પેટમાં દુખાવો થવો, ખાટા ઓડકાર આવવા, અપચો, મંદાગ્નિ, આફરો ચડવો વગેરે જેવી પેટ સંબંધી સમસ્યા હોય તો તમે ગંગ્રહણીના શિકાર હોઈ શકો છો. સામાન્ય રીતે પાતળા ઝાડાને કારણે સંગ્રહણીની સમસ્યા પેદા થાય છે. ખોરાકમાં વધારે પ્રમાણમાં વસા (ચરબી) તથા પ્રોટીન લેવાથી પણ સંગ્રહણી રોગ થાય છે. આ રોગમાં રોગીની પાચનશક્તિ ક્ષીણ થઈ જાય છે અને ખાવાનું સારી રીતે પચતું નથી.
લક્ષણો
* ક્યારેક કઠણ તો ક્યારેક પાતળો ઝાડો થાય છે. મળમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. ઘણા રોગીઓને આખા દિવસમાં ૧૫-૨૦ વાર મળત્યાગ માટે જવું પડે છે. કોઈ કોઈ રોગીના પેટમાં દુખાવો, વળ તથા પેટ મરડાય છે. ઘણીવાર મળની સાથે લોહી પણ આવે છે.
* શરૂઆતમાં સવારના સમયે ઝાડો આવે છે પણ પેટમાં દુખાવો થતો નથી. રોગ વધવાની સાથે સાંજના સમયે જમ્યા પછી તરત જ ઝાડો આવે છે.
* પેટમાં આફરો થવો, પેટમાં ગરબડ થવી, દુર્ગંધરહિત અપાનવાયુ, અપચો, મંદાગ્નિ, નાડીની નબળાઈ, મોઢામાંથી લાળ વહેવી, ઉદાસ થવું, આછો તાવ રહેવો, ખાટા ઓડકાર, શ્વાસ લેવામાં બેચેની વગેરે લક્ષણ જોવા મળે છે.
* આ રોગમાં બાળકોને મળ સાથે ગાંઠોવાળો મળ બહાર આવે છે. શરીરમાં તાવ જેવું રહે છે અને પરસેવો વધુ વળે છે.
પ્રાકૃતિક ચિકિત્સા
* પ્રાતઃકાળે એનિમા લેવાથી પેટ સાફ થઈ જાય છે.
* ૨૦ દિવસ સુધી પેટ પર ભીની પટ્ટી બાંધો.
* સંગ્રહણી જૂની ન હોય તો દરરોજ ચાર વાર પાણીમાં એક લીંબુ નીચોવીને પી જવું જોઈએ.
* પીઠ અને પેઢુ પર બે મિનિટ સુધી પાણીની ધાર નાંખો.
* સીધા સૂઈ ઊંડો શ્વાસ લેતાં પેટ પર બે મિનિટ સુધી પાણીની ધાર નાખો.
યૌગિક ઉપાય
સંગ્રહણીનો રોગી શારીરિક રીતે નબળો હોય છે. તેથી વધુ પરિશ્રમ તેના માટે સારો નથી. રોગીએ દરરોજ જમ્યા પછી પાંચ મિનિટ વજ્રાસન કરવું જોઈએ. તેનાથી અપચો, અમ્લપિત્ત, ગેસ, કબજિયાત વગેરે જેવી પેટની બીમારીઓ દૂર થાય છે તથા ભોજન પણ સારી રીતે પચે છે. નીચે પ્રમાણેના આસનો સંગ્રહણી અને પેટની બીમારીઓમાં લાભ આપે છે.
ભુજંગાસનઃ ભુજંગાસન કરવાથી પેટને વ્યાયામ મળે છે અને કરોડરજ્જુના બધાં જ રોગ દૂર થાય છે. કબજિયાત નાશ પામે છે.
મકરાસનઃ આ આસના અભ્યાસથી જીવનશક્તિ વિકસિત થાય છે. ફેફસાંના કોઈ પણ વિકાર તથા ઘૂંટણોના દરદ માટે તે વિશેષ ગુણકારી છે. મેરુદંડને સ્વસ્થ રાખે છે. પેટની શક્તિ વધે છે પરિણામે પાચનવિકાર નાશ પામે છે.
પવનમુક્તાસનઃ આ આસનમાં નામ પ્રમાણે ગુણ છે. પેટના વાયુ વિકાર માટે બહુ જ ઉત્તમ આસન છે. અમ્લપિત્તનો નાશ થાય છે. સ્ત્રીરોગ, કષ્ટાર્તવ, અલ્પાર્તવ અને ગર્ભાશય વગેરેમાં પણ લાભદાયક છે.
કમરચક્રાસનઃ કમર ચક્રાસનનો અભ્યાસ કરવાથી કબજિયાત દૂર થાય છે. પેટના વિકાર દૂર થાય છે અને પાચનશક્તિ વધે છે.
જાનુશિરાસનઃ જાનુશિરાસનનો અભ્યાસ કરવાથી પૃષ્ઠ ભાગની બધી માંસપેશીઓ વિકાસ પામે છે. પેટની પેશીઓમાં સંકોચન થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે. જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. વીર્ય વિકારોનો પણ નાશ થાય છે.
અર્ધમત્સ્યેંદ્રાસનઃ આ આસનનો અભ્યાસ કરવાથી પણ સંગ્રહણી રોગમાં લાભ થાય છે. મધુપ્રમેહ અને કમરના દુખાવામાં પણ લાભકારી હોઈ પેટના વિકારો દૂર કરી આંતરડાંને શક્તિ આપે છે. પૃષ્ઠ ભાગ ને બધી જ નસ-નાડીઓમાં રક્તસંચાર સારી રીતે થાય છે. થઈ શકે તેટલાં જ આસન કરવાં.
પ્રાણાયામઃ યૌગિક ચિકિત્સામાં પ્રાણાયામનું ઘણું મહત્ત્વ છે. આ રોગથી પીડાતા રોગી આસન કરે કે ન કરે પણ પ્રાણાયામ અવશ્ય કરવા જોઈએ.
અગ્નિસારક્રિયાઃ તેનાથી પાચન સારી રીતે થાય છે. કબજિયાત, ગેસ, ઓડકાર, અલ્સર, વગેરે જેવા પેટના વિકાર દૂર થાય છે. ભૂખ સારી લાગે છે. મૂત્રરોગમાં પણ લાભ થાય છે. પેશાબની બળતરા ઘટે છે. આ ક્રિયાથી બહુમૂત્રમાંથી મુક્તિ મળે છે. સ્થૂળતા અને મધુપ્રમેહ રોગમાં પણ તે લાભકારી છે.
નાડીશોધનઃ અનુલોમ- વિલોમ પ્રાણાયામ કરો. બાહ્ય કુંભક સાથે ઉડ્ડિયાનબંધ લગાવી પ્રાણાયમ કરો.
ભ્રસ્ત્રિકા પ્રાણાયામઃ ભસ્ત્રિકા પ્રાણાયામ ડાબી બાજુએથી અને જમણી બાજુએથી પછી બંને નાકથી કરો. ઉપચાર પછી અથવા રાત્રે ૧૫-૨૦ મિનિટનો શિથિલીકરણ તથા યોગ-નિદ્રા પણ કરી શકો છો.
Nice !! https://homyopethic.blogspot.com
ReplyDelete