Sunday, 7 August 2011

હું મારી નજરે, તમારી નજરે

 
તમે કેવાં છો એની તમને ખબર ન હોય તો પણ બીજાઓ તમને કેવી રીતે જુએ છે એ જાણી રાખવું ઉપયોગી છે. જ્યારે પોતાના અને બીજાઓના સંકેતોને તમે સમજવા લાગશો ત્યારે સંપૂર્ણપણે સહજ બનતાં તમને કોઈ રોકી નહીં શકે.

રોમન દાર્શનિક સેનેકાએ કહ્યું છે કે બીજા લોકોનાં પાપ આપણી નજર સામે હોય છે, જ્યારે આપણાં પોતાનાં પાપ પીઠની પાછળ હોય છે. તમે તમારા વિષે થતી ગોસિપમાં ભાગ નથી લઈ શકતા.
લોકો તમારા વિશે શું પ્રતિક્રિયા આપે છે તે વિશેની તમારી જાણકારી સીમિત હોય છે.


‘કિશોરાવસ્થામાં હું સેલો (વાયોલિનનો એક પ્રકાર) બહુ સરસ વગાડતો હતો અને મને લાગતું હતું કે હું બહુ ટેલેન્ટેડ છું. પછી એક વાર મેં જાણીતા બ્રિટિશ સેલોવાદક જેકિલન ડયુ. પ્રીની રેકર્ડ સાંભળી. એમાં એમણે ગજબનો પ્રયોગ કરેલો. મને ખ્યાલ સુઘ્ધાં નહીં કે સેલો જેવા વાધમાંથી આવું સંગીત પણ જન્માવી શકાય છે. હું તો એમ માનતો હતો કે હું એમાં લગભગ પારંગત છું. એ રેકર્ડ સાંભળ્યા પછી એ ભ્રમ દૂર થયો.’ કોર્નેલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ ડનિંગ આ ઘટના યાદ કરીને આત્મવિશ્લેષણનો દાખલો આપતી વખતે આ વાત ટાંકે છે.

આપણે પોતાને કેવાં રૂપમાં જોઈએ છીએ અને કેવી રીતે ખુદને ઓળખીએ છીએ એ વિષય પર વર્જીનિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અઘ્યાપક ટિમોથી વિલ્સન વિસ્તારથી લખી ચૂક્યા છે. એમના પુસ્તક ‘સ્ટ્રેંજર્સ ટુ અવરસેલ્વઝ’માં આ વાતનું વિસ્તૃત વિવરણ છે. વિલ્સન કહે છે કે તમે જાતને જે રૂપે જુઓ છો એ કાયમ બીજાના દ્રષ્ટિકોણથી ભિન્ન હોય છે. બીજી મહત્વની વાત એ કે અનેક સ્થિતિમાં આપણે પોતાની જ જિંદગીથી અજાણ હોઈએ છીએ. એની પાછળ એક પૂરું વિજ્ઞાન કામ કરે છે. આપણું અચેતન મગજ માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ અને વર્ણનને ફિલ્ટર કરે છે તથા માહિતી અને સંવેદનોનું ‘પ્રોસેસિંગ’ કરે છે.

આ રીતે એ માનસિક પ્રક્રિયા થવા માંડે છે, જેને આપણે દુનિયાને ઓળખાવામાં અને પોતાનાં લક્ષ્યો નક્કી કરવામાં કામમાં લઈએ છીએ. જોકે ત્યારે આપણી ચેતના એવા મુદ્દા પર એકાગ્ર થયેલી હોય છે, જેને આપણે (ઘણી વાર ભૂલથી) મહત્વ આપીએ છીએ. આપણી જાતને જોવાના દ્રષ્ટિકોણ અને બીજાઓની નજરમાં અંતર હોય છે. આપણાં ગુણો, લક્ષ્યો, ક્ષમતાઓ, સંબંધોને આપણે ઓછાં કે વધુ આંકી શકીએ છીએ. દ્રષ્ટિનું આ અંતર આપણાં સ્વાસ્થ્ય, સંબંધો અને આખી જિંદગી પર ઊંડો પ્રભાવ પાડે છે.

