હાર્ટ બોડીનો સૌથી ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે, એ વાત હવે નાનાં નાનાં બચ્ચાંઓ પણ જાણે છે એટલે એનું ઈમ્પોર્ટન્સ સમજાવવાને બદલે બોડીના આ ઈમ્પોર્ટન્ટ પાર્ટને તરોતાજા રાખવાના મસ્ત, મજેદાર અને વેરી ઈઝી કહેવાય એવા નુસખાઓ અહીંયાં આપવામાં આવ્યા છે. આ નુસખાઓ એકઠા કરવા માટે વર્લ્ડમાં બેસ્ટ કહેવાય એવી સાત હાર્ટ ઇન્સ્ટિટયૂટ છેલ્લાં પાંચ વર્ષથી સતત કામ કરી રહી હતી
કુદરતની અવ્વલ દરજ્જાની કરામત જેવું હૃદય જો એક વાર રિસાઈ જાય તો આખા શરીરની સિસ્ટમને ખોરવી નાખે. જો આ જ હૃદય મોં ફુલાવીને બેચાર ધબકારા લેવાનો નનૈયો ભણી દે તો ભલભલા ચમરબંધીનો દેહ ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રસ્વેદબિંદુઓથી છલકાઈ જાય અને જો આ જ હૃદય એક વાર આરામ કરવાનું નક્કી કરીને થોડીક વાર બેસી જાય તો એ બેઠેલા હૃદયને ફરીથી ઊભું કરવામાં શાહરૂખ ખાનના પચીસ પચાસ લાખ ઓછા કરી નાખે અને મારા તમારા જેવાની મરણમૂડી મર્યાં પહેલાં જ ખાલી કરાવી નાખે. શરીરનાં બધાં અંગો મહત્ત્વનાં છે, પણ રોકડા સવા બસ્સો ગ્રામનું વજન ધરાવતું હૃદય આ તમામ મહત્ત્વનાં અંગોમાં પહેલા નંબરે આવે છે. માંસના લોચા અને સ્નાયુઓના ગઠબંધનથી બનેલું હૃદય શરીરનાં નાનાં મોટાં એકસો ચૌદ કામ સાથે ડાયરેક્ટલી-ઈનડાયરેક્ટલી જોડાયેલું છે. અંગ્રેજીની એક કહેવત ડાયરેક્ટલી અહીં ટાંકવાને બદલે એનો ભાવાર્થ સમજી લેવા જેવો છે.
જો એક હૃદયનું ધ્યાન રાખી લીધું તો બાકીનાં અંગો આપોઆપ કાબૂમાં રહેશે.
વાત સો ટકા સાચી છે.
દુનિયાની બત્રીસ સાયન્સ ઇન્સ્ટિટયૂટે એના અસ્તિત્વથી અત્યાર સુધીમાં હાર્ટ પર કુલ ૭,૪૦૯ રિસર્ચ કર્યાં છે અને આ રિસર્ચ પછી એ મુદ્દા પર પહોંચ્યા છે કે શરીર આખાનું નિયંત્રણ જાળવી રાખતાં હૃદયને સભાનપણે જાળવી રાખવામાં આવે અને અમુક ચોક્કસ પરેજી વચ્ચે હાર્ટને તરોતાજા રાખવામાં આવે તો બાકીનાં અંગોને એક્સિડન્ટની ઈજા સિવાયની કોઈ ઈજાથી બચાવવાની ચિંતા કરવી પડતી નથી. કેલિફોર્નિયા હાર્ટ ઇન્સ્ટિટયૂટના ચેરમેન અને વર્લ્ડ ફેમસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ કેરી ગોતેનું કહેવું છે કે “હાર્ટની બીમારીનું જે દિવસે નિદાન આવે એ દિવસે પેશન્ટે જાતે જ ઉંમરનાં પાંચ વર્ષ ઓછાં કરી નાખવાં જોઈએ. એ પછીની ઉંમર મેડિસિન, ટ્રીટમેન્ટ અને વિલપાવર પર આધારિત બની જાય છે.”
