Monday, 15 August 2011

તમને અભિમાની સાબિત કરતાં લક્ષણો




માણસ અભિમાની હોય કે ન હોય પણ તેની કેટલીક સંજ્ઞાઓ અને હાવભાવ તેને અભિમાની કે એથી વિશેષ ઉદ્ધત પણ સાબિત કરી શકે છે. ક્યારે કયા પ્રકારની તમારી આભા કે હાવભાવ હોવા જોઈએ તે સમજ તમારામાં વિકસાવવા માટે આ લેખમાં પ્રયાસ કર્યો છે. જેથી તમે ક્યારેક એ સંજ્ઞા કે હાવભાવ પરત્વે તરત જ સજાગ થઈ જશો
ગરદન અને ચહેરાને સામાન્ય સ્થિતિમાં રાખો
ગરદનને સીધી જ ટટ્ટાર રાખવી એ ફિટનેસ દર્શાવે છે, પણ શ્વાસ લઈને ગરદનને ઊંચી કરવી એ અભિમાન દર્શાવે છે. આંખો મોટી કરીને એક ભમ્મર ઊંચી કરવી અભિમાનની નિશાની છે. મોઢા પર રૂક્ષ ભાવ સાથે કોઈને જવાબ આપવાથી પણ તમે અભિમાની લાગો છો. રૂક્ષ ચહેરા સાથે આંખોને મોટી કરીને નજર ઊંચી કરવી એ પરથી તમે પ્રાઉડી છો એવી છાપ ઉપસી શકે છે. ક્યારેક તમારી જાતને અભિમાની જ પ્રસ્તુત કરવા માગતા હો તો ઉપરની તરકીબો અજમાવી શકો છો, પણ જગ્યા અને સામેવાળી વ્યક્તિ ધ્યાનમાં રાખીને તમારે વ્યવહાર કરવો હિતાવહ છે.
હાથની સંજ્ઞાઓ
ક્યાંય પણ ટટ્ટાર બેસવું એ તમારા વ્યક્તિત્વને ઓપ આપતું પાસું છે, પણ ટટ્ટાર બેસવાની સાથે હાથની અમુક મુદ્રાઓ પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. ગરદન અને ચહેરાના ઉપરોક્ત ભાવો સાથે ટેબલ પર કોણી ટેકવીને અને હાથની આંગળીઓ અને અંગૂઠાનાં ટેરવાં એકબીજા સાથે અડાડીને આકાશ તરફ રાખવા એ  તમારા અભિમાની દેખાવની ચરમસીમા છે. કોઈની સાથેની પ્રથમ મુલાકાતમાં સામેની વ્યક્તિ તમારી સામે હાથ મિલાવવા માટે હાથ લંબાવે અને તમે હાથ સામે ન ધરો એનાથી પણ તમે તમારી જાતને એ વ્યક્તિથી ઊંચી ગણો છો એવું ગણાય. પોતાનાથી હોદ્દામાં અને ઉંમરમાં મોટી વ્યક્તિ સામેથી હાથ મિલાવે તો તમારા હાથ આગળ ન કરવાની ભૂલ તો કરશો જ નહીં. જ્યારે હાથ મિલાવો ત્યારે તમારો હાથ કોઈના હાથની ઉપર ઊંધો ન આવે એ મગજમાં નોંધજો બાકી તમારી છબિ અભિમાનીની ઉપસી શકશે.
પગ પર પગ ચડાવવા
ખાસ કરીને કોઈની સાથે પ્રથમ મુલાકાત હોય ત્યારે તમારો રોબ છાંટવો એ યોગ્ય ન ગણાય. કોઈ મંચ, ઉચ્ચ હોદ્દાની ખુરશી કે તમને સન્માનીય સ્થાન પ્રાપ્ત થયા પછી જ પગ પર પગ ચડાવીને બેસવું જોઈએ. કોઈકનો ઇન્ટરવ્યૂ લેતી વખતે પગ પર પગ ચડાવી શકો, પણ ઇન્ટરવ્યૂ આપતી વખતે પગ પર પગ ચડાવીને બેસવું નહીં. સ્ત્રીઓ કોઈ ઉચ્ચ સ્થાન કે મંચ પર બિરાજે ત્યારે પગ પર પગ ચડાવીને બેસવું હોય તો તેના પગના પંજા એટલે કે ટોને પોઇન્ટ કરીને નીચેની તરફ સીધા રાખશે તો તેની પર્સનાલિટી પ્રભાવી લાગશે.

No comments:

Post a Comment