Sunday, 7 August 2011

સફળ જીવન જીવવા માટે આ આઠ જડીબુટ્ટી જરૂરી

 



સફળ જીવન જીવવા માટે આઠ જડીબુટ્ટીઓ જરૂરી છે, જેમાં પ્રથમ છે, દિવસની શરૂઆત વહેલા ઉઠવાથી કરો. બીજું છે, દિવસનો અડધો કલાક કેવો વીતે છે, તે મહત્વનું છે, માટે પ્રથમ અડધો કલાક સકારાત્મક રીતે વીતવો જોઇએ. ત્રીજું છે, તમે તમારી પોતાની સાથે રહો, ચોથું છે, જીવનમાં આવી પડેલી પરિસ્થિતિ માટે ચિંતા નહીં પરંતુ ચિંતન કરો. પાંચમુ છે પ્રભુ સાથે તાદાત્મ્ય કેળવો, છટ્ટું છે, ગમે તેવી ઉતાવળમાં પણ ભોજન માટે પૂરતો સમય ફાળવો, તેમાં કોઇ સમજુતી ન કરો, સાતમુ છે, દરરોજ અડધો કલાક હળવી કસરત કરો, આઠમી અને મહત્વની વાત છે, દરરોજ સત્સંગ કરો તેનાથી માનસિક શાંતિ મળશે, એમ ધર્મોપદેશક ભૂપેન્દ્રભાઇ પંડ્યાએ શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’ કાર્યાલય-અમદાવાદ ખાતે ખાસ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

ધર્મોપદેશક ભૂપેન્દ્રભાઇએ પ્રશ્નનાં ઉત્તરમાં જણાવ્યું કે, જીવનમાં માનસિક તણાવ જરૂરી છે તે ખરાબ વસ્તુ નથી. તીર છોડવા માટે ધનુષ્યની પણછ ખેંચવી જરૂરી છે. તમે થોડા સમય માટે તણાવ રાખીને કામ કરી શકો પરંતુ તે પૂર્ણ થઇ જતા પુન: સ્વસ્થ થઇ જવાની આવડત કેળવી લો. સાંસારિક કાર્યમાં તમે ધર્મનો સમય ચૂકી ન જાવ. તે પણ મહત્વનું છે. સાથે જ પોતાના-નિજતા માટે સમય ફાળવશો તો જ તમારી આંતરિક શક્તિઓનો ખ્યાલ આવશે. નહીં તો રોજ કઠપૂતળી જેવું જ કાર્ય થયા કરશે.

તેમણે જણાવ્યું કે, ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી પરંતુ એક જીવંત પરંપરા, જીવવાની એક કળા છે. જે વ્યક્તિનો આંતરિક વિકાસ કરે છે. સંવેદનાઓને પોષિત કરે છે. ભૌતિક સુખ ખરાબ વસ્તુ નથી પરંતુ તેની જ પાછળ બધો જ સમય દોડ્યા કરવું તે ખોટું છે. આજે આપણે ગીધ વૃત્તિ નહીં પણ બુદ્ધની વૃત્તિ રાખવાની છે. જે વિકસિત હોય અને માનવીય મૂલ્યોને બળવત્તર બનાવી શકે.

તેમણે જણાવ્યું કે મનને શાંત રાખવા માટે આપણે નકારાત્મકતાઓથી દૂર હટવાનું છે. જૈન ધર્મમાં ખૂબ જ સારો શબ્દ છે. પ્રતક્રિમણ. જ્યાં છીએ ત્યાંથી પાછા ફરવાનું છે. જે ઘટનાઓ કે પ્રસંગોથી આપણું મન અશાંત બન્યું છે ત્યાંથી પાછા આવતા રહો. બાળક હંમેશા પ્રસન્ન અને શાંત હોય છે. તમારે મનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે કોઇ નવી વસ્તુ લાવો છો તો પહેલા મેન્યુઅલ વાચીને તેનો ઉપયોગ કરો છો ત્યારે મનને કાર્યાન્વિત કરવા માટે તેને સમજો. પછી તે તમને એક બાળકની જેમ સારા માર્ગે લઇ જશે. કોઇને અશાંતિ ગમતી નથી. તમે શાંતિ પણ મેળવવા માગો છો પરંતુ પ્રથમ તમે પ્રેમ આપતા શીખો, પ્રેમ જ એક એવી શક્તિ છે, જે વહેંચીને તમે અધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધી શકો છો.

