
આમાતિસાર, જીર્ણ પ્રવાહિકા, સંગ્રહણી અને અલ્સરેટિવ કોલાયટીસ જેવા જીર્ણ એટલે ‘ક્રોનિક’ રોગમાં વૈદ્યો જેનાથી ધાર્યું અને યશસ્વી પરિણામ મેળવે છે એવું વૈદ્યોનું પ્રિય દ્રવ ઔષધ છે ‘કુટજારિષ્ટ.’
આ કુટજારિષ્ટમાં વપરાતા મુખ્ય ઔષધનું નામ છે. કડાછાલ. કડાછાલના વૃક્ષને આયુર્વેદમાં ‘કુટજ’ કહેવામાં આવે છે. કુટજ વૃક્ષની છાલને જ ‘કડાછાલ’ અને તેનાં બીજ તે ‘ઇન્દ્રજવ’. આ ઇન્દ્રજવ તે ઇન્દ્રના આયુધ જેવું અને ઇન્દ્રને પ્રિય હોવાથી તેને ઇન્દ્રજવ કહે છે. કુટજ વૃક્ષનાં પુષ્પોને ગિરિમલ્લિકા કહેવામાં આવે છે. તેનો અર્થ થાય ‘પર્વત ઉપરનો મોગરો’. કાલિદાસના પ્રખ્યાત મેઘદૂતનો યક્ષ જે પુષ્પોથી અર્ધ્ય અર્પે છે. તે આ ‘કુટજ કુસુમૈ’ પર્વતના શિખરને સંસ્કૃતમાં ‘કુટ’ કહે છે. કડાછાલનું વૃક્ષ પર્વતના શિખર પર થતું હોવાથી તેને ‘કુટજ’ કહેવામાં આવે છે. કુટજારિષ્ટમાં આ કુટજ વૃક્ષની લીલી અને તાજી કડાછાલ વપરાય છે. જે ફાર્મસીઓ સૂકી કડાછાલ વાપરે છે તે ફાર્મસીનો કુટજારિષ્ટ થોડો નિમ્ન કક્ષાનો ગણાવાય છે. કુટજ વૃક્ષની આ લીલી કડાછાલ સ્વાદમાં કડવી, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, ગ્રાહી એટલે મળને બાંધનાર, આહારનું પાચન કરનાર, સર્વાતિસારહર અને તેનાથી ઉત્પન્ન થતાં જ્વરને મટાડનાર છે.
આ કુટજારિષ્ટ સગર્ભા સ્ત્રી અને નાના બાળકને પણ કોઈ જાતના ભય વગર તેની ઉંમરને ધ્યાનમાં રાખી ઉચિત માત્રામાં આપી શકાય છે. રક્તાતિસાર અને રક્તસ્રાવી મરડામાં આના જેવું અન્ય ઔષધ નથી. નવ્ય અતિસારમાં તેનાથી વિશેષ લાભ મળતો નથી, પરંતુ જીર્ણ પ્રવાહિકામાં નિશ્ચિત લાભ મળે છે. દર્દીની શારીરિક પ્રકૃતિ, દોષ, દ્રવ્ય,સાર, સંહનન, સાત્મ્ય, રૂચિ વગેરે ધ્યાનમાં રાખીને કુટજારિષ્ટ સાથે બીજાં ઔષધો પણ પ્રયોજી શકાય. કુટજારિષ્ટ વિશે કહેવાયું છે કે, જ્વરાન પ્રશમયેત ષર્વાન કુર્યાત્ તીક્ષ્ણ ધનંજયમ દુર્બારા ગ્રહણી હન્તિ રક્તાતિસાર મુલ્લવણમ એટલે કે તે જ્વર, રક્તાતિસાર અને સંગ્રહણીમાં વિશેષ લાભપ્રદ છે અને તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર પણ છે. આ કુટજારિષ્ટનાં સહાયક ઔષધોમાં શંખોદરરસ, જાતિફળાદિચૂર્ણ, કર્પૂરરસ, પંચામૃતપર્પટી વગેરે અપાય છે.
