Monday, 8 August 2011

બંધ ફેલોપીન ટયૂબનો કોઈ ઉપચાર ખરો?

આપણે જાણીએ છીએ કે, પુરુષોની શુક્રવાહિનીઓની જેમ સ્ત્રીઓમાં સ્ત્રીબીજવાહિનીઓ હોય છે. ઇંગ્લિશમાં તેને ફેલોપીન ટયુબકહે છે. આ ફેલોપીન ટયૂબ બે હોય છે. એક ગર્ભાશયની ડાબી બાજુ અને એક જમણી બાજુ.  ડાબી બાજુની ફેલોપીન ટયૂબ ડાબી બીજગ્રંથિ સાથે અને જમણી બાજુની ફેલોપીન ટયૂબ જમણી બીજગ્રંથિ સાથે સંપર્કમાં રહે છે.
બીજગ્રંથિમાંથી જ્યારે સ્ત્રીબીજ છુટૂં પડીને ફેંકાય કે તરત જ તે ઝાલરદાર-કાંગરાવાળી ફેલોપીન ટયૂબના છેડે ઝડપાય છે. સ્ત્રીબીજને પોતાની કોઈ ગતિ હોતી નથી, પરંતુ, ફેલોપીન ટયૂબના અંદરના માર્ગે તે સ્નાયુના દબાણથી અને ટયૂબના છેડે આવેલી ઝાલરના લહેરાવાથી તેને ગર્ભાશય તરફ જવા માટે ગતિ મળે છે. બીજગ્રંથિમાંથી સ્ત્રીબીજ છુટૂં પડયા પછી ગર્ભાશય સુધી પહોંચતા તેને એકથી બે દિવસ લાગે છે.
ફેલોપીન ટયુબની લંબાઈ આશરે ચાર ઈંચ જેટલી હોય છે અને તે ગર્ભાશય પાસે સાંકડી અને બીજગ્રંથિ પાસે પહોળી હોય છે. ફેલોપીન ટયૂબની કોમળ અને સ્નિગ્ધ દીવાલો સૌત્રિક તંતુઓ અને સ્વૈચ્છિક માંસપેશીઓની બનેલી હોય છે.તેની અંદરની દીવાલ સ્નિગ્ધ કલાની બનેલી હોય છે. આ દીવાલના કોષોમાં સૂક્ષ્મ અંકુરો ઉત્પન્ન થયેલા હોય છે.  જેના છેડા ગર્ભાશય તરફની ગતિ ધરાવતા હોય છે. આ અંકુરોના સહારે સ્ત્રીબીજ ગર્ભાશય તરફ ગતિ કરે છે. મૈથુન વખતે જ્યારે કામોત્તેજના ઉત્પન્ન થાય છે ત્યારે ફેલોપીન ટયૂબ બીજગ્રંથિઓ સાથે નજીકના સંપર્કમાં આવે છે. ફેલોપીન ટયૂબના અંકુરો હંમેશાં ગતિ કરતા રહે છે અને તેઓ પંપની જેમ સ્ત્રીબીજને ગર્ભાશય તરફ ગતિ કરવામાં સહાય કરે છે. ફેલોપીન ટયૂબનું મુખ્ય કાર્ય શુક્રાણુ અને સ્ત્રીબીજનું મિલન કરાવીને તેમને ધીમે ધીમે ગર્ભાશયમાં લઈ જવાનું હોય છે.
અને જુઓ તો ખરા, આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન પણ આ ફેલોપીન ટયૂબમાં જ થાય છે.  એટલે કે ગર્ભસ્થાપના મોટાભાગે આ ટયૂબમાં જ થાય છે અને ત્રણ ચાર દિવસમાં આ સ્થાપિત ગર્ભ ધીમે ધીમે ગર્ભાશયમાં આવીને સ્થિર થાય છે.
આ ફેલોપીન ટયૂબ ઘણી વખત કોઈ પણ ખામી કે કારણને લીધે બંધ-બ્લોક અથવા ચોંટેલી હોય છે. જો બંને  ટયૂબ બંધ હોય તો સ્ત્રી ગર્ભધારણ કરી શકતી નથી, કારણકે આ બંધ ટયૂબને લીધે સ્ત્રીબીજ અને શુક્રાણુના મિલનમાં એક મોટો અવરોધ ઉત્પન્ન થાય છે. જો બેમાંથી એક ટયૂબ ખુલ્લી હોય તો પણ ગર્ભાધાનની શક્યતા રહે છે. ફેલોપીન ટયૂબ બંધ છે કે ખુલ્લી તે એક્સ-રે દ્વારા જાણી શકાય છે. આધુનિક વિજ્ઞાન પાસે બંધ ફેલોપીન ટયૂબને ખોલવા માટેનાં કોઈ ઔષધો નથી. ઘણી વખત ઓપરેશન દ્વારા ટયૂબ ખોલવાના પ્રયત્નો કરાય છે, પરંતુ પરિણામ ખાસ ઉત્સાહજનક મળતું નથી.
જો આધુનિક વિજ્ઞાન પાસે આવી ખામીનો કોઈ ઉપચાર જ ન હોય તો, આયુર્વેદમાં આવા કેસોનો કોઈ ઉપચાર ખરો ? સામાન્ય વાચકોમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થયા વગર રહે નહી. આ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે, ફેલોપીન ટયૂબની જેમ આયુર્વેદમાં આર્તવ (માસિક, સ્ત્રીબીજ) નું વહન કરતા સ્ત્રોતો પણ બે ગણાવાયા છે. એટલે કે ત્રણ હજાર વર્ષ પહેલાં આયુર્વેદના મર્હિષઓને આ ફેલોપીન  ટયૂબનું સ્પષ્ટ જ્ઞાન હતું તેમ કહી શકાય.
આવા કેસોમાં જો ગર્ભાશયની ઉત્તરબસ્તિના પ્રયોગો, ઔષધો અને વ્યાયામ જે આયુર્વેદના ગ્રંથોમાં વર્ણવાયાં છે તેના દ્વારા સારાં પરિણામ મળે છે. (ઉત્તરબસ્તિ ક્રિયા એટલે લઘુ એનિમા. ગર્ભાશયની ઉત્તરબસ્તિ એટલે ગર્ભાશયમાં આપવામાં આવતો એનિમા.) આયુર્વેદની દૃષ્ટિએ વિચારીએ તો હજુ આવા કેસોમાં સંશોધનને ઘણો અવકાશ છે.
સ્ત્રીરોગ, પ્રસૂતિતંત્ર અને બાળઉછેર વિશે આયુર્વેદના ગ્રંથોમાં પુષ્કળ સાહિત્ય પડયું છે. આ વિભાગમાં એ વિશે અગાઉ ઘણું જણાવી ગયો છું અને હજુ પ્રસંગોપાત જણાવતો રહીશ.

No comments:

Post a Comment