Friday, 19 August 2011

માતા અને સંતાન જુદા પડે ત્યારે...


 
 
સંતાનથી જુદા પડવાનું આખરે તો તેના ફાયદા માટે જ છે, એ વાત માતા પણ જાણતી હોય છે.

નવ માસ ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક એકબીજા સાથે હૃદય અને મગજથી સંપૂર્ણ એકાકાર થઇ ગયા હોય છે. બાળક પણ માતાના અવિરત, અનરાધાર પ્રેમથી ટેવાઇ ગયું હોય છે. એકબીજાથી દૂર થવાના પ્રસંગો માતા તથા બાળક બંને માટે ખૂબ પીડાદાયક હોય છે. માતા પણ સમજતી હોય છે કે થોડા સમય માટે પણ છુટા પડવું એ પોતાના સંતાનના ફાયદા માટે જ છે. છતાં પોતાના વહાલસોયાથી દૂર થવાની પીડા માતા જ સમજી શકે.

જન્મ બાદ તુરત જ : પ્રસૂતિ પહેલાંનાં કેટલાય દિવસોથી માતાની આંખો પોતાના શિશુને જોવા તલસે છે. જન્મ બાદ કોઇ કારણોસર જ્યારે બાળકને તરત નવજાત સઘન સારવાર વિભાગમાં ખસેડવું પડે એમ હોય ત્યારે સગાં અને ડોક્ટર બંનેને મુંઝવણ થાય છે કે આ અંગે માને કેવી રીતે સમજાવીશું. છતાં બાળકનું મોં થોડી ક્ષણ માટે પણ માતાને બતાવી તેને સમજાવવામાં આવે કે બાળકને કેમ ખસેડાય છે અને ત્યાં બાળકને શું ફાયદો થશે તો થોડી જ ક્ષણમાં માતા પણ આ બાબત સ્વીકારી લે છે.

ઘણી વાર બાળકનું મોં બતાવવું શક્ય ન બને ત્યારે માતા જ્યારે પ્રસૂતિની પીડામાંથી સ્વસ્થ થાય, ત્યારે એને બાળકને ખસેડવાનું મહત્વ સમજાવાય તો પણ તે સ્વીકારી લેશે. ડોક્ટરની પરવાનગીથી જો શક્ય હોય તો માતાનું કાઢેલું ધાવણ (EBM) બાળક પાસે પહોંચાડી તેને નળી વાટે કે મોઢેથી આપવાથી માતાને સંતોષ થાય છે. બાળકોના ડોક્ટર કે સગાંની માતા સાથે બાળક કેમ છે તે અંગે રૂબરૂ કે ફોન પરની વાતચીત પણ માતાની રાહ જોવાની શક્તિમાં વધારો કરી શકે છે.

સર્વિસ શરૂ થાય ત્યારે : બને ત્યાં સુધી પહેલાં છ માસ બાળકને માતાનું ધાવણ જ મળવું જોઇએ. કેટલાક કિસ્સામાં માતાએ સંતાનના જન્મના ત્રીજા કે ચોથા મહિના બાદ ફરજિયાત પોતાની ફરજ પર હાજર થવાનું આવે ત્યારે તેણે થોડા કલાકો માટે બાળકથી અલગ થવું પડે છે. જો ઘર અને કામની જગ્યા નજીક હોય તો વચ્ચે ઘરે આવી તેણે એક વખત બાળકને ધાવણ આપવું.

જો તે શક્ય ન હોય તો તેણે EBM (પોતાનું કાઢેલું ધાવણ) કેવી રીતે કાઢવું, સાચવવું અને બાળકને આપવું તે ડોક્ટર પાસેથી શીખી લેવું. બજારના ડબ્બા કે દૂધ કરતાં EBM આપવાનો ફાયદો એ છે કે માતાને પોતાના કામની જગ્યાએ પણ સંતોષ રહે છે કે પોતાની ગેરહાજરીમાં પણ બાળકને પોતાનું જ ધાવણ મળે છે આથી તેને લઘુતાગ્રંથિ સતાવતી નથી.

ઓફિસેથી પાછા ફરતાં થયેલો અનુભવ એક માતાના જ શબ્દોમાં, ‘મેં સ્કૂટર પાર્ક કર્યું અને ઘરની ડોરબેલ વગાડી ત્યાં જ મેં અનુભવ્યું કે મારી છાતીમાં ધાવણ ભરાવા લાગ્યું છે. રૂમમાં દાખલ થતાં જ જ્યાં બાળકની નજર મારા પર પડી કે તેના પગની સાઇકલની જેમ હલનચલન, હાથની મુઢ્ઢીઓ ઊંચીનીચી થતી જેવી પ્રક્રિયા એકદમ વધી ગઇ.’ કેવો છે કુદરતે ગોઠવેલો બાળક-માતાનો અનેરો પ્રેમ.

નર્સરીમાં તથા હોસ્ટેલમાં મૂકતી વખતે : આ બંને પ્રસંગ બાળકની કરિયર માટે જ છે. સ્કૂલે મૂકતાં શરૂઆતના ૧૫ દિવસ દરેક બાળક તથા માતાને આકરું લાગે છે, પરંતુ બંને થોડા દિવસમાં જ માનસિક રીતે તૈયાર થઇ જાય છે કે આ વિરહ થોડા કલાકોનો જ છે. ક્યારેક માતા તથા કુટુંબીજનો શાળાના ઝાંપે બાળકને ‘રમજ, ‘નાસ્તો કરજે’ જેવી સૂચના આપતાં જોવા મળે છે. હોસ્ટેલમાં ભણવા માટે છુટા પડતાં સુધીમાં તો બાળક માનસિક રીતે ઘણું તૈયાર થઇ ગયું હોય છે.

અહીં ત્રણેય પ્રસંગમાં વિરહની વેદના ભલે બાળકના ફાયદા માટે હોય પરંતુ તે ફક્ત માતા જ સમજી અને સહન કરી શકે. આથી જ કહે છે ને, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’

No comments:

Post a Comment