Friday, 12 August 2011

તમે જ તમારા ભાગ્યવિધાતા




હું જેટલું વધુ કામ કરું છું તેટલું જ મારું નસીબ જોર કરે છે.’ - સામ ગોલ્ડવેજ
જેમ જેમ આપણે ઉંમરલાયક થતા જઈએ છીએ, તેમ તેમ નસીબમાં વધુ ને વધુ માનવા લાગીએ છીએ, ખરુંને ? નાનામાં નાની નિષ્ફળતા માટે આપણા ગ્રહોને દોષ દેવા માંડીએ છીએ. મેં ઘણા લોકોને બોલતા સાંભળ્યા છે... હમણાં તો મારી સાડા-સાતી ચાલી રહી છે... કોઈ કામમાં ભલીવાર નથી આવતો.
આવું બોલતી વખતે એ મિત્રો એક પાયાની વાત ભૂલી જાય છે. જે કાંઈ ઉપર જાય, તે નીચે આવે જ. એ પથરો હોય કે સેન્સેક્સ હોય. જીવનની ઘટમાળ જ એવી છે. ચડતી-પડતીનું ચક્ર તો ચાલ્યા જ કરે પણ આપણે તો તરત જ નસીબનો વાંક કાઢીને નિરાશ થઈ જઈએ છીએ.
હું તમને એક ઊગતા યુવાન બિઝનેસમેનનો દાખલો આપવા માંગું છું. એ યુવાને ધંધામાં ઘણું દેવું કર્યું હતું. લેણદારો,દેવા અને ઉઘરાણીથી તે હેરાનપરેશાન થઈ ગયો હતો.
ચારે બાજુથી ઘેરાઈ ગયેલો એ યુવાન નિરાશ થઈને એક દિવસ એક પાર્કમાં બેઠો હતો ત્યાં એક વૃદ્ધ તેની પાસે આવ્યા. યુવાન સાથે વાતે વળગ્યા અને તેની ચિંતાનું મૂળ કારણ પૂછયું. યુવાને ધંધામાં નિષ્ફળતાની, દેવાની તથા લેણદારોની ઉઘરાણીની વાત કરી. વૃદ્ધ પીગળી ગયા. તેમણે ખિસ્સામાંથી એક ચેકબુક કાઢી, ચેક લખ્યો, સહી કરીને યુવાનને આપતાં બોલ્યાં, “દીકરા, આ નાણાં લે. એક વર્ષ પછી મને આ જગ્યાએ મળજે. જો કમાયો હોય,તો મારા પૈસા પાછા આપજે.
વૃદ્ધ તો પાછું વળીને જોયા વગર જ ચેક યુવાનના હાથમાં મૂકીને ચાલતા થયા. આ ચેકમાં રકમ હતી ૫,૦૦,૦૦૦ ડોલર!! અને નીચે સહી હતી. જ્હોન ડી. રોકફેલરની!! એ જમાનાની વિશ્વની અતિ ધનિક વ્યક્તિમાંથી એક!
યુવાન તો આભો બની ગયો! હવે પોતાની બધી મુશ્કેલીઓનો અંત તેને હાથવગો દેખાયો. આ નાણાંથી બધું દેવું ચૂકતે કરીને નવેસરથી જીવન શરૂ કરી શકાય તેમ હતું પરંતુ તેણે કાંઈક જુદું  વિચાર્યું! ચેકને પોતાની તિજોરીમાં અકબંધ મૂકી દીધો. વટાવવાનો વિચાર જરૂર પડશે ત્યારે કરીશ... પણ એ ચેકે એક ચમત્કાર કર્યો. એ યુવાનમાં હિંમત આવી ગઈ. જીવનમાં આશાના સંચાર સાથે એણે નવજીવન તરફ પગરણ માંડયાં. ધંધામાં નવા ઉત્સાહથી ઝંપલાવ્યું. તેના આત્મવિશ્વાસને જોઈને તેને સારા ઓર્ડર્સ પણ મળ્યા, ધીમે ધીમે દેવું ઘટયું, પછી તો કંપની નફો કરતી થઈ ગઈ!
