Friday, 12 August 2011

ઉપરવાળાએ સૌને ખુલ્લેહાથે આપી છે આ 'ખૂબી'


 
 
‘ભૂલ તમારી છે.’ આ વાક્ય સૌથી સરળ છે. વળી,દરેક ઉંમરમાં હિટ અને ફિટ! પણ ‘શું ભૂલ માત્ર તમારી જ છે?’આ પ્રશ્ન જાતને ખાનગીમાં પૂછવાનો પણ આટલો મુશ્કેલ શા માટે છે? એક વાર મનના એ અધખુલ્લા કમાડમાંથી અંદર નજર તો નાખી જુઓ...

આજે તમારી સાથે એક રહસ્યની ચર્ચા કરવી છે. એવું રહસ્ય જે સામાન્ય હોવા છતાં અત્યંત ખાસ છે, જેની દરેકને જાણકારી હોવા છતાં સૌ તેનાથી અજાણ છે. વાસ્તવમાં, રહસ્યની વાત એ છે કે આપણે સૌ જીદ્દી, અભિમાની અને અકડુ છીએ. હા, આપણા સૌમાં આ ‘ખૂબી’ ઠાંસોઠાંસ ભરી છે.

હવે નીચે લખેલી બાબતો પર ધ્યાન આપો

- તમને કેટલી વાર એવું લાગે છે કે આસપાસના બધા લોકો ખોટા છે. એકમાત્ર તમે જ સાચા છો.
- એવું કેટલી વાર બન્યું છે કે કોઇ ખાસ વ્યક્તિની વાતોથી તમે અકળાઇ જાવ છો. એની બધી વાત તમને ખોટી લાગે છે.
- કેટલી વાર એવું બન્યું છે કે તમે કોઇ એક જ વાતને પકડી રાખી હોય.
- એવું કેટલી વાર બને છે કે જ્યારે સામેવાળાની વાતો અને દલીલો પાયા વિનાના લાગે છે.

આવું ઘણી વાર બને છે. મોટા ભાગે આપણને બીજાની વાતો નકામી લાગતી હોવાથી તેમની વાતોનો વિરોધ કરવો જ યોગ્ય લાગે છે. વિરોધનો સૂર ઉઠાવવો એ કેટલાકની ગમતી પ્રવૃત્તિ હોય છે, તો કેટલાકની ટેવ. કેટલાક લોકો અજાણતાં જ આમ કરી બેસતાં હોય છે, તો કેટલાક જાણીજોઇને આવું કરે છે. સો વાતની એક વાત, આપણામાંથી મોટા ભાગના અથવા કહો કે દરેકમાં વિરોધની, સામેવાળાની વાત ન માનવાની પ્રવૃત્તિ રહેલી હોય છે. હા, તેનું પ્રમાણ વધારે કે ઓછું હોઇ શકે છે.

આનાં કારણ અનેક છે. વાસ્તવમાં આપણે આપણા વિકલ્પ એટલા મર્યાદિત કરી દીધાં છે કે આપણને બીજા પાસેથી શ્રેષ્ઠતાની શક્યતા જણાતી જ નથી. જો આપણી જાત તથા આપણી ઇમેજમાંથી કોઇ એકને શ્રેષ્ઠ ગણાવવાની હોય, તો આપણે ઇમેજની સરખામણીએ પણ જાતને જ શ્રેષ્ઠ ગણાવીશું. બસ, જો આપણી ઇમેજથી પણ જો આપણે જાતને વધારે શ્રેષ્ઠ ગણતાં હોઇએ, તો બીજા કોઇની વિસાત જ ક્યાં રહી? આ જ કારણસર આપણે કાયમ સાચા અને સારા રહીએ છીએ, જ્યારે બીજા ખોટા અને ખરાબ લાગે છે. આવી પ્રવૃત્તિના કેટલાક કારણ આ પ્રમાણે છે.

1.જીદ - મેં કહ્યું એટલે સાચું જ છે.
2.દંભ - એની વાત તો કેવી રીતે માની શકાય?
4.ગર્વ - હું કેવી રીતે ખોટી/ખોટો હોઇ શકું?
5.અકડુ - મારે એની વાત માનવી જ નથી.

વાસ્તવમાં, આ જીદ છે પોતાને સાચા સાબિત કરવાની. ઘમંડ છે, પોતે કહેલી વાતનો. અકડ છે, સામેવાળાની દલીલ ન સાંભળવા-સમજવાની. ગમે ત્યારે કોઇએ કહેલી વાત પર ડોકી માત્ર નકારમાં જ હલે છે, તો ક્યારેક સામેવાળાની નક્કર દલીલોને પણ નકારી કાઢવામાં આવે છે. કેટલાક લોકોમાં આ પ્રવૃત્તિ લાક્ષણિક પ્રકારની હોય છે. તેઓ પહેલાંથી જ નક્કી કરીને બેઠાં હોય છે કે વિરોધ તો કરવો જ છે. વાત માનવી જ નથી, ભલે ને ગમે તે થઇ જાય! વિરોધ કોઇ માનસિકતા સામેનો હોય તો વાંધો નથી, પણ જ્યારે કોઇ વ્યક્તિ સામે વિરોધ હોય તો સમજી લેવું કે ક્યાંક કંઇક ગરબડ છે.

આપણને ‘હું અસંમત છું’ એમ કહેવામાં સંકોચ નથી થતો, પણ સમજ્યા પછી ‘મારી ભૂલ છે’ કહેવામાં આત્મા તૈયાર નથી થતો. પોતાની જાતને ખોટી કહેવાથી વધારે તકલીફ સામેવાળાને સાચા કહેવામાં પડે છે. જ્યારે એવા સંજોગો ઊભા થાય કે તમારી કે તમારી માનસિકતા વિરુદ્ધ વાત થતી જણાય તો પણ એક વાર વિચારો. શું ક્યારેય કોઇ વ્યક્તિ સંપૂર્ણપણે સાચી કે ખોટી હોઇ શકે છે? તમારો જવાબ ‘ના’ હશે. કોઇ પણ કાયમ સો ટકા સાચા તો ન જ હોઇ શકે. આથી તમે પણ ખોટા હોઇ શકો છો અને સામેવાળી વ્યક્તિ સાચી પણ હોઇ શકે છે. આ વાસ્તવિકતા જેટલી ઝડપથી સ્વીકારશો એટલું સારું રહેશે. એક વાર મનમાં વિચારી લીધું કે હું પણ ખોટી/ખોટો હોઇ શકું છું, ત્યારે સામેની વ્યક્તિ સાચી હોવાની શક્યતા વધી જાય છે.

હજી જો તમને સામેની વ્યક્તિને સાચી કહેવામાં તકલીફ પડતી હોય, તમે દંભને પોષવા ઇચ્છતા હો, તો સૌની સામે ન બોલો, પણ મનોમન માની લો કે એ સાચા છે. તમે મનમાં માની લીધું તો વર્તનમાં આપોઆપ કોમળતા આવી જશે અને વાત વણસતી અટકી જશે.

No comments:

Post a Comment