આરોગ્ય ચિંતન - વૈદ્ય મનુભાઈ ગૌદાનીઆશરે આઠેક મહિનાથી થોડું ચાલવાથી કે એકાદ સીડી ચડવાથી મને શ્વાસ એટલે કે હાંફ ચડે છે. એ વખતે ઉધરસ પણ વધી જાય છે. થોડી વાર આરામ કરવાથી હાંફ અને ઉધરસ શાંત થઈ જાય છે. સાધારણ કામ કરવાથી પણ અત્યંત થાકી જવાય છે. તાવ આવતો નથી. શ્વાસ ચડવાથી અને તે સાથે ઉધરસ આવવાની આ તકલીફ છેલ્લાં બે અઢી વર્ષથી હેરાન કરે છે. સ્થાનિક ડોક્ટરની દવાઓ લીધી. તેઓ કમજોરી અને લોહી ઓછું હોવાનું કહે છે. તેમની રક્તવર્ધક દવાઓ અને ઈન્જેક્શનોથી કંઈ જ ફાયદો જણાતો નથી. મને તો આ રોગ પ્રતિદિન ક્રમશઃ વધતો જતો હોય એમ લાગે છે. છેલ્લા દસ-બાર દિવસથી પગમાં સાધારણ સોજા આવ્યા છે. આપ મને જણાવો કે આ સોજા આવવાનું લક્ષણ ભયજનક તો નથી ને? મારી ઉંમર ૫૨ વર્ષ છે. દર્દીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
અમે જણાવ્યું કે તમને કફજન્ય હૃદયરોગની તકલીફ છે. જેને આધુનિકોના ‘કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોર’ સાથે સરખાવી શકાય. આ રોગમાં દર્દીનું હૃદય દુર્બળ થઈ જાય છે. જેના લીધે તે પોતાની મૂળ અવસ્થામાં સંકોચાઈ શકતું નથી અને હૃદયની અંદર આવતું રક્ત હૃદયના યોગ્ય સંકોચનના અભાવે યોગ્ય રીતે બહાર ધકેલાતું નથી. આ રોગ જ આગળ વધી જતા હાર્ટ એન્લાર્જમાં પરિર્વિતત થાય છે. એટલે તમારા આ રોગમાં તમારું હૃદય હોવું જોઈએ તે કરતાં સહેજ મોટું થઈ ગયું લાગે છે. આ કારણથી રક્તવહન યોગ્ય રીતે થઈ શકતું નથી અને થોડું કામ કરવાથી હાંફ ચડે છે. હૃદયની આ દુર્બળતાને લીધે શરીરના વિભિન્ન ભાગોમાં રક્ત હૃદય તરફ યોગ્ય રીતે વહી શકતું નથી. જેના પરિણામે પગ પર સોજો આવે છે.
આયુર્વેદીય ઉપચારમાં સૌથી પ્રથમ તમે ‘નિદાન પરિવર્જન’ તરફ ખાસ લક્ષ આપો. નિદાન એટલે રોગ થવાનું મૂળ કારણ. જો આ કારણને દૂર કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જાય. એ માટે તમે કફવર્ધક આહારદ્રવ્યોનો ત્યાગ કરો. જેવા કે અતિ આહાર, પચવામાં પૌષ્ટિક, ચીકણા અને ભારે દ્રવ્યો તથા ચિંતાનો ત્યાગ, પરિશ્રમ ન કરવો વગેરે. સોજો છે એટલે આહારમાંથી મીઠાને એટલે કે નમકને તિલાંજલિ આપવી જ પડશે. ઔષધમાં તમે અર્જુનારિષ્ટ ચાર-ચાર ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લો. સોજો ઉતારવા માટે મૂત્રલ ઔષધમાં પુનર્નવાદિ અથવા ગોક્ષુરાદિ ક્વાથ અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવો. આરોગ્યર્વિધની એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે, હૃદય ચિંતામણિરસની એક-એક ગોળી સવારે અને રાત્રે પાણી સાથે. આ પ્રમાણે ચારથી છ મહિના ઉપચાર કરો. એટલે તમારી આ તકલીફ સાવ મટી જશે.
ઘરગથ્થુ ઉપચાર
આપણે લોકવ્યવહારમાં કે ગ્રામ્ય ભાષામાં જેને ‘સાદડ’ કહીએ છીએ તેને આયુર્વેદમાં ‘અર્જુન’ કહેવામાં આવે છે. આ અર્જુનનાં મોટાં વૃક્ષો થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં અર્જુનનો એક ઉત્તમ ગુણ ‘હદ્ય’ છે. હદ્ય એટલે હૃદયને બળ આપનાર. એટલે જ હૃદયરોગના તમામ પ્રકારોમાં અર્જુનારિષ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. અર્જુનના ઉપયોગથી લોહીનું વહન કરનારી રક્તવાહિનીઓનું યોગ્ય સંકોચન થાય છે. જેથી હૃદયની પોષણક્રિયા અને આરામક્રિયા યોગ્ય રીતે થાય છે. જેથી હૃદયને પોતાનું કાર્ય કરવા માટે યોગ્ય બળ મળે છે.
No comments:
Post a Comment