‘એપ્લાઈડ સોશિયલ સાઈકોલોજી ઈન ઈન્ડિયા’ પુસ્તકના લેખક ગિરિવર મિશ્રાના મતાનુસાર તમારી જાત સાથેની ઓળખ ક્યાં રૂપમાં છે અને બીજા લોકો તમને ક્યાં રૂપે ઓળખે છે એ વિશેની સમજ સ્પષ્ટ થઈ જાય તો જિંદગીમાં ખુશી લહેરાઈ શકે છે. કયારેક તો આપણે આપણા વિષેની ધારણાઓથી એટલા સમ્મોહિત હોઈએ છીએ કે એને જ વાસ્તવિક છબિ માની લઈને એની બહાર નીકળતા નથી.

હોલેન્ડની હોપ કોલેજના પ્રોફેસર ડેવિડ માયર્સ કહે છે, ‘આનું એક કારણ એ છે કે તમને વાસ્તવિકતાની ખબર જ નથી પડતી. તમે ભ્રમમાં હો છો. એક ઉદાહરણ આપું. મેં મારા એક મિત્રને રિસર્ચ મિટિંગ માટે આમંત્રિત કર્યા. એ બરાબર ૧૨ વાગે આવી જશે એવી એણે મને ખાતરી આપી. મેં ડાયરીમાં મળવાનો સમય એક વાગ્યાનો લખ્યો. એવું નહોતું કે મારો દોસ્ત મને મૂર્ખ બનાવતો હતો, પણ પોતાના ટાઈમ મેનેજમેન્ટ અંગે એ ભ્રમમાં છે અને એની મને ખબર હતી. અગાઉની દરેક મિટિંગમાં એ હંમેશાં મોડો પડ્યો હતો.

મારા મિત્રના આશાવાદે આ વાસ્તવિકતાને ઢાંકી રાખી હતી.’ ટેકસાસ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રાઘ્યાપક સેમ ગોસલિંગ આ વાત વિસ્તારથી સમજાવે છે. તેઓ કહે છે કે તમે પોતાને જે રીતે જુઓ છો અને બીજાઓ તમને જે રીતે જુએ છે એ ખાસ સમજવા જેવી વાત છે. આપણા સૌમાં ‘બ્લાઈન્ડ સ્પોટ’ મળી આવે છે. એટલે કે એ ચીજો જે આપણી નજરે નથી ચડતી. જ્યારે આપણે પોતાની આંખે જાતને જોઈએ છીએ ત્યારે બધું ઠીક લાગે છે, પરંતુ બીજા લોકો આપણને કોઈ બીજાં રૂપે ઓળખે છે.

બહારની વ્યક્તિનો દ્રષ્ટિકોણ તમે ચૂકી જતાં હોવાથી પોતાના જ વિશેની એ વાત તમે પોતે જ જાણી શકતા નથી. હા, અમુક બાબતોમાં આપણે ખુદને બીજાઓ કરતાં ઘણી બહેતર રીતે જાણીએ છીએ પણ થોડા મુદ્દામાં પોતાને સારા સ્વરૂપે જોવાની જરૂર કે ઇચ્છાને કારણે આપણે પોતાની જાત માટે જ અજનબી બની જઈએ છીએ. સામાજિક મનોવિજ્ઞાનીઓ કહે છે, લોકોનું પોતાને માટેનું ઉચ્ચ આત્મસમ્માન ઘણી વાર તર્કસંગત નથી હોતું. આ અસ્પષ્ટતાઓનાં કારણો અલગ અલગ હોય છે.

સૌથી પહેલું છે બ્રાઈટ સ્પોટ. બ્રાઈટ સ્પોટ એટલે એ ચીજો જે તમારી અને બીજાઓની એટલે કે બન્નેની જાણમાં છે. જેમકે, તમે અંતર્મુખી છો કે બર્હિમુખી? બર્હિમુખતા જેવી ખાસિયતો આપણે ખુદ અને બીજાઓ સહેલાઈથી સમજી શકે છે. જો બધા જ એવું માનતા હોય કે તમે ખૂબ જ વાતોડિયા છો તો મોટે ભાગે તમે એવા છો. બીજી શ્રેણી ડાર્ક સ્પોટની છે - એ ચીજો જે નથી તમને દેખાતી કે નથી બીજાને દેખાતી. એમાં ઊંડા અચેતન ઉદ્દેશ સામેલ હોઈ શકે છે, જે તમારા વ્યવહારને પ્રેરે છે.