આવું ન થાય અને વ્યક્તિ પ્રૌઢ અવસ્થા પર પહોંચ્યા પછી આપોઆપ મેડિસિનના રવાડે ન ચડે એ માટે બ્રિટન, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, યુએઈ અને સ્વિટ્ઝર્લેન્ડની વર્લ્ડ બેસ્ટ કહેવાય એવી સાત હાર્ટ ઇન્સ્ટિટયૂટ છેલ્લાં પાંચ વર્ષથી એકધારો એક સર્વે કરી રહી હતી. હાર્ટની કોઈ પણ જાતની બીમારી ભોગવ્યા વિના મસ્ત-અલમસ્ત લાઈફ જીવનારાઓની લાઈફ-સ્ટાઈલ, રોજિંદી આદતો, વર્તન-વ્યવહારની વિસ્તારપૂર્વકની છણાવટ પછી તૈયાર થયેલા આ સર્વેમાં અઢળક મહત્ત્વની કહેવાય એવી માહિતી મળી પણ સાથોસાથ એવી ચિત્ર-વિચિત્ર ઈન્ફર્મેશન પણ મળી કે જે આડકતરી રીતે તેમના હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરતી હતી. દારૂ ન પીવો કે સ્મોકિંગ ન કરવું કે તમાકુ ન ખાવી. જો આ બધું કરો તો તમારું હૃદય ગમે ત્યારે ડચકાં ખાવા માંડે એ તો આ સર્વે નહોતો થયો તોપણ જગજાહેર થયેલી ટિપ્સ હતી એટલે એની ચર્ચા અહીંયાં નથી કરવી પણ એ સર્વેમાંથી મળેલા કેટલાક અળવીતરાં નુસખાઓ જાણવા જેવા છે, જે તમારા હાર્ટને હેલ્ધી રાખી શકે છે અથવા તો હાર્ટને હેલ્ધી રાખવાનું કામ છાનાખૂણેથી કરી શકે છે.
પ્રેમમાં પડો, નિરોગી રહો
આપણો શાયર હાર્ટને રિકવેસ્ટ કરતી શાયરી લખે છે અને કહે છે કે “પ્લીઝ, તું પ્રેમ કરવાની ભૂલ નહીં કર” પણ સર્વેની હકીકત કંઈક જુદી છે. સાત હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા થયેલા સર્વેમાં જો કોઈ અળવીતરી અને અવળચંડી વાત જાણવા મળી હોય તો એ કે હાર્ટની બીમારી વિના લાંબું જીવનારા એ તમામ લોકોએ પોતાની પૂરી લાઈફ દરમ્યાન ઓછામાં ઓછો સાત વખત પ્રેમ કર્યો હતો. બધાના કેસમાં આ વાત કોમન હતી. પછી એ ભાઈ હોય કે બહેન. પ્રેમમાં પડવાના કારણે માણસ મનથી ફ્રેશ થઈ જાય છે અને જિંદગી જીવવા માટે ઉત્સાહથી તૈયાર થઈ જાય છે એ ફન્ડા અહીંયાં કામ કર્યો હોવાની શક્યતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ જોઈ રહી છે. જો આ શક્યતા સાચી હોય અને તમારે વિશ્વાસ મૂકવો હોય તો તમને તમારા જોખમે પ્રેમમાં પડવાની છૂટ છે,
સીડી ચડો, સ્વસ્થ રહો
જિમનો જમાનો હવે આવ્યો છે પણ જિમ નહોતાં ત્યારે લોકો ચાલીને કે દોડીને જ પોતાના શરીરને એક્સરસાઈઝ આપી દેતા હતા. હેલ્ધી હાર્ટ માટે થયેલા સર્વેમાં ચોર્યાસી ટકા લોકોએ એવું કહ્યું હતું કે તેમણે ક્યારેય લિફ્ટનો ઉપયોગ કર્યો નથી. મતલબ કે સ્વસ્થ રહેવા માટે તેમણે હંમેશાં પગથિયાં ચડવાનું પસંદ કર્યું હતું. મજાની વાત એ છે કે આ ચોર્યાસી ટકા લોકોમાંથી કોઈ ક્યારેય કોઈ જિમ કે અખાડામાં પણ ગયા નહોતા અને રેગ્યુલર જોગિંગ પણ નહોતા કરતાં. હાર્ટ ઇન્સ્ટિટયૂટે સીધો અર્થ એવો કાઢયો કે પગથિયાં ચડવા અને ઊતરવાથી સ્વસ્થ શરીરને જોઈએ છે એ બધી એક્સરસાઈઝ સરળતાથી મળી રહે છે. આ જ આંકડા પછી થયેલા પૃથક્કરણના અંતે હાર્ટ ઇન્સ્ટિટયૂટ એવા તારણ પર પહોંચી કે દરરોજ સો પગથિયાંની બે વખતની ચડ-ઊતર હાર્ટને હેલ્ધી રાખે છે.
