દેશ આજે ૬૪મો સ્વાતંત્ર્ય દિવસ ઊજવી રહ્યો છે. ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યા છે, અદબ સાથે રાષ્ટ્રગાનો ગવાઈ રહ્યાં છે. વૈશ્વિક જમાતની નજર પણ હવે અસાધારણ કદે પ્રગતિ કરતાં ભારત પર મંડાયેલી છે. એ તકે દેશના સ્વાતંત્ર્ય દિવસે પ્રજાજનોને શુભકામનાઓ સાથે આ વિશેષ પૂર્ણિ...
દેશ માટે જે કંઈ કરી શકવાના છો એ તમે જ છો. તમારાથી જ આ દેશ મહાન બનવાનો છે. અલબત્ત, જાહેરખબરોમાં આવતી પેલી ફૂદડીની જેમ થોડીક શરતો છે... પ્રાઉડ ટુ બી ઇન્ડિયન બોલી દેવાથી પતી જતું નથી... આવું ચોક્કસ બોલો, પણ ઇન્ડિયાને પ્રાઉડ થાય એવું તમે શું કરો છો એવું વિચારો!
સાડા ત્રણ દાયકાથી અમેરિકા જઈને વસેલા એક સ્વજન દર બે વર્ષે ઇન્ડિયા ફરવા અને સગાં-વહાલાંઓને મળવા આવે છે. છેલ્લા સાતેક વખતથી એ ઇન્ડિયા આવે પછી તેની એક જ વાત હોય છે કે, ઇન્ડિયા બદલી રહ્યું છે. જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે! હવે તો અહીં બધું મળે છે, પરિવારજનો માટે અમેરિકાથી શું લાવવું એ સવાલ થઈ ગયો છે! ભારતના રસ્તા પર દોડતી કાર જોઈને તેને અચંબો થાય છે, દુનિયાની બેસ્ટ કંપનીની કાર અહીં અવેલેબલ છે! પછી એવી વાતો માંડે કે, અમે ગયા ત્યારે તો આવું તું અને તેવું હતું, બધું રગડધગડ ચાલતું હતું, હવે વાત કંઈ ઔર છે!
આ જ સ્વજન થોડા સમય અગાઉ આવ્યા ત્યારે એણે અગાઉની ચવાઈ ગયેલી વાતોને બદલે સાવ જુદી વાત કરી. તેણે કહ્યું કે, હવે હું ઇન્ડિયાથી અમેરિકા પાછો જાઉં છું ત્યારે મને વિચાર આવે છે કે, અહીં અમેરિકામાં તો કંઈ જ નથી બદલાયું, મોટા ભાગનું વર્ષોથી એમનું એમ છે! તેમાં પણ નવી પેઢીના એક છોકરાએ જ્યારે કહ્યું કે, હું તો ઇન્ડિયા જાઉં છું, કરિયર ત્યાં છે, લાઈફ ત્યાં છે, અહીંયાં કશું જ નથી! હવે સમજાય છે કે ઇન્ડિયા ખરેખર પ્રગતિ કરી રહ્યું છે.
આર્થિકની સાથે માનસિક રીતે પણ ઇન્ડિયા બદલ્યું છે અને બદલતું જાય છે. ઇન્ડિયા હવે બધું ‘ગ્લોબલી’ વિચારે છે. ઘણી બધી સંકુચિતતાને ઇન્ડિયાએ ફગાવી દીધી છે અને સાથોસાથ સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખ્યા છે. વર્ષો અગાઉ લંડન ગયેલા એક વડીલ ઇન્ડિયા આવ્યા અને તેના ભત્રીજા સાથે વાતો કરી. શ્રદ્ધા, અંધશ્રદ્ધા, સંસ્કૃતિ, લાઈફસ્ટાઈલ અને બીજી વાતો સાંભળીને યંગ ઇન્ડિયને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અંકલ, તમે ભલે લંડનમાં રહ્યા, પણ ત્યાં રહીનેય તમે ગયા હતા એ જ સમયની માનસિકતામાં જીવો છો! હવે બધું જ બદલાઈ ગયું છે! આ નવું ઇન્ડિયા છે.
હા, ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે. ઘણી બધી વિચિત્રતાઓ પણ છે. એટલે જ ઘણાં લોકો મજાકમાં કહે છે કે, આપણે ત્યાં પીઝા વીસ મિનિટમાં આપી જાય છે અને એમ્બ્યુલન્સ અડધા કલાકેય આવતી નથી! અલબત્ત, હવે ૧૦૮ સેવાએ આ મહેણું પણ ભાંગ્યું છે. છતાં આપણે બધા જ આ અથવા આવી મજાક આપણા દેશ વિશે ઘણી વખત કરીએ છીએ! ગમે તે હોય, બહારની દુનિયા હવે ઇન્ડિયાને મદારી અને માદળિયાનો દેશ કહેતા પહેલાં સો વખત વિચાર કરે છે! ભારત ઉપર અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કર્યું, ગુલામીની એ વાતો હજુ પણ આપણું લોહી ગરમ કરી દે છે, પણ તમને ખબર છે કે, હજુ હમણાં જ બહાર આવેલા આંકડા કહે છે કે, ભારત હવે યુનાઈટેડ કિંગડમ એટલે કે બ્રિટનમાં ત્રીજા નંબરનો સૌથી વધુ રોકાણ કરનાર દેશ બની ગયો છે! ગયા વર્ષે એટલે કે ૨૦૧૦-૧૧માં ભારતના ઉદ્યોગપતિઓએ બ્રિટનમાં ૯૭ નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. યુ.કે. ઇનવર્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ૨૦૧૦-૧૧માં નોંધાયું છે કે, ભારતના જંગી રોકાણથી દેશને મંદીમાંથી બહાર નીકળવામાં સરળતા રહી છે! અંગ્રેજોને આનાથી મોટો જવાબ શું હોઈ શકે?