ઉદાહરણ તરીકે, તમારાં માતા-પિતા એવું માનતાં હોય કે તમારાથી લાઈફમાં કંઈ થવાનું નથી, તો એમની તે ધારણા બદલવા તમારામાં પાનો ચડી શકે છે, તમારી મહત્વાકાંક્ષા દઢ થઈ શકે છે. ત્રીજા છે પર્સનલ સ્પોટ - એ ચીજો જેની માત્ર તમને ખબર છે, જેમકે પોતાના સહકર્મચારીઓનો તિરસ્કાર. ચોથો બ્લાઈન્ડ સ્પોટ છે - એ ચીજો જેને માત્ર બીજા લોકો જાણે છે.

પર્સનલ સ્પોટ અને બ્લાઈન્ડ સ્પોટ સૌથી વધુ રોચક છે, કેમકે આપણે પોતાને કેવી રીતે જોઈએ છીએ અને બીજાઓ આપણને કેવી રીતે જુએ છે એ બન્ને વચ્ચે તે ભિન્નતા લાવે છે. અભ્યાસ એ જ સાબિત કરે છે કે આપણા ધાર્યા કરતાં આપણે ઓછા પારદર્શી હોઈએ છીએ. વાસ્તવમાં આપણે જે કંઈ કરવા ઈરછીએ છીએ અથવા વિચારીએ છીએ ત્યાં સુધી પહોંચી પણ શકીએ છીએ, કેમકે આપણાં વ્યવહાર, ધારણાઓ અને પ્રાથમિકતાઓની સૌથી સારી જાણકારીનો સ્રોત આપણે પોતે જ છીએ.

આ સ્થિતિમાં આપણે આપણી ઓળખ કે લાગણીઓ અંગે ખોટા કેવી રીતે હોઈ શકીએ? ટિમોથી કહે છે, આપણી સંવેદનાઓને આપણું અચેતન મગજ રોકે એ માટેનાં ઘણાં કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે દમન, બીજું લાપરવાહી, ત્રીજું પોતાના વિષે અને જિંદગી વિષેની સૈદ્ધાંતિક અસ્પષ્ટતા.

એમની વાત વિસ્તારથી સમજાવતાં કોર્નેલ યુનિવર્સિટીના અઘ્યાપક થોમસ ગિલોવિચ કહે છે, આપણને લાગતું હોય છે કે આપણી ચિંતાઓ કે અજ્ઞાત અનુભૂતિઓથી આપણે પરિચિત છીએ. જોકે, અભ્યાસ દર્શાવે છે કે આપણે આપણી ભાવના, ઈરાદા અને વિચારોનાં મૂલ્યાંકનમાં મોટે ભાગે કાચા હોઈએ છીએ. ગિલોવિચને પોતાના અભ્યાસમાં જણાયું કે બીજાઓ આપણને કેવી રીતે જુએ છે એ વાત જાણવામાં અનેક અવરોધ અને મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો નડે છે.

હકીકતમાં આપણી આંતરિક સ્થિતિ બીજા લોકો ક્યાંક જાણી ન જાય એ વાતે આપણે અત્યંત સભાન હોઈએ છીએ. આ એક પૂર્વગ્રહ છે, જેને ‘પારદર્શકતાનો ભ્રમ’ કહેવાય છે. આપણા વ્યવહાર અને રજૂઆતનું મૂલ્યાંકન બીજા લોકો કરે એને પણ આપણે વધુ મહત્વ આપીએ છીએ. એને ‘સ્પોટલાઈટ ઈફેકટ’ કહે છે. પારદર્શકતાના ભ્રમને કારણે તમને એવું લાગે છે કે તમે જાતને ઓળખવામાં કોઈ ભૂલ નહીં કરી શકો.

આ સહજતાનું કારણ સમજાવતાં ડેવિડ કહે છે, ‘તમે જ તમારા સૌથી સારા ન્યાયાધીશ છો એવી તમારી માન્યતાનાં ઘણાં કારણો છે. દેખીતું છે, બીજા કોઈની પણ સરખામણીમાં તમે જાતને વધુ લાંબા સમયથી જાણો-ઓળખો છો, પણ વાસ્તવિકતા એ છે કે તમે પૂર્વગ્રહોથી ગ્રસ્ત હો છો. પોતાને સારા, શાલીન અને સક્ષમ જોવામાં તમારો ચોક્કસ રસ અને સ્વાર્થ રહેલા હોય છે. આપણાં સ્વાભિમાન સાથે જોડાયેલી વિશેષતાઓની વાત આવે ત્યારે આપણે પોઝિટિવ કહી શકાય તેવો ભ્રમ પાળી લઈએ છીએ.’

