આપણાં દેશમાં ડાયાબીટિસના ઘણાં દર્દીઓ છે. એક અંદાજ મુજબ ભારતમાં ડાયાબીટિસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. જીવનશૈલીમાં ફેરફારો, કસરતનો અભાવ, પોષણહીન ભોજન અથવા સંતુલિત આહાર તરફ ઉદાસીનતા, ખાઉધરાપણું વગેરે કારણોને લીધે ડાયાબિટીસની સમસ્યા ઊભી થાય છે. ડાયાબીટિસના દર્દીમાં પગ સંબંધિત રોગોની સંભાવના ખૂબ રહે છે.
ઘણીવાર ડાયાબીટિસના દર્દીઓના પગ પર થતાં ગુમડાં કે ચાંદા જેવી તકલીફો પર ધ્યાન આપતા નથી. શરૂઆતમાં આછા ઘસરકાના સ્વરૂપે ઊભી થયેલી તકલીફ ધીમે ધીમે ચાંદામાં પરિણમે છે. નોન-ડાયાબીટીક વ્યક્તિઓમાં આ પ્રકારના ચાંદા ડ્રેસીંગ વગેરેથી મટી જાય છે. ડાયાબીટીક લોકોમાં આ પ્રકારની સારવારની કોઈ અસર થતી નથી. જે ડાયાબીટીક લોકો આવી સમસ્યાઓ પર શરૂઆતથી ધ્યાન નથી આપતા તેઓમાં તે ગંભીર સ્વરૂપ લઈ લે છે. સમયસર સારવાર ન મળવાને કારણે નાણાં, સમય અને શરીરના એક મહત્ત્વના અંગની હાનિ ભોગવવી પડે છે. આથી ડાયાબીટિસની દર્દીઓએ પગના કોઈપણ ભાગમાં થયેલી નાનામાં નાની તકલીફ તરફ પણ દુર્લક્ષ ના સેવવું જોઈએ. તેઓએ જનરલ કે ઓર્થોપીડીક ડોકટરને બદલે વાસ્ક્યુલર કે કાર્ડીયોવાસ્કયુલર સર્જનને બતાવીને સારવાર કરાવવી જોઈએ. ડાયાબીટીસના દર્દીએ એ યાદ રાખવું જરૂરી છે કે પગમાં પહોંચતું અપૂરતું લોહી અને પગની ત્વચામાં સંવેદનાનો અભાવ એ બે એવી બાબતો છે જે કોઈપણ સમસ્યાને વકરાવી શકે છે.
ડાયાબીટિસના દર્દીના પગમાં ચાંદા થવાની સમસ્યા પાછળનું કારણ શું છે ? આવા દર્દીઓમાં પગ અને પગના પંજાઓની ત્વચાની સંવેદનશીલતા ઘટી જાય છે. પરિણામે તેઓના પગમાં થતી કોઈપણ તકલીફ કે પીડાને અનુભવી શકતા નથી. નોન-ડાયાબીટીક વ્યક્તિ નાના અમસ્તા ઘસરકાની પીડા પણ અનુભવી શકે છે. ડાયાબીટીક વ્યક્તિ દ્વારા ન અનુભવાયેલી પીડાને કારણે અથવા ઉપેક્ષાને કારણે નાના ચીરા કે ઘસરકા ધીમે ધીમે ચાંદાનું સ્વરૂપ લે છે. ડાયાબીટીક ન્યુરોપથીને કારણે આમ બને છે. ડાયાબીટિસને કારણે મજ્જાતંતુઓ પર થતી અસરો આવી સંવેદના-શૂન્યતા, નબળાઈ અને પગના સ્નાયુઓનો અંશતઃલકવા જેવી સ્થિતિઓ સર્જે છે. જે કારણે સ્નાયુઓનું સંકોચન થાય છે. સ્નાયુઓ સંકોચાવાને કારણે હાડકાં બહાર નીકળી આવે છે અને તેના પર વધુ ઘસારો થવાને કારણે ચાંદા પડવાની સંભાવના વધી જાય છે. રક્તવાહિનીઓમાં પણ સંકોચન થવાને કારણે રક્તનો પુરવઠો ઘટે છે. પરિણામે પરૂ અને ગેન્ગ્રીન થાય છે. આમ સંવેદના અને રક્ત પુરવઠો ઘટવાને કારણે નાનામાં નાનો ચેપ પણ મોટું સ્વરૂપ લઈ લે છે અને દર્દી તેનાથી અજાણ રહી જાય છે.
