Monday, 22 August 2011

શિયાળામાં સ્વાસ્થ્યકારી આમળાં

 
આમળાંમાં નારંગી કરતાં વીસ ગણું વધારે વિટામિન સી રહેલું છે અને તેની વાનગી બનાવો તો પણ તેમાં ઘટાડો થતો નથી.

આમળાં એ કુદરતની માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણે વર્ષોથી એના અદ્ભુત ગુણોનો લાભ લઇએ છીએ અને ઘણી દવાઓમાં પણ આમળાંનો ઉપયોગ થાય છે. મુરબ્બા, અથાણાં અને ચ્યવનપ્રાશ ઉપરાંત આમળાં અનેક દેશી ઉપચારનાં પણ કામ કરે છે. શિયાળુ ખોરાક તરીકે જાણીતી દરેક વસ્તુઓમાં આમળાંમાં સૌથી વધુ વિટામિન ‘સી’ આવેલું છે. નારંગી કરતાં આમળાંમાં ૨૦ગણું વિટામીન ‘સી’ આવેલું છે અને મજાની વાત એ છે કે તેને રાંધવાથી પણ વિટામીન ‘સી’ નાશ પામતું નથી. કોઇ પણ જાતના ચામડીના દદોઁ માટે આમળાં આશીર્વાદ સમાન છે.

આમળાંમાં ૮૦ ટકા ભાગ પાણીનો છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મિનરલ અને વિટામિન રહેલાં છે. વિટામિન અને મિનરલ્સમાં ખાસ કરીને કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, વિટામિન સી અને વિટામિન બી કોમ્પલેકસ આવેલા છે.

- કોલેસ્ટેરોલ આપણા શરીરમાં ખૂબ જ Important Componant છે. શરીરમાં આવેલું લીવર તેનો મુખ્ય સ્ત્રોત છે. ન વપરાતું કોલેસ્ટેરોલ શરીરમાં લોહીમાં જમા થાય છે જે હાઇ કોલેસ્ટેરોલનું કારણ બને છે અને હાર્ટએટેક પણ આવે છે. આમળાંમાં રહેલું વિટામિન ‘સી’ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. સવારે ભૂખ્યા પેટે આમળાં અથવા આમળાંનો પાઉડર લેવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે.

લાઇફસ્ટાઇલ ડીસીઝમાં અત્યારે સૌથી વધુ પ્રમાણમાં એસિડિટી છે. ઘણા લોકો તો ઉજાગરા કરીને, ગળ્યાં, તળેલાં ખાદ્યપદાર્થો તેમ જ ટેન્શન લઇને એસિડિટી કરે છે. પછી તે મટાડવા વધારે આઇસક્રીમ ખાઇને વજન પણ વધારી દેતાં હોય છે. વધુ પડતાં ટેન્શનવાળી જિંદગીમાં ચા, કોફીનું સેવન વધતું જ જાય છે. આ બધું જ એસિડિટી માટે જવાબદાર છે અને તેના કારણે વધુ પડતો ગુસ્સો, દુ:ખ અને ડિપ્રેશન પણ આવતાં હોય છે

આમળાં વિટામીન ‘સી’ ધરાવે છે માટે વાઇરલ ફીવર અથવા સ્વાઇન ફ્લૂમાં પણ પ્રતિકારક તરીકે ગુણકારી છે.જ્યારે વધુ પડતી એસિડિટીથી બળતરા થતી હોય, ત્યારે ૧ ચમચી આમળાંનો પાઉડર દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. દૂધ સાથે ન લેવાય તો ફક્ત પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

તમારા વાળની સુંદરતા માટે, ધોળા થતા વાળ માટે પણ આમળાં ખૂબ જ ઉપયોગી થાય છે. અત્યારે વધુ પડતા પોલ્યુશનથી વાળની તકલીફો વધતી જાય છે. બજારમાં મળતાં લગભગ દરેક શેમ્પૂ અને વાળ વધારવાના તેલમાં આમળાં હોવાનું જણાવવામાં આવે છે. આમળાંનો પાઉડરને લોખંડના વાસણમાં પાણીથી પલાળી રાખીને વાળ ધોવાથી વાળને કાળા કરવાનું અને કન્ડિશનરનું કામ કરે છે. આમળાંનાં આટલાં બધા ગુણ વાંચીને તેના ઉપર તૂટી પડવાની જરૂર નથી. અતિ સર્વથા વર્જ્યેત તે પ્રમાણે જરૂર પૂરતાં જ આમળાંનું સેવન કરવું જોઇએ.

આમળાં શરીર માટે ગુણકારી છે એ જાણી તેને અવનવી રીતો બનાવવામાં આવે છે. જો હાઇ બ્લડપ્રેશર અથવા ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો આમળાંને આથીને અથવા મુખવાસના રૂપમાં ન વાપરતાં આમળાંનો રસ કાઢીને અથવા સૂકાં આમળાંનો ભૂકો લઇ શકાય છે. અહીં જો તાજાં આમળાંનો રસ કાઢવામાં આવે તો દિવસના ૨થી ૩ ચમચા આમળાંનો રસ લઇ શકાય છે.

આમળાંમાંથી બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ જો ડાયાબીટિસ અથવા ઓબેસિટી ન હોય તો લઇ શકાય છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે વાપરવામાં આવતા વસાણાં જો ચોખ્ખા હોય અથવા ઘરે બનાવેલાં હોય તો શિયાળા દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે છે.

No comments:

Post a Comment