Sunday, 7 August 2011

ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ


 
 
જે સંબંધમાં દરેક વ્યક્તિ એકમેકના અવકાશનું રક્ષણ કરે, પોતાના કરતાં સામેવાળી વ્યક્તિનો વધુ ખ્યાલ રાખે, લેવા કરતાં દેવામાં વધુ રાજીપો અનુભવે એ સંબંધોમાં નિશંક મોકળાશ હોવાની જ અને મોકળાશ હોય ત્યાં માઠું લાગવાની કે ખોટું લગાડવાની ગૂંજાઈશ નથી હોતી.

મે મહિનો છે અને મોકળાશનો વિષય છે, પછી તો પૂછવું જ શું? જાણે કોઈએ ભારતીય રેલવેની સર્ક્યુલર ટિકિટ હાથમાં મૂકી દીધી હોય ને રુટિન નામના જીને અટ્ટહાસ્ય કરતાં કહી દીધું હોય કે ‘જાઓ વત્સ, આજ સે મહિને ભર કે લિયે તુમ મુક્ત પંછી હો. હા... હા... હા... જા બચ્ચે મૌજ કર. તીસ દિન તક તુજે મેરી સૂરત નહીં દિખેગી.’ અને પછી એ બચ્ચો જેમ મુઠ્ઠી વાળીને ખુશીની ચિચિયારી કરતો દોટ મૂકે એમ મન ભાગાભાગ કરવા માંડ્યું છે. કેવી ગજબની વાત છે! આ ‘મોકળાશ’ કે ‘સ્પેસ’ જેવા શબ્દો હજી જિંદગીમાં પ્રવેશ્યા નહોતા ત્યારથી તેને માણવા મન બહાવરું બનતું આવ્યું છે.

બાળકોને મૂકીને મમ્મી બહાર જાય ત્યારે બારણું બંધ થતાંવેંત આખા ઘરમાં કેવી ધમાચકડી શરૂ થઈ જતી એ યાદ આવે છે. બા બહાર જાય એટલે નવો સાડલો (હા, ત્યારે સાડી શબ્દ તો રેશમી કે અન્ય ભારે સાડીને માટે જ અનામત રહેતો) પહેરીને જાય અને એણે ઉતારેલો ઘરનો સાડલો અમારે માટે મોંધેરું ડ્રેસિંગ બની જતો. તે પહેરીને બહેનપણીઓ સાથે ઘર-ઘર રમાતું અને ત્યારે જેમની બહુ ઇર્ષ્યા થતી એ-મોટાઓની-નકલ થતી. એ બધી મોકળાશ હતી એનો ક્યાં ખ્યાલ હતો?

સ્કૂલમાં વર્ગ શરૂ થાય ત્યારે એ વર્ગ લેનારા સ્ટ્રીકટ ટીચર ગેરહાજર છે એવી અચાનક ખબર મળે અને જે આનંદનો ઉછાળ આવે એ મોકળાશ છે તેવી ક્યાં ખબર હતી? વેકેશન પડે ને દફ્તર ફગાવી હૂ...ડૂ...ડૂ... કરતા દોસ્તો સાથે રખડવા નીકળી પડતા છોકરાઓને ક્યાં ખયાલ હતો કે એ મોકળાશ છે? મોટા થતાં ગયા તેમતેમ એ નિર્દોષ મજાક-મસ્તી અને નફિકરી મુક્તિના ટાપુઓ જિંદગીમાંથી ધીમે-ધીમે અલોપ થતાં ગયાં.

ત્યાં સુધીમાં તેનું નામ મોકળાશ કે સ્પેસ છે અને તે જ જિંદગીનો ચાર્જિંગ ફોર્સ છે એ પણ સમજાતું થઈ ગયું હતું. એટલે તો એ મોકળાશના જે કોઈ મોકા મળે તે ઝડપી લેવાનું અને ન હોય ત્યાંથી એ ઊભા કરી લેતા શીખી લીધું છે. આજે પણ જિંદગીમાં કંટાળા કે બોરડમને ‘સ્ટ્રીકટ નો એન્ટ્રી’ છે તે એનો જ પ્રતાપ છે. પણ આ તો થઈ બાહ્ય મોકળાશની વાત જે સમય, સ્થળ કે સંજોગોની છૂટથી રચી શકાય પરંતુ મને સૌથી વધુ સ્પર્શે છે તે તો સંબંધોની મોકળાશ છે.

હા, બે વ્યક્તિ રકતસંબંધોથી, દુન્યવીસંબંધોથી, મૈત્રીસંબંધોથી, પ્રેમસંબંધોથી કે પછી જેને કોઈ સગપણ કે સંબંધના દાયરામાં ગોઠવી ન શકાય તેવા અલૌકિક સંબંધોથી પણ એક-બીજા સાથે જોડાયેલી હોય એ સંબંધમાં મોકળાશ હોય તો જ એ સંબંધ ધબકતો રહે છે, મહોરતો રહે છે. સંકુચિતતા, પઝેસિવનેસ, ચડસાચડસી અને ઇર્ષ્યા સંબંધોને કરમાવે છે, કોરી ખાય છે.

