Monday, 8 August 2011

તરસ વગર તૃપ્ત થવામાં મજા નથી




દુનિયામાં એવો કયો માણસ છે જેને સફળ નથી થવું? દરેકની જિંદગીનો એક માર્ગ અને એક મંઝિલ હોય છે. દરેક માણસ એક નકશો લઈને જીવે છે. મારે અહીં પહોંચવું છે. જિંદગી માટે બે વસ્તુ મહત્ત્વની છે. એક તો ધ્યેય અને બીજું સંઘર્ષ. જિંદગીમાં માત્ર થાકી જવાવાળા જ હારી જતાં હોય છે. આ મારાથી નહીં થાય એવો વિચાર આવે તો એને તરત ખંખેરી નાખો. દુનિયામાં આજ સુધી જેટલી સફળતાઓ નોંધાઈ છે તેમાં સૌથી મહત્ત્વની વાત હોય તો એ જ છે કે હા, હું આ કરી શકીશ.  દરરોજ કોઈ ને કોઈ રેકર્ડ બ્રેક થાય છે. મતલબ કે શ્રેષ્ઠતા માટે હજુ પણ તક અને શક્યતા છે. કોઈ કૂંપળ એવું નથી વિચારતી કે મારામાંથી ફૂલ કે છોડ નહીં થાય.
એક વિજ્ઞાનીની વાત છે. તેણે જે શોધ કરવી હતી એમાં સફળતા જ મળતી ન હતી. અઢળક પ્રયત્નો કર્યા પછી તેને સફળતા મળી. એક પત્રકારે તેને પૂછયું કે, તમારી આ સફળતા માટેનું પ્રેરણાસ્રોત કયું છે? એ વિજ્ઞાનીએ કહ્યું કે એક કઠિયારો! એ કઠિયારાની વાત વિજ્ઞાનીએ કરી. તેણે કહ્યું કે એક દિવસ હું હતાશ થઈ ગયો હતો. મને થયું કે હવે મારી શોધમાં મને સફળતા નહીં મળે. હું એટલો બધો હતાશ થઈ ગયો હતો કે મેં જંગલમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. હું જંગલમાં ગયો. મને હતાશ જોઈને એક કઠિયારાએ કારણ પૂછયું. મેં મારા પ્રયત્નો અને નિષ્ફળતાની વાત કરી. મારી વાત સાંભળી કઠિયારો હસવા લાગ્યો. તેણે કહ્યું બસ આટલી જ વાત છે! પછી કઠિયારાએ કહ્યું કે, “સાહેબ, હું રોજ લાકડાં કાપું છું. મારા કામમાંથી હું જે વાત શીખ્યો છું એ એટલી જ છે કે કુહાડીના માત્ર એક ઘાથી ઝાડ પડી જવાનું નથી. મારે કેટલા ઘા મારવાના છે એનો હું વિચાર જ નથી કરતો. મને તો એટલી ખબર છે કે જ્યાં સુધી ઝાડ ન પડે ત્યાં સુધી મારે ઘા મારવાના છે અને બીજી વાત એ પણ શીખ્યો છું કે ઝાડ જેટલું મોટું હોય એટલા વધારે ઘા મારે મારવા પડશે. તમારું ધ્યેય જેટલું મોટું હશે એટલા જ વધુ પ્રયત્નોની તમારે જરૂર પડશે. કઠિયારાએ વિજ્ઞાનીને કહ્યું કે, “સાહેબ, તમે તો ઝાડ પડે એ પહેલાં જ થાકી ગયા! કઠિયારાની આ વાત સાંભળીને હું જંગલમાંથી પાછો આવી ગયો અને મેં મારી શોધ પૂર્ણ કરી.
માણસે નક્કી કરવાનું હોય છે કે એની મંઝિલ ક્યાં છે? અને મંઝિલ કેટલી દૂર છે? મંઝિલ દૂર હોય એટલું વધુ ચાલવું તો પડે ને? મંઝિલ ક્યારેય સામે ચાલીને આવતી નથી. માણસે જ મંઝિલ સુધી જવું પડે છે. કોઈ દરિયાને નદી તરફ જતો જોયો છે? તમારા પ્રયત્નોમાં જેટલો દમ હશે, એટલી જ મજા સફળતામાં આવશે.
