રૂપનિખાર વાળને સ્ત્રીનું અમૂલ્ય ઘરેણું ગણવામાં આવે છે. સોનાનું આભૂષણ પણ સમય જતાં ઘસાય, એમ વાળ પણ જ્યારે ઘસાય ત્યારે સ્ત્રીઓને ભારે ચિંતા સતાવતી રહે છે. સ્ત્રીના આ આભૂષણનું જતન કઈ રીતે કરવું અને વાળ ઓછા થવાના લક્ષણોની અહીં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જેથી વહેલી તકે તમે સૌંદર્યમાં શોભા વધારતા વાળને ઓછા થતાં અટકાવી શકો.
તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા વાળ દિવસેને દિવસે ઘસાઈ રહ્યા છે?
તમે વાળ ઓળી લો પછી કાંસકામાં ઘણા વાળ ઉતરેલા દેખાય છે?
શું તમારા માથાના ભાગ પર ટાલ પડવાની શરૂ થઈ ગઇ છે?
હા, માત્ર પુરુષોને જ ટાલની સમસ્યા ઊભી થાય એવું નથી. હવે સ્ત્રીઓ પણ આ સમસ્યામાંથી બાકાત રહી નથી. પહેલાં સ્ત્રીઓના વાળ પાતળા પડતાં અને પુરુષોને ટાલ દેખાતી એ સામાન્ય હતું, પણ આજે કેશવિજ્ઞાનીઓએ તારણ મેળવ્યું છે કે મહિલાઓમાં વાળ ઉતરવાની કે ખરવાની સમસ્યા ઘણી વધતી જઈ રહી છે અને એ પણ યૌવનમાં જ. સ્ત્રીઓ માટે તેમના વાળ એ કુદરતી રીતે મળેલો તાજ છે. સુંદર વાળ સ્ત્રીને તેની પૂર્ણતાનો અહેસાસ કરાવે છે અને ખરતા વાળ સ્ત્રીના તણાવમાં વિપુલ પ્રમાણમાં વધારો કરાવે છે.
ભારતમાં અને ભારત બહાર, વિશ્વમાં સ્ત્રીઓના વાળને મહત્ત્વની બાબત ગણવામાં આવી છે. વિશ્વમાં આજે વાળની સંભાળ માટેના પ્રસાધનો અને હેરકેરનો ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને મોટાભાગના વાળની સાચવણી માટેના ઉત્પાદનો મુખ્યત્વે સ્ત્રીઓને અનુલક્ષીને જ બનતાં હોય છે. હેર કેર માટેના ઉત્પાદનોની જાહેરાતો દેખીતી રીતે જ તેની સાબિતીરૂપ છે. જેમાં પુરુષ મોડલોની સરખામણીએ સ્ત્રી મોડેલો ઉત્પાદનના વેચાણ માટે વધુ દેખાય છે. એનું કારણ એ છે કે પુરુષોની સરખામણીએ આ ઉત્પાદનો સ્ત્રીઓ માટે વધુ લાગુ પડે છે. સ્ત્રીના વાળનું મહત્ત્વ સ્ત્રીની સૌંદર્ય સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આને જાહેરખબર અને મીડિયાના માધ્યમ દ્વારા વધુ બળવાન બનાવવામાં આવે છે. માટે ગૌર વર્ણ અને રેશમી મુલાયમ ત્વચાના સૌંદર્યની જેમ સુંદર લાંબા હેલ્ધી વાળને પણ સુંદરતાનો એકભાગ ગણવામાં ઓ છે.
ભારતમાં નારીના વાળને તેની અમૂલ્ય મિલકત સમી માનવામાં આવે છે એ વાતે કોઈ શંકાને સ્થાન નથી. આજના આધુનિક યુગમાં ટૂંકા વાળ વધારે માફક આવે છે. આજની આધુનિક નારી પોતાની લાંબી લટોને સંવારવાની પળોજણમાં પડતી નથી. જ્યારે પહેલાં ગૃહિણીઓને ખભાથી ટૂંકા વાળ રાખવા માટે સાફ મનાઈ હતી.વાળનું આટલું મહત્ત્વ સમજ્યા પછી જ્યારે સ્ત્રીના વાળ ખરવા લાગે છે. ટાલ પડવા લાગે છે ત્યારે તે દુઃખ અને ચિંતામાં ગરકાવ થઈ જાય છે.