તેમણે જણાવ્યું કે અહંકારથી બચવાનું તો બહુ અઘરું છે તે એપેન્ડીક્ષ નથી કે શરીરમાંથી કાઢીને ફેંકી દઇએ. અહંકાર તો વિકાસ માટે પણ જોઇએ મારે સારા માર્ગે આગળ વધવું તો પણ તેની જરૂર પડશે. પરંતુ આપણે કંઇક છીએ તે અહંકાર નકારાત્મક છે. આપણે કોઇના માટે છીએ તે સારી બાબત છે. હું ગુરુનો છું તો ગુરુ ભક્ત અને હું પ્રભુનો છું તો પ્રભુ ભક્ત બની જશો.

તેમણે જણાવ્યું કે ધર્મ કંઇક છોડવા માટે નથી પરંતુ જાગો અને બદલાઇ જાવ. આસિકત અથૉત્ આ સકતી હૈ પર જા નહીં શકતી. આસિકતનું ઉધ્ર્વગમન કરવાનું છે.

તેમણે જણાવ્યું કે જીવનમાં ગુરુ જરૂરી છે, તે મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક છે. સાંખ્યમાં કહ્યું છે કે ગુરુની જરૂર નથી. તમે ભૂલ કરો, તેમાંથી શીખો અને આગળ વધો. પરંતુ તમે એક નાના બાળક પાસે કે.જી.થી પીએચ.ડી. સુધીના પુસ્તકો મૂકી દો તો તે કંઇ શીખી ન શકે. પરંતુ બાળકને અક્ષરજ્ઞાન આપનાર કોઇ માર્ગદર્શક મળી જાય અને તે તેને હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ આપે ત્યારબાદ એ આગળ વધી શકે છે. આ માટે ગુરુની જરૂર છે. તમે એક ગ્રંથને પણ ગુરુ બનાવી શકો અને શ્રીકૃષ્ણ તો બધાના જ ગુરુ છે.

તેમણે જણાવ્યું કે આજે લોકો માત્ર સફળતાને પૈસા દ્વારા જ જુએ છે. પરંતુ સફળતા અને સંપત્તિને કોઇ સંબંધ નથી. તમારી આંતરિક ઉપલબ્ધી-સ્થિરતા જરૂરી છે. આધ્યાત્મિકતા તમારો ધ્યેય, નીતિને સ્પષ્ટ કરે છે. અધ્યત્મિકતા તમે જે ક્ષેત્રમાં પણ હોય ત્યાં સફળતા અપાવે તે માટે સૂચન કરે છે કે માત્ર સાધનનાં ઢગલા પાછળ દોડવાથી સફળ નથી બનાતું પરંતુ તમને કંઇક પ્રાપ્ત કરવા માટે જે આનંદ મળે છે તેમાં સ્થિર થાવ. સુખ દોડવામાં નથી. સાચું અધ્યાત્મ એ છે કે જે પ્રાપ્ત થયું છે તેને માણો, વહેંચો અને ઉજવો. ધર્મ કે અધ્યાત્મ માત્ર શુષ્ક ક્રિયાકાંડ નથી પરંતુ તે જીવન જીવવાની કળા છે.તેમણે કહ્યું કે આજે લોકો બીજાની સામે જોઇને સુખી કે દુ:ખી થાય છે પરંતુ તમારું જીવન એ તમારું પોતાનું છે. તમારે તમારી સામે જોવાનું છે. વિકાસ કરો પરંતુ તમારી ગતિ તમારે નક્કી કરવાની છે. કેમકે આ દુનિયામાં તમારા જેવું અદ્રિતીય બીજું કોઇ નથી.

No comments:

Post a Comment