ડાયાબીટિસના દર્દીઓએ વાસ્ક્યુલર કે કાર્ડીયો-વાસ્ક્યુલર સર્જનની સારવાર લેવી જોઈએ. સામાન્ય પ્રકારની એન્ટીબાયોટીક્સ કે ડ્રેસીંગથી આ દર્દીઓને કોઈ ફાયદો થતો નથી. તેઓના પગમાં રક્તનો પુરવઠો કેટલો મળે છે તે જાણવું ખૂબ મહત્ત્વનું બની જાય છે. ઓછો રક્ત પુરવઠો હોવાનું કારણ સંકોચાયેલી રક્તવાહિનીઓ હોય છે. આ સંકોચન તેમાં જમા થયેલી ચરબી, કેલ્શયમ અને કોલસ્ટરોલને કારણે થાય છે. તેથી જ પગના નીચેના ભાગની રક્તવાહિનીઓની તપાસ કરવી જરૂરી બની જાય છે. આ તપાસમાં ડોપ્લર-સ્ટડી, મલ્ટી-સ્લાઈડ સી.ટી. એંન્જીયો, એમ-આર એન્જીયો અને ડીજીટલ સબટ્રેકશન એન્ટીયોગ્રાફીનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જોઈને રક્ત-પુરવઠાની સુધારણાના ઉપાયો પ્રયોજવામાં આવે છે. અદ્યતન વિજ્ઞાનને કારણે આર્ટરીયલ-બાયપાસ સર્જરી, એન્જીયોપ્લાસ્ટી સ્ટેન્ટીગ, સબ-ઈન્ટીમલ-એન્જીયોપ્લાસ્ટી વગેરે કરીને રક્ત પરિભ્રમણ સુધારવામાં આવે છે. તેથી ડાયાબીટિસના દર્દીએ એવી હોસ્પિટલમાં જવું જરૂરી છે. જ્યાં ફુલટાઈમ વાસ્કયુલર-સર્જન તેમજ એન્જીયોગ્રાફી, બાયપાસ સર્જરી અને એન્જીયોગ્રાફીની સુવિધા હોય.
આપણાં દેશમાં એવું જોવામાં આવ્યું છે કે ચાંદાથી પીડાતો ડાયાબીટિસનો દર્દી નાના ક્લીનીકમાં જઈને રોજ ડ્રેસીંગ કરાવે છે. અપૂરતા રક્તપુરવઠાને કારણે ડ્રેસીંગથી કોઈ ફાયદો થતો નથી. પરિણામે ચાંદુ વધુને વધુ ઊંડું થતું જાય છે. ચેપ વધીને છેવટે ગ્રેન્ગ્રીન થઈ જાય છે. આ સંજોગોમાં પગ કાપી નાખવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
ડાયાબીટિસના દર્દીની આ સારવાર કરતી વખતે ચાંદાની પૂરી સંભાળ અને ચેપને રોકવાના ઉપાયો અત્યંત જરૂરી છે. પરૂ થવું ના જોઈએ કે અંદર રહેવું ના જોઈએ. ડ્રેસીંગમાં વપરાતા બીટાડાઈન કે હાઈડ્રોજન-પેરોક્સાઈડ વાપરવાનું ટાળવું જોઈએ. લોહીને પાતળું બનાવવાની દવાઓ આપીને રક્તપ્રવાહને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેટલાંક દર્દીઓને કોલાજન કે પી.ડી.જી.એફ. ડ્રેસીંગની જરૂર પડે છે. રૂઝાવાની પ્રક્રિયાને વેગ આપવા કેટલીક ઈન્ટ્રાવીનસ દવાઓ આપવામાં આવે છે. ત્વચાનું ગ્રાફટીંગ કરીને કે માયોક્યુટેનીયસ ફલેપ્સ લગાડીને ઝડપથી રૂઝ લાવવામાં આવે છે.
પગના ચાંદાથી બચવા આટલું કરો
*કોઈ ફરિયાદ ના હોય તો પણ ક્યારેક વાસ્ક્યુલર કે કાર્ડીયો-વાસ્ક્યુલર સર્જન પાસે પગની નસોની તપાસ કરાવો. દર ત્રણ મહિને તેની સલાહ લો. ક્યારેય પણ રક્તનો પુરવઠો ઘટેલો લાગે તો તે સર્જન ત્વરીત પગલાં લઈ શકે છે.