મહોરતા-ચહેકતા સંબંધોમાં રહેલી મોકળાશમાં વ્યક્તિઓ સતત ઊગતી રહે છે. એવા કેટલાક, રડ્યાખડ્યા સંબંધોના સાક્ષી બનવાની તક મળી છે અને ઓળઘોળ થઈ જવાયું છે એ સંબંધો પર. અમૃતા પ્રીતમ અને ઈમરોઝ કે દિલીપકુમાર રોય અને ઈંદિરાદેવીના સંબંધો વિશે તો વાંચ્યું જ છે પણ રૂબરૂ સાક્ષી બનવાનું થયું ત્યારે ખરેખર એ માહોલમાં જીવતા લોકો માટે ખૂબ જ માન અનુભવ્યું છે. એક સ્વજન સાંભરે છે, જેવા ભીતર એવા જ બહાર, મનમાં ન હોય એ કદી હોઠ પર ન આવે અને હોઠ પર આવે તેનાથી જુદું મનમાં હોય એવું કદી બને નહીં. સંબંધોમાં પણ એવા જ પારદર્શક અને નિખાલસ. તેમણે પ્રેમલગ્ન કર્યા હતાં.

વ્યવસાયને કારણે તેમને વરસમાં ઘણા મહિના ટ્રાવેલિંગ કરવું પડતું અને પરદેશ જવાનું થતું. તેમની શિક્ષિત અને પ્રોફેશનલ પત્નીને એ અંગે કોઈ ફરિયાદ હોય તેવું નહોતું લાગતું, કેમકે બન્ને લગ્ન પહેલાં પણ ઘણાં વરસથી એકમેકને ઓળખતાં હતાં. તેમના લગ્નનાં થોડાં વરસો બાદ પત્ની માટે પણ તેમણે પરદેશમાં નોકરી શોધી કાઢી અને કવોલિફાઈડ પત્નીને એ જોબ મળી ગઈ. એ ત્યાં રહેવા ચાલી ગઈ. પેલા સ્વજનને જ્યારે એ દેશમાં જવાનું થાય ત્યારે પતિ-પત્ની સાથે રહેવાનો લહાવો લે પણ બે-એક વર્ષ પછી એકવાર એ સ્વજન પત્ની પાસે ગયા ત્યારે તેમને કંઈક નવો જ અનુભવ મળ્યો. પત્નીને મળવાની ઉત્સુકતા સાથે ડોર બેલનું બટન દબાવી દરવાજો ઊઘડવાની રાહ જોતા ઊભા હતા ત્યાં ઘરનો દરવાજો ખુલ્યો.

સામે પત્ની જ ઊભી હતી પણ આજે તેની આંખોમાં પ્રેમની તરસ છલકાતી નહોતી, આજે તેના હાથ પતિને બથ ભરવા ઊઠ્યા નહોતા. બરફ જેવી ઠંડી નિર્લેપતાથી તેના હોઠ પરથી શબ્દો સર્યા: ‘હવે આપણા સંબંધો પૂરા થયા છે’! પત્નીને વહાલથી ભેટી પડવા પહોળા થયેલા પતિના હાથ બારસાખ પર જડાઈ ગયા. એક તો હતો લાંબી સફરનો થાક અને તેમાં આ આઘાત! પગ પાછા વળી ગયા પોતાના વતન ભણી.

અંગત જિંદગીમાં મળેલા આવા આઘાત પછી એ ભારત પાછા ફર્યા ત્યારથી લઈને જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ તેમના મોઢામાંથી પોતાની પૂર્વપત્ની વિશે એક શબ્દ પણ ઘસાતો કોઈએ સાંભળ્યો નથી! એટલું જ નહીં, વરસો પછી તેમની એ પત્ની ભારત આવી ત્યારે તેને પ્રિય એવાં ગુલાબનાં ફૂલ લઈને મળવા પણ ગયા હતા અને તેના નવજીવનની વાતો સાંભળી ખુશ થયા હતા. પોતે ચાહતા હોઈએ તે વ્યક્તિને પોતાના નિર્ણય કરવાની અને તેનાં સુખની ખુશી મનાવવા જેવી મોકળાશ સંબંધમાં આપવા માટે કેટલું મોટું દિલ જોઈએ!
દુન્યવી સગપણને નાતે એક ઘર કે એક સ્થળે સાથે રહેતી વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં જ્યારે બરડતા અને રુક્ષતા વ્યાપી જાય છે એ ભયંકર ગૂંગળામણ કરનારી હોય છે.

