Friday, 12 August 2011

સર્જરીનું સૌથી મોટું સસ્પેન્સ




સોનિયાજીની એક સિદ્ધિ એ પણ છે કે તેમણે બંધ મુઠ્ઠીની કિંમત લાખ રૂપિયાથી વધારીને લાખો કરોડોની કરી નાખી છે! તમે આટલું વાંચીને મોંઘવારી માટે સોનિયાજી દોષિત છે, એવું ધારી ન લેતા, કારણ કે આવા બધા દોષોના ટોપલા પોતાના માથે ન ઠલવાય તેની વ્યવસ્થા તેમણે પહેલેથી જ કરી રાખેલી હોય છે. પણ માનવું પડશે કે સોનિયા સસ્પેન્સની સમ્રાજ્ઞા છે. તેઓ સર્જરી માટે અમેરિકા પહોંચી ગયાં ને કોઈને ખબર પણ ન પડવા દીધી કે તેઓ ક્યાં સારવાર લેવાનાં છે કે શેની સર્જરી કરાવવાનાં છે. મીડિયા માથાકૂટ કરીને એક પછી એક સસ્પેન્સ ખોલતું જાય છે, પણ આ સસ્પેન્સના ખુલાસાનો આનંદ કરવાને બદલે એક ડોક્ટરે દુઃખી થઈને કહ્યું, સોનિયાજીએ વિદેશી સારવાર લઈને ભારતના મેડિકલ ક્ષેત્રનું અપમાન કર્યું છે. ચતુરસેને સર્જરીનું સૌથી મોટું સસ્પેન્સ ખોલતાં સમજાવ્યા કે ભાઈ, તમે બિલકુલ ખોટું ન લગાડશો. સવાલ સારવારનો નહીં રાજકીય ટાઇમિંગનો છે. સોનિયાજી જાણતાં હતાં કે ચોમાસુ સત્ર તોફાની બનવાનું છે, કૌભાંડો અને ભાવવધારાના મુદ્દે કોંગ્રેસી સરકાર કોઈ રીતે બચાવ કરી શકે એમ છે નહીં. બીજી તરફ અણ્ણા ફરી ઉપવાસ પર ઊતરશે એટલે દેશમાં ઊથલપાથલ સર્જાશે. અણ્ણાના મામલે સરકારે રામદેવવાળી પણ કરવી પડે. આ સ્થિતિમાં દેશથી દૂર જ રહીને તેઓ ઘણા અઘરા સવાલોથી દૂર રહી શકે છે. દેશમાં રહીને અપજશ લેવો તેના બદલે આરામથી પેન્ડિંગ રાખેલી સર્જરી શા માટે ન કરાવી લેવી? વળી, દેશમાં પાછા ફરીને જે થયું ખોટું થયુંએટલું જ બોલવાનું રહેશેને?
શીલાનો બુઢાપો ક્યાં જશે?
શીલાની જવાની તો રાજગાદી પર ગઈ છે. ના, ‘તીસ માર ખાંવાળી ફિલ્મી શીલાની આ વાત નથી, આ તો દિલ્હી વિધાનસભાને ત્રણ ત્રણ વાર સર કરનાર રિયલ તીસ માર ખાં શીલા દીક્ષિતની વાત છે. હા, તેમની જવાની દિલ્હીના મુખ્યમંત્રી પદ પર જ ગઈ છે, પણ હવે બુઢાપો ક્યાં જશે, ખબર નથી. કેગનામનો કાળોતરો કોઈનો સગો થયો નથી ત્યારે તે શીલા દીક્ષિતનો પણ થોડો થાય? કેગની કાળવાણી મુજબ કોમનવેલ્થ ગેમ્સમાં આચરવામાં આવેલી ગેરરીતિઓમાં શીલાબહેન પણ સંડોવાયેલાં હતાં. કલમાડી અને તેની કૌભાંડી ટીમ જેલના સળિયા ગણી રહી છે ત્યારે શીલાબાઈનું ભાવિ ભાખવા માટે જ્યોતિષાચાર્ય હોવું જરૂરી જણાતું નથી. ચતુરસેન તો સરેઆમ જાહેર કરે છે કે શીલાનો બુઢાપો જેલમાં જવાનો. પણ, ફાંકેરામ વાત માનવા તૈયાર નથી. તેને પાક્કો વિશ્વાસ છે કે શીલા દીક્ષિતનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. ચતુરસેનની તમામ દલીલોનો તે એક જ જવાબ આપે છે, કેગના અહેવાલથી કયો મુખ્યમંત્રી જેલમાં ગયો, એ તો જણાવો? અમારું જ્ઞાન કંઈ એટલું વિશાળ નથી કે રાજ્ય બહારની બધી ખબર હોય પણ એ તો ખરું કે રાજ્યનો મુખ્યમંત્રી કેગના અહેવાલની ઐસીતૈસી જરૂર કરી શકે છે!

No comments:

Post a Comment