વરસાદમાં શરદી, ખાંસી, તાવ જેવી તકલીફ ખૂબ સામાન્ય થઈ પડે છે. તમે કે તમારા પરિવારજનો આવી સમસ્યાનો ભોગ ન બનો તેના માટે પહેલેથી જ જો કેટલાક ઘરેલુ નુસખા અપનાવશો તો ચોમાસામાં વકરતી સમસ્યાઓથી ઓછા હેરાન-પરેશાન થશો.
શરદી
* ૧ ટીસ્પૂન આદુના રસમાં ૧ ટી સ્પૂન તુલસીનો રસ, ૧/૪ ટી સ્પૂન વાટેલા મરી તથા અડધી ચમચી મધ ભેગું કરીને બરાબર મિક્સ કરી લો.આ મિશ્રણને દિવસમાં ત્રણથી ચાર વાર ખાવાથી શરદીમાં રાહત મળે છે.
* સવા કપ ગરમ પાણીમાં અડધી ચમચી આદુંનો રસ, ૧૦થી ૧૨ તુલસીનાં પાન, ૩ મરી, ૩ ઇલાયચી, કટકો તજ, ફુદીનાનાં ૩થી ૪ પાન વાટીને પાણીમાં નાખીને અડધી મિનિટ સુધી ઉકાળો. ઠંડું પડે એટલે આ મિશ્રણમાં થોડું મધ ઉમેરીને પી જાવ
* ૨ ટી. સ્પૂન અજમાને તવી પર શેકી લો. અને તે શેકાયેલા અજમાની સોડમને ઊંડો શ્વાસ લઇને બને તેટલી શ્વાસમાં લેવાનો પ્રયત્ન કરો. આ પ્રયોગ પાંચેક મિનિટ માટે કરવો. થોડા દિવસમાં શરદીમાં રાહત મળી જશે.
ખાંસી
* વરસાદમાં થતી ખાંસીમાંથી રાહત મેળવવા આ ઉપાય કરી શકાય છે
* આદુંના ૩-૪ ટુકડાને પાંચ મિનિટ સુધી પાણીમાં નાખીને ઉકાળો અને તેમાંથી નીળતી વરાળને શ્વાસની મદદથી નાકમાં ખેંચો. જ્યારે એ પાણી ઠંડું પડી જાય ત્યારે તેને ગાળીને પી જાવ.ખાંસી ઓછી થઈ જશે.
* લીલી હળદરના ટુકડાને કલાક - દોઢ કલાકના સમયના અંતરે ચૂસતા રહો તો પણ ખાંસી ઓછી થઈ જશે.
સૂકી ખાંસી
* સૂકી ખાંસી ખૂબ પીડા આપનારી હોય છે. સૂકી ખાંસી જ્યારે આવે ત્યારે છાતીમાં પણ થોડી પીડા થાય છે. તેમાંથી રાહત મેળવવા માટે આ રીતના ઉપાય કરી શકાય.
* ૧ ટીસ્પૂન ગોળમાં અડધી ટીસ્પૂન સૂંઠ પાઉડર, અડધી ટીસ્પૂન ઘી અને અડધી ટીસ્પૂન હળદર પાઉડરને સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણને દિવસમાં ૨-૩ વાર ચાટી જવું તેનાથી ખાંસી ઓછી થઈ જશે.
* ૧ ટીસ્પૂન મધમાં અડધી ચમચી હળદર પાઉડર, ૩ વાટેલી ઇલાયચી અને અડધી ચમચી ઘી મેળવીને દિવસમાં બેત્રણ વાર ખાવાથી ખાંસીમાંથી રાહત મળે છે.
તાવ
* ૪ ગ્લાસ પાણીમાં બેથી ૩ ટી સ્પૂન વાટેલું આદું નાખીને તેને બરાબર ઉકાળો અને દિવસમાં બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી તાવ ઓછો થઈ જાય છે અને રાહત રહે છે.
ડાયેરિયા
* ચોમાસામાં સૌથી વધારે થતી તકલીફ હોય તો તે છે ઝાડા-ઊલટી. આ રોગ વકરે તો મૃત્યુ પણ થઈ શકે છે માટે તેના માટેના ઘરેલુ નુસખા તો જાણી જ લેવા જોઈએ.
* ૧ ટીસ્પૂન ખસખસ તથા ચપટીક જાયફળને આખી રાત પાણીમાં પલાળી રાખીને તેને સવારે પીસી લેવું. આ મિશ્રણને દિવસમાં ૨- ૩ વાર ખાવ.
* અડધો કપ પાણીમાં ૧/૪ ટી સ્પૂન આદુનો પાઉડર, ૧ ટી સ્પૂન જીરૂનો પાઉડર અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને દિવસમાં ૨-૩ વાર પીવું(જો તમને એસિડિટી રહેતી હોય તો આ મિશ્રણમાં ૧ ટી સ્પૂન ધાણાનો પાઉડર પણ મિક્સ કરવો.)
* વધારેપડતી ઊલટી થતી હોય તો ઇલાયચીને પીસીને તેનો પાઉડર બનાવીને દિવસમાં ૩ વાર તેનું સેવન કરવું. તેનાથી ઊલટી મોટા ભાગે બંધ થઈ જશે.
* રોજિંદી તકલીફોમાંથી બચવા માટે ઘરની જ વસ્તુઓ દ્વારા આ હાથવગા ઉપાય અજમાવવાની સાથેસાથે ડોક્ટરનાં સલાહ સૂચન લેવાનું ન ચૂકવું જોઈએ.
No comments:
Post a Comment