સ્વાસ્થ્યથી પરિણમતું સૌંદર્ય વધુ ઇચ્છનીય છે એ વિચારને વ્યવહારલક્ષી વળાંક આપવો જરૂરી છે. એ યાદ રાખવા જેવું છે કે, ગરમ પદાર્થો કે ગરમ પાણીનો ઉપયોગ કોઈ સૌંદર્યવર્ધનના ઉપાયમાં થતો હોય ત્યારે તેનો હેતુ દઝાડવા માટેનો નહીં, પણ શેક કરવા માટેનો હોય છે
આજે ‘સુંદર’ દેખાવું મોંઘું થઈ ગયું હોય તેમ લાગે છે. નર-નારીનું ‘સૌંદર્ય’ તેમની પાસેથી છટકી ‘બ્યૂટી પાર્લર’ના નિષ્ણાતોનો વિષય બની ગયું હોય તેમ જણાય છે. આજે જગતમાં લાખો નર-નારી દ્વારા ‘સુંદર’ દેખાવા માટેના જે પ્રયાસો થાય છે તેમાં અબજો રૂપિયા ખર્ચાય છે.
નવાઈની વાત એ છે કે, ‘સૌંદર્યવાન’ લાગવા પાછળ થતો ખર્ચો કદાચ એશિયાના લોકો માટે આજકાલની બાબત હશે, પરંતુ પશ્ચિમના દેશોમાં લગભગ પંદર કરોડ પાઉન્ડ ઉપરાંત નાણું સૌંદર્યનાં સાધનો પાછળ વપરાયું હતું. આ તો માત્ર ગણતરીમાં આવેલો હિસાબ. આમાં સાબુ, પેસ્ટ, તેલ વગેરેનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ફેન્સી ચંપલો, સેન્ડલ વગેરેને હિસાબમાં લેવામાં આવે તો કરોડો પાઉન્ડ, ડોલર... વગેરેનો ખર્ચ વધી જાય. એ જમાનામાં પશ્ચિમના દેશો માત્ર ‘લિપસ્ટિક’ પાછળ વર્ષે એંસી લાખ પાઉન્ડનો ખર્ચ કરતા ! ત્યારે નખને રંગવાના આછા ર્વાિનશ પાછળ વર્ષે ત્રીસ લાખ પાઉન્ડ ખર્ચાતા ! રંગીન ભ્રમરો, નયનના ખૂણામાંથી સરકતી મેશની કાળી રેખાઓ, પાંપણની આસપાસની ત્વચાને અપાતો રંગીન ઓપ આ બધા પાછળ વર્ષે પચાસ લાખ પાઉન્ડ ખર્ચાતા ! આ ત્રણ દશકા વટાવી આજના ‘ખર્ચાળ’ સૌંદર્યનો વિચાર કરવામાં આવે તો ! તો એક પ્રશ્ન મોખરાનું મહત્ત્વ પ્રાપ્ત કરે ! “શું સૌંદર્ય પ્રાપ્ત કરવાના બિનખર્ચાળ અને સરળ માર્ગો છે ?” આ પ્રશ્નનો જવાબ શોધવાના પ્રયાસરૂપે પ્રાપ્ત થયેલી માહિતી ધ્યાનપાત્ર છે. સૌંદર્યપ્રાપ્તિનાં બધાં સાધનોનો ત્યાગ કરવાની ‘હઠ’ આજના યુગમાં ‘વાસ્તવિક’ ગણાશે નહીં. આના બદલે સૌંદર્યપ્રાપ્તિ માટેના વિધાયક, સાદા અને બિનખર્ચાળ માર્ગોનો મહિમા થાય તે જરૂરી છે. સ્વાસ્થ્યથી પરિણમતું સૌંદર્ય સૌંદર્ય વધુ ઇચ્છનીય છે એ વિચારને વ્યવહારલક્ષી વળાંક આપવો જરૂરી છે. ‘સૌંદર્ય બક્ષિસ છે’ એ કથન ઘણા અંશે સત્ય છે, પણ બક્ષિસ સાચવવાની વસ્તુ છે. આહાર-વિહારનો અતિરેક યુવાન ચહેરાને ફિક્કા પાડી દે છે. આ બક્ષિસને સાચવવા બહુજન અજમાવી શકે તેવા ઉપાયો આ રહ્યા... નિષ્ણાતોએ સૂચવ્યા છે.
(૧) નીરોગી કાયા, ઘાટીલો દેહ, ઉછળતી યુવાની, ત્વચાની મુલાયમતા, ખીલતો ચહેરો, આકર્ષક મુખમુદ્રા આ બધાં સૌંદર્યનાં લક્ષણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. તેથી આહારશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રને ધ્યાનમાં રાખી નિયમો પાળવા જરૂરી બને છે. પોષકતત્ત્વના અભાવે સુંદર ચહેરા બાળપણમાં કરમાઈ જાય છે. અતિ ખોરાક સુંદર દેહને ચરબીના થોથરમાં સંતાડી દે છે તો અતિઅલ્પ ખોરાક સૌંદર્યની છટાને ચીમળાવી શકે છે. સુપાચ્ય ખોરાકથી બનેલું રક્ત ચહેરાને ચમકતો કરી શકે છે. લાલાશની આકર્ષતા અર્પી શકે છે.