એક જ ઘરમાં રહેવાનું, સાથે બેસીને જમવાનું. બાજુની પથારીમાં સૂવાનું અને બન્ને પક્ષે હૃદયમાં ઊછળે ઘણું-ઘણું કહેવાનું- છતાં હોઠો પર મણ-મણનો બોજ! આવી સ્થિતિ પતિ-પત્ની વચ્ચે, મા-દીકરી વચ્ચે, પિતા-પુત્ર વચ્ચેની પણ કેમ ન હોય, એ ભયંકર-સ્ટ્રેસયુક્ત છે. કેટલીય વાર જોયું છે જેમને માટે સૌથી વધુ પ્રેમ કે લાગણી હોય તેની સાથે જ અજાણતા(?) આવી તંગદિલી ઊભી કરી બેસીએ છીએ.

આ સિનારિયો કદાચ આપણામાંના ઘણાએ જોયો હશે: બાપને દીકરા માટે અઢળક વહાલ અને દીકરાને પણ બાપ માટે ભારોભાર લાગણી પણ બેય વચ્ચેના સંબંધમાં કયારેક એવી ગૂંચ પડી ગઈ કે જિંદગીભર એક ઘરમાં રહેવા છતાં બાપ દીકરો એકબીજા સાથે વાત ન કરી શક્યા. બાપ વૃદ્ધ થયા અને બીમારીએ કબજો કર્યો. દીકરો ડોકટરને બોલાવે, સારામાં સારી સારવાર કરાવે પણ બાપ પાસે થોડી વાર બેસીને પ્રેમથી માથે હાથ ફેરવે કે ખબર પૂછે નહીં.

બાપ પણ દિવસભર પથારીમાં પડ્યા પડ્યા પત્નીને દીકરાના હાલચાલ પૂછ્યા કરે પણ દીકરો આવે ત્યારે એને બોલાવી ન શકે. આવું કેમ? બાપ-દીકરાને કયારેય શાંતિથી વાત કરતાં આવડયું જ નહોતું. નાનો હતો ત્યારે બાપ દીકરાને ભણતરના અને મોટો થયો પછી કામકાજના વિષયમાં કંઈ પૂછે તો દીકરાને લાગે કે બાપા પોતાની બધી વાતમાં માથું મારે છે અને તે ઉઘ્ધતાઈથી એ જવાબ આપી દે. બાપને ખૂબ દુ:ખ થાય.

દીકરાના આવાં આકરાં વેણ સાંભળીને અને કયારેક મગજ ગુમાવી એય બે વાત સંભળાવી દે. ઘરનું વાતાવરણ ગરમ થઈ જતું અને મા શાંતિસૈનિકની ભૂમિકા ભજવી બાપ-દીકરાને શાંત પાડતી. બાપને લાગતું કે દીકરાના ભલા માટે કહું છું તોય મને આમ વડચકાં ભરે છે; દીકરાને થતું કે બધું કરું છું તોય મારામાં વિશ્વાસ નથી. પછી તો બાપ-દીકરા વચ્ચે બોલવાનું થાય ત્યારે કંઈક ને કંઈક તડાફડી ફૂટ્યા વગર રહે જ નહીં. બસ ત્યારથી બન્ને વચ્ચેનો સંવાદ એકદમ શૂન્ય થઈ ગયેલો.

દીકરાની મા બીમાર પતિની દીકરા માટેની અને દીકરાની બાપ પ્રત્યેની લાગણીય જાણતી હતી પણ બન્નેની મર્યાદાથી ય વાકેફ, એટલે મનોમન પોતાના ઠાકરને પ્રાર્થના કરી લેતી કે હવે બાપ-દીકરાના સંબંધમાં આવી ગયેલી બધી ગૂંચોને ઉકેલી આપજો કે છેલ્લે છેલ્લે બેય પોતપોતાનાં દિલની વાત સામાને કહી નાખે પણ બાપ-દીકરાના સંબંધોમાં એવી નિખાલસતા અને મોકળાશની પળ કયારેય આવી જ નહીં. એક દિવસ બાપની પથારી ખાલી થઈ ગઈ, પિતાના નશ્વરદેહને અગ્નિદાહ દેતા દીકરાને ચિતાની જવાળા કરતાંય દાહક એવી દિલની ચિતા દઝાડી રહી હતી કે જીવતા બાપના મનને આવો જ દાહ આપ્યો હતો.

