આજથી વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં કેટલાંક ઘરોનાં પ્રવેશદ્વાર પાસે એક્વેરિયમ (માછલીઘર) જોવા મળતું. એક્વેરિયમ એ સુશોભન તો કરે જ છે, પણ તે આપણા મનને પણ આનંદ આપે છે. સ્વચ્છ કાચની બરણી કે પેટીના સ્વચ્છ જળમાં તરતી રંગબેરંગી, કમનીય માછલીઓ જાણે કે નજરબંધી કરતી હોય તેમ આપણને ત્યાંથી ખસવા દેતી નથી. આજના સમયમાં તો ઘણાં ઘરોમાં માછલીઘર જોવા મળે છે. તે લોકોને વ્યવસાયની સારી તકો પૂરી પાડી રહ્યું છે.
સુશોભનની માછલીના વ્યવસાયમાં અમેરિકા મોખરે છે. ત્યાર બાદ યુરોપિયન યુનિયન અને જાપાનના નામ આવે છે. ઉષ્ણ કટિબંધના દેશોમાં સિંગાપોર સૌથી વધુ સુશોભનની માછલીની નિકાસ કરતો દેશ છે. ભારતનો હિસ્સો આ વ્યવસાયમાં હજુ ઓછો છે.
આજે તો માછલીઘર દ્વારા ઘરની શોભા વધારવી એ એક કળા ગણાય છે. હવે તો દરેકને વિવિધ દરિયાઈ વનસ્પતિ અને મત્સ્યનાં સુંદર વિશ્વને પોતાના નાનકડા ઘરમાં વસાવવાની તાલાવેલી લાગી છે. માછલીઘરને ઘરમાં વસાવતાં પહેલાં થોડું જીવવિજ્ઞાનનું જ્ઞાન, માછલીની ખાવાની ટેવો, તેના જીવનની આવશ્યકતાઓ વિશે માહિતી મેળવવી જરૂરી છે.
માછલીઘર વસાવતાં પહેલાં ઘરમાં જગ્યાની ઉપલબ્ધિ વિશે વિચારી લેવું જરૂરી છે. જગ્યા મુજબ તે બાઉલ (bowl) કે કયુબીકલ (લંબચોરસ પેટી)માં રાખી શકાય છે. એક્વેરિયમ બનાવવા કાચ, એક્રિલિક અથવા આર.સી.સી. (સિમેન્ટ)નો ઉપયોગ થાય છે. આગળના ભાગ માટે કાચનો ઉપયોગ કરવામાં આવે છે. એક્રિલિક-એક્વેરિયમ તૂટવાથી સલામત છે, પણ તેના પર ઘસરકા પડવાની સંભાવના રહે છે. તેથી કાચના એક્વેરિયમ સૌથી વધુ પસંદ થાય છે.
આજે તો કાચના લંબચોરસ કે નળાકાર એક્વેરિયમ બજારમાં મળે છે. આ એક્વેરિયમ મોંઘા છે, પરંતુ તે દેખાવમાં સૌથી સુંદર છે. જગ્યાની અછતને કારણે લોકો ખાનાવાળા ટેબલ વગેરે જેવા રાચરચીલાના ઉપરના ભાગમાં એક્વેરિયમ ગોઠવે છે. આકર્ષણમાં વધારો કરવા માટે કાચના લંબચોરસ, ત્રિકોણ, ષટ્કોણ વગેરે આકારનાં માછલીઘર પસંદ કરવામાં આવે છે. મુખ્યત્વે ત્રણ પ્રકારનાં માછલીઘર છે- ઇન્ડિજિન્સ (દેશી), એક્ઝોટિક (વિદેશી) અને મરીન (દરિયાઈ). દરેક માછલીઘરને સાચવવા માટેની અલગ માર્ગદર્શિકા હોય છે. દેશી પ્રકારની માછલીઓ સૌથી ખડતલ હોય છે, તેથી તેમની સંભાળ રાખવામાં વધુ મહેનતની જરૂર નથી. વિદેશી માછલીઓ માટે એક્વેરિયમમાં પાણીનું તાપમાન ૨૬ ડિગ્રી સે.થી ૨૮ ડિગ્રી સે. સુધી જાળવવું પડે છે. આ માટે પાણીમાં રહે તેવું થર્મોસ્ટેટ-હિટર વપરાય છે. શિયાળામાં આ હિટર સારી રીતે પાણીનું તાપમાન જાળવી રાખે છે. આમ તો માછલી એક એવું પ્રાણી છે જે બદલાતા પર્યાવરણ પ્રમાણે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે છતાં તાપમાનમાં અચાનક ફેરફારો તેના માટે ઘણી સમસ્યાઓ સર્જી શકે છે.
દેશી અને વિદેશી બંને જાતોને એક એક્વેરિયમમાં સાથે રાખી શકાય છે. જો કે, તેઓનો સ્વભાવ અને કદ એકમેકને અનુકૂળ હોય તે ધ્યાન રાખવું જરૂરી છે.
માછલીની ત્રણે જાતોમાં મરીનમાં સૌથી વધુ વૈવિધ્ય જોવા મળે છે, પણ તેને સાચવવા માટે તેના નિષ્ણાત પાસેથી પૂરતી માહિતી અને માર્ગદર્શન લેવા જરૂરી છે.
પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાનું એક્વેરિયમ બનાવી શકે છે. સૌપ્રથમ સિલિકોન-રબરની એક ટયૂબ અને એક ગન ખરીદો. લંબચોરસ એક્વેરિયમ માટે કાપેલાં કાચના પાંચ ટુકડા ખરીદો. પાછળના ભાગમાં કાચને બદલે અરીસો વાપરી શકાય છે. જો કે, લોકો અરીસાને બદલે પાણીના ભાગમાં વનસ્પતિ કે ખડક રાખવાનું વધુ પસંદ કરે છે. એક સિલિકોન-રબર ટયૂબ ૨’-૧’- ૧’ સાઈઝનાં ૫થી ૬ એક્વેરિયમને જોડી શકે છે.
લંબચોરસ એક્વેરિયમ માટે જુદી જુદી જાડાઈનાં કાચ વપરાય છે. ગ્રાહકની ઇચ્છા અને અનુકૂળતા પ્રમાણે તે પસંદ કરાય છે. એક્વેરિયમમાં દૃષ્ટિથી સમાંતર રીતે રાખવામાં આવે છે. તે જમીનથી ઓછામાં ઓછું ત્રણ ફૂટ ઊંચે રાખવામાં આવે છે. તેના વજનને પાયામાં સમાન રીતે વહેંચવા માટે નીચેના ભાગમાં થર્મોકોલનું શીટ મૂકવામાં આવે છે.
સ્થાનની યોગ્ય પસંદગી
એક્વેરિયમને ઘરમાં એ રીતે ગોઠવો કે જેથી એ ઘરનું આકર્ષણ વધારે. સીધો સૂર્યપ્રકાશ ના આવે તેવી જગ્યાએ તેને મૂકો. સીધો સૂર્યપ્રકાશ ઘાસમાં લીલને ઉત્પન્ન કરે છે. તેને કુદરતી પ્રકાશ મળી રહે તેવી જગ્યાએ ગોઠવો.
તમે એક્વેરિયમને કાચની બારીની આગળ મૂકવા માંગતા હોવ તો એક્વેરિયમના પાછળના ભાગમાં ઘેરા રંગનો પડદો લગાવી દો. જેથી એક્વેરિયમનું આકર્ષણ વધે. એક્વેરિયમ એવી જગ્યાએ મૂકવું જોઈએ કે, જેથી મુલાકાતીઓનું ધ્યાન ખેંચાય અને કમરાની શોભા પણ વધે.
એક્વેરિયમમાં માછલીઓની કેટલી સંખ્યા રાખી શકાય ?
એક્વેરિયમના કદ અનુસાર તેમાં માછલીઓ રાખી શકાય. જો તમારું એક્વેરિયમની ઊંચાઈ તેમ જ પહોળાઈ (સેન્ટ) ૨૦થી ભાગવાથી ૧૩૫ (સેન્ટ) થતું હોય તો તેમાં ૪ (સેન્ટ)ની ૩૫ માછલીઓ રાખી શકાય.
સરખી પ્રકૃતિ ધરાવતી માછલીઓને સાથે રાખવી જોઈએ. સ્વભાવ, ખાવાની ટેવો અને ઉગ્રતાને ધ્યાનમાં રાખીને વિવિધ જાતની માછલીનાં છ સેટ પસંદ કરો.
સેટ-૧ : કોમેટ સિવાયની બધી જ ગોલ્ડ-ફિશ સાથે ટાઈગર અથવા એલ્બીનો વ્હાઈટ શાર્ક.
(કોમેટમાં ઓરાન્ડા, શબુન્કીન, ફેનટેલ, રેડ-કેપ, બ્રિસ્ટલ, લાયનહેડ, કેલિકો વગેરેનો સમાવેશ થાય છે).
સેટ-૨ : ગપ્પી, મોલી, સોર્ડ-ટેલ, પ્લેટી, વીડો, ટેટ્રા, ટાઈગર-બાર્બ (નાની), ચંદા (ગ્લાસ ફિશ), મધ્યમ કદની ઝિબ્રા-ડેનીયો, રોઝી બાર્બસ, સ્મોલ એન્જલ્સ અને થોડી લોચીજ.
સેટ-૩ : કોઈ-કાર્પ્સ (સિંગલ, બે કે ત્રણ રંગની કોઈ અને મનીલા કાર્પ), ટાઈગર શાર્ક, બીગ એન્જલ્સ, બીગ ટાઈગર બાર્બસ (Barbs).
સેટ-૪ : સર્પ-ટેટ્રા, નીયોન-ટેટ્રા, ડાયમંડ-ટેટ્રા, રેડ-આય-ટેટ્રા, ટાઈગર-બાર્બસ, રોગ્ઝી બાર્બસ અને ટીન-ફોઈલ-બાર્બસ.
સેટ-૫ : બધાં જ પ્રકારની માછલી સાથે ઓસ્કાર્સ અને એન્જલ્સ.
સેટ-૬ : રેનબો, કીસીંગ, ગોલ્ડન-બ્લૂ-ગોરામીન્રી, સાથે થોડી શીશલીડ્સ.
ખોરાક
મોટા ભાગની માછલીઓ માછલીની વાસવાળો ખોરાક પસંદ કરે છે. બજારમાંથી ફિશ-ફૂડ ખરીદતી વખતે તેની ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લો. માછલીઓને દિવસમાં એક જ વાર ખોરાક આપો. તેઓનું આરોગ્ય જાળવવા તેઓને ઓછો ખોરાક આપવો સલાહભર્યું છે. તેઓને જીવંત ખોરાક આપવો હોય તો ટયુબીફેક્સને આગળના કાચમાં ફિક્સ કરેલા છિદ્રવાળા કપમાં મૂકો. સૂકી ટયુબીફેક્સ તેમ જ ડફ્નીયા પાઉડર પણ માછલીઓને આપી શકાય છે. તે સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ.
માછલીઓની વર્તણૂક
માછલીઓ પસંદ કરતી વખતે એ ખાસ જોવું કે, તેઓની તરવાની રીત યોગ્ય હોય તેમના પેટની આઉટલાઈન ગોળાકાર હોવી જોઈએ. અટકી જતી માછલીઓ અને અનિયમિત રીતે તરતી માછલીઓ એક્વેરિયમ માટે યોગ્ય નથી. માછલીઓની બાહ્ય ત્વચા પર સફેદ ડાઘા હોવા ના જોઈએ. તેની ચૂઈ ચુસ્ત અને કાપા વગરની હોવી જોઈએ. રક્તરંજિત ચૂઈ પણ યોગ્ય ના ગણાય. બાહ્ય ઇજાઓ, ચેપ કે ફૂગ જેવી તકલીફોવાળી માછલી પણ એક્વેરિયમ માટે યોગ્ય નથી. એક્વેરિયમ બનાવ્યા બાદ રોજ માછલીઓને તપાસો. તે ખુશ અને નીરોગી દેખાવી જોઈએ. કોઈ પણ અસામાન્ય ફેરફાર દેખાય તો તે માછલીને બદલી નાંખો. નવી માછલી દાખલ કર્યા બાદ પણ કેટલીક વાર જૂની માછલીઓ ડરીને એક ખૂણામાં જતી રહે છે. જો કે થોડા સમય બાદ બધું સામાન્ય થઈ જાય છે.
કેટલીક વાર એવું બને છે કે, માછલીઓ મરવા માંડે છે અથવા અસ્વસ્થ બની જાય છે. ધ્યાનથી તેઓનું અવલોકન કરો અને તેમનાં લક્ષણો જુઓ. પાણીની ગુણવત્તાની ચકાસણી કરો. શક્ય હોય તો પાણી બદલી નાખો. વધુ પડતો ખોરાક પણ માછલીઓનું સ્વાસ્થ્ય બગાડે છે. ડિટર્જન્ટ, કેટલાંક સ્પ્રે પણ માછલીઓને હાનિ પહોંચાડી શકે છે. આવું થાય ત્યારે એક્વેરિયમને ચાલુ પાણીમાં બરાબર સાફ કરીને સૂર્યપ્રકાશમાં સૂકાવા દો.
એક્વેરિયમની માછલીઓનો સહેજ પણ રંગ બદલાય, પરંતુ કોઈ બીમારી જેવું ના હોય તો પાણી ચકાસી જુઓ. પાણી બદલીને તેમાં ઉપયોગી દવાની યોગ્ય માત્રા ઉમેરો. અસ્વસ્થ માછલીને જુદી કાઢીને તેની સારવાર કરાવો. ફિશ-પેથોલોજિસ્ટની સલાહ લો.
ફૂગ અને બગઈ માછલીઓમાં વિવિધ બીમારીઓ ઊભી કરે છે. ફૂગજન્ય રોગોમાં માછલીઓના શરીર પર સફેદ રૂ જેવા ધબ્બા પડી જાય છે. જ્યારે બગઈ પાણીના તાપમાનમાં વધઘટને કારણે ઊભી થતી તાણને કારણે જન્મે છે. બગઈ દેખાવમાં મીઠાના સફેદ કણો જેવી લાગે છે. ફૂગના ઉપદ્રવમાં માછલીઓને વારાફરતી સારવાર આપો. સુંવાળા, સ્વચ્છ કપડાંને મીઠાવાળા પાણીમાં બોળીને માછલીઓના હોઠ લૂછી લો. પાણીમાં મીથીલીન-બ્લૂ ઉમેરવાથી પણ માછલીઓ ફૂગમુક્ત રહે છે.
એક્વેરિયમની સંભાળ
અન્ય પાલતુ પ્રાણીઓની સરખામણીએ એક્વેરિયમની સંભાળ ઘણું સહેલું કામ છે. દિવસ દરમિયાન માછલીઓને સક્રિય રાખવા માટે રૂમમાં આવતો કુદરતી પ્રકાશ પૂરતો છે. એક્વેરિયમની લાઈટ લાંબો સમય ચાળુ રાખવાથી લીલ ઉત્પન્ન થાય છે. એક્વેરિયમમાં સાચી વનસ્પતિ ના હોય તો પ્રકાશનો ગોળો ચાલુ રાખવાની જરૂર નથી. માછલીઓને તપાસતી વખતે અને ખવડાવતી વખતે જરૂર લાગે તો લાઈટનો ઉપયોગ કરી શકાય છે. એક્વેરિયમમાંથી પાણી ખાલી કરો ત્યારે ગાળેલું ચોખ્ખું પાણી તેમાં ભરો.
તમારું ઘર એક દિવસ માટે કે વધુ દિવસ માટે બંધ રહેવાનું હોય તો એક્વેરિયમમાં મેન્ટેનન્સ-મીલ ઉમેરો. આ ખાદ્ય માછલીઓને અઠવાડિયા માટે ટકાવી રાખશે. ઓટોમેટેક ફિડર વિવિધ કમ્પાર્ટમેન્ટમાં મૂકેલા ખોરાકને ચોક્કસ માત્રામાં પાણીમાં છોડે છે. આ ફિડરમાં જરૂરિયાત પ્રમાણે ટાઈમ સેટ કરી શકાય છે. માછલીઓને થોડો ઓછો ખોરાક આપવાથી તે સલામત રહે છે. પાણીમાં કુદરતી વનસ્પતિ હોય તો માછલી ભૂખ લાગે ત્યારે તે પણ ખાય છે.
પાણી બદલો ત્યારે ખાતરી કરો કે ફિલ્ટ્રેશન અને હિટર બરાબર રીતે કામ કરી રહ્યા છે. ખાસ કરીને શિયાળામાં હિટરની ચકાસણી કરતાં રહો. પાણી ડહોળું દેખાય અને તેમાંથી એમોનિયા જેવી વાસ આવે તો સમજો કે ખોરાકનાં કણો પાણીમાં સડી રહ્યાં છે. તરત પાણી બદલી નાંખો. માછલીઓની સ્વસ્થતા અંગે પણ તપાસ કરતાં રહો. વિવિધ પ્રકારની માછલીઓ માટે અવારનવાર જીવતાં ટયુબીફેક્સ, અળસિયા અને ખોરાકની ગોળીઓ વારાફરતી બદલતાં રહો. જેથી દરેક માછલીને પોતાનો અનુકૂળ ખોરાક સમયાંતરે મળતો રહે. ખોરાક આપવાનું કામ નિયત સમયે, એક નિયત વ્યક્તિ કરે એ જરૂરી છે. આમ કરવાથી માછલીઓ ટેવાઈ જાય છે અને ખોરાક ખાવા એક જગ્યાએ ભેગી થાય છે.
એક્વેરિયમનું નિયમિતપણે અવલોકન માછલીઓનાં સ્વાસ્થ્ય માટે સારું છે. દરેક માછલી ચપળ, સ્ફૂર્તિલી દેખાવી જોઈએ. માછલીની વર્તણૂક સમજવા માટે અનુભવ જરૂરી છે. રોજ અવલોકન કરવાથી અનુભવ મળી જાય છે. એક્વેરિયમનો પંપ, ફિલ્ટર અને થર્મોસ્ટેટ પણ ચકાસતા રહો.
માછલીને રોજ ખવડાવતી વખતે થર્મોમીટર પર એક નજર નાંખી લેવાથી પાણીનું તાપમાન જાળવી શકાય છે. ફિલ્ટર્સ પણ અમુક સમયાંતરે સાફ કરવા જરૂરી છે.
લાઈવ-બેરર્સ
બચ્ચાંને જન્મ આપનારી માછલીને લાઈવ બેરર કહે છે. આવી માછલીનાં શરીરમાં ઇંડાં સેવાઈને બચ્ચાં બને છે. શરૂઆત કરનારાઓ આવી માછલીને વધુ પસંદ કરે છે. સોર્ડ-ટેલ્સ, બ્લેક-મોલીઝ, પ્લેટીઝ અને ગપ્પી લોકપ્રિય માછલીની જાતો છે. રાઉન્ડ-ટેલ, સ્પીયર-ટેલ, ફેન-ટેલ, વેલ-ટેલ, પીન-ટેલ, કોબ્રા ગપ્પીઝ, સિંગાપોર-ગપ્પીઝ વગેરે ગપ્પીની જાણીતી જાતો છે.
મોલીઝમાં ફિન-મોલી, બ્લેક-મોલી, મુન-ટેલ, રાઉન્ડ-ટેલ, ચોકલેટ-મોલી, સિલ્વર-મોલી, ઓરેન્જ-મોલી, બલૂન-મોલી જેવી લોકપ્રિય જાતો છે.
સોર્ડ-ટેલમાં રેડ-સોર્ડ ટેલ, ગ્રીન-સોર્ડ ટેલ, સન-સેટ- સોર્ડ ટેલ વગેરે જાતો છે. પ્લેટીઝમાં પણ ઘણી વિવિધતા છે. તેમાં રાઉન્ડ-ટેલ, વેલ-ટેલ, ફ્રિન્જ-ટેલ, બાયર-ટેલ, પીન-ટેલ વગેરે જાતો છે.
ઇંડાં મૂકનારી માછલીઓ
માછલીએ મૂકેલા ઇંડાં પર પોતાનું વીર્ય છાંટીને નર-માછલી તેને ફળદ્રુપ બનાવે છે. ઇંડાનું કોચલું તૂટે એટલે તેમાંથી નાનકડાં લારવા બહાર આવે છે અને થોડા સમય બાદ પાણીમાં તરવા માંડે છે. કાર્પ્સ, બાબર્સ, રેસ્બોરાસ, ડેનીયોઝ, ટેટ્રાઝ, કેટ-ફિશ ઇંડાં મૂકનારી જાણીતી જાતો છે. વિશ્વભરમાં એક્વેરિયમ માટે ગોલ્ડ-ફિશ ખૂબ લોકપ્રિય છે. તેની જાતો લાયન-હેડ, વેલ-ટેલ, ફ્રિન્જ-ટેલ, ટેલિસ્કોપિક-આય, કેલિકો-ગોલ્ડ, પીકોક-ટેલ, રેડ-કાર્પ, પર્લ-સ્કેલ વગેરે છે.
બાર્બ-ફિશ ભારતીય માછલીની જાત છે. રોઝી-બાબર્સ આપણી જાણીતી દેશી જાત છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આ માછલી વિપુલ પ્રમાણમાં મળે છે. ટાઈગર-બર્બ, ટીન--ફોઈલ-બીર્બ અને બીજી વિદેશી જાતો આપણે ત્યાં સહેલાઈથી મળે છે. એક્વેરિયમ માટે બીજી એક જાણીતી માછલી છે જે બબલ-નેસ્ટમાં પોતાનાં ઇંડાં મૂકે છે. તે દેખાવે પણ વિવિધરંગી અને આકર્ષક છે. પાણીનાં ઓક્સિજનમાં ઘટાડો થવા છતાં આ માછલીઓ હવામાંથી ઓક્સિજન લેતી હોવાને કારણે જીવી શકે છે. ગ્લાસ-ફિશ, લોચીઝ, મેલાઈન-બાબર્સ, રેડલાઈન-ટોરપીડો-ફિશ, પલ્ફર-ફિશ વગેરે ભારતીય જાતોની આજે ખૂબ માંગ છે.
કુદરતી વનસ્પતિ
વનસ્પતિ એક્વેરિયમનો મહત્ત્વનો હિસ્સો છે. તે ફક્ત શોભા નથી વધારતી, પણ પાણીની ટાંકીને સ્વચ્છ અને નીરોગી રાખે છે. માછલીઓને આડશ આપવા ઉપરાંત તે પાણીમાંના કાર્બન ડાયોક્સાઈડને શોષીને આછા પ્રકાશમાં ઓક્સિજન આપે છે. વાલીસનેરિયા એ ઘાસ જેવો છોડ છે જેનો નીચેનો ભાગ પહોળો છે અને સંપૂર્ણપણે ઢંકાયેલો રહે છે. તે ઘણો કચરો શોષે છે અને ઓછો પ્રકાશ માંગે છે. લ્યુડવીજીયા એક એવો છોડ છે જે ઝડપથી વધે છે અને વધુ પ્રકાશ માંગે છે. તેનાં પાંદડાં નાના, લંબગોળ અને તાંબાવર્ણી હોય છે. કાબોમ્બા પીંછા જેવા પાંદડાંવાળો છોડ છે જે એક્વેરિયમમાં ખૂબ સુંદર દેખાય છે. એમેઝોન-ઓર્ડ પણ સુંદર છોડ છે. આ છોડ ઓછા પ્રકાશમાં પણ સારી વૃદ્ધિ કરે છે.
પ્રકાશ
એક્વેરિયમ માટે ચળકતો (ફ્લુરેસન્ટ) પ્રકાશ સૌથી યોગ્ય છે. તે વનસ્પતિના વિકાસને ઉત્તેજન આપે છે અને માછલીઓના રંગને નિખારે છે. આ પ્રકારની ટયુબલાઈટ સારી ઊર્જા આપે છે અને ઓછી ગરમી પેદા કરે છે. ઘરમાં વપરાતી ટયુબલાઈટ ઘણી વાર લીલને જન્મ આપે છે. ‘એક્વેલ્ગો નામની ખાસ એક્વેરિયમ માટેની ટયુબલાઈટ લાલ અને ભૂરા પ્રકાશનું વૈવિધ્ય ધરાવે છે. તેનો સૌમ્ય, કુદરતી પ્રકાશ માછલીઓના રંગોને પણ સુંદર રીતે દર્શાવે છે. મોટા ભાગની દરિયાઈ વનસ્પતિ માટે તે અનુકૂળ છે. ‘એક્ટિનિક ટયુબ્ઝ’ દરિયાઈ માછલી ઘરોમાં વપરાય છે. તેનો ઉપયોગ પ્રભાતથી માંડીને સાંજ સુધીના પ્રકાશનો પ્રભાવ મેળવવા માટે થઈ શકે છે. ટ્રાય-ફોસ્ફર- ટયુબ્ઝ પણ એક્વેરિયમમાં વપરાય છે. મેટલ-હેલાઈડ લાઇટિંગ ખૂબ પ્રકાશ માંગતી વિશાળ ટાંકીઓ માટે વપરાય છે.
No comments:
Post a Comment