હસતાં રહો, હેલ્ધી રહો
કોઈ વાતને મન પર લેવાથી એની સીધી અસર હૃદય પર થતી હોય છે એવા તારણ સાથે આ સર્વેમાંથી એ પણ જાણવા મળ્યું કે દરરોજ એક કલાક સુધી કોમેડી પ્રોગ્રામ સાંભળનારાઓ પોતાના સ્ટ્રેસમાંથી બહાર આવી જતાં હોય છે. કોમેડીની કોઈ વ્યાખ્યા નથી. સ્વાભાવિક સ્ટ્રેસ વચ્ચે હો તો હસવું ન આવે પણ હસવા માટે ગમે તે હદે નીચે ઊતરીને પણ એક કલાક સુધી હસવાનો ક્વોટા પૂરો કરવામાં આવે તો હાર્ટ હેલ્ધી રહેતું હોય છે. હાર્ટ ઇન્સ્ટિયૂટના સર્વેમાંથી એ પણ જાણવા મળ્યું કે સસ્પેન્સ, થ્રિલર, હોરર પિક્ચર જોનારાઓનાં હાર્ટ નોર્મલ હાર્ટ કરતાં લગભગ પોણા ત્રણ હજાર કલાક જેટલું ઓછું ધબકતું હોય છે. જો તમારા હૃદયની આવરદા વધારવી હોય તો પત્નીના વાંધાવચકા કે સાસુનાં નખરાંઓને હસી કાઢજો.
ગાળો બોલો, ગેલમાં રહો
આમ જુઓ તો આવી કોઈને સલાહ ન અપાય પણ સર્વે કહે છે કે ભૂંડી-ભૂંડી ગાળો બોલી એ બહાને પોતાનું ફસ્ટ્રેશન કાઢી નાખનારાઓ હેલ્ધી હાર્ટ સાથે જીવી શકે છે. સર્વેમાં જે સાત દેશના લોકોને આવરી લેવામાં આવ્યા હતા એ બધેબધા લોકોને ગંદી-ગંદી ગાળો બોલવાની આદત હતી. મનમાં આવે ત્યારે અને મનફાવે એવી ગાળો બોલી શકતાં એ લોકો આ બહાને પોતાનો ગુસ્સો બહાર કાઢી લેતા હોવાથી તેમના હાર્ટ પર કોઈ પ્રકારનું પ્રેશર આવતું નથી અને પ્રેશર આવતું નહીં હોવાથી હાર્ટ-ભાઈ શાંતચિતે પોતાનું કામ કર્યા કરે છે. સર્વેમાં આવેલા આ મુદ્દાને તમે જો અમલ કરવા માંગતા હો તો અમલમાં મૂક્યા પછીનાં તમામ પરિણામની જવાબદારી માત્ર અને માત્ર તમારી.
સીધા-સાદા-સરળ-સહેલા નુસખા
અગાઉ અનેક વાર કહેવાઈ ચૂક્યું છે અને થયેલા સર્વેમાં પણ પ્રૂવ થયું છે કે હાર્ટને હેલ્ધી રાખવામાં લસણ ભારોભાર ગુણકારી છે. લસણની જેમ જ વધુ પાણી પીનારાઓને પણ હાર્ટનો પ્રોબ્લેમ ઓછો થાય છે એવું સાબિત થયું છે. સ્વાભાવિક છે કે હાર્ટની બીમારી વિના તરોતાજા જીવનારાઓમાંથી કોઈ સ્મોકિંગ કરતું નહોતું કે આલ્કોહોલ એટલે કે શરાબ પીતું નહોતું. આ સર્વે ફોરેનમાં થયો છે એટલે ત્યાં ગુટખા કે ખાવાની તમાકુનો પ્રશ્ન આવતો નથી પણ આ ખાવાની તમાકુથી પણ દૂર રહેનારા અત્યારે તમાકુથી અને ભવિષ્યના હાર્ટના પ્રોબ્લેમથી દૂર રહે છે. ઓછું તેલ ખાનારાઓને પણ હાર્ટનો પ્રોબ્લેમ નથી થતો અને બટર, ચીઝ કે આઈસક્રીમ જેવા મેદસ્વી કરનારા ખોરાકની પરેજી રાખનારાઓનું હાર્ટ પણ લાંબો સમય સુધી હેલ્ધી રહે છે. ખાવામાં મીઠાનું એટલે કે નિમકનું પ્રમાણ ઘટાડી દેનારાઓને પણ લાંબા ગાળે હાર્ટની બીમારી થતી નથી. આવી બીજી અનેક સારી આદતો સર્વેમાંથી જાણવા મળી છે કે જેને કારણે હાર્ટનો પ્રોબ્લેમ થતો નથી અને હાર્ટ હેલ્ધી રહે છે.
No comments:
Post a Comment