આજે બજારમાં એક એકથી ચડિયાતી સાડીઓનો ભંડાર મોજૂદ હોય છે. નારી ખુદ તેમાંથી પસંદગીની સાડી પસંદ કરતાં વિચારવા લાગે છે કે, આ અખૂટ ભંડારમાંથી મારે કઈ સાડી પસંદ કરવી ?!
એક જમાનામાં ખાસ વીંટીમાંથી પસાર થઈ એવી પાતળી, સુંવાળી મલમલની સાડીઓ ઢાકા (હાલ બાંગલાદેશ)ના વણકરો વણતા. પાટણના પટોળા બહુ વખણાતાં. બનારસી સિલ્ક, બનારસી પાનેતર પણ એટલું જ વખણાતું. આમ એ જૂની સાડીઓની વાતો સાંભળીને આપણે બે ઘડી વાહ વાહ કરીએ છીએ, પરંતુ ગુજરાત ખાતે આવેલા સુરત શહેરના કારીગરો આજે એનાથીય ચડિયાતી, હળવી સાડીઓ બનાવે છે, જેની માગ આજે પણ એવી ને એવી જ છે. જે રાણીથી રંક સુધીના બધાંને પરવડે તેટલી કિંમતે વેચાય છે.
એવું નથી કે, આ સાડીઓ માત્ર ઘરમાં જ પહેરી શકાય. ભારતના ખૂણે ખૂણે પહોંચેલી સુરતની સાડી વિદેશોની બજારમાં ‘મેઈડ ઇન ઇંગ્લેન્ડ’ અથવા ‘મેઈડ ઇન યુ.એસ.એ.’ના માર્કા સાથે મળે છે. ગુજરાતના ઇતિહાસમાં ‘સોનાની મુરત’નું બિરુદ પામેલું સુરત શહેર એક જમાનામાં સાચી જરી અને તેમાંથી બનતી રજવાડી સાડીઓનું કેન્દ્ર હતું. થોડાં વર્ષો પહેલાં અહીં લગભગ ચાર લાખ પાવરલૂમ્સ હતા. જો કે, અત્યારે એમાંથી અડધા પણ જીવતા નથી. છતાં અહીં બનતી પોલિયેસ્ટર સાડી એટલે સિન્થેટિક સાડી દેશમાં અને પરદેશની નારીઓના અંગ પર શોભે છે.
થોડા સમય પહેલાં તમિળનાડુ-મદ્રાસમાં વેચાયેલી-પહેરાયેલી સાડીઓ સુરતથી ગયેલી હતી. ત્યારે ત્યાંની નારીઓમાં લીલા રંગની વિવિધ સાડીઓ પહેરવાનો ક્રેઝ હતો. અત્યારે સુરતમાં બનતી સાડીઓ સેલ્યુલોઝ બેઝ્ડ અને ક્રૂડ ઓઈલમાંથી બનતી નાયલોન-પોલિયેસ્ટર અને એક્રિલિક મેન-મેઈડ ફાઈબર્સ ટાઈપની બને છે.
પરંતુ તમે જોશો કે તેનો વપરાશ ઘરે ઘરે થઈ ગયો છે. આ પ્રકારની સાડીઓ મજબૂરીથી કે સસ્તી પડે છે, તે માટે નથી પહેરાતી, પરંતુ આ સાડીઓ પહેરવાની ઘેલછા એટલા માટે છે કે, તે દરેક સ્ત્રીઓ માટે કમ્ફર્ટેબલ છે. આજકાલ લોકો સગવડી સાડી જ શોધે છે અને તેઓની શોધ સુરતની સિન્થેટિક સાડીઓથી પૂરી થાય છે.
પટોળાથી પાનેતર સુધીની એક ભૂલો એક પસંદ કરો તેવી પ્રિન્ટની ડિઝાઈનો જોવા મળે છે, તો રંગોમાં તો પાછું વાળીને જોઈ શકાય તેમ નથી. કલર્સમાં પણ સુરતને કોઈ પહોંચી શકે નહીં. ગામઠી-ટ્રેડિશનલ પ્રિન્ટ કહો કે બાંધણી પ્રિન્ટ સુરતની દરેક સાડીની પ્રિન્ટ મનમોહક અને આકર્ષક હોય છે.
