માહિતીનું પોટલું બનાવવા માત્રથી મનમાં કર્મઠતા, કંઈક કરી છૂટવાની તીવ્ર ઇચ્છા નિર્માણ થશે ખરી ?
વ્રત અને તહેવારોની મોસમ આવી ચૂકી છે. મોડો પણ પ્રમાણસર વરસાદ શરૂ થતાં સાર્વત્રિક નિરાશામાં કંઈક અંશે રાહત જણાય છે. ફેઈસબુક-ટ્વીટર અને અન્ય આધુનિક સંસાધનોનો બહોળો ઉપયોગ કરનાર ‘યુથ’ ભારતની વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન પડકારો અને તેના ઉકેલ અંગે શું વિચારે છે ?
કારકિર્દી ઘડવા માટે કૃતસંકલ્પિત આ તરુણ પેઢી માહિતીથી સભર હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માહિતીનું પોટલું બનાવવા માત્રથી મનમાં કર્મઠતા, કંઈક કરી છૂટવાની તીવ્ર ઇચ્છા નિર્માણ થશે ખરી ? આ યક્ષ પ્રશ્ન તરુણ પેઢી અંગે વારંવાર ચર્ચાતો રહે છે.
ધર્મ આધારિત સમાજ વ્યવસ્થા
ટુ-જી કાંડ હશે કે મુંબઈમાં ફરી પાછા થયેલ બોમ્બ ધડાકા હશે. ચોમેર અરાજકતા અનુભવ કરતી આજની યુવાપેઢી પોતાના ભાવિ અંગે સંચિત જણાય છે. અભ્યાસ કર્યો હશે. નાનો-મોટો અનુભવ મેળવ્યો હશે તો પણ. મનપસંદ નોકરી કે વ્યવસાય મળશે જ. આ આત્મવિશ્વાસ આપણી યુવાપેઢીમાં શા માટે જણાતો નથી ?
ખોટા રસ્તા અપનાવી, નીતિમત્તા સાથે બાંધછોડ કરી, રાજકીય લાગવગ અથવા બાહુબળના ટેકાથી પોતાની સાથેનો અન્ય કોઈ તરુણ કે તરુણી આગળ વધતાં જોઈએ ત્યારે આત્મવિશ્વાસ ન ગુમાવીએ તો બીજું શું થાય ?
સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર વિભિન્ન પાસાંઓની છણાવટ કરવાથી પણ કોઈ લાભ નથી. આવો વિચાર યુવા હૃદયમાં સ્થાપિત થઈ જાય પછી તેનામાં સંઘર્ષ કરી માર્ગ કાઢવાની ઇચ્છાશક્તિ ક્રમશઃ ઘટવા લાગે છે.
ઇચ્છાશક્તિને પ્રબળ બનાવવા માટે આપણી યુવાપેઢી અનેક માર્ગો પૈકી ભારતના મૌલિક અને મૂળભૂત માર્ગ-ભક્તિમાર્ગને અપનાવવા પ્રેરાય છે. ગુરુ-મહંત- મઠ- મંદિર- પૂજાઘરોમાં આજથી ૫-૮ વર્ષ પૂર્વે જતી યુવક-યુવતીઓની સંખ્યાની તુલનામાં આજે આ વર્ગની સંખ્યા અનેકગણી વધી છે.
ધર્મ આપણી સમાજરચનાનો પાયો છે. આ ભાવ મનમાં દૃઢ થવાની શરૂઆત થાય ત્યાં જ કોઈ ગુરુ કે ધાર્મિક વ્યક્તિના આર્થિક કે ચારિત્ર સંબંધી પ્રકરણ પ્રકાશિત થતાં યુવાપેઢીનો વિશ્વાસ હચમચી જાય છે.
ઉચ્ચ પદવીધારી તરુણ-તરુણીઓ ભક્તિમાર્ગ પર આગળ વધી ક્યારેક આ સંસાર પ્રત્યે વૈરાગ્યની ભાવના જાગૃત થતાં સંન્યાસ લેવા પ્રેરાય છે.
દુનિયાદારીથી ભાગવાથી શો ફાયદો ?
ભારતીય તત્ત્વજ્ઞાનમાં સંન્યાસાશ્રમને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આમ છતાં બે-પાંચ પ્રસંગ કે કારણોથી મન સંસાર પરથી ઊઠી જાય અને કોઈ સંપ્રદાય વિશેષના પ્રભાવી વાતાવરણમાં સંન્યાસ લેવાની વૃત્તિ જાગૃત થાય તેમાં સ્થિરતા કે ટકાઉપણું રહેશે ખરું ?
અનેક સંપ્રદાયમાં દીક્ષા લઈ સંન્યાસના માર્ગ પર આગળ વધેલા તરુણ-તરુણીઓ બે-પાંચ વર્ષમાં જ તે માર્ગની આગવી જટિલતા અને કઠિન દિનચર્યાથી અસ્વસ્થ બની તે માર્ગ છોડી સંસારમાં પુનઃ પ્રવેશ કરવો પડે છે.
આથી ભક્તિમાર્ગ દ્વારા આત્મવિશ્વાસ બુલંદ કરવાનો પ્રયાસ કરનાર દરેક યુવક-યુવતીએ માનસિક સંતુલન રાખી, પર્યાપ્ત સમય લઈ તેમ જ જરૂરી પ્રૌઢ વ્યક્તિઓ સાથે વિચારવિમર્શ કરીને જ નિર્ણય કરવો જોઈએ.
