વરસાદમાં પલળવાની તો ખૂબ મજા આવે, પરંતુ વરસાદમાં વાળ સંભાળવાની ખૂબ પળોજણ હોય છે. ખાસ કરીને જો તમારા વાળ લાંબા કાળા લહેરાતા હોય તો. અવારનવાર વરસાદમાં પલળવાનું થાય તો વાળની ગુણવત્તા પર અસર થાય છે. એટલે વરસાદમાં વાળને સાચવવા થોડી તકેદારી જરૂરી બની જાય છે
ચોમાસામાં વાળને એકાંતરે દિવસે ધોવા જોઈએ. વરસાદમાં પલળીને આવ્યા હો ત્યારે તો ખાસ. ચોમાસામાં માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈને પછી કન્ડિશનર લગાવવું. મોટા ભાગે વાળને કુદરતી રીતે સુકાવા દેવા. ચોમાસામાં ઘણી યુવતીઓ વાળ સૂકવવા હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે જે યોગ્ય નથી.
માથાની ત્વચા પર હેર ઓઇલથી મસાજ કરવો. એ વાળમાં ખોડો થતો અટકાવશે. તેલમાં વધારે પ્રમાણમાં ન્યૂટ્રિશન હોવાથી તેલ લગાવવાથી વાળ નરમ અને મુલાયમ બને છે. તેલના મસાજને કારણે લોહીનું પરિભ્રમણ વધે છે એટલે વાદળછાયા વાતાવરણમાં જો માથું દુખવાની સમસ્યા સતાવતી હશે તો પણ રાહત મળશે.
વાળમાં વધારે દિવસ સુધી તેલ ન લગાવી રાખવું, કારણ કે તેલવાળા વાળ ધૂળ, માટી, કચરો વગેરે વધારે ઝડપથી પકડે છે. બદામ, લેવેન્ડર,રોઝમેરી, જોજોબા તેમજ ગ્રેપ સીડ ઓઇલના ઇશેન્સિયલ વાળમાં વધારે અસર કરીને વાળની ગુણવત્તા સુધારે છે. આ પ્રકારના તેલથી અડધો કલાકથી કલાક મસાજ કર્યા બાદ માથું ધોઈ નાખવું. ચોમાસામાં સ્ટાઇલિંગ પ્રોડક્ટનો વધારે ઉપયોગ ન કરવો. બને ત્યાં સુધી તો તેનો વપરાશ ટાળો તે જ યોગ્ય રહેશે. જેમાં વધુપડતાં કેમિકલ હોય તેવી જેલ, મૂસ, સ્પ્રે જેવી સ્ટાઇલિંગ પ્રોડક્ટસને ચોમાસામાં તો ભૂલી જ જવી, કારણ કે આ બધી પ્રોડક્ટસ ભેજના સંપર્કમાં આવે ત્યારે નકામી થઈ જાય છે. આ પ્રોડક્ટ્સથી વાળમાં ધૂળ, માટી વધારે ચોંટે છે જેથી વાળ ગૂંચવાયેલા અને સૂકા બની જાય છે. આ સિઝનમાં દહીં વાળ માટેનું સૌથી સરસ કુદરતી કન્ડિશનર છે. વાળમાં દહીં લગાવવાથી ખોડો દૂર થશે તેમજ તૂટતા વાળની સમસ્યાનો પણ ઉકેલ આવશે.
ચોમાસામાં હેર સ્ટાઇલ સમજી વિચારીને જ કરવી, વાળ કપાવવા માટે પણ આ સિઝન એકદમ યોગ્ય છે વાળ નાના હશે એમ તેની સંભાળ સારી રીતે લઈ શકાશે. જે પ્રકારની હેર સ્ટાઇલમાં આર્યિંનગ, સ્ટેરનિંગ કે કલર કરવાની જરૂર પડતી હોય તે હેર સ્ટાઇલ બને ત્યાં સુધી ટાળવી.
મોન્સૂનમાં વાળની
ખાસ સંભાળ
* વાળને સૂકવવા બ્લો ડ્રાયરને બદલે સોફ્ટ ટુવાલનો ઉપયોગ કરવો.
* વાળને સ્ટીમ આપવાથી ખોડો તેમજ ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળશે.
* વાળ ભીના થયા હોય તો ખુલ્લા કરી દેવા જેથી સુકાઈ જાય. ભીના વાળ બાંધી રાખશો તો વાળમાંથી વાસ આવશે અને ખોડો પણ થશે.
* વાળમાં તેલ લગાવીને તેને બહારથી પોષણ પૂરું પાડવાની સાથે સાથે એવો ખોરાક લેવો જોઈએ જેના લીધે વાળને અંદરથી પણ પોષણ મળે.
No comments:
Post a Comment