Tuesday, 16 August 2011

યોગ્ય સંભાળથી તંદુરસ્ત માતા અને બાળ




મારે ૩ મહિનાની પ્રેગ્નન્સી છે અને મારું આ પહેલું બાળક છે. મારે શું સારસંભાળ લેવી જોઈએ. કૃપા કરી આ વિશે થોડી માહિતી આપશો તો મારા જેવા અન્ય વાચકોને પણ ઉપયોગી થશે.
- રીના, અમદાવાદ
તમારો પ્રશ્ન સ્ત્રીઓ માટે જ ઉપયોગી અને જરૂરી છે. સગર્ભાએ કઈ બાબતોમાં અને કેવી રીતે પોતાની સાર-સંભાળ રાખવી, શું કરવું? પોતાનું અને પોતાના બાળકનું આરોગ્ય સારું રહે તેમજ કઈ રીતે પ્રસૂતિ વિના તકલીફે હેમેખેમ પાર ઊતરે તે જાણવું અને તે પ્રમાણે કાળજી લેવી જરૂરી છે.
તબીબી તપાસ : સગર્ભાએ સારા ક્લિનિક કે પ્રસૂતિગૃહની મુલાકાત લેતા રહેવું તેમજ ડોક્ટરને પોતાના વિશે, પોતાની તકલીફો વિશે સાચી માહિતી જણાવતા રહેવું અને ડોક્ટરે જે દવા અને તપાસ કરી હોય તે બરાબર કરાવવી.
કસરત (વ્યાયામ) : ગર્ભનો વિકાસ સામાન્ય હોય અને અન્ય કોઈ શારીરિક તકલીફ ન હોય તો સગર્ભાએ સામાન્ય કસરતો કરવી જોઈએ. જો કે, તેમ કરતાં થાક ન લાગવો જોઈએ. કમરને, પીઠને અને પેડુને સક્ષમ બનાવવા માટે સગર્ભાએ ખાસ પ્રકારની કસરતો કરવી જોઈએ. તાજી હવા અને કસરત શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે. ઘરનું રોજિંદું કામ પણ એક પ્રકારની કસરત જ છે. સગર્ભાએ વજનદાર બોજ ન ઉઠાવવો તેમજ વધુ શ્રમિત કરનારું કામ ન કરવું.
આરામ અને ઊંઘ : સગર્ભા થાક વધુ અનુભવે છે. તેથી તેને પૂરતો આરામ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સગર્ભાએ રાત્રે આઠ કલાક અને દિવસે બે કલાક એમ કુલ ૧૦ કલાક આરામ કરવો જોઈએ. સગર્ભાએ હંમેશાં પગ ઊંચા રાખીને સૂવાની ટેવ પાડવી જોઈએ. ક્યારેય પણ ઘૂંટણ વાળીને સૂવું નહીં. ઘૂંટણિયે વાંકા વળીને બેસવું નહીં. એ રીતે બેસવાથી પગના નીચેના ભાગમાં ભ્રમણ ઘટી જતાં સોજા આવે છે.
સ્નાન : શરીરની પૂરેપૂરી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સગર્ભાએ શરીરનાં બધાં અંગો ઘસીને સ્નાન કરવું. સ્નાન ટબમાં ન કરવું. સ્નાન કરતી વખતે બાથરૂમમાં ઊઠતાં-બેસતાં કાળજી રાખવી. જેથી પગ લપસી ન પડે. યોનિ અને જનનેન્દ્રિયવાળા ભાગોને ગરમ પાણીથી ધોઈને સાફ કરવા.
કપડાં અને ચંપલ : સગર્ભાએ શરીરને અનુરૂપ અને અગવડ ન પડે તેવાં કપડાં પહેરવાં જોઈએ. સ્તન વ્યવસ્થિત રાખવા. ફીટ બ્રેસિયર પહેરવી. હીલવાળાં ચંપલ, સેન્ડલ કે બૂટ ન પહેરતાં નીચી હીલનાં ચંપલ કે બૂટ પહેરવાં, કારણ કે ઊંચી હીલથી શરીરનું સમતોલન બરાબર જાળવી શકાતું નથી.
એક્સ-રે : સગર્ભાવસ્થામાં એક્સ-રેથી ગર્ભને નુકસાન થાય છે માટે સગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં સ્ત્રીએ એક્સ-રેની તપાસ ન કરાવવી કે સારવાર ન લેવી. તેમ કરવાથી અંતિમ તબક્કામાં બાળકને નુકસાન થવાની શક્યતા છે. છતાં જરૂર પડે તો એ અંગે તબીબની સલાહ લેવી.
મુસાફરી : સગર્ભા મુસાફરી કરી શકે છે, પણ મુસાફરી દરમિયાન અમુક કાળજી રાખવી જોઈએ. બે કલાકે તેણે પોતાની જગ્યા પરથી ઊભા થઈને થોડુંક ચાલવું જોઈએ. સગર્ભા હવાઈ મુસાફરી ૭ મહિના સુધી કરી શકે છે.
પ્રસૂતિનો ભય : આ ભયને નાબૂદ કરવા માટે સ્ત્રીએ પ્રસૂતિને લગતું જ્ઞાન મેળવવું અને સાચી માહિતી સંપાદન કરવી. આ માટે ડોક્ટરી સલાહ લઈ શકાય. વિષયને લગતાં ઉત્તમ પુસ્તકોના વાચનથી પણ સાચી માહિતી મળી શકે.
જાતીય સંબંધમાં સાવચેતી : સગર્ભાવસ્થાનાં છેલ્લાં ચાર અઠવાડિયાંને બાદ કરતાં જાતીય સંબંધ સામાન્ય રીતે હાનિકારક નીવડતો નથી. બાળક કે માતાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જે સ્ત્રીને ગર્ભાધાનની શક્યતા હોય અથવા પ્રેગ્નન્સીને લગતી બીજી કોઈ તકલીફ હોય જેમાં ડોક્ટરે શારીરિક સંબંધથી દૂર રહેવા કહ્યું હોય તો ડોક્ટરી સલાહ માનવી.
ધૂમ્રપાન : ધૂમ્રપાનથી આવનાર બાળકમાં તકલીફ થઈ શકે છે. અપંગ કે ખામીવાળું, વજનમાં હલકું, ગર્ભપાત જેવી અનેક ખામી  પ્રેગ્નન્સીને લગતી તકલીફો હોઈ શકે. એટલે ધૂમ્રપાન અને તમાકુથી દૂર રહેવું જોઈએ.
દારૂનું સેવન : દારૂના વધુપડતા સેવનથી ગર્ભમાં વિકસી રહેલું બાળક ખામીવાળું થાય છે. હૃદયની તકલીફ, હાથ-પગના આંગળાં, જ્ઞાનતંત્રની તકલીફ વગેરે.
રોગપ્રતિકારક રસીઓ : શરૂઆતના ત્રણ-ચાર મહિના સુધી કોઈ પણ રોગપ્રતિકારક રસી લેવી એ સગર્ભા માટે હિતાવહ નથી. તબીબની સલાહ વગર કોઈ પણ જાતની રસી ન લેવી. સાતમા અને આઠમા મહિને ધનુરની રસીનાં ઇન્જેક્શનો અપાય છે. આ ઇન્જેક્શનો અગાઉ લીધેલાં હોય તો બીજી સુવાવડમાં ધનુરની રસીનું એક જ ઇન્જેક્શન લેવાથી પણ કામ ચાલે.

No comments:

Post a Comment