Saturday, 6 August 2011

કાન આડા કાન




મલ્ટિ ટાસ્કિંગના જમાનામાં કશું અશક્ય નથી. ઈયરફોન પહેરીને ઓફિસમાં કે ફેક્ટરીમાં કમ્પ્યુટર કે અન્ય મશીનો પર કામ થઈ શકે છે. વાંચી-લખી શકાય છે. ડ્રાઇવિંગ થઈ શકે છે. પ્રેઝન્ટેશન કે ગ્રૂપ ડિસ્ક્શનમાં ભાગ લઈ શકાય છે, જિમમાં કે બાગમાં દોડતી વખતે કે પ્રવાસમાં ઇયરફોનને સાથે રાખવાનું મોબાઇલ જેવું સામાન્ય છે. કુટુંબની સાથે ડાઇનિંગ ટેબલ પર ઇયરફોન સાંભળતા જમવામાં કશું અજુગતું લાગતું નથી
??ન્ટ જહોન્સ, ન્યૂ ફાઉન્ડલેન્ડની સિગ્નલ હિલની એક ઝૂંપડીમાં બેસીને ૧૨મી ડિસેમ્બર, ૧૯૦૧ની બપોરે માર્કોનીએ જ્યારે ઇયરફોન કાને અડાડીને સાંભળવાની શરૂઆત કરી હતી ત્યારે એને કલ્પના પણ નહીં હોય કે તે તેની હવે પછીની પેઢીઓને કાન આડા કાનની ભેટ આપતો જાય છે.
ત્રણ વરસના બાળકને ઇયરફોનનો પ્લગ મોબાઇલમાં જાતે ભરાવીને ઇયરબડને કાનમાં ખોસવાની ભલામણ કરતું જોઈને મા-બાપ રાજી થાય છે અને બાળકના કાનમાં ઇયરબડને ભરાવી દે છે. બાળક ખુશ થતું આ રીતે સંગીત સાંભળવાના શ્રીગણેશ કરે છે. કેટલાંક બાળકો તો ઓટોમેટિક પારણાંમાં ઝૂલતાં ઝૂલતાં હાલરડાંની સીડી  સાંભળતાં હોય છે. લલ્લા લલ્લા લોરી...!
ધ્યાન પૂરતું આપવાના અને મેળવવાના દિવસો જતા રહ્યા છે. ડ્રોઈંગ-રૂમ અને બેડ-રૂમમાં ટીવી બિરાજે છે. આપણે પરિચિતને ઘરે મળવા જતાં નથી. પરિચિતની સાથે એના ડ્રોઇંગ-રૂમમાં બેસીને ટીવી જોવા જઈએ છીએ. કોઈ તમારી સાથે વાત કરે છે ત્યારે એની એક આંખ મોબાઈલ પર હોય છે. સાચા અર્થમાં એ એની બીજી આંખે જ તમને જુએ છે. એની એક આંખ પર મોબાઇલે અદૃશ્ય આઇપેચ’ (આંખ આડો કાળા કાપડનો એક ટૂકડો) લગાવી દીધો હોય છે. એક આંખે ભલે જુએ. બે કાન તો સાંભળવા માટે ખુલ્લા રાખ્યા છે. એવું પણ આશ્વાસન લઈ શકાય તેવા પ્રસંગો દુર્લભ છે. આજકાલ મોટાભાગની વ્યક્તિઓનો એક કાન ઇયરફોન માટે રિઝર્વ હોય છે. ઇયરફોનધારી તમારી વાત સાંભળે છે, અલપઝલપ તમારી સાથે વાત કરે છે, અલપઝલપ જેટલું સાંભળ્યું હોય અને તેમાંથી પણ જેટલું સમજાણું હોય તે પ્રમાણમાં જ જવાબ મળે તે સ્વાભાવિક છે.
આ સ્વાભાવિક તમારે માટે છે. તેમના માટે નહીં. તેઓનો ગોડ છે મલ્ટિ ટાસ્કિંગ. એ કાર્ય પર, એક ટોપિક પર કે એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ડિજિટલ  અને વાયરલેસ જનરેશનને પોસાય નહીં કામ પણ થાય. વાતો પણ થાય/ સંભળાય અને સંગીત પણ સંભળાય. ડોક્ટરના સ્ટેથોસ્કોપ કે મોનોગ્લાસ (એક આંખ પર પહેરવાનાં ચશ્માં)ની જેમ ઇયરફોનના વાયર લટકતા રાખેલા માણસો ઠેર-ઠેર જોવા મળે છે. ઇયરફોન કેડો છોડતો નથી. બાગમાં ગર્લફ્રેન્ડને મળતી વખતે પણ યુવાનનો એક કાન ઇયરફોનને સર્મિપત હોય છે. એકબીજાને સંભાળવાના અને સાંભળવાના સુવર્ણયુગમાંથી એકબીજાને સંભળાવવાના પાષાણયુગ તરફ ગતિ ત્વરિત બને છે. લગ્ન પછી છોકરીના બંને કાન છોકરાની વાત સિવાયની વાતો સાંભળવા માટે રિઝર્વ થઈ જાય છે.
શ્રાવણ આવશે એટલે લોકો શ્રવણનો મહિમા યાદ કરશે. શ્રવણ  શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક  ઊંચાઈને સ્પર્શે છે. પણ સાંભળવું કોને છે? સાંભળવાની પ્રવૃત્તિ નિષ્ક્રિય અને નિરસ થતી જાય છે. માણસના રોકાયેલાં આંખ-કાને ધ્યાનથી સાંભળવાની ઇચ્છાનો ભોગ લીધો છે. સાંભળવાનું ઓછું ને ઓછું થતું જાય છે. ધ્યાનબહેરાં રહેવાનો એક સામાજિક શિરસ્તો થઈ ગયો છે. સર્વસ્વીકાર્ય શિરસ્તો! કુદરતે કાનનો પડદો સાંભળવા માટે આપ્યો છે. માણસે ઇયરફોનના રૂપે કાન આડો કાન ઊભો કરીને ન સાંભળવા માટે પડદો ઊભો કર્યો છે. કાનમાં ઇયરફોન પહેરીને માણસે કાનને ઘરેણે મૂક્યા છે. એટલે કે બેદરકારીથી ન સાંભળવાની સુવિધા ઊભી કરી છે. ટીવી અને ઈયરફોન જેવાં ધ્યાનપૂર્વક વાત સાંભળવામાં ખલેલ પહોંચાડતાં ઉપકરણો સંવાદની ઉઘાડી ઉપેક્ષા કરે છે. સાંભળવાની તૈયારીનો દેખીતો ધરાર ઇનકાર કરે છે. સાંભળવાની વાત આવે છે ત્યારે મોબાઇલ કે ઇયરફોનનો આશરો લઈને ધ્યાનબહેરા થવું પસંદ કરતાં ઘણા લોકો સંભળાવવાની વાત આવે છે ત્યારે પ્રભાવશાળી વક્તા બની જતાં હોય છે.
ઇયરફોનના સેલ્સમેન તરીકેનો ઉમેદવાર એક કાનમાં ઇયરબડ ભરાવીને ઈન્ટર્વ્યૂ આપવા માટે પેશ થયો હતો અને તે સિલેક્ટ પણ થઈ ગયો હતો. આ વાત જૂની લાગે તેવી એક નવી વાત એ છે કે એક લાઇફસ્ટાઇલ કંપનીના પી.આર. માટે ઇન્ટરવ્યૂ લેનાર એજન્સીના અધિકારીઓ એક કાનમાં ઇયરબગ ભરાવીને બેઠા હતા. અત્યારે ઇયરફોનનો વિવિધ પ્રવૃત્તિઓમાં જે વ્યાપ જોવા મળે છે તે જોતાં આગામી વરસોમાં જજ એક ઇયરબડ ભરાવીને દલીલો સાંભળશે. સર્જ્યન બંને કાનમાં બડ ભરાવીને ઓપરેશન કરશે. પરીક્ષાના સુપરવાઇઝરો તો આવા બડ પહેરીને ઊભેલા જોવા મળ્યા છે. જ્યારે નાપાસ થવું એ ક્રેડિટ ગણાશે ત્યારે પરીક્ષાર્થીઓ પણ બડ પહેરવા બડભાગી બનશે.
મલ્ટિ ટાસ્કિંગના જમાનામાં કશું અશક્ય નