ખાસ કરીને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય, તો દિલ અને મગજની વચ્ચે કશ્મકશ શરૂ થઈ જાય છે. અપણું દિલ કંઈક કહે અને મગજ કંઈક બીજું જ કહે છે, એ વખત ખરેખર સંકટનો બની જાય છે. એવી સ્થિતિમાં તમે દિલની વાત સાંભળો છો કે મગજની?
જીવનના દરેક ક્ષેત્રમાં આપણે કંઈક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય છે. કેટલાંક નિર્ણય એવા હોય છે જેના પર જીવન નિર્ભર હોય છે. નિર્ણય લેતી વખતે તમે ભાવુક થઈને દિલનું માનો છો કે મગજ પર જોર નાખીને તમામ ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કરો છો ? નિર્ણય લેતાં પહેલાં પરિણામોના પક્ષ-વિપક્ષમાં તર્ક-વિતર્ક કરો છો કે નહીં ? શું તમે જાણો છો યોગ્ય નિર્ણય લેવા માટે દિલ અને મગજમાં ચાલી રહેલી કશ્મકશમાંથી પસાર થવું પડે છે
નિર્ણય... કેટલાય પ્રકારના : નિર્ણય ત્રણ પ્રકારના હોય છે- એક તો એ જે દિલની વાત માનીને કે દિલ દ્વારા મજબૂર થઈને લેવાય છે. બીજો એ જે દિલને બાજુ પર રાખીને માત્ર મગજ દ્વારા જ લેવાય છે. ત્રીજો એ જે દિલ અને મગજ બંનેની વાત સાંભળીને, સાચું-ખોટું અને તેના લાંબા ગાળાનાં પરિણામો પર વિચાર કરીને લેવાય છે. ત્રીજા પ્રકારના નિર્ણય ઘણે અંશે યોગ્ય હોય છે, કેમ કે માત્ર દિલની વાત માનીને કેમ માત્ર મગજના તર્ક-વિતર્કના આધારે લેવાયેલા નિર્ણય સંપૂર્ણપણે સાચાં હોઈ જ નથી શકતા.
કેટલાક લોકો ભાવનાઓના ક્ષણિક આવેગમાં આવીને નિર્ણય લે છે, પરંતુ એના લાંબા ગાળાનાં પરિણામ સુખદ્ નથી આવતાં. જે કેટલાક લોકો દિલની, ભાવનાઓની ઉપેક્ષા કરીને માત્ર બુદ્ધિ અને તર્કના આધારે નિર્ણય લે છે, તેમના નિર્ણય સખત હોય છે. આવા લોકોનો સ્વભાવ ધીરે ધીરે કઠોર અને તાનાશાહી ભરેલો બનતો જાય છે. એટલા માટે નિર્ણય લેતી વખતે દિલ અને મગજ બંને સક્રિય હોવા જોઈએ.
મન-મગજ બંને સક્રિય : એમ તો નિર્ણયનો વખત આવતાં જ સામાન્ય વ્યક્તિના મન-મગજ બંને સક્રિય બની જાય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં આપણી ભાવનાઓ જલદી જાગ્રત તો નથી થતી, બલકે વિવેક આપણી મનોભાવનાઓને ઊભરવા માટેની તક આપ્યા વગર તેની પર હાવી થઈ જાય છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, અંગત અને પારિવારિક બાબતોમાં નિર્ણય લેતી વખતે આપણું દિલ અર્થાત્ આપણી મનોભાવના મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ બધી બાબતોમાં માત્ર વિવેકથી લીધેલા નિર્ણય ક્યારેક ખોટાં પણ સાબિત થઈ શકે છે. જ્યારે વ્યાવસાયિક બાબતોમાં નિર્ણય લેતી વખતે તર્ક અને બુદ્ધિનો સહારો લેવો ઉચિત છે. એવામાં અંગત લાભ અને ભાવનાઓ ક્યારેક ઉદ્દેશ્યથી ભટકાવી પણ દે છે. વ્યાવસાયિક બાબતોમાં વૈયક્તિક લાભ સાથે જોડાયેલી ભાવનાઓને દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
નિર્ણય લેતી વખતે હાજર પરિસ્થિતિઓના સંદર્ભમાં પરિસ્થિતિઓનું અવલોકન કરો. મોટા ભાગની બાબતોમાં દિલ અને મગજની મુખ્ય ભૂમિકા હોય છે. ક્યારેક દિલને પૂર્વાભાસ થાય છે, જે મગજ નથી કરી શકતું. તો ક્યારેક મગજ સમસ્યાના દૂરગામી પરિણામોને પહેલાંથી જ માપી લે છે.
મન-મગજ બંને પર વિચાર : અંતર્મનની વાત માનવી અર્થાત્ કોઈ કારણ અને તર્કના અહેસાસને મહેસૂસ કરવો અને જાણી લેવો. ખાસ કરીને આપણા નિર્ણય સહજ અનુભૂતિથી લેવાતા હોય છે. જેમ કે ખાસ લોકો સાથે મિત્રતા, પ્રેમ, પ્રેમલગ્ન... વગેરે જેવાં નિર્ણય દિલ પર નિર્ભર હોય છે, પરંતુ અંતર્મનની વાત સાંભળવી અને તેને વિવેક દ્વારા તર્કની કસોટી પર કસીને સમજવી એ પણ એક કલા છે.
આપણી વિશ્લેષણાત્મક ક્ષમતા દ્વારા આપણે દિલ અને મગજ બંનેની વાતો પર વિચાર કરીને મળેલાં વિકલ્પની સારાઈ-બુરાઈ માપીને સમસ્યાના મૂળ સુધી પહોંચી શકીએ છીએ. જે લોકો પાસે વિશ્લેષણાત્મક ક્ષમતા છે, નિર્ણય લેતાં પહેલાં તેઓ બધાં જ વિકલ્પો અને તેનાં પરિણામોને તથ્યોની કસોટી પર કસી શકે છે. માત્ર દિલની વાત માનીને કે મગજને આધાર બનાવીને લેવાયેલા નિર્ણય સંપૂર્ણપણે સાચા નથી હોતા. જો આપ માત્ર બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેતા હોવ તો થોડું ધ્યાન લગાવીને દિલની વાત પણ સાંભળો. આપના નિર્ણયોનું પરિણામ બહેતર બનશે.
હિચકિચાહટ પણ સ્વાભાવિક : થોડાં વર્ષો પૂર્વે
અમેરિકામાં થયેલા સંશોધન અનુસાર મનોરોગી, બ્રેઈન ટયૂમર અને મગજની કોઈ અન્ય બીમારીથી પીડાઈ રહેલા રોગી નિર્ણય બાબતે સ્પષ્ટ નહીં થતાં, એટલા માટે તેઓ ઇચ્છતા હોવા છતાં પણ તેઓ અંતિમ નિર્ણય પર પહોંચી શકતા નથી. તેમને ભરોસો નથી થતો કે, તેમનો નિર્ણય સાચો હશે. જ્યારે તેમની માનસિક સ્થિતિ સામાન્ય હોય છે, ત્યારે પણ હિચકિચાહટ યથાવત્ રહે છે. એવું નથી કે, એમની પાસે બુદ્ધિ કે વિવેક નથી હોતો. અસંખ્ય તર્કસંગત વિકલ્પ હોય છે, ઊઠતાં-બેસતાં તેઓ એ વિકલ્પોના સકારાત્મક અને નકારાત્મક, બંને પાસાંઓ પર વિચાર પણ કરે છે, પરંતુ સાચો વિકલ્પ પસંદ કરીને અંતિમ નિર્ણય લેતાં ડરે છે.
મનોભાવોને વિવેકથી કાર્યાન્વિત કરો : સાચો નિર્ણય લેવા માટે દિલ અને મગજ બંનેની વાત સાંભળવી જરૂરી છે. અંગત અને પારિવારિક નિર્ણય લેતી વખતે આપણે દિલની વાત વધારે સાંભળીએ છીએ, જ્યારે વ્યવસાયિક અને કારોબારી નિર્ણય લેતી વખતે મગજની.
વ્યવસાયિક જીવનમાં નિર્ણય લેવો જોખમભર્યો હોય છે. માલિકો અને મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો સફળ સંચાલનનું અનિવાર્ય અંગ છે. આપનો કોઈ નિર્ણય માત્ર આપને જ અસર નથી કરતો, બલકે તેની સારી અને ખરાબ અસર સમગ્ર વ્યવસાય પર પડે છે. તેથી વ્યવસાયિક જીવનમાં નિર્ણય લેતી વખતે આપણે વિવેકથી કામ લેવું જોઈએ.
સંરચનાત્મક વિચારધારા : મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સંરચનાચ્મક વિચારધારાની જરૂરિયાત હોય છે, જેથી મન લાભ-હાનિની સાચી ગણના કરી શકે. જ્યારે આપણે ઠોસ નિર્ણય લેવા માંડીએ છીએ, આપણા મનોભાવ વારંવાર આપણું ધ્યાન ખેંચે છે, જેની પછી આપણે પૂર્વગ્રહોના શિકાર બની જઈએ છીએ. એવે વખતે નિર્ણાયક પ્રતિકૂળ અને અવિવેકી નિર્ણય કરી બેસીએ છીએ.
અનુભવી લોકોના અનુસાર ઉચિત નિર્ણય લેનારા લોકો પાસે અંતર્દૃષ્ટિ અને સહાનુભૂતિ હોય છે, જે મનોભાવો અને વિવેકમાં સંતુલન જાળવી રાખે છે અને તેને યોગ્ય નિર્ણય લેવા પ્રેરિત કરે છે. જ્યારે પણ મનોભાવ હાવી થવા લાગે, આપણે આપણા વિવેકને જગાડી શકીએ છીએ અને તેની પર નિર્ભર કરી શકીએ છીએ.