દીકરાએ બહુ-બહુ ઈચ્છ્યું કે એક વાર બાપ જાગે અને હું એને પ્રેમથી ભેટીને બધી જ ભૂલોની માફી માગી લઉં પણ એ બહુ મોડો જાગ્યો હતો. શકય છે કે અંત સમયે બાપનેય કદાચ મનમાં આવો જ વિચાર આવ્યો હશે પણ સમય ખૂટી ગયો હશે! દુનિયામાં કદાચ સૌથી નિકટના કહેવાય તેવા આત્મીયજનો સાથે પણ આપણે પોતાના દિલને ખોલી ન શકીએ કે તે તેના મનને અનાવૃત્ત ન કરી શકે તો એ સંબંધ કેટલો સંકીર્ણ અને સંકુચિત થઈ ગયો હોય છે તેની આલબેલ છે.

જે કોઈ એમના પરિચયમાં આવે એ સૌને અનર્ગળ સ્નેહની ધાર ઝીલતા હોય તેવી અનુભૂતિ કરાવતા એક પ્રેમાળ સર્જકને તેમના પોતાના જ ઘરમાં પોતાના વહાલનો ખજાનો દાટીને બેઠા હોય એવા ગુમસૂમ અને મૂઢ જોયા ત્યારે ખૂબ દુ:ખ થયેલું પણ એમના અન્ય સ્વજનોની હાજરીમાં એ વિશે વાત કરવાની હિમ્મત નહોતી થઈ. એક દિવસ અચાનક તેમના ઘરે જઈ ચડી અને એમના એ જ અસલી વહાલની છાલક ઝીલી ત્યારે મેં કહ્યું ‘એક વાત પૂછું?’ મારી આંખોમાં પડઘાતો સવાલ તેમણે કદાચ વાંચી લીધો હતો. એ બોલ્યા, ‘આપણે તો નિરંતર વરસતા રહીએ, બાકી જેવું જેનું પાત્ર.’

‘પણ...’ મારે તે દિવસની તેમની બૂઝીબૂઝી સંવેદનાનું કારણ જાણવું હતું અને હું પૂરું બોલું એ પહેલાં જ એ મારા મનની વાત કળી ગયાં અને બોલ્યાં: ‘હા, પોતાનાં જ પાત્રમાં એ ઊંડાણ ન હોય તો કયારેક ગુમસૂમ થઈ જવાય.’ પોતાનાં બાળકો કે સ્વજનો સાથે, યા મિત્રો કે સ્નેહીઓ સાથે આપણે સંબંધોની એવી મોકળાશ કેમ ન રચી શકીએ, જેમાં આમ બોલીશ કે તેમ પૂછીશ તો તેને ખરાબ લાગશે એવો ભય ઊભય પક્ષે ન હોય.

સાથે જ એકમેકની લાગણીની સરચાઈનો બન્ને પક્ષે શતપ્રતિશત વિશ્વાસ હોય? આપણા શરીરના કોઈ અંગને અમુક કામ કરવાથી કે અમુક પ્રવૃત્તિ કરવાથી તકલીફ થાય તો આપણે એ કરીએ છીએ? એવો જ એટિટ્યુડ પોતાના સ્વજનો કે સ્નેહીઓ પ્રત્યેના વર્તનમાં પણ કેમ ન હોય? મેં કેટલાંય દંપતીઓને જોયાં છે કે લગ્નના ચાળીસ-પચાસ વરસ પછી પણ એકને એક-મેકના સેન્સિટિવ એરિયાઝનો ખ્યાલ નથી આવ્યો હોતો.

પતિને ખાંડ સાથે નાખીને આપેલી કોફી પસંદ નથી એ વાત ચાર દાયકા સાથે રહ્યાં છતાં પત્ની મીઠી કોફી જ પતિને આપે છે અને પત્નીને એસી પાસે સૂવાનું નથી ફાવતું એ જાણવા છતાં પતિ રોજ તેને માટે ત્યાં જ જગા રાખે છે! જે સંબંધમાં દરેક વ્યક્તિ એકમેકના અવકાશનું રક્ષણ કરે, પોતાના કરતાં સામેવાળી વ્યક્તિનો વધુ ખ્યાલ રાખે, લેવા કરતાં દેવામાં વધુ રાજીપો અનુભવે એ સંબંધોમાં નિશંક મોકળાશ હોવાની જ અને મોકળાશ હોય ત્યાં માઠું લાગવાની કે ખોટું લગાડવાની ગૂંજાઈશ નથી હોતી. હું જ્યારે મોકળાશભરી આદર્શ રિલેશનશિપની કલ્પના કરું તો મને આ પ્રાર્થના યાદ આવે છે:

ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિધા, દ્રવિણમ્ ત્વમેવ
ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ


કેટલી અદ્ભુત રિલેશનશિપ હશે આ? આટલા બધા સંબંધોને એક જ વ્યક્તિ સાથેની રિલેશનશિપમાં અનુભવી શકાય તો એ મોકળાશની ચરમસીમા નહીં તો બીજું શું?

No comments:

Post a Comment