સ્ત્રી-પુરુષમાં ટાલ જુદી જુદી
પુરુષોને યુ શેપમાં ટાલ પડવાની શરૂઆત થાય છે. તાળવામાં ભમરી પડે એ ભાગમાં પહેલાં વાળ ઘસાઈ જાય છે અને પછી ધીરે ધીરે ઓછા થઈ જાય છે. જ્યારે સ્ત્રીઓને ટાલ પડવાની શરૂઆત થતાં તાળવાના વચ્ચેના ભાગમાં વાળ ઓછા થાય છે અને પછી ટાલ પ્રસરતી જાય છે. ઘણાને આગલા ભાગમાં વાલ ઓછા થવા માંડે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને ટાલ ધીમી ગતિએ અને મોટી ઉંમરે પડતી જાય છે, પણ સ્ત્રીઓને કોઈ પણ ઉંમરે ટાલ થાય ત્યારે તે તેના માટે માનસિક આઘાતજનક બની રહે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે પહેલાં એને ભરાવદાર અને ઘાટ્ટા વાળ હોય!
મહિલાઓને ટાલ શા માટે પડે છે?
ટાલની સમસ્યા નિપજવાનું મૂળભૂત કારણ મહિલાઓના હોર્મોન્સ સાથે સંકળાયેલું છે. પુલ્લિંગજનન એટલે કે એન્ડ્રોજન અને સ્ત્રીલિંગજનન એટલે કે એસ્ટ્રોજન આ બન્ને હોર્મોન્સ મહિલાઓમાં જોવા મળે છે. એન્ડ્રોજન આખા શરીરે વાળ વધવા માટે જવાબદાર હોર્મોન્સ છે. વિપરીત રીતે પુરુષોમાં એન્ડ્રોજન વાળનો નાશ કરે છે. આ હોર્મોન્સમાં રહેલી નાની કોશિકાઓ જનનપ્રક્રિયામાં આગળથી જ ટાલને નોતરે છે જેને એન્ડ્રોજીનેટિક એલોપેસિયા (ટાલ પડવી) કહેવાય છે. સ્ત્રીઓના સદ્ભાગ્યે નકારાત્મક અસર ન કરતાં ટાલ પડતી અટકાવવાનું કામ એસ્ટ્રોજન હોર્મોન્સ કરે છે.
એક સમયે જ્યારે સ્ત્રીના શરીરમાં ઓએસ્ટ્રોજન હોર્મોન્સનું પ્રમાણ ઘટે છે ત્યારે એન્ડ્રોજન તેના પર આક્રમણ કરે છે અને નવી કોશિકાઓની રચના થતી અટકાવે છે અને વાળ પાતળા પડવાના શરૂ થાય છે. દાત. મેનોપોઝ પહેલાં એસ્ટ્રોજન સ્ત્રીના શરીરમાં વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ હોર્મોન્સ સ્ત્રીના શરીરમાં ઓછી માત્રામાં ઉત્પન્ન થતા ટેસ્ટોસ્ટ્રેઓનની નકારાત્મક અસર સામે લડે છે. મેનોપોઝ પછી જ્યારે સ્ત્રીલિંગજનન હોર્મોન્સ એટલે કે ઓએસ્ટ્રોજન ઉત્પન્ન થવાના બંધ થઈ જાય છે અથવા એકંદરે ઓછા ઉત્પન્ન થાય છે એના પરિણામે ટાલ પડવાની શરૂઆત થાય છે. ટાલ પડવાનું એક કારણ તણાવની પ્રતિક્રિયા પણ હોઈ શકે. ઉપરાંત ગર્ભનિરોધક ગોળીઓનું સેવન, ગર્ભાશયનનું ઓપરેશન, પ્રસૂતિ કે બાળકને જન્મ અથવા હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપીથી પણ ટાલ થવાની શક્યતાઓ ઉપજે છે.
No comments:
Post a Comment