સફળતા માટે અસંતોષ, તરસ, ભૂખ અને તલસાટ જરૂરી છે. હારી જઈ, થાકી જઈ અને બેસી જવું એ સંતોષ નથી. આટલે સુધી પહોંચ્યા એટલું ય ઘણું એવું વિચારીને બેસી જનારો ક્યારેય ધાર્યું હોય ત્યાં પહોંચી શકતો નથી. માણસે માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે હવે હું કંઈ કરી શકું એમ નથી એટલે તો મેં સંતોષ માની લીધો નથી ને? સાચો સંતોષ એ જ છે જ્યારે ધારેલું સિદ્ધ થાય. મોટા ભાગે લોકો આભાસી સંતોષમાં જીવે છે. પોતાના થાક અને પોતાની હાર સામે મન મનાવવા માણસ સંતોષની વાત કરતો હોય છે.
આપણા ભાણામાં હોય એટલું ખાઈ લઈએ અને માની લઈએ કે મને સંતોષ છે, તો એ સંતોષ સાચો હોતો નથી. સાચો સંતોષ તો ઓડકારમાં છે. જિંદગીમાં સંતોષ હોવો જોઈએ એ સાચું, પણ સંતોષને પૂરેપૂરો સમજવાની જરૂર છે. આપણો સંતોષ આપણું પૂર્ણવિરામ બની જવો ન જોઈએ. સંપૂર્ણ સફળતા વગરનો સંતોષ અધૂરો છે.
વીજળીના બલ્બની શોધ થોમસ એડિસને કરી. તમને ખબર છે કે થોમસ એડિસને આ શોધ કરી તેના પહેલાં તેના કેટલા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા? પૂરા બે હજાર! બે હજાર પ્રયાસ પછી એ સફળ થયો. તેણે બલ્બની શોધ કરી એ પછી એક પત્રકારે તેને પૂછયું કે બે હજાર વખત તમને નિષ્ફળતા મળી ત્યારે તમને કેવું લાગતું હતું? થોમસ એડિસને કહ્યું કે, કોણે કહ્યું કે હું બે હજાર વખત નિષ્ફળ ગયો? હું નિષ્ફળ ગયો જ નથી! એ બે હજાર પ્રયાસો તો આ સફળતા સુધીનાં પગલાં હતાં. ઇટ ઇઝ જસ્ટ ટુ બી એ ટુ થાઉઝન્ડ સ્ટેપ પ્રોસેસ. મારે બે હજાર કદમ ચાલવાનું હતું. પ્રયાસ નિષ્ફળ જાય ત્યારે મેં તેને નિષ્ફળતા સમજી જ નથી. તમારી પાસે ચાવીનો મોટો ઝૂડો હોય અને બંધ તાળામાં એક ચાવી ન લાગે તો તમે બીજી ચાવી લગાડો છો. જ્યાં સુધી તાળું ન ખૂલે ત્યાં સુધી ચાવી લગાડવાની હોય છે.
સફળતાનું પણ ચાવીના ઝૂડા જેવું જ છે. જ્યાં સુધી તાળું ન ખૂલે ત્યાં સુધી ચાવી લગાવતા રહેવાનું. સાચી વાત એ છે કે તાળું ખૂલવું જોઈએ. તમે માની લેશો કે હવે આ તાળું નહીં ખૂલે તો એ તાળું ક્યારેય ખૂલશે નહીં! દરેક તાળાની ચાવી હોય છે. તમારો કયો પ્રયત્ન તમને સફળતા અપાવશે એ નક્કી હોતું નથી, હકીકતે માણસે પ્રયાસ નહીં, પણ સફળતાનો જ વિચાર કરવો જોઈએ. મોટા ભાગે માણસ મંઝિલ નજીક હોય ત્યારે જ થાકી જતો હોય છે. થાક લાગે ત્યારે એટલું જ વિચારો કે મંઝિલ હવે દૂર નથી. તમારી તરસને તીવ્ર રાખશો તો થાક પણ નહીં લાગે. તૃપ્તિની મજા તો જ આવશે જો તરસ હશે.

No comments:

Post a Comment