અહીં સામાન્ય વાચકને એક પ્રશ્ન ઉદ્ભવશે કે આ કુટજારિષ્ટની માત્રા કેટલી? પ્રત્યુત્તરમાં કહું છું કે જેને ઘરગથ્થુ ઔષધરૂપે પ્રયોજવો તેમણે વયસ્ક વ્યક્તિ માટે નાની સાઇઝના અડધા કપ જેટલું ભરીને પીવું. એક વર્ષથી મોટા બાળકને અડધાથી એક ટેબલ સ્પૂન જેટલું આપી શકાય. દિવસમાં ત્રણ વખત.
કુટજારિષ્ટ, પ્રવાહિકા પ્રધાન સંગ્રહણીમાં ઉત્કૃષ્ટ લાભ આપે છે. સંગ્રહણીમાં પણ કાળજ સંગ્રહણી અર્થાત્ ગ્રીષ્મ અને વર્ષાઋતુના પ્રારંભમાં થનાર સંગ્રહણીમાં કે જે કીટાણુજન્ય હોય છે, તેમાં ત્વરિત લાભ આપે છે. આ સિવાય જૂના મરડામાં જ્યારે વારંવાર આમયુક્ત અલ્પમાત્રામાં મરડાટ સાથે મળપ્રવૃત્તિ થતી હોય ત્યારે પણ તે ઉત્તમ કાર્ય કરે છે.
ભલેને જેમને ઉપર્યુક્ત રોગ હોય કે ન હોય, છતાં પણ જેમને પાચનતંત્ર મંદ હોય અને એક કરતાં વધારે વખત પચ્યા વગરના કૂચા જેવા સશબ્દ પાતળા ઝાડા થતાં હોય તેમના માટે પણ દ્રવ દવા ઉત્તમ ફાયદો આપે છે. આ ઔષધ દ્રવના ઉપયોગથી પાચનતંત્ર સુધરશે. ઝાડો બંધાઈને પચીને આવશે, હમણાં મેં એક વલસાડથી આવતાં અલ્સરેટિવ કોલાયટીસમાં દર્દીને સતત ચાર મહિના આ કુટજારિષ્ટ અને બીજા બે સહાયક ઔષધના ઉપયોગથી દર્દમુક્ત કર્યા. દર્દ મટી ગયું એટલું જ નહીં. તદુપરાંત તેના શરીરમાં ચાર કિલો જેટલાં માંસ મેદ અને રક્તની વૃદ્ધિ થઈ. જો કુટજારિષ્ટથી જૂના દર્દીમાં આવાં ઉત્તમ પરિણામ મળતાં હોય તો તેને સપ્રેમ નમસ્કાર કરવાનું મન કેમ ન થાય?
ઘરગથ્થુ ઉપચાર
આયુર્વેદમાં વાયુથી થતી ઊલટીઓમાં ખાસ ખાટાં ફળોનું સેવન સૂચવાયું છે. આમાં પણ લીંબુ તો વાયુ અને પિત્ત બંનેનું શમન કરે છે. એટલે આવી ઊલટીઓમાં ઉપયોગી થાય એવો પ્રયોગ આ પ્રમાણે છે. કાગદી લીંબુના અર્ધા ફાડિયા પર થોડું સિંધાલુણ, જીરું, શેકેલી હિંગ ભભરાવી તેને ગરમ કરી ખદખદાવી ધીમે ધીમે ચૂસવામાં આવે તો વાયુથી થતી ઊલટીઓ શાંત થાય છે. જેમને વારંવાર હેડકી આવતી હોય, જીવ ચૂંથાતો હોય કે મોળ આવતી હોય તેમને પણ આ પ્રયોગથી લાભ મળે છે.
No comments:
Post a Comment