Monday, 15 August 2011

જ્યારે બાળકને ફૂટે દાંત




જ્યારે બાળકને દાંત આવવાની શરૂઆત થાય ત્યારે તે કેવી હરકતો કરે? તે વખતે માતાએ શું ધ્યાન આપવું જોઈએ? તે વિશે જાણીએ...
બાળક જ્યાં સુધી નાનું હોય ત્યાં સુધી વારંવાર કોઈને કોઈ પરેશાની ચાલુ જ રહે છે. પરંતુ જ્યારે બાળકને દાંત આવવા શરૂ થાય છે ત્યારે કંઈક વધુ પરેશાની થાય છે એવે વખતે બાળક કમજોર અને ચીડિયું બની જાય છે. તેને વારંવાર સળેખમ, તાવ અને ઝાડાની ફરિયાદ રહ્યા કરે છે. જેથી માતા પરેશાન થઈ જાય છે કે શું કરવું શું ન કરવું? તો આવો જાણીએઃ
દાંત આવવા એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. છ માસથી લઈને એક વર્ષ સુધીના બાળકોના દાંત આવવા શરૂ થઈ જાય છે. દાંત આવતી વખતે બાળકને ઝાડા, તાવ કે ખાંસી સળેખમની ફરિયાદ રહે છે. બાળક કમજોર બની જાય છે. અને ક્યારેક તેનો શારીરિક વિકાસ અને ક્રિયાશીલતા પણ મંદ પડી જાય છે. દાંત આવતી વખતે બાળક અંગૂઠો, મુઠ્ઠી કે કોઈ પણ ચીજ હાથમાં આવે તેને મોંમાં નાખવાની કોશિશ કરે છે. આ અવસ્થામાં તેને થોડી સખત ચીજ ચૂસવા કે ચાવવા માટે આપવી જોઈએ. એનાથી  તેના પેઢાં મજબૂત બનશે કે પછી બાળકને ટીથિંગ રિંગ લાવી આપો, જે નરમ પ્લાસ્ટિકની બનેલી હોય છે અને તેનાથી બાળકના પેઢાને વ્યાયામ મળે છે. દાંત આવતી વખતે બાળક જે પણ ચીજ મળે તેને મોંમાં નાંખી દે છે. એટલા માટે એવે સમયે બાળકને ધારદાર કે વાગી જાય તેવાં રમકડાં ન આપો. વળી, બાળક જ્યાં રમી રહ્યું હોય તે જગ્યાને સ્વચ્છ- સાફ રાખો. જેથી ચેપ લાગવાનો ભય ન રહે.
અહીંયા અમે કેટલાક ઘરેલું નુસખા આપીએ છીએ, જે આપના બાળકને દાંત આવવાથી આવનારી તકલીફોમાં રાહત આપશે.
* જો બાળકને દાંત આવી રહ્યા હોય તો શેકેલ ટંકણખાર અને મૂળેઠી બે- બે ગ્રામ બારીક પીસીને બાળકના પેઢાં પર એક અઠવાડિયા સુધી ઘસવાથી દાંત સરળતાથી આવે છે.
* કાચા આમળાં કે કાચી હળદરનો રસ પેઢાં પર ઘસવાથી દાંત આસાનીથી આવે છે.
* દાડમના રસમાં તુલસીનો રસ ભેળવીને બાળકને ચટાડવાથી તેનાં દાંત સુગમતાથી નીકળી આવે છે. અને ઝાડા થતાં નથી. દાડમનાં છોતરાંને સાફ કરીને બાળકોના હાથમાં આપી દો. તેઓ તેને ચાવશે તો દાંત આવવામાં સરળતા રહેશે.
 * નાની પીપરને બારીક પીસીને કાપડમાંથી ગાળી લેવાય તેવું ચૂર્ણ બનાવો. એને  ચપટી લઇને મધમાં ભેળવીને પેઢા પર ઘસવાથી દાંત કષ્ટ વગર નીકળી આવે છે આ પ્રયોગ દિવસમાં બે-ત્રણવાર કરવો જોઈએ.

No comments:

Post a Comment