાર નહીં.’’ પણ તોય ઈષિતાને મન એનું મોટું મૂલ્ય છે. તેણે માંગીને મેળવેલી એ બધી મહામૂલી ભેટસોગાદો છે!
સંગ્રહકારો વળી જાતજાતનું સંઘરતા હોય છે. કેલેન્ડર્સ અને ડાયરી સંઘરનારાઓ હોય છે. પોતાની ઉપર આવતા પત્રોનો સંગ્રહ કરનારાઓ હોય છે. નાનાં બાળકો ચોક-લખોટી પેનના ટુકડા-સિગારેટના ખોખા કે બિલ્લા સંઘરે છે. જ્યારે મોટાઓ લક્ષ્મીજીની મુદ્રાઓ, ચંપલો કે નેકટાઇનો સંગ્રહ કરે છે. દુનિયામાં એકેય ચીજ એવી નહીં હોય જેનો સંગ્રહ ન થઈ શકે. ભલભલા લોકોએ ભલભલી વસ્તુઓ સંઘરી બતાવી છે. મોટાં મોટાં સંગ્રહસ્થાનોથી જગત ઉભરાઈ રહ્યું છે. ટાઇમ કેપ્સ્યુલો દટાય છે. ઓફિસોમાં ધૂળ ખાતી ફાઈલો સંઘરાઈને પડેલી હોય છે અને લાઇબ્રેરીમાં પુસ્તકો, પ્રાણીઓ-પશુઓ તથા જીવજંતુઓ ય સંઘરવાલાયક ગણાયાં છે. બાવીસ બિલાડીઓ કે ચાલીસ કૂતરાંઓ પાળનારાઓની જગતને કોઈ નવાઈ નથી. આપણે કોઈને છોડયા નથી. જનાનખાનામાં માણસે સ્ત્રી સંઘરી છે અને કેદખાનામાં ગુલામોને ય સંઘર્યા છે.
પ્રો. પ્રકાશ કોઠારી કામ વિષયક શિલ્પ કલાકૃતિઓનો સંગ્રહ કરે છે. સ્વ. સુરેશ હ. જોષી તમામ ભાષાઓનાં પુસ્તકો સંઘરી રાખે એ સમજી શકાય છે. જ્યારે કશાય અભ્યાસ કે હેતુ વગર હજારો લોકોના અંગૂઠાની છાપ સંગ્રહનારાને સમજવું જરા મુશ્કેલ થઈ પડે છે.
સંગ્રહકારો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. બધા જ કંઈ ગિનેશબુકમાં નામ નોંધાવવા માટે અજાયબ પ્રકારના સંગ્રહોની કડાકૂટમાં પડનારા નથી હોતાં. તેમ જ બધાં કંઈ પોતાની સંઘરેલી વસ્તુને લોકોને બતાવી બતાવીને હરખથી છાતી ફૂલાવવાના શોખીન પણ નથી હોતાં. હા, કેટલાક અવશ્ય એવા હશે જેઓની સંગ્રહવૃત્તિ કેવળ અન્યો સમક્ષ છાપ પાડવાના પ્રયત્નરૂપ હશે. પરંતુ એ સિવાય પણ ઘણાં કારણોસર માણસો સંગ્રહકાર બનતા હોય છે.
‘ચીજવસ્તુઓ પર આપણું આધિપત્ય હોય’ એવી મનની જરૂરિયાત હોય છે. આપણે કોઈ અદમ્ય ખેંચાણપૂર્વક વસ્તુઓને ધારણ કરીએ છીએ. વસ્તુઓ તેમની મટીને આપણી બની જાય છે. ‘બધું મારું હોય’ એવી આત્મલક્ષી વૃત્તિ પણ ક્યારેક સંગ્રહ કરાવડાવે છે. પણ તો ય પ્રશ્ન એ તો રહે જ કે પુરાણા ફલાવરવાઝ સંઘરનારા પુરાણા ફલાવરવાઝ જ કેમ સંઘરે છે? અને બીજું કશું કેમ નહીં?
સંગ્રહની વૃત્તિ ક્યારેક માનસિક રોગ બનીને પણ આવે છે. ગોપાલને વર્ષોથી માનસિક બીમારી હતી. તે કઈ કામધંધો કરતો નહોતો. છેલ્લા બે-એક વર્ષથી તેને એક વિચિત્ર પ્રકારની ટેવ પડી હતી. રસ્તે જતાં-આવતાં તે જાતજાતની નકામી વસ્તુઓ ઉપાડી લાવતો અને કબાટમાં જમા કર્યા કરતો. ઘણીવાર તેના શર્ટપેન્ટના ખિસ્સામાંથી ડૂચા કે સૂતળીના ટુકડાઓ નીકળતા તેની બધાને જાણ હતી. પણ એક દિવસ આકસ્મિક રીતે જ ઘરના કોઈએ જ્યારે ગોપાલનો કબાટ ઉઘાડયો તો સહુ છક થઈ ગયા. આખો લોખંડનો કબાટ સેંકડો નકામી ચીજવસ્તુઓથી ઠાંસી ઠાંસીને ભર્યો હતો. ખીલીઓ, ટાંકણીઓ, કાચના ટુકડા, નાળિયેરના છોડા, બાજ-દડિયા-પતરાળીના ડૂચા, ગાભા-મસોતાં, કોલસાની કરચો, પ્લાસ્ટિકનો કચરો વગેરેનો પાર નહોતો. એટલું જ નહીં વાળના ગુચ્છાઓ, કાંકરા, લાકડાં-લોખંડનો ભંગાર, ચાકીઓ કરસાટા-ઝાડુની સળીઓ, બળલી દિવાસળીઓ તથા અધૂરી બળેલી સિગારેટના ઠૂંઠાના ય ઢગલા હતા. ટૂંકમાં ઘરમાં ન જ રાખી શકાય એવો તમામ સામાન ગોપાલના કબાટમાંથી નીકળ્યો. વર્ષોથી સ્કિઝોફેનિક બીમારી બાદ આવેલી ક્રોનિક અનડિપ્રન્શિયેટેડ અવસ્થાને કારણે આમ બન્યું હતું.
કેટલાક સંગ્રહ કરનારાઓને વળી સંગ્રહ કરવાના રીતસરના આવેગો, ઇમ્પલ્સ આવે છે! તેઓએ નાછૂટકે પણ સંગ્રહ કરવો જ પડે છે. મનમાંથી એવું પ્રબળ ખેંચાણ થાય છે કે તેઓ અંતે વસ્તુ સંઘરી લે ત્યારે જ સ્વસ્થ થઈ શકે છે. આ અવસ્થાને કમ્પલ્ઝિવ હાર્ડિગ કહેવાય છે. આવી અન્ય ઘણી ઇમ્પલ્સિવ, કમ્પલ્સિવ અવસ્થાઓ હોય છે. ‘કમ્પલ્ઝિવ સ્ટીલિંગ’માં માણસે અકારણ પણ અન્યની વસ્તુઓને ઉઠાવી જવી પડતી હોય છે. તો ‘કમ્પલ્ઝિવ ડ્રિન્કિંગ’ તેમજ ‘કમ્પલ્ઝિવ ગેમ્બલિંગ’ પણ જાણીતા છે.
અલબત્ત સામાન્ય નિરોગી સંગ્રહવૃત્તિ અને પેથોલોજિકલ (રોગિષ્ટ) સંઘરાખોરી વચ્ચે ઘણો ફરક છે. આથી પોતાના શોખ માટે મૂકેશના જૂનાં ગીતોની રેકર્ડ્ઝનો ગાંડાની જેમ સંગ્રહ કરનાર માણસ કદાચ એક ઉત્કૃષ્ટ સંગ્રહકારની કક્ષામાં અચૂક ગણાઈ શકે.
No comments:
Post a Comment