*ડોકટરની સલાહ અનુસાર ડાયાબીટિસની દવાઓ કે ઈન્જેકશન લઈને રક્તશર્કરાને નિયંત્રણમાં રાખો. તમારા ડોકટરના સંપર્કમાં રહીને તમારા ખોરાક, કસરત વગેરે અંગે સલાહ મેળવતા રહો.
*ઘરમાં ખુલ્લા પગે ચાલશો નહિ. ચંપલ, સ્લીપર્સ કે સેન્ડલ્સ પહેરવાનું ટાળો. તમારા પગ અને આંગળાને ઠંડીમાં ખુલ્લા રાખશો નહિ. ખુલ્લા રાખવાથી ઈજાઓ થવાનું જોખમ પણ રહે છે. પગને હૂંફાળા અને સુરક્ષિત રાખવા મોજા પહેરો. પગ પર ગરમી લાગવા દેશો નહિ. શૂઝમાં સીલીકોનના ઈન-સોલ્સ (અંદર મૂકવાના સોલ) ખૂબ ઉપયોગી રહે છે. તેમનો ઉપયોગ કરવાથી ચાંદાની શક્યતા ઘટી જાય છે.
*પગને સ્વચ્છ અને કોરા રાખો. આંગળા વચ્ચે પાણી કે ભેજને લાગવા ના દેશો. ભીનાં કે પ્રસ્વેદયુક્ત મોજા પહેરશો નહિ. ચોમાસુ અને ઉનાળા દરમિયાન દિવસમાં બે વાર મોજા બદલવાનું રાખો.
*દરરોજ પગને તપાસવાનું રાખો. ઘસરકા, લાલાશ, ચાઠા કે આંટણ ના થાય તેનું ધ્યાન રાખો. થાય તો તમારા સર્જનને મળીને તેમની સલાહ લો. પગમાં કોઈપણ જાતની ઈજા થાય તો ડોકટરને બતાવો.
*તંત્ર, અગવડદાયક શૂઝ પહેરવાનું ટાળો. ડંખ કરે એવા જૂતાને કાઢી નાખો. શૂઝ નરમ, આરામદાયક, ગાદીવાળા અને ક્યાંય દબાણ ના કરે તેવા હોવા જોઈએ. ખાસ કરીને ઉપસેલા હાડકા પર ઘસાય નહિ તેવા હોવા જોઈએ. ખર્ચની ચિંતા કર્યા વિના સારી બ્રાન્ડના શૂઝ ખરીદો. તેમાં સીલીકોન ઈન-સોલ્સનો ઉપયોગ કરો.
*ધ્રૂમપાનનો ત્યાગ કરો. તમાકુનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરશો નહિ. તમાકુવાળા પાન-મસાલો, છીંકણી, ટુથપેસ્ટ વગેરેનું સેવન ના કરશો. આ ચીજો ડાયાબીટીકના પગ માટે હાનિકારક છે.
*વજનને નિયંત્રણમાં રાખો. સ્થૂળ શરીર આમેય પગ માટે નુકસાનકારક છે. તેલ-ઘી વાળા ખોરાકનું સેવન કરવાનું ટાળો. રક્તમાંની ચરબી નસોને સંકોચીને પગ તરફના રક્તપ્રવાહને ઘટાડશે તો ચાંદાની સમસ્યા વધશે તેથી દર છ મહિને બ્લડ કોલસ્ટરોલનું પરીક્ષણ કરાવો અને તમારા ડોકટરની સલાહ લો.
*રોજ સવારે પાંચ-છ કિલોમીટર જેટલું ચાલો. તેનાથી તમારા પગમાંનું રક્તપરિભ્રમણ સુધરશે. ચાંદા હોય તો હવા ભરેલા વોકર્સ (ન્યુમેટિક-વોકર્સ) નો ઉપયોગ કરો. તે પગમાંના રક્તપ્રવાહને વ્યવસ્થિત રાખે તે રીતે તેમને બનાવવામાં આવે છે.
*પગના પંજા પર પડેલા કોઈ પણ આંટણ કે કણી-કપાસીને શેવ ન કરવાની ભૂલ ન કરશો. નખને પણ વધુ બુઠ્ઠા ના બનાવશો. ડાયાબીટીક માટે આ બધી ક્રિયાઓ જોખમભરેલી છે.
No comments:
Post a Comment