વ્યવસાયિક ક્ષેત્રના વિકાસ સાથે આજે મલ્ટિનેશનલ કંપની કલ્ચર અને પ્રોફેશનલિઝમ વિકસી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણની લાયકાત સાથે પોતાની જાતને પ્રેઝન્ટ કરવાનું કૌશલ્ય પણ હવે ઘણું અગત્યનું છે. આમ તો કોઈ પણ વ્યક્તિ જેટલા પોતાના વ્યક્તિત્વને ઓળખે એટલો જ યોગ્ય રીતે અન્યોની સમક્ષ તેના વ્યક્તિત્વને પ્રેઝન્ટ કરી શકે છે અથવા કહી શકાય કે સેલ્ફ માર્કેટિંગ કરી શકે છે. પણ કોર્પોરેટ વર્લ્ડમાં તેના માટે અમુક ચોક્કસ રીતભાત અને નિયમો છે. સ્વનિરીક્ષણથી તમે તમારામાં આ અમુક પદ્ધતિઓને કે રીતભાતોને વિકસાવીને વ્યક્તિત્વને નિખારી શકો છોતતમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જાવ, કોઈ કંપનીમાં અક્ઝિક્યુટિવના પદે હો કે કોઈ કંપનીમાં ઊંચા હોદ્દે હો તો તમને આ પાંચ મુદ્દાઓ તમારા વ્યક્તિત્વ વિકાસમાં સહાયરૂપ થશે.
એટિટયૂડ - વર્તણૂક
તમે કોઈ પણ હોદ્દો સંભાળતા હો કે કોઈ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળતા હો, અન્યોની સાથે તમારી વર્તણૂક વિનમ્રતાભરી હોવી જોઈએ. હળવું સ્મિત તમારા ચહેરા પર હંમેશાં રહેવું જોઈએ. પ્રોફેશનલી તમે જ્યારે કોઈ ક્લાયન્ટ કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને મળો ત્યારે તમારી વર્તણૂક સહજ હોવી જોઈએ. તમે અભિમાની છો એવું તમારા વ્યક્તિત્વ પરથી છલકાવું જોઈએ નહીં, પણ પ્રથમ મુલાકાતમાં કોઈની પણ સાથે વાત કરતી વખતે જરૂરિયાત પૂરતી જ વાત કરવી અને વધુ અંગત થવાનો પ્રયત્ન ન કરવો. તમારા હાવભાવ સામાન્ય રહેવા જોઈએ. વધુ ઉમળકો ન દેખાવો જોઈએ કે ચહેરા પર ગુસ્સો પણ ન હોવો જોઈએ.
રીતભાત
ખાવું, પીવું, બેસવું, ચાલવું એ રોજિંદી પ્રક્રિયા છે. આ બધી જ ક્રિયાઓ એક જ સાથે એક જ દિવસમાં સુધરી શકે નહીં, પણ ધીમે ધીમે તેમાં સુધારો લાવવા પ્રયત્ન કરવો જોઈએ. કોર્પોરેટ મિટિંગમાં હંમેશાં આ ક્રિયાઓ માટે ‘આફ્ટર યુ’ને ફોલો કરો. કોઈ તમને પહેલાં ક્યાંક પ્રવેશવા, બેસવા, ખાવા, પીવા કોઈ ચીજ લેવા માટે ઓફર કરી ચૂક્યું હોય તો આભાર અભિવ્યક્ત કરો. પ્રથમ મુલાકાત હોય તો ‘થેંક્યુ’ અને બીજી કે ત્રીજી મુલાકાત હોય તો ‘ ઓહ! થેંક્યુ’ કહી શકાય. લંચ કે ડિનર કરતી વખતે બની શકે તો છરી - કાંટાનો ઉપયોગ કરો. એ ન ફાવતું હોય તો ફિયાસ્કો થાય એ કરતાં તેનો ઉપયોગ ટાળો. ખાતી વખતે અવાજ ન આવે તેનું ધ્યાન રાખો અને વાનગી મોઢામાં મૂકતી વખતે આખું મોઢું ન ખોલો. કોઈપણ ડ્રિંક લેતી વખતે સડડડડ અવાજ ન કરો. ક્રિમ, લિપસ્ટિક, ગ્લો સ્ટીક હોઠ પર લગાવતા હો તો એનું નિશાન ગ્લાસ પર ન પડે તેનું ધ્યાન રાખો. ક્યાંય પણ હંમેશાં ટટ્ટાર બેસો. ગરદનને સીધી ટટ્ટાર રાખો. જ્યારે તમે ચાલો ત્યારે બન્ને ડગલા વચ્ચે કમ સે કમ એક ફૂટનું અંતર જળવાય એનું ધ્યાન રાખો.
