Saturday, 6 August 2011

ત્રણ પ્રયોગો કદલી દળના




આમ્રફળની વિદાય સાથે કદલી ફળનું આગમન થઈ ગયું છે. કદલી એટલે કેળ અને તેનું ફળ તે કેળું. આપણાં સૌથી સસ્તા સુલભ અને પૌષ્ટિક ફળોમાં કેળાંની ગણતરી કરી શકાય.
આપણા દેશમાં સર્વત્ર થતાં આ ફળના અનેક ગુણકર્મો અને તેના ઔષધીય પ્રયોગ આયુર્વેદના ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. બધાનું નિરૂપણ શક્ય ન હોવાથી બે-ચાર પ્રયોગોનું નિરૂપણ આ લઘુ લેખમાં કરીશ.
કેળામાં કાર્બોહાઈડ્રેટ પ્રચૂર માત્રામાં લગભગ પચીસ ટકા જેટલું રહેલું છે. જે શક્તિ-પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય તેમાં સોડિયમ, પોટેશિયમ, આયર્ન, તામ્ર, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, મેંગેનીઝ અને ફોસ્ફરસ જેવા શારીય અને ખનિજ તત્ત્વો પણ રહેલાં છે. તેમાં રહેલાં લોહતત્ત્વ અને તામ્રતત્ત્વથી લોહીની વૃદ્ધિ થાય છે. જેમની પાચનશક્તિ સારી હોય અને પોતાની પ્રકૃતિને કેળાં નડતાં ન હોય તેમણે આ ઋતુમાં પ્રતિદિન એકથી બે કેળાં ખાવા જોઈએ. આયુર્વેદીય મતે કેળાં ગુરુસ્નિગ્ધ, મધુર, ગ્રાહી, મેધ્ય, રોચક અને કફકારક છે. તે કફકારક હોવાથી વરાધવાળાં બાળકોએ અને દમ, શ્વાસ, શરદી- સળેખમ અને ઉધરસવાળા દર્દીઓએ તેનો ઉપયોગ કરવો નહીં.
ઉપચાર પ્રયોગ
બંગાળના એક પ્રચલિત પ્રયોગનું નિરૂપણ કરું છું. સંગ્રહણી, અતિસાર કે જૂના મરડાનો હુમલો થાય ત્યારે સૌથી પહેલાં બે પાકાં કેળાં, તેનાથી ચોથા ભાગની બીજ વગરની જૂની આમલી અને એટલો જ ગોળ મિશ્ર કરી તેના ત્રણ ભાગ કરી દર અડધા કલાકે આપવામાં આવે તો સારું પરિણામ મળે છે.
લીલાં એટલે કે કાચાં કેળાંને સારી રીતે બાફી લેવા પછી તેમાં થોડું દહીં અને સાકર નાંખીને લેવામાં આવે તો તે સંગ્રહણી અને વારંવાર થતાં ઝાડામાં ખૂબ જ હિતાવહ અને પથ્ય છે.
આપણે ત્યાં ૭૦ ટકા સ્ત્રીઓને શ્વેતસ્રાવએટલે કે સફેદ પાણી પડવાની તકલીફ હોય છે. તેમના માટે પ્રયોગ ઉત્તમ છે. શ્વેતસ્ત્રાવનો બીજો અર્થ શરીર ધોવાવું અથવા લ્યુકોરિયા જેમને આ તકલીફ સતત રહેતી હોય કે વારંવાર થતી હોય તેમણે પોતાની પાચનશક્તિ મુજબ લીલી છાલનાં પાકાં કેળાનો આ પ્રમાણે પ્રયોગ કરવો.
કમળકાકડીનાં બીંજ ૧૦૦ ગ્રામ, સફેદ મુસળી ૧૦૦ ગ્રામ, અશ્વગંધા ૭૫ ગ્રામ, શતાવરી ૭૫ ગ્રામ, ચોપાચીની ૨૫ ગ્રામ અને એલચી ૨૦ ગ્રામ. આ છયે ઔષધોને ખૂબ ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી કાચની એક સ્વચ્છ બાટલીમાં ભરી લેવું. એક પાકું કેળું છાલ સોતું ચીરી, તેમાં એકથી દોઢ ચમચી આ ચૂર્ણ ભરી દેવું. જો આટલું ચૂર્ણ એક કેળામાં ન આવે તો બે કેળામાં ભરવું. કેળામાં ઔષધ ભર્યા પછી બે કલાકે તેની છાલ કાઢી નાંખી સવારે નરણાં કોઠે અને રાત્રે સૂતી વખતે તેને ખૂબ ચાવીને ખાવામાં આવે તો એકાદ મહિનામાં આ શ્વેતસ્રાવની તકલીફ મટે છે. આ રોગથી પીડાતી સ્ત્રીઓને કબજિયાત રહેતી હોય છે. આવી સ્ત્રીઓએ રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, હિમેજ, હરડે કે ત્રિફળા ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું લેવું. અને સવારે મળપ્રવૃત્તિ પછી આ પ્રયોગ કરવો.
ઘણાં બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. આવાં બાળકોને જો અડધા કેળામાં ચીરો કરી તેમાં ચણાના એક દાણા જેટલી લોહભસ્મ અને શંખભસ્મ મિશ્ર કરી એકાદ કલાક પછી આ કેળું ખાવા આપવું. પંદરથી પચીસ દિવસ આ પ્રયોગ કરવાથી બાળક માટી ખાવાનું ભૂલી જશે.
ઘરગથ્થુ ઉપચાર
 એક લીંબુના ચાર ટુકડા કરવા. આ પ્રમાણે થોડાં લીંબુકાપી એક કાચની બરણીમાં ભરી લેવા. તેમાં જરૂર પ્રમાણે મરી અને સૂંઠ નાંખવા. આ બરણી એક મહિનો તડકામાં રાખવાથી લીંબુ ગળી જશે.
જમ્યા પહેલાં લેવાથી અરુચિ, ઉબકા, મંદાગ્નિ, કબજિયાત, મોઢામાં બેસ્વાદપણું, મોઢામાં લાળ વગેરે મટે છે. કમળો, ગેસ, લિવરના રોગોમાં હિતાવહ છે.

No comments:

Post a Comment