ભક્તિમાર્ગ સિવાય વિકલ્પ છે ખરો ?
હિન્દી કવિની એક પંક્તિ છે :
અંધેરે કે સામ્રાજ્ય સે લડકર દીપ
અપને અસ્તિત્વ કી બાજી લગા દેતા હૈ,
લેકિન દૂસરોં કો પ્રકાશ દેને કા
અપના કર્તવ્ય નહીં ભૂલતા.
આપણા જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાં પણ આપણે પેલા દીપકની માફક આપણું કર્તવ્ય ન ભૂલીએ તે જરૂરી છે. જીવનરૂપી દાદર પર આપણે પડયા વગર પગથિયાં ઊતરવાના છે.
આપણને વારસામાં દિલચોરી, કામચોરી, દાણચોરી, ઉદ્ધતાઈ, ઉચ્છંખલતા, વડીલો સામે બળવો કરવાનું મળ્યું છે. આ વારસો આપણને આપણા કર્તવ્યપથ પર પ્રગતિ કરવામાં બાધક બને છે. આ વારસો ‘આઉટ ઓફ ડેઈટ’ કરવાની આપણામાં હિંમત છે ખરી ?
થોડી ધીરજ અને થોડી સમજનો સારો સમન્વય બેસાડીશું તો આપણો આત્મવિશ્વાસ આપણે જીવંત રાખવામાં સફળ થઈશું. ભક્તિમાર્ગ કરતાં સરળ કર્મમાર્ગ ભારતની યુવાપેઢીને વધુ અસરકારક બનાવવામાં ઉપયોગી સાબિત થશે.
જીવનને આંટીઘૂંટીથી મુક્ત રાખવાનું કૌશલ્ય આપણે પ્રાપ્ત કરવું જોઈએ. નાનપણમાં શાળામાં લેસન ન કર્યું હોય તો ‘તબિયત સારી ન હતી’ તેવું માતા-પિતા પાસે લખાવી આપણે જાતે કરીને ખોટું આચરણ અપનાવતાં થઈએ છીએ. આ નાનપણના કુસંસ્કાર આપણા જીવન ઘડતરનો ખોટો પાયો પુરવાર થાય છે.
સરળતા ગુમાવતાં તેમ જ ખોટા કર્મનો આશરો લેતાં આપણું જીવન આપણે જાતે ભૂલભૂલામણી જેવું બનાવી દઈએ છીએ. આ પ્રકારની જીવનરચનામાંથી આપણે પોતે કેવી રીતે બહાર નીકળવું તે સમસ્યા આપણને કોરી ખાય છે.
ભક્તિમાર્ગના શ્રેષ્ઠ પુરુષ-મહિલા પાસેથી આપણે સરળ જીવન જીવવાનો કીમિયો હાંસલ કરી લઈએ તો પછી દીક્ષા લઈ સંસારની મોહમાયાથી દૂર થવાનો રસ્તો આપણે અપનાવવો જ નહીં પડે.
અસ્તિત્વના જંગમાં ભારતીય યુવાશક્તિ
ગત ત્રણ-ચાર વર્ષમાં ભારત અનેક પ્રકારે પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આ પડકારોને પાર કરવા માટે ભારતની યુવાશક્તિએ કૃતસંકલ્પિત બનવું પડશે. સંકલ્પ પૂરો કરવા માટે ભારતીય જીવનમૂલ્યોને જાણી, સમજી અને રોજિંદા જીવનમાં ઉતારવા માટેનો પરિશ્રમ હાથ ધરવો પડશે. દંભ, ડોળ, કપટનો માર્ગ હંમેશાં નિરાશા અને નિષ્ફળતા લાવનારો હોય છે.
આપણે સરળ બનીશું તો અનેક પ્રશ્નો જે આજે ચોમેર અનુભવી શકીએ છીએ. તેમાંથી માર્ગ જાતે શોધી શકીશું. સરળ બનવા માટે કેટલાક પ્રયોગો હાથ ધરવા પડશે. જેમ કે હું ખોટું નહીં બોલું, હક્ક વગરનું મેળવવા કોશિશ નહીં કરું. મારી પાસે જે ગુણ અને સંપન્નતા છે તેમાં રાતોરાત વધારો કરવા કોઈ પણ ‘શોર્ટકટ’ નહીં અપનાવું.
આપણામાંથી રોજનીશી-ડાયરી લખવાની સુટેવ કેટલા ધરાવે છે ? રોજનીશી એક પ્રકારે આપણો અરીસો છે. રોજ કરેલા કામોમાં સરળતા કેટલી હતી અને દંભ, ડોળ કે કપટ કેટલાં હતાં ? આવી પારદર્શક નોંધ આપણે રોજ લખી નિયમિત સ્વરૂપમાં મૂલ્યાંકન કરતાં રહીશું તો આપણે સરળતાના માર્ગ પર તીવ્ર ગતિથી આગળ વધી શકીશું.
અટપટું જીવન જીવવામાં એક પ્રકારનો રોમાંચ યુવાપેઢી અનુભવતી હોય છે, પરંતુ સીધું જીવન જીવવામાં પડકાર હોય છે. આપણને ક્ષણિક રોમાંચ જોઈએ છીએ કે પડકાર હલ કરવાની સાહસવૃત્તિ ? નક્કી આપણે કરવાનું છે.
No comments:
Post a Comment