આપણા દેશનાં કૌભાંડો આખી દુનિયામાં ગાઈ-વગાડીને પેશ કરવામાં આવે છે! ઇન્ડિયામાં તો આવું બધું ચાલે છે, રૂપિયા ફેંકો તો ગમે તે કામ થઈ જાય એવી વાતો કરી આપણા દેશને બદનામ કરવાની એકેય તક જતી કરવામાં આવતી નથી, પણ અંદરખાને આખી દુનિયા કબૂલે છે કે, ભારત ધીમેધીમે સુપરપાવર કન્ટ્રી બનવા તરફ આગળ વધી રહ્યો છે.
ભારત આખી દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. આવડા મોટા દેશના લોકો એક સાથે મતદાન કરી પોતાની સરકાર ચૂંટે એ નાની-સૂની વાત નથી. ભલે કોઈ એક પક્ષને બહુમતી નથી મળતી અને સાથી પક્ષોની મદદ લઈ સરકાર બનતી હોય, પણ ભારતની લોકશાહીને આખી દુનિયામાં સુદૃઢ ગણવામાં આવે છે અને ગૌરવની નજરથી જોવાય છે. બાકી આપણી સાથે જ આઝાદ થયેલા અને આપણામાંથી જ અલગ થયેલા પાકિસ્તાનની હાલત આખી દુનિયા જાણે છે!
આપણો દેશ ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વનો સાતમા નંબરનો અને વસતી પ્રમાણે વિશ્વનો બીજા નંબરનો દેશ છે. આપણું અર્થતંત્ર દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને દુનિયામાં સૌથી ઝડપી આગળ ધપી રહેલા અર્થતંત્રમાં બીજા નંબરે છે. એક અબજથી વધુ લોકો આ દેશની ધરતી પર શ્વાસ લે છે અને દેશના નામને રોશન કરે છે. સંખ્યાબંધ સંસ્કૃતિ એક સાથે ધબકતી હોય એવો એકમાત્ર દેશ ઇન્ડિયા છે. ૪૦૦ જેટલી જુદી જુદી ભાષા અને બોલીઓ આપણે ત્યાં બોલાય છે. આપણો દેશ ખૂબીઓથી ભરપૂર છે. આખી દુનિયામાં સૌથી વધુ એટલે કે ૧૦૦ ઇંચથી વધુ વરસાદ આપણે ત્યાં ચેરાપુંજીમાં પડે છે. ભારતનો દરિયાકિનારો ૧૯૫૭ કિલોમીટર લાંબો છે, જે દુનિયામાં સૌથી વધુ છે. ભાષા, ધર્મ, જાતિ, વેશભૂષા, રંગો અને ખાણી-પીણીની વરાયટીઝ ભારતમાં જેટલી છે એટલી બીજા કોઈ દેશમાં નથી.
ભારત શેમાં શેમાં આગળ છે એ યાદી બહુ લાંબી છે અને આપણો દેશ શા માટે મહાન છે તેના ઢગલાબંધ ઇ-મેલ ફરે છે અને આપણે એ વાંચીને આપણા મિત્રોને ફોરવર્ડ કરતાં રહીએ છીએ. સવાલ એ છે કે, કોઈ પણ દેશ હોય,તેને મહાન કોણ બનાવે છે? દેશ વ્યક્તિથી મહાન બને છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીએ કહ્યું હતું કે, ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક ઇનસ્ટેડ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી.
દેશ માટે જે કંઈ કરી શકવાના છો એ તમે જ છો. તમારાથી જ આ દેશ મહાન બનવાનો છે. અલબત્ત, જાહેરખબરોમાં આવતી પેલી ફૂદડીની જેમ થોડીક શરતો છે... પ્રાઉડ ટુ બી ઇન્ડિયન બોલી દેવાથી પતી જતું નથી... આવું ચોક્કસ બોલો, પણ ઇન્ડિયાને પ્રાઉડ થાય એવું તમે શું કરો છો એવું વિચારો! બાઈક પર બેસતી વખતે તમે હેલ્મેટ પહેરો છો? કાર ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધો છો? જાહેરમાં પાનની પિચકારી મારતા પહેલાં તમને કંઈ થતું નથી? લાંચ આપીને કામ પતાવવાની પહેલ તમે કરો છો કે લાંચ માંગવાવાળો? તમારી ‘સિવિલ સેન્સ’ કેવી છે? માત્ર ક્વોટેશન બોલીને કે ગીત ગાઈને દેશપ્રેમ વ્યક્ત કરવાથી પતી જવાનું નથી! તમે ઘણું બધું કરી શકો તેમ છો! આપણા દેશને મહાન બનાવવાની તમારી કેટલી તૈયારી છે?
No comments:
Post a Comment