થોડા દિવસો બાદ એક કર્મચારી પ્રકાશ વિસ્ફોટક ખબર લાવ્યો કે કામ્યા તો કોઈની સાથે ભાગી ગઈ છે અને તેણે તેની સાથે લગ્ન કરી લીધાં છે. હવે ફાંગી કદાચ ન પણ આવે...!
કામ્યાએ નોકરી છોડી દીધી છે, કામ્યા ભાગી ગઈ છે, કામ્યાનાં લગ્ન થઈ ગયાં છે, કામ્યા પરણીને વિદેશ જતી રહી છે, કામ્યા હવે ક્યારેય ઓફિસમાં જોવા નહીં મળે... ! કામ્યા ભલે ફાંગી હતી પણ હતી ભારે મારકણી..! એના વિના મજા નહીં આવે..! ખરી નીકળી કામ્યા..! આટલો બધો સમય સાથે નોકરી કરી તો ય કોઈને ખ્યાલ પણ ન આવવા દીધો..! અરે... કોઈને પોતાનાં લગ્નમાં આમંત્ર્યા ય નહીં..! ખરું કહેવાય... નક્કી કંઈક લોચો હોવો જોઈએ. બાકી કામ્યા સ્ટાફને જાણ ન કરે એવું બને જ નહીં... કામ્યા... કામ્યા...! જાણીતી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીની બ્રાન્ચ ઓફિસના સ્ટાફના દરેક કર્મચારીના મુખમાંથી કામ્યા વિશે અવનવી વાતો નીકળી રહી હતી.
આખી ઓફિસમાં કામ્યા એક જ તો મહિલા કર્મચારી હતી! એટલે જે કોઈએ જાણ્યું કે કામ્યાએ નોકરી છોડી દીધી છે, તેને આંચકો લાગ્યો હતો. કામ્યાએ શા માટે નોકરી છોડી? તે અંગે સૌ પોતપોતાની રીતે તુક્કા લડાવીને વાતો કરતા હતા. કામ્યા આવી રીતે જતી રહે તે કોઈને ગમ્યું નહોતું. ગમે પણ કઈ રીતે? કામ્યાને બધા જ સાથે મૈત્રી હતી, કામ્યા ફાંગી અને શ્યામ હોવા છતાં હતી કામણગારી! કુદરતે એને શ્યામલ કાયા આપી હતી, પરંતુ તે સૌને આકર્ષી શકતી હતી. ખાનગીમાં બધા તેને કામ્યા નહીં ફાંગી કહીને જ વાત કરતાં. વિધાતાએ એની સાથે એવી ક્રૂર મજાક કરી હતી કે એની આંખો ત્રાંસી હતી! એ કોની સામે જોઈને બોલે છે તે નક્કી કરવું અઘરું પડે! પરંતુ તે બોલવામાં એટલી મીઠી હતી કે સૌને તેની સાથે વાત કરવી ગમતી. એ બધાંમાં રસ લેતી. દરેકને તેની અંગત બાબતો, પરિવાર, મિત્રો અને શોખ-આદતો વગેરે અંગે પૂછીને આત્મિયતા કેળવવામાં એનો જોટો જડે એમ નહોતો. એ જેની સાથે વાત કરતી એને એમ જ લાગતું કે કામ્યા તો એની જ છે. એ કહેતી કે “દુનિયામાંથી બીજું શું લઈ જવાનું છે! પ્રેમથી વ્યવહાર કરીએ એ જ તો કામ આવવાનું. પ્રેમ, લાગણી, સંબંધો જ તો બધું હોય છે. કોઈને બે ચાર શબ્દો પ્રેમભર્યા કહીએ તો શું ખોટું?” તેની સાથે બધા સહમત થતા, પરંતુ બે પુત્રોને