પહેરવેશ
આમ તો પ્રોફેશન સાથે પહેરવેશ બદલાય છે, પણ કોર્પોરેટ કંપનીઓમાં સામાન્ય રીતે પુરુષ કર્મચારીઓ માટે ફોર્મલ વેરનું જ ચલણ છે. જેમાં લાઇનિંગ કે ઝીણી ચેક્સનું શર્ટ, ડાર્ક કલરની ટાઈ, ફોર્મલ બ્રાન્ડેડ ટ્રાઉઝર કે પેન્ટ, ટાઈ અને ડાર્ક કલરના પાર્ટી કે પ્રોફેશનલ શૂઝ પહેરી શકાય. ટાઇ પિનનો ઉપયોગ પણ કરી શકાય.
સ્ત્રીઓ માટે હજી ભારતમાં કોઈ આવો ડ્રેસ કોડ નક્કી નથી, પરંતુ તે પણ આ જ પ્રકારનો ડ્રેસ અપનાવી શકે છે. કોટન લાઇટ ડાર્ક કોમ્બિનેશનના સલવાર કમીઝ પણ યોગ્ય રહે છે. બાકી ફોર્મલ વેર પણ બજારમાં ઉપ્લબ્ધ હોય છે.
વાક્છટા
વોકેબલરી કે વર્બલ સ્કિલ માટે એવું છે કે તમે વાળી શકો એમ જીભ વળે. તમારા સ્વરને બેઝવાળો બનાવવાનો પ્રયત્ન કરો. સાથે તેમાં મીઠાશ અને નરમાશ જળવાઈ
રહેવી જોઈએ.
જે ભાષા બોલો એમાં શુદ્ધિ લાવો. જે ભાષામાં વાતચીત ચાલતી હોય એ ભાષામાં જ આખું વાક્ય પૂરું કરો. એમાં બીજી ભાષાનો ઉપયોગ ન કરો. કોઈની વાત વચ્ચેથી ન કાપો. વચ્ચે તમારે અભિપ્રાય આપવો હોય તો ‘એક્સ ક્યુઝ મી’ કે ‘પ્લીઝ, જસ્ટ અ મિનિટ’ બોલો પછી તમારી વાત રજૂ કરો.
ઉદ્બોધન
તમારા હોદ્દા પ્રમાણે ઉદ્બોધનો સામાન્ય રીતે બદલાતા રહેવા જોઈએ, પણ ‘હેલો’ એવો શબ્દ છે કે તમે ક્યાંય પણ વાપરી શકો. જેમ કે ગુજરાતીમાં વપરાય છે, ‘કેમ છો?’ માત્ર બોલવાની છટા કે ટોન પદ પ્રમાણે બદલાતા રહેવા જોઈએ. સહકર્મચારીને તમે ઉમળકાથી હેલો કહેશો તો ચાલશે, પણ પહેલી વખત મળતી કોઈ વ્યક્તિ કે ક્લાયન્ટને ઉમળકાથી હેલો કહેશો તો તે અજીબ લાગશે. ઇન્ટરવ્યુ આપતી વખતે કે તમારા બોસને હેલો કહેશો તો તે કદાચ ઉદ્ધતાઈમાં પણ ખપી શકે.
‘થેક યુ’, ‘સોરી’ અને ‘પ્લીઝ’ ભલે દોસ્તીમાં ન વાપરો પણ પ્રોફેશનલી આ શબ્દોનો ઉચિત ઉપયોગ કરતાં શીખવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત પરવાનગી માગતો શબ્દ ‘મે આઇ’ પણ એટલો જ જરૂરી છે.
No comments:
Post a Comment