ચાલ કૈં એવીય ચાલે છે સમય અણધારી,
માત થઈ જાય છે રમનાર બધા માત વગર
- શૂન્ય પાલનપુરી
તમે તમારા સમયને તમારી ઇચ્છા મુજબ વાપરી શકો છો? જો ન વાપરી શકતા હોય તો માનજો કે તમે તમારી જિંદગી તમારી રીતે નથી જીવતા. બહુ ઓછા લોકોના હાથમાં પોતાની જિંદગીનું સ્ટિયરિંગ હોય છે, મોટા ભાગે ગાડી આપણી હોય છે અને ચલાવતું કોઈ બીજું હોય છે. હા, આખા દિવસનો સમય કદાચ આપણે આપણી રીતે જીવી ન શકીએ પણ પોતાના માટે જીવવી જોઈએ એટલી જિંદગી પણ આપણે જીવીએ છીએ?
અત્યારના માણસ પાસે બધું જ છે, નથી તો માત્ર સમય. ઘડિયાળના કાંટા અને એપોઈન્ટમેન્ટની ડાયરીએ આપણી જિંદગીનું અપહરણ કરી લીધું છે. એ આપણી પાસે ખંડણી માગે છે કે તારે તારી રીતે જીવવાનું નથી, અમે કહીએ એમ જ કરવાનું છે. તમે વિચારજો કે સમય તમારા કબજામાં છે કે તમે સમયના સકંજામાં છો?
એક અતિ ધનાઢય મિત્રની નજરે જોયેલી ઘટના છે. દુનિયાની કોઈ એવી ચીજ નથી જે એની પાસે ન હોય. તેના મિત્રો પણ એની જેવા અને એના જેટલા જ ધનવાનો છે. આ મિત્ર પાછો સંવેદનશીલ પણ છે. તેણે કહ્યું કે, “અગિયારથી છનો સમય તો ઓફિસ, કામ અને ધંધામાં પસાર થઈ જાય છે પણ દરરોજ એક સવાલ હોય છે કે આજે રાતે શું કરીશ? કોની સાથે વાત કરીશ?” એ દરરોજ રાત પડે કોઈને કોઈ મિત્રને ખાવા અને પીવા બોલાવે છે. તેણે કહ્યું કે, “હું દરરોજ પાંચ-સાત મિત્રોને ફોન કરું તેમાંથી માંડ એકાદ મિત્ર હા પાડે! બાકીના કોઈ પાસે સમય જ હોતો નથી. સોરી યાર, બીઝી છું, બહુ ટાઈટ શિડયુલ છે.” એવા જવાબ મળે છે.
તેણે કહ્યું કે, “હું દરરોજ રાતે મિત્ર પાછળ ત્રણથી પાંચ હજાર ખર્ચું છું. છતાં મજા નથી આવતી. જે આવે છે એ દિલથી વાતો કરવા નહીં પણ માત્ર મારી સાથે સંબંધ જાળવવા આવે છે.” તેણે વાત આગળ વધારી કે “કાશ,આપણે આપણી સંપત્તિથી આપણને ગમે એવો સમય ખરીદી શકતા હોત. દુનિયાનો સૌથી મોટો શાપ એ છે કે તમારી પાસે બધું હોય અને તમારી પાસે કોઈ ન હોય!
એ મિત્રની એક વાત સ્પર્શે તેવી હતી. તેણે કહ્યું કે “મને મારા ડ્રાઈવરની સૌથી વધુ ઈર્ષા આવે છે. એક વખત હું મારા બંગલામાં સાવ એકલો હતો. કોઈ મિત્રને સમય ન હતો. ડ્રાઇવરે ઘરે જવા રજા માંગી. કહ્યું કે,”સાહેબ, હું જાઉં?” મારાથી પુછાઈ ગયું, “અહીંથી જઈને શું કરીશ?” તેણે કહ્યું કે, “મને મારો એક મિત્ર દરરોજ લેવા આવે છે. એ તેનું મોપેડ લઈને બહાર ઊભો હશે. અમે બંને ચોકની લારી પર જઈને ચા પીશું. સુખ-દુઃખની વાતો કરીશું. ગપ્પાં મારીશું. જોક કરીશું, હસીશું. કંઈ કામ હશે તો એકબીજાને મદદરૂપ થશું. કલાક પછી જુદા પડીશું. ઘરે જઈશ. પત્નીને ઘરના કામમાં મદદ કરાવીશ. છોકરાંવ સાથે વાત કરીશું અને સૂઈ જઈશ. મારો મિત્ર, પત્ની અને બાળકો બધાં મારી રાહ જુએ છે.”
“સારું, તું જા.” એમ કહીને એને જવા દીધો. પછી વિચાર આવ્યો કે, સાલ્લો કેવો નસીબદાર છે! મારો દીકરો અમેરિકા ભણે છે, પત્ની સામાજિક સંસ્થાની કોન્ફરન્સમાં ફ્રાન્સ ગઈ છે. સુખની વ્યાખ્યા મને નાના લોકો પાસેથી શીખવા મળી છે. આપણે તો સંતાનો સાથે વાત કરવા પણ એની પાસે સમય માંગવો પડે છે, વાતાવરણ ક્રિએટ કરવું પડે છે. દીકરા સાથેનો સંવાદ પણ જ્યારે મિટિંગ જેવો લાગે ત્યારે સમજાય છે કે ડ્રાઇવર મારા કરતાં કેટલો સુખી છે.
