Friday, 12 August 2011

ભારતના સુશિક્ષિત પરિવારમાં આજે પણ દીકરાની આશા!


 
 
જમાનો બદલાયો છે આ વાત કેટલા અંશે સાચી તેનો જવાબ આપવો ખરેખર મુશ્કેલ છે. આજે પણ ટીવીમાં આવતી લોકપ્રિય સિરિયલોની વાતના મુદ્દા તો જૂના જમાનાને સ્પર્શે તેવા જ હોય છે. છતાં પણ લોકોને તે જ સૌથી વધારે ગમે છે. બાળવિવાહ, માથે ઓઢેલું રાખીને ફરતી સ્ત્રીઓ, વહુને પરેશાન કરતી સાસુઓ, કાવાદાવામાં રાચતા ઘરના સભ્યો આ બધું શું બદલાતા સમાજની નિશાની છે? શા માટે આવા પ્રોગ્રામો બનાવવામાં આવે છે?

કારણ આવા પ્રોગ્રામને જ વધારે વ્યુઅરશિપ મળે છે એટલે કે વધારે લોકો જુએ છે. જમાનો બહારથી બદલાયેલો દેખાય છે, પરંતુ હજુ માણસના મન બદલાયેલા દેખાતા નથી.

આવી જ એક વાત સ્ત્રી ભ્રૂણહત્યાની છે. હમણાં જ ઉત્તર પ્રદેશના એક ભણેલાગણેલા માણસને મળવાનો પ્રસંગ બન્યો. તેઓ દિલ્હીમાં રહે છે. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે સમાજમાં હજી પણ સ્ત્રીઓની દશા ખૂબ દયાજનક છે. તેમણે જણાવ્યું કે જે મા-બાપને બે દીકરીઓ હોય તેમના માટે ત્રીજી સુવાવડ વખતે ગર્ભ પરીક્ષણ કરાવવું એ ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે જો ત્રીજી દીકરી અવતરે તો જિંદગીમાં ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થઇ જાય.

સામાન્ય રીતે તો તેઓ બીજી પ્રેગ્નન્સી વખતે જ ડોક્ટરને શોધતાં થઇ જાય છે કે જે સોનોગ્રાફી કરીને બતાવે કે આવનાર બાળક દીકરો છે કે દીકરી? નવા કાયદા પ્રમાણે આ પ્રકારનું પરીક્ષણ કાનૂની ગુનો બને છે. આથી તેમણે એવા ડોક્ટરો શોધવા પડે છે કે જે ગરજ માટે વધુ પૈસા લઇને આ તપાસ કરી આપે. જેનાથી તેઓ આવનાર બાળકને અવતરવા દેવું કે નહીં તે અંગેનો નિર્ણય લઇ શકે.

દિલ્હીના એ મિત્રનું કહેવું હતું કે તેમને આવા કામ કરાવવા ઘણી વાર દિલ્હીથી દૂર ગાઝિયાબાદ કે સાહિબાબાદ જેવા ટાઉનમાં જઇને આવા ડોક્ટરની શોધ કરવી પડે છે.

આ વાત વિચારતાં કરી દે એવી છે. એકાદ ડોક્ટર કોઇ જાળમાં ફસાઇને સોનોગ્રાફી કરતા પકડાય તેનાથી આ પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. અહીં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ આપવા જેવી વાત છે. જરૂર છે આ અંગે સમાજમાં જાગૃતિ લાવવાની. સ્ત્રીઓ જ આમાં સૌથી આગળ પડતો ભાગ લઇ શકે તેમ છે. જો સ્ત્રીઓ જ ઘરમાં આવનારી બીજી સ્ત્રીનું માન જાળવશે તો પ્રશ્ન ઊભો નહીં થાય.

સામાન્ય રીતે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન તરીકે જોવા મળે છે. ઘરમાં સાસુનો આગ્રહ હોય છે કે વહુને આવનાર બાળક દીકરો હોય અને તે ન અવતરે ત્યાં સુધી આવો આગ્રહ ચાલુ રાખવામાં આવે. તે પછી તે જ વહુ સાસુ બનતાં તેનામાં પણ આ જ વલણ જોવા મળે છે. કદાચ સાસુ શબ્દમાં જ આવી ખૂબીઓ હશે. આ પદ મળતાં જ બધી શાણી, ભોળી સ્ત્રીઓ પણ લલિતા પવાર બની જતી હોય છે.

એ મિત્રનું કહેવું છે કે ત્યાં સમાજમાં દીકરીને વધારે ભણાવવાનું પણ યોગ્ય ગણતા નથી કારણ કે પછી તેને લાયક પાત્ર ન મળે તો ઘણી મુશ્કેલી ઊભી થઇ શકે છે. આથી આવડત હોવા છતાં પણ દીકરીને ઓછા ભણતર સાથે જ રાખવામાં આવે છે જેનાથી તેને કદાચ ઘણું સહન કરવાનું પણ આવી શકે છે.

ગુજરાતના શહેરોમાં કદાચ થોડો ફેરફાર જોવા મળતો હશે, પણ ગામડામાં હજુ પણ આ ફેરફાર પહોંચતાં હજી વખત લાગશે.નવા આંકડાઓ પ્રમાણે, લોકોની જાગૃતિ અને સરકારના પ્રયત્નો અને નિયમોના કારણે સ્ત્રી ભ્રૂણહત્યાનું પ્રમાણ ચોક્કસ ઘટયું છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રીનું પ્રમાણ વધ્યું છે પરંતુ આ ફેરફાર બહુ મોટો નથી.

જેને આપણે બદલાયેલો સમાજ કહીએ છીએ, જો તેનામાં પણ આ ફેરફારો ગોકળગાયની ઝડપે જ થતાં હોય તો દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાયને આપણે સલામ જ કરવી પડે. જેમણે ગુલામીની પ્રથા, સતીપ્રથા કે વિધવા વિવાહ જેવા સમાજમાં વર્ષોથી ખૂંપી ગયેલી બદીઓ સામે એકલા હાથે કામ કર્યું હશે.

No comments:

Post a Comment