(૨) ઘાટીલા દેહ માટે શારીરિક શ્રમ, કસરત, યોગાસન, પ્રાણાયામ વગેરે યોગ્ય માત્રામાં જરૂરી છે. હવે પાણી ભરવા જતી પનિહારી કે પતલી કમરને કસરત આપતા ‘ઘમ્મર વલોણાં’ ઘૂમાવતી નારીનો યુગ આજે સરકી રહ્યો છે તેવા સમયે વ્યાયામના મહત્ત્વને સમજવાની અને સમજીને અમલમાં મૂકવાની વાત પ્રથમ ક્રમ ધારણ કરે છે.
(૩) ત્વચા કે ચામડીની મુલાયમતા ટકાવવા માટે દૂધનો ઉપાય ઉપયોગી મનાય છે. નરમ કપડાંને કાચા દૂધમાં પલાળીને કપડાંથી રાત્રે મુખ સાફ કરવાથી તથા સવારે તેને દૂધથી ધોવાથી મુખનું સૌંદર્ય, કાંતિ તથા ત્વચાની મુલાયમતા વધી જાય છે. દૂધ અને માખણ જેવા પદાર્થોનો યથાયોગ્ય ઉપયોગ ફાયદાકારક છે. આ પદાર્થોનો ઉપયોગ કરતી વખતે સાબુનો ઉપયોગ જતો કરવો.
(૪) એક ઉપાય કાળજીપૂર્વક લાંબા ગાળા સુધી કરવાથી ચહેરો ગુલાબી બને છે. સ્નાન કરતી વખતે સહન થઈ શકે તેટલા ગરમ પાણીમાં નરમ કાપડના કકડાને બોળી તેને ચહેરા પર હળકા હાથે ફેરવો. ગરમ પાણી સહન થાય તો ગરમીની માત્રા થોડી વધારવી. પાણીમાં બોળેલા કપડાંને ચહેરા સાથે ઘસવાની રીત બરાબર નથી. કપડું ‘શેક’ કરતાં હોઈએ તેવી રીતે અડાડીને લઈ લેવું કે તેને આછા સ્પર્શથી ત્વચા ઉપર થોડા સમય માટે ફેરવવું. આવી ક્રિયા સવાર-સાંજ પંદર મિનિટ માટે નિયમિત કરવાથી ત્વચાની નીચેની રુધિર નલિકાઓમાં રુધિર આકર્ષાય છે. તેથી ત્વચાના દરેક ભાગમાં લોહીનું વહન થાય છે. આથી મુખના સ્નાયુને નિત્ય નવીન લોહીથી વહન થાય છે. આથી મુખના સ્નાયુને નિત્ય નવીન લોહીથી પોષણ મળે છે. ત્વચાના દરેક ભાગમાં લોહી, તાજગી અને તેજસ્વિતા વધે છે. આ ક્રિયાને મદદરૂપ થવામાં શીર્ષાસનનો ઉપયોગ સહાયક નીવડી શકે છે.
લોહીનું દબાણ વધારે રહેતું હોય શરીર મેદસ્વી હોય, આંખો નબળી હોય, તેમણે શીર્ષાસનનો ઉપયોગ કરવો નહીં. યાદ રાખો કે, સૌંદર્યપ્રાપ્તિની દૃષ્ટિએ વાપરવામાં આવતા પદાર્થોની ‘એલર્જી’ હોય તો તેવા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. કોઈને ચણાના લોટની કે દૂધની ‘એલર્જી’ હોય તેમ બની શકે. એ યાદ રાખવા જેવું છે કે, ગરમ પદાર્થો કે ગરમ પાણીનો ઉપયોગ કોઈ સૌંદર્યવર્ધનના ઉપાયમાં થતો હોય ત્યારે તેનો હેતુ દઝાડવા માટેનો નહીં, પણ શેક કરવા માટેનો હોય છે. સૌંદર્યવર્ધન માટે ઉપર દર્શાવ્યા તેવા ઉપાયો અજમાવતી વખતે આ યાદ રાખજો કે, બાહ્ય સૌંદર્યને આંતરસૌંદર્યના સહવાસની જરૂર છે. આંતરસૌંદર્યના ઝરણાં બાહ્ય સૌંદર્યને જો અમૃતબિંદુ સીંચે નહીં તો ગુલાબી ચહેરાનું જીવનતત્ત્વ શોષાઈ જશે. જો સ્મિત પાછળ દિલનો ઊમળકો હશે નહીં તો તેને મોહક કે સૌંદર્ય પોષક બનાવવાના પ્રયાસો વ્યર્થ જશે. જે નયનમાં પ્રેમનાં અમીકરણો વસી શકે નહીં તેમાં સાચું સૌંદર્ય રહી શકે ?
‘ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રંગ અને રૂપ’ આ મનોવૈજ્ઞાનિક સત્યનો ઘણાને અનુભવ થઈ ચૂક્યો છે. નિરાશાનાં ઘેરાં વાદળો યુવાન ચહેરાનું તેજ હણી લે છે ! આંતરિક આશાવાદ અને હિંમત યુવાની ટકાવી શકે છે. ભયની ઘેરી છાયામાં વસતા માનવી અકાળે વૃદ્ધ થતાં જણાય છે ! મનોવિજ્ઞાની કાર્લ મેનીન્જર પોતાના બહોળા અનુભવના આધારે જણાવે છે કે, ‘માનસિક દર્દીમાં મનોપચારના પરિણામે વ્યગ્રતા-સંઘર્ષ ઘટે, નિરાશાનો ઘટાડો થાય, તનાવ ઘટે, તો તેનો ચહેરો વધારે ઉજ્જવળ બને છે. તેનું વ્યક્તિત્વ વધારે સ્વસ્થ, આકર્ષક અને પ્રભાવશાળી બને છે.
No comments:
Post a Comment