પરણાવી ચૂકેલા વૃદ્ધ મખનસિંગથી માંડીને લગ્ન માટે પાત્ર શોધી રહેલા યુવાન પ્રેમલ સુધીના સૌ મનોમન કામ્યાને ઝંખતા હતા. કામ્યા કોઈ સાથે વાત કરતી હોય કે કેન્ટીનમાં કોઈ સાથે બેઠી હોય ત્યારે અન્યોનાં ભવાં ચઢી જતાં, તેઓનો ગરાસ લૂંટાઈ જતો હોય તેમ તેઓને લાગતું. એટલે જ ઘણા તો તે કોઈ સાથે વાત કરતી હોય ત્યારે ત્યાં પહોંચી જતા ને વચ્ચે ડોયો હલાવવા માંડતા. એમાંય જો કામ્યા કોઈ સાથે ધીમે ધીમે ખાનગીમાં વાત કરતી દેખાય એટલે બધાનું વાતો કરવાનું ચાલુ થઈ જતું. પેલાનો મેળ બેસી ગયો! એનું કંઈ ઠેકાણું નહીં. એ તો કોઈ પણ સાથે ચાલુ થઈ જાય એવી છે. એય.. કાલે તારી સાથે એવી રીતે જ વાત કરતી હતી ત્યારે સારું લાગતું હતું? ને આજે બીજા કોઈ સાથે હળેલી છે એટલે જોયું જતું નથી, એમ કહેને? જેને જે મનમાં આવે તે કહેતું અને છતાં કામ્યા સાથે વાત કરવા સૌ બહાનાં શોધતા. કામ્યાને કારણે ઓફિસમાં રોનક લાગતી.
શરૂઆતમાં પહેલા દિવસે સૌએ એમ માની લીધું કે કંઈ કામ હશે એટલે રજા લીધી હશે. તોય ઘણાએ કામ્યાના ડિપાર્ટમેન્ટના બીજા માણસોને ય આડકતરી રીતે પૂછી જોયું કે આજે કામ્યા કેમ દેખાતી નથી? તેઓએ ખબર નહીં હોવાનું કહેતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. બીજા દિવસે પણ કામ્યા ન દેખાતાં ઓફિસમાં સોપો પડી ગયો હતો. ખુદ મેનેજર પણ બીજાઓને કામ્યા કેમ નથી આવતી તે વિશે પૂછતો થઈ ગયો હતો. મોટા ભાગનાએ કામ્યાને મોબાઈલ જોડી જોયો પણ સ્વીચ ઓફ્ફ આવતો હતો. થોડા દિવસો બાદ એક કર્મચારી પ્રકાશ વિસ્ફોટક ખબર લાવ્યો કે કામ્યા તો કોઈની સાથે ભાગી ગઈ છે અને તેણે તેની સાથે લગ્ન કરી લીધાં છે. હવે કામ્યા કદાચ ન પણ આવે...! જોકે ક્યારેક હિસાબ-કિતાબ માટે આવેય ખરી! પ્રકાશને સૌએ પૂછયું કે તેને કઈ રીતે ખબર પડી?તો પહેલાં તો આંખ મીંચકારી બોલ્યો, “આપણને ન કહે એવું બને? કામ્યાએ જ કહ્યું હતું!” તેના બોલવાના ઢંગ પરથી કોઈએ વાત ન માની એટલે કહે એ તો ખાલી ખાલી મજાક કરતો હતો. હકીકતમાં એ મેનેજરના કહેવાથી એના ઘરે તપાસ કરવા ગયો હતો તો તેના ઘરે તાળું લટકતું હતું. આજુબાજુવાળાઓને પૂછયું તો એક પાડોશી યુવાને કહ્યું હતું કે, “કામ્યાએ તેના લવર સાથે ભાગીને લગ્ન કરી લીધાં છે અને તેના ઘરવાળા તે જે યુવાનને પરણી