બરોબર એક વર્ષ પછી એ વણવટાવ્યા ચેક સાથે તે યુવાન એ પાર્કમાં ગયો જ્યાં પેલા વૃદ્ધે તેને મદદ કરી હતી. વૃદ્ધ ત્યાં જ બેઠા હતા. યુવાન પોતાની સફળતાની અને ખરા સમયે મળેલી મદદની વાત માંડવા જ જતો હતો. તેના હાથમાં પેલો ચેક હતો, જે વૃદ્ધને પાછો આપવાનો હતો. ત્યાં જ એક નર્સ આવી. તેણે વૃદ્ધનો હાથ પકડીને પાર્કની પડખે આવેલ ર્નિંસગહોમ તરફ પ્રયાણ કર્યું. યુવાને નર્સને પૂછયું, “આપ આ વૃદ્ધને શા માટે લઈ જાઓ છો?” નર્સ કહે, “આ ડોસાને વહેમ છે કે એ જગતનો સૌથી શ્રીમંત માણસ છે. જ્હોન ડી. રોકફેલરના નામની સહીઓવાળા ચેક બધાંને આપતા ફરે છે. અમારા વૃદ્ધાશ્રમના કાયમી દર્દી છે. ત્યાંથી વારંવાર ભાગી જાય છે. તમને તો એમણે કાંઈ નુકસાન નથી કરાવ્યુંને?”
યુવાન શું બોલે? એને તો એ ચેકની રકમે હિંમત આપી હતી. એક વર્ષમાં એ ચેકે એના  ભાગ્યનું ચક્ર ફેરવી કાઢયું હતું. આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે કે આત્મવિશ્વાસ વ્યક્તિને ભલભલાં સાહસ કરવાની પ્રેરણા આપે છે.
આ વાર્તામાંના યુવાનમાં અને આપણા સહુમાં ખાસ્સું સામ્ય છે. આપણા પ્રશ્નોના જવાબ શોધવાની ખુદ્દારી આપણામાં ક્યાંક છુપાયેલી હોય જ છે. એને પ્રયત્નપૂર્વક બહાર કાઢવા માટે એક પ્રબળ ધક્કાની જરૂર હોય છે.તેથી જ બીજા પર આધાર રાખ્યા વગર તમે જ તમારા ભાગ્યવિધાતા બનો. ગુજરાતીમાં ખબ જાણીતી વાર્તા લાવરી અને તેનાં બચ્ચાંયાદ છેને? ખેતરમાં માળો બાંધીને બેઠેલી લાવરીનાં બચ્ચાં તેને કહે છે કે, “મા, મા કાલે તો ખેતર માલિક મજૂરોને બોલાવીને પાક વાઢી કાઢશે. આપણે બીજે ક્યાંક જઈએ.લાવરી કહે છે, “બચ્ચાં લોગ, તમે ચિંતા ન કરો. પાક નહીં લણાય.બીજે દિવસે વળી બચ્ચાં ગભરાયેલાં છે. મા, કાલે તો માલિક પડોશીઓને લઈને આવવાનો છે.મા બચ્ચાંઓને નિશ્ચિંતપણ સૂઈ જવાનું કહે છે.ત્રીજે દિવસે જ્યારે બચ્ચાં કહે છે કે, “મા આજે તો ખેડૂત બોલ્યો આવતીકાલે તો હું જાતે જ પાક વાઢીશ.આ સાંભળીને લાવરી તરત જ બચ્ચાંને લઈને બીજે માળો બાંધે છે.
જે દિવસે મનુષ્યરૂપી પ્રાણીનો જન્મ થાય છે તે દિવસથી જ તમે સદ્નસીબના માલિક બનો છો. જીવનકાળમાં જે તકલીફો આવે છે, તે તો ટીવીના રિયાલિટી શોમાં પુછાતા સવાલો જેવી છે. તમારે તમારા મગજને કામે લગાડીને તે પ્રશ્નોના જવાબ આપીને તકલીફમાંથી માર્ગ કાઢવાનો છે, તકલીફને તાબે થવાનું નથી.

No comments:

Post a Comment