રોમન દાર્શનિક સેનેકાએ કહ્યું છે કે બીજા લોકોનાં પાપ આપણી નજર સામે હોય છે, જ્યારે આપણાં પોતાનાં પાપ પીઠની પાછળ હોય છે. તમે તમારા વિષે થતી ગોસિપ બેઠકમાં ભાગ નથી લઈ શકતા. લોકો તમારા વિશે શું પ્રતિક્રિયા આપે છે તે વિશેની તમારી જાણકારી સીમિત હોય છે.

મનોવિજ્ઞાનના સહાયક પ્રોફેસર સિમિન વજીરના જણાવ્યા પ્રમાણે પોતાની બુદ્ધિ કે અન્ય ગુણોને ગ્રહણ કરવાં પણ મુશ્કેલ હોય છે. એક અભ્યાસમાં લોકોને પોતાની બુદ્ધિમત્તાને માર્ક્સ આપવાનું કહેવાયું. લોકોએ પોતપોતાને જે રેટિંગ આપ્યું તેનો મેળ એમના આઈકયૂ સાથે નહોતો ખાતો. (અલબત્ત, તેમના મિત્રો-પરિચિતોનો અંદાજ બહેતર પુરવાર થયો, કેમકે એમનાં ‘ચશ્માં’ સાફ હતાં!) આવું જ ઈમાનદારીના મામલે થયું. હકીકતમાં પોતાને માટે આવા સકારાત્મક ભ્રમ અપનાવવા યોગ્ય હોય છે. એ આપણો આત્મવિશ્વાસ વધારે છે અને રિજેકશનની પીડાથી કંઈક અંશે બચાવે છે.

સેમ કહે છે કે એવું નથી કે બધી વાતો બીજા લોકો સાચી રીતે સમજે છે. જીવનના મોટા મુદ્દા, પોતાની આંતરિક મનોદશા તમારાથી બહેતર કોઈ નથી સમજતું. પહેલું કારણ એ કે તમારા વ્યક્તિગત અનુભવો એનો પાયો તૈયાર કરે છે અને બીજું કારણ છે કે અહીં કોઈ અજનબી નથી હોતું. બધાં પાસાં તમારી સામે સાફ અને ખુલ્લાં હોય છે. ખુદનું સ્વાભિમાન, પોઝિટિવિટી અને નિરાશાવાદને ચકાસવામાં આપણે સારા હોઈએ છીએ.

પર્સનલ સ્પોટ એટલા માટે હોય છે કે બીજા લોકો એ જાણતા હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો પરંતુ તેઓ તમારા ઈરાદા કે ભાવનાઓથી અજાણ હોય છે. કોઈ પાર્ટીમાં તમે શાંત હો તો લોકો એ નથી જાણતા કે અહમ્ ભાવનાથી પ્રેરાઈને તમે એમ કરી રહ્યા છો કે તમને લોકો સાથે હળતા-મળતા આવડતું નથી માટે તમે એવા છો.

અલબત્ત, તમને ખુદને તો સરચાઈની જાણ હોય છે. આમ, ચિંતા, સકારાત્મકતા, નિરાશાવાદ, દિવાસ્વપ્ન જોવાની તમારી પ્રકૃતિ અને ખુશી - વગેરે એવી બાબતો છે, જેને ઓળખવામાં બીજા લોકોને મુશ્કેલી પડી શકે છે. તમારો લગ્નસંબંધ, દોસ્તી, પ્રમોશનના ચાન્સ વગેરે વિશે બીજાઓ જે તારણ પર પહોંચે છે એનો આધાર એ વાત પર હોય છે કે લોકો તમને કેવી રીતે, કેવી નજરથી જુએ છે. એટલે વાસ્તવમાં તમે કેવા છો એની તમને ખબર ન હોય તો પણ બીજાઓ તમને કેવી રીતે જુએ છે એ જાણી રાખવું ઉપયોગી છે. જ્યારે પોતાના અને બીજાઓના સંકેતોને તમે સમજવા લાગશો ત્યારે સહજતાનો કોઈ રસ્તો બંધ નહીં રહેશે.

No comments:

Post a Comment