એક જમાનામાં મિસ ઇન્ડિયા થયેલી પર્સીસ ખંભાતા, મધુ સપ્રે, નમ્રતા શિરોડકર, ઐશ્વર્યા રાય બચ્ચન અને શિલ્પા શેટ્ટી જેવી હિન્દી ફિલ્મની અભિનેત્રીઓ સુરતની સાડી પહેરી ‘કેટવોક’થી માંડી મોડલિંગ કરી ચૂકી છે. આ પછી પણ તેઓ સુરતની સાડીને પોતાના વોડરોબમાં સામેલ કરવા ઉત્સુક છે.
એક અરસામાં કરિશ્મા કપૂર અને હવે તેની બહેન કરિના કપૂર પણ સુરતની સાડી પહેરીને મોડલિંગ કરી રહી છે. અત્યારે ઉપલા વર્ગમાં કોટન સાડીનો મહિમા વધ્યો હશે. પ્યોર કોટનની મોંઘીદાટ સાડીઓ ‘ગુડ ટેસ્ટ’નું પ્રતીક બનવા લાગી હતી, પરંતુ આ સ્થાન અત્યારે સુરતની પોલિયેસ્ટર સાડીઓ લઈ રહી છે. આપણે ત્યાં અગાઉ કોટન હેન્ડલૂમનો વહેવાર હતો. ત્યારે ફૂલ જેવી હળવી અને સુંવાળી પોલિયેસ્ટર સાડીઓ શહેરી નારીને લોભાવી ગયેલી. જો કે, આજે એ દિવસો બહુ નજીક આવી ગયા છે. વચમાં નારીઓને શિફોન નામના ફેબ્રિકની સાડીઓ બહુ પસંદ હતી. તેનું કારણ છે : ‘વેલ્યૂ ફોર મની.’
એક જમાનામાં સુરતની સાડીની હાઈએસ્ટ કિંમત માત્ર રૂપિયા એક હજાર હતી. જ્યારે સસ્તી માત્ર રૂપિયા સિત્તેરથી એંસી, પરંતુ અત્યારે મોંઘામાં મોંઘી રૂપિયા પાંચ હજાર અને સસ્તી રૂપિયા પાંચસોની કિંમતમાં પડે છે.
હવે આ સાડીઓમાં આકર્ષણ તરીકે તેઓએ બોર્ડર-પાલવની પ્રિન્ટ્સ કરીને તેઓએ કમાલ કરી છે. આ ઉદ્યોગમાં ડિઝાઈનરોનું મહત્ત્વ બહુ મોટું છે. આજે ય મોટા ભાગનું સાડી ડિઝાઈન વર્ક હાથ વડે જ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી કોમ્પ્યુટર આવ્યા પછી ટેક્ષટાઈલ આર્િટસ્ટોને ભાગે ઓછી મહેનત કરવી પડે છે. આમાંના એક આર્િટસ્ટનું કહેવું છે કેઃ અત્યારે આધુનિક કરતાં પરંપરાગત પ્રિન્ટ્સનું ચલણ વધુ છે. થોડાં વરસો પહેલાં સિન્થેટિક સાડીઓનું માર્કેટ જાપાન-તાઈવાન- હોંગકોંગ અને કોરિયા ગણાતું, પરંતુ ભારતની-ગુજરાતના સુરતની સાડી આજે ફેશન ઇન્ડસ્ટ્રીમાં મેદાન મારી ગઈ છે.
આ ધંધામાં ગુજરાતીઓને મારવાડીઓએ ઉથલાવ્યા, મારવાડીઓને પંજાબીઓએ. જો કે હવે પંજાબીઓને સિંધી વેપારીઓથી ડર લાગવા માંડયો છે. દેશભરમાં પોલિયેસ્ટર સાડીઓ પહેરતી સ્ત્રીઓને જો કે આ સાડી કોણે બનાવી એ જાણવામાં બહુ રસ નથી. એને કદાચ એટલી જ ખબર છે કે આ સાડી સુરતમાં બની છે.
No comments:
Post a Comment