તમારા દરેક સંબંધને તમારા સમય સાથે સંબંધ છે. તમારી પાસે તમારા પોતાના લોકો માટે સમય છે? તમારા લોકોને તમારા માટે સમય છે. જો હોય તો તમે સુખી અને નસીબદાર છો. તમારા સમયે તમને એટલા બધા તો પકડી નથી રાખ્યા ને કે તમે ટસના મસ ન થઈ શકો. એક મિત્ર સાથે દુઃખદ ઘટના બની. તેને રડવું હતું પણ આખો દિવસ એટલી બધી મિટિંગ્સ હતી કે રડવા માટે પણ સમય ન મળ્યો. અડધી રાતે પથારીમાં પડી એ ધ્રૂસકે ધ્રૂસકે રડયો. તેણે કહ્યું કે, “એ દુઃખદ ઘટના કરતાં મને વધુ રડવું એ માટે આવ્યું કે મને મારી વેદના માટે રડવાનો પણ સમય નથી!”
અમેરિકામાં પતિ-પત્નીના સંબંધો વિશે એક સર્વે થયો. તેમાં બહાર આવ્યું કે, પતિ-પત્નીને એકબીજા સામે સૌથી મોટી કોઈ ફરિયાદ હોય તો એ ‘સમય’ની હતી. જ્યારે જરૂર હોય છે ત્યારે એ નથી હોતો! એ હોય છે ત્યારે મારી સાથે નથી હોતો. આઈપેડ ઉપર ઈ- મેલિંગ અને ચેટિંગ ચાલુ હોય છે. ફેસબુક પર દૂર બેઠેલા મિત્રની વોલ પર સંદેશા મુકાય છે. ફેસબુકની આ ‘વોલે’ અમારા વચ્ચે ન દેખાય એવી દીવાલ ચણી દીધી છે. દૂર હોય તેની દરકાર અને નજીક હોય તેના પ્રતિ બેપરવા વ્યક્તિનો સમૂહ વિસ્તરતો જાય છે. સોશ્યલ નેટર્વિંકગ વધતું જાય છે તેમ માણસ નોન-સોશ્યલ બનતો જાય છે. એસએમએસના સૂકા શબ્દોમાં સંવેદના નથી. વીડિયો કોન્ફરન્સિંગથી સ્ક્રીન પર ચહેરા જોઈને થતી વાતોને ‘મિલન’ કહેવું પડે તો સમજવું કે આપણા સંબંધો ‘સાયબર-સીક’ થઈ ગયા છે.
કોઈના સ્પર્શ વગર આંગળાનાં ટેરવાં તરડાઈ જાય છે. આંખોમાં ઉચાટ ઉપસી આવે છે. દિલ ઓટોમેટિક મશીનની જેમ ચાલતું રહે છે, ધબકતું નથી. સંવેદનાઓ સળગીને પોતાને જ બાળી નાખતી હોય એવું લાગે છે. બુઢ્ઢા થાય એ પહેલાં જ માણસો બુઠ્ઠા થઈ જાય છે. હસવા માટે પણ હવે આપણને એસએમએસથી આવતાં ‘જોક’ની જરૂર પડે છે. ફન માટે ફાંફાં મારવા પડે છે. એકાંત હવે ખાલીપાનો પર્યાય બની ગયું છે. આપણને આપણાથી જ ડર લાગે છે. લોકો એકલા એકલા બબડે છે અને એકલા એકલા ફફડે છે.
એક વદ્ધ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે, “મારા માટે ઘરના કોઈ પાસે સમય જ નથી.” સાધુએ હસીને કહ્યું કે, “જે તેં ક્યારેય આપ્યું નથી એ મેળવવાની અપેક્ષા તું કેવી રીતે કરી શકે? તેં તો ક્યારેય કોઈને સમય આપ્યો જ નથી. તને મળવા તારા જ લોકોએ રાહ જોવી પડતી હતી. હવે રાહ જોવાનો વારો તારો છે. વાંક તારા લોકોનો નથી. વાંક તારો છે. જે આપ્યું હોય, એ જ તમને મળે.”
આખી દુનિયા બિઝી છે. ફુરસદ હવે ‘લકઝરી’ બની ગઈ છે. માણસ પાસે બીજા માટે શું, પોતાના માટે પણ સમય નથી. તમારી પાસે સમય છે? જો હોય તો પોતાની વ્યક્તિને આપવા જેવી શ્રેષ્ઠ ચીજ, ઉત્તમ ભેટ અને અમૂલ્ય જણસ સમય જ છે. કોઈને તમારી પાસેથી તમારા સમય સિવાય કંઈ જ જોતું હોતું નથી. જો તમારી પાસે તમારા લોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો!
No comments:
Post a Comment