છે, તેના શહેરમાં ગયા છે! પેલો યુવાન અને કામ્યા ન્યૂ ઝિલેન્ડ ભેગા થઈ ગયાં છે, હવે કદાચ કામ્યા ક્યારેય જોવા નહીં મળે!” થોડા દિવસ સુધી સૌ કામ્યાને કોઈને કોઈ રીતે યાદ કરતા રહ્યા. પ્રારંભમાં સૌ કામ્યાના નામે મજાક કર્યા કરતા. કેટલાક વટ મારતા કે કામ્યા તો એની સાથે ફરવા આવતી, ફિલ્મ જોવા જતા અને બીજું બધું! પરંતુ થોડા દિવસમાં જ સૌ કહેવા માંડયા હતા કે કામ્યા ખૂબ સારી હતી. તે મળતાવડી, હસમુખી, હોશિયાર અને પરગજુ સ્વભાવની હતી. એમાંય તેનું કેરેક્ટર તો સો ટચ સોના જેવું હતું. બધા કબૂલવા માંડયા હતા કે તેઓ સૌ અમસ્તા અમસ્તા જ કામ્યા વિશે ગમે તેમ મજાકમાં બોલતા હતા. આટલી સરસ છોકરી ક્યાં મળે? માત્ર આંખો ત્રાંસી હતી. બાકી એ ખરેખર રૂપાળી હતી! બધાં સાથે કેવી આત્મીયતાથી વાત કરતી? એની વાતોમાં અને આંખોમાં હંમેશાં નિર્દોષતા જ ટપકતી! કોઈ ખબર નહીં મળતા થોડો વધુ સમય વીતતા સૌ કામ્યાને ભૂલવા માંડયા હતા અને જ્યારે સૌ લગભગ ભૂલી જ ગયા હતા ત્યારે બે વર્ષ બાદ અચાનક એક દિવસે બપોરે એક મહિલા તેના હાથમાં માસૂમ બાળકને તેડીને આવી તેને જોતાં જ સ્ટાફના સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. એ કામ્યા હતી. હવે તે ફાંગી નહોતી. તેની આંખો બરાબર હતી. જરાય ત્રાંસી નહોતી. તેને બધા ઘેરી વળ્યા..! પણ કોઈ બોલ્યું નહીં એટલે કામ્યા હસતાં હસતાં બોલી, “કેમ હવે ફાંગી નથી એટલે નથી બોલતા!” સૌ બોખલાઈ ગયા. તેઓ સૌ ખાનગીમાં તેને ફાંગી કહેતા હતા તે કામ્યા જાણતી હતી! બધાના ચહેરા કાપો તો લોહી ના નીકળે તેવા થઈ જતા કામ્યા બોલી, “એમાં આટલા બધા ઝંખવાઈ શા માટે ગયા છો? જે હકીકત હતી તે હતી જ, પરંતુ હવે તમે મને ફાંગી નહીં કહી શકો! સોરી...” કહેતાં એ ખડખડાટ હસી પડી. એટલે સૌ હળવાફૂલ થઈ ગયા અને તેને તે કહ્યા વિના જ કેમ જતી રહી? તેણે ભાગીને પ્રેમલગ્ન કર્યાં? વગેરે પ્રશ્નોનો મારો ચલાવતાં તેણે ચાલો... ચા કોફી પીતા વાતો કરીએ એમ કહીને સૌને કેન્ટીનમાં લઈ ગઈ... ! તેના હાથમાંથી બાળકને અન્યોએ લઈ લીધું અને રમાડવા માંડયા. ચાની ચૂસકી લેતાં લેતાં કામ્યાએ તેઓને કહ્યું, “તમે જે સાંભળ્યું તેમાં તથ્ય છે જ, પરંતુ હું ભાગી ગઈ નહોતી. હું પ્રેમમાં પડી હતી અને લગ્ન કરવાં હતાં, પરંતુ મારી આંખો ત્રાંસી હોવાથી ક્ષોભ અનુભવતી હતી એટલે મારો લવર કહો કે ફિયાન્સ મને ન્યૂઝિલેન્ડ લઈ ગયો અને ત્યાં આંખોનું ઓપરેશન કરાવ્યું. તે અહીં સૌ ઓપરેશન વિશે જાણે એવું નહોતો ઈચ્છતો. મારી આંખો સીધી થઈ ગયા પછી એણે ત્યાં જ તેનાં મમ્મી-પપ્પા સાથે મારી મુલાકાત કરાવી. તેઓને પણ હું ખૂબ ગમી ગઈ. મારા ફેમિલીને પણ ત્યાં બોલાવ્યું. તેમને કોઈ વાંધો ન હતો. અને અમે ન્યૂ ઝિલેન્ડમાં જ પરણી ગયાં અને લાંબો સમય ત્યાં રહ્યાં.” કામ્યાએ ચાનો છેલ્લો ઘૂંટ પી કપ ટેબલ પર મૂકતાં શ્વાસ ખાતાં કહ્યું. તેની એ વાત સ્તબ્ધતાથી સાંભળી રહેલા સૌના મોંમાંથી “હેં? શું વાત કરે છે?” એવા ઉદ્ગારો નીકળી પડયા. તેઓ સામે સીધી નજર કરતાં કામ્યાએ કહ્યું, “સાંભળો, ક્લાઈમેક્સ હજી બાકી છે! હું કોને પરણી છું તે જાણો છો?” બધાંએ નકારમાં માથાં ધુણાવતાં તેણે દરવાજા તરફ જોઈ આંગળી ચીંધતાં કહ્યું, “એમને”! સૌએ જોયું તો સામે એક ફૂટડો ટાઈ, સૂટ બૂટમાં સજ્જ યુવાન મરકમરક હસી રહ્યો હતો. બધાં એને જાણતા હતા. એ હતો કંપનીના એક ડિરેક્ટરનો પુત્ર ભાવેશ! એ કંપનીના ફંક્શન્સમાં આવતો. બધાં એને માનથી જોતા. એ ખૂબ મળતાવડો અને સારા સ્વભાવનો નિરાભિમાની હતો. એ કામ્યાની બાજુમાં આવી ઊભો રહેતાં બોલ્યો, “મને ચા નહીં પીવડાવો? ખાલી કામ્યાને જ ઓળખો છો કે શું?” દરમિયાન કેન્ટીન સંચાલક ખુદ ચાનો કપ લઈ દોડી આવ્યો. કામ્યા ભાવેશ સામે જોતાં જોતાં બોલી,”આ આપણા સૌના બોસ અને અમે કોલેજમાં સાથે જ ભણતાં હતાં ત્યારે માત્ર ઓળખાણ હતી, પરંતુ જોગાનુજોગ મને આ કંપનીમાં જોબ મળ્યા પછી તેમને અવારનવાર મળવાનું થતું હતું. જોકે આ કંપનીના ડિરેક્ટરના પુત્ર છે એવી ખબર નહોતી. પછી જ્યારે તેમણે પ્રપોઝ કર્યું ત્યારે જાણ થઈ હતી. મને ફાંગીને કોઈ લવ કરે એ મારા માન્યામાં જ નહોતુ આવતું અને એમાંય તે શું છે? તે જાણ્યા પછી તો જરાય નહીં. આખરે મારા આગ્રહથી જ આંખનું ઓપરેશન કરાવ્યું. લગ્ન કર્યાં અને આજે તમારી સાથે છું.”
તેમની વાત સાંભળી સૌ ખુશ થયા.પછી કામ્યા ઊભી થઈ અને પોતાના બાળકને તેડીને ભાવેશ સાથે બહાર જવા આગળ વધતાં બોલી, “હવે હું તમને દરરોજ મળીશ... મેં નોકરી છોડી નથી, તમે મને હજું પણ ફાંગી કહેશો
તો ય ગમશે...!”
No comments:
Post a Comment