એક વર્ષથી ભૂખ દિનપ્રતિદિન ઓછી થતી જાય છે. થોડો આહાર લેવાથી પણ પાચન થતું નથી. પેટમાં એક પ્રકારની અજીબ બેચેની જેવી અનુભૂતિ થાય છે. જમ્યા પછી આફરા જેવું રહ્યા કરે. એક વર્ષમાં સાત- આઠ કિલો વજન ઓછું થઈ ગયું છે. કોઈ કોઈ વખત પેટની જમણી બાજુ છેલ્લી પાંસળી નીચે એકદમ દુખાવો ઉપડે છે અને દવાઓ લેવાથી દુખાવો મટી જાય છે, પરંતુ ધીમો દુખાવો તો રહ્યા જ કરે છે. પંદરેક દિવસે એકાદ ઊલટી પણ થાય છે. યોગ્ય નિદાન કરીને ઉપચાર બતાવો.
દર્દીને તપાસવાના ટેબલ પર એ બહેનના પેટની તપાસ કરતાં પેટમાં જમણી બાજુ છેલ્લી પાંસળી નીચે ચાર આંગળ જેટલું યકૃત- લિવર વધેલું જણાયું. આમ તો લિવર વધવાનાં અનેક કારણો દર્શાવાયાં છે અને સામાન્ય રીતે લિવરની વૃદ્ધિ થવાથી કમળાનાં લક્ષણો ઉત્પન્ન થાય, પરંતુ આ બહેનને કમળાનાં લક્ષણો હતાં નહીં. વાયુ અને પિત્તને લીધે યકૃત વૃદ્ધિનું નિદાન કરી એ બહેનને દોઢથી બે મહિના નિમ્ન ઉપચારની સલાહ આપી.
ઉપચાર
* પચવામાં ભારે એવાં આહાર દ્રવ્યો જેવાં કે તળેલું, ઠંડું, વાસી, મીઠાઈઓ, ઘી, તેલ, માખણ અતિ ખાટા, તીખા, ખારા દ્રવ્યો વગેરે સાવ બંધ.
* સાત- આઠ દિવસ માત્ર મગનું પાણી, ફળોનો રસ, મલાઈ કાઢેલું દૂધ, ચા, કોફી વગેરે લેવાનાં.
* સાત- આઠ દિવસ પછી ભૂખ ઊઘડે તે પ્રમાણે પાતળી ખીચડી, મગ, મોળી કઢી, કોરી રોટલી, શાકના સૂપ વગેરે.
* ઉપચારક્રમ ચાલે ત્યાં સુધી સંપૂર્ણ આરામ.
* ધૃતકુમારી (કુંવારપાઠું)નો તાજો રસ એક ચમચી સવારે, બપોરે ને રાત્રે લેવો.
* આરોગ્યર્વિધની ટેબ્લેટ એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે.
* લોહાસવઃ બબ્બે ચમચી સવારે બપોરે અને રાત્રે પીવો.
ગયા સપ્ટેમ્બર એ બહેનનો પત્ર આવેલો. તેમાં તેમણે જણાવેલું કે ભૂખ સારી લાગે છે. ત્રણ કિલો વજન વધ્યું છે. પેટમાં ગરબડ જણાતી નથી. તમારા જણાવ્યા પ્રમાણેની પરેજી અને ઉપચાર ચાલુ છે.
ઘરગથ્થુ ઉપચાર
મર્હિષ ચરકે પોતાના મહાગ્રંથના સૂત્રસ્થાનના પચીસમા અધ્યાયમાં લખ્યું છે કે ‘રાસ્નાવાત હરાણાં શ્રેષ્ઠમ્’ એટલે કે વાત- વ્યાધિઓમાં ‘રાસ્ના’ સૌથી ઉત્તમ ઔષધ છે. એટલે જ વૈદ્યો વાતવ્યાધિમાં મહારાસ્નાદિ ક્વાથ નાના અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવાની સૂચના આપે છે. સંધિવા એટલે કે આર્થાઈટીસ, એકાંગવાત, સર્વાંગવાત, અનંતવાત, વાયુથી થતો માથાનો દુખાવો, કટિશૂળ, અસ્થિવાત વગેરે ૮૦ પ્રકારના વાયુના રોગમાં આ ‘રાસ્ના’ ઉત્તમ પરિણામ આપે છે. રાસ્નાનો ઉપયોગ કરતી વખતે વાતવર્ધક આહાર ત્યાગવો જોઈએ.
No comments:
Post a Comment