Saturday, 6 August 2011

સૂકા અને લીલા ખરજવાનો ઉપચાર




આપણે ત્યાં લોકવ્યવહારમાં જે વિકૃતિને ખરજવુંકહેવામાં આવે છે તેને વૈદ્યકીય- આયુર્વેદિક પરિભાષામાં વિર્ચિચકાકહેવામાં આવે છે.
આ રોગ વિશ્વવ્યાપી છે. પરંતુ ચીન, આફ્રિકા અને ભારતમાં તેનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ પહેલાં લખાયેલા સુશ્રુત સંહિતા તથા મનુસ્મૃતિ આદિ આર્ષ ગ્રંથોમાં કુષ્ઠ રોગનો ઉલ્લેખ વાંચવા મળે છે. એટલે કે આ રોગ માનવજાતિ જેટલો પ્રાચીન હશે એમ કહી શકાય. આયુર્વેદીય ચિકિત્સા વિજ્ઞાનના મર્હિષઓએ આ મહારોગ કુષ્ઠઅને તેના ૧૮ પ્રકારો, લક્ષણો અને ઉપચાર વિશે જેટલું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિશ્લેષણ અને સંશોધન કર્યું છે, એટલે જ આજે પણ કુષ્ઠના કોઈ પણ પ્રકારને મટાડવામાં વૈદ્યોના હાથ ઊંચા રહે છે.
કારણોઃ કુષ્ઠના કોઈ પણ પ્રકારમાં મિથ્યા આહાર-વિહાર, વિશુદ્ધ અને વિરુદ્ધ આહાર, અપૌષ્ટિક આહાર, શારીરિક અશુદ્ધતા તથા અસાત્મ્ય દ્રવ્યોનો સંપર્ક કારણભૂત મનાય છે. જે દેશોમાં નિર્ધનતાને લીધે માનવજીવનનું સ્તર અત્યંત નિમ્ન સ્તરનું, સ્વાસ્થ્યરક્ષાની શિક્ષાનો અભાવ, આહારમાં પોષણની દૃષ્ટિએ જરૂરી એવાં દુગ્ધ ઋતુફળો, કઠોળ, શાક અને સાત્ત્વિક તથા પૌષ્ટિક પદાર્થોનો અભાવ હોય છે. તેવા દેશોમાં કુષ્ઠ રોગ વધુ જોવા મળે છે.
ખરજવાંના બે પ્રકાર
આપણે ત્યાં સૂકું અને લીલું એમ બે પ્રકારનાં ખરજવાં જોવામાં આવે છે. સૂકું ખરજવું વાયુદોષના પ્રાધાન્યવાળું હોવાથી તેમાં રૂક્ષતા અને શુષ્કતા હોય છે. લીલું ખરજવું કફદોષની પ્રાધાન્યવાળું હોવાથી તેમાં બળતરા અને ખંજવાળનું પ્રમાણ વધારે હોય છે. ભીના ખરજવામાં જો કફ દોષની ઉગ્રતા હોય તો તાવ પણ આવે છે.
ઉપચારઃ ખરજવામાં આહારની પરેજીનું ખૂબ જ મહત્ત્વ છે. વાયુથી થતાં સૂકા ખરજવામાં વાત પ્રકોપક આહાર દ્રવ્યો બંધ કરવાં પડે છે. જ્યારે કફ પ્રકોપક ખરજવામાં કફકારક આહારદ્રવ્યો બંધ કરાવવાં પડે છે. ખરજવામાં બાહ્ય ઉપચારનું વિશેષ મહત્ત્વ હોવાથી ત્વચાની પૂરી સ્વચ્છતા જાળવવી જોઈએ. સૂકા કે ભીના ખરજવાંને ત્રિફળા ક્વાથથી સારી રીતે સાફ કરી અહીં જણાવેલી રીત પ્રમાણે ઘરે બનાવેલો મલમ લગાડી પાટો બાંધી દેવો. પાટો સવારે અને રાત્રે બે વખત બાંધવો. ૨૦ ગ્રામ લીંબોળીનું તેલ + ૨૦ ગ્રામ વાટેલું ફોતરારહિત લસણ + ૧૦ ગ્રામ મોરથુથુ + ૧૦ ગ્રામ ધતુરાનાં બીજ + ૧૦ ગ્રામ હળદર + ૨૦ ગ્રામ ફટકડી + ૨૦ ગ્રામ હરતાલ + ૨૦ ગ્રામ ચણોઠી. તેલ સિવાયની દરેક ઔષધી ખૂબ લસોટી-વાટી તેને તેલમાં નાંખી ઉકાળીને મલમ બનાવી લેવો. સૂકા અને ભીના ખરજવા માટે આ ઉત્તમ મલમ છે. આ મલમ લગાવી પાટો બાંધી દેવો. આ સાથે સહાયક ઔષધોમાં (૧) મહામંજિષ્ઠાદિ ક્વાથ ચાર ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. (૨) ગંધક રસાયણ ટેબ્લેટ એક એક ગોળી દિવસમાં ત્રણ વખત લેવી. આ ઉપચાર દોઢથી બે મહિના સુધી કરવાથી, વર્ષો જૂનું ખરજવું સાવ મટી ગયાનાં અમારી પાસે ઘણાં ઉદાહરણો છે.
ઘરગથ્થુ ઉપચાર
ગળો, પિત્તપાપડો, કરિયાતું અને લીમડાની અંતરછાલ. આ ચારેય ઔષધો પચાસ ગ્રામ લાવી, ખૂબ ખાંડી બાટલી ભરી લેવી. રોજ આમાંથી અડધી ચમચી ચૂર્ણ બે કપ પાણીમાં નાંખી ઉકાળવું. ઉકળતા અડધો કપ પાણી દ્રવ બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. વર્ષાઋતુમાં પંદરેક દિવસ આ ઉકાળો પીવાથી વર્ષાઋતુમાં થતા પિત્તજ્વર, વિષમ ક્ફજ્વર અને મેલેરિયા જેવા ઘણાં તાવથી બચી શકાય છે તથા તાવમાં આ ઉકાળો પીવાથી તાવ મેટે છે.

No comments:

Post a Comment