મનોચિકિત્સકોની સલાહ : આપ મનની સાંભળો છો કે મગજની, એ આપના વ્યક્તિત્વ અને માનસિક સ્વભાવ પર નિર્ભર કરે છે. નવી પેઢીના યુવક-યુવતીઓ સમજદાર છે, તેઓ સંબંધ-સગપણ અને પ્રેમ-દોસ્તી જેવા ભાવુક મામલામાં પણ નિર્ણય લેતી વખતે બધાં જ પાસાંઓ પર સમજી-વિચારીને સાચો નિર્ણય કરવાની ક્ષમતા ધરાવે છે. આજે પણ એવાં ઘણાં લોકો છે જેઓ કરિયર અને વ્યવસાય જેવી મહત્ત્વપૂર્ણ બાબતોમાં ભાવુક બનીને ખોટો નિર્ણય લઈ બેસે છે. આવા નિર્ણયોમાં પછીથી પસ્તાવાનો વારો આવે છે.
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય : જીવનમાં આગળ વધતાં રહેવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. જ્યાં એક યોગ્ય નિર્ણય જીવનને ગતિ પ્રદાન કરે છે, તો કોઈ પણ સમયે લેવાયેલો એક ખોટો નિર્ણય સામાન્ય ગતિથી ચાલતા જીવનને અસ્તવ્યસ્ત પણ કરી શકે છે. જો તમે કોઈ નિર્ણય લેતી વખતે મન-મગજના ધર્મસંકટમાં ગૂંચવાઈ જશો તો તેનાં દૂરગામી પરિણામ બહુ સુખદ્ નહીં આવે. બહેતર એ રહેશે કે, બંને વચ્ચે સંતુલનની સ્થિતિ બનાવી રાખો. દુવિધાપૂર્ણ હાલતમાંથી બહાર નીકળવા માટે નીચેની વાતોનું ધ્યાન રાખો :
* સમસ્યાને સ્પષ્ટરૂપે પૂરી ઇમાનદારી સાથે પરિભાષિત કરો. ધ્યાન રાખો, સમસ્યાનાં પરિણામોને સમસ્યાની સાથે ઉલઝનમાં ન મૂકશો.
* એ સંકટબિંદુ વિશે વધુમાં વધુ જાણકારી મેળવો, જેથી તમે કોઈ અસરકારક નિર્ણય લઈ શકો.
* કોઈ એવી વ્યક્તિ સાથે પરામર્શ કરો, જેનું તમે સન્માન કરતાં હોવ, અને જેમના પર તમે ભરોસો કરી શકતા હોવ. જેની પાસે તે સમસ્યાને સમજવાની અંતર્દૃષ્ટિ હોય.
* ઝટપટ નિર્ણય લેવા માટે સરળ રસ્તો શોધવાની ભૂલ ન કરશો.
* તમારા નિર્ણય બાબતે માત્ર કલ્પનાઓ જ ન કરો. યથાર્થતાની દૃષ્ટિએ વિચારીને જ નિર્ણય કરો.
* નિર્ણય લેતી વખતે બધાં જ વિકલ્પ ખુલ્લાં રાખો. એક એક કરીને બધાં જ વિકલ્પોના ફાયદા અને નુકસાનનું તુલનાત્મક અધ્યયન કરો.
* પોતાનાં નિર્ણયોની જવાબદારી ઉઠાવવા અને પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહો.
* કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તેના બધાં જ સંભવિત પરિણામો પર વિચાર કરી લો. તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ સમજો-વિચારો અને પછી નિર્ણય સુધી પહોંચો.
* પોતાની અંતરાત્માને જગાડો અને તેની વાત જરૂર સાંભળો.
* એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, આપના નિર્ણયથી જરૂરી નથી કે માત્ર તમે જ પ્રભાવિત થાવ છો, બલકે તેનો પ્રભાવ બીજા પર પણ પડે છે. એટલા માટે એવો નિર્ણય લેતી વખતે વધુમાં વધુ સજાગ રહો જેમાં બીજાંનું હિત પણ સમાયેલું હોય.
* જો તમે ઉદાસ હોવ, થાકેલાં હોવ, કોઈ અન્ય સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હોવ તો તમારા નિર્ણયોને થોડા સમય માટે ટાળી દો.
* નિર્ણય લેતી વખતે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, તે સમય વખતે જ લેવાય. એટલે એવું ન બની જાય કે તમે એટલું બધું વિચારતાં રહો અને પછી નિર્ણય લેવાની જરૂર જ રહે.
જિંદગીમાં નિર્ણય લેવા જ પડે છે, કેમ કે કોઈને કોઈ જગ્યાએ આપણે ઊભા રહેવું પડે છે. જેથી આપણે સમજીએ-વિચારીએ અને નક્કી કરીએ કે, કયા નિર્ણયની કેવી અસર આપણા પર, પરિવાર પર, સમાજ પર અને આપણા મિત્રો પર પડશે. એટલા માટે નિર્ણય લેતી વખતે વિચારો અવશ્ય, પણ એટલું બધું પણ નહીં કે સમય જ હાથમાંથી નીકળી જાય અને પસ્તાવા સિવાય બીજું કશું રહે જ નહીં. યોગ્ય સમયે મન-મગજ બંનેનો ઉપયોગ કરીને યોગ્ય નિર્ણય લેવો એ જ બુદ્ધિમત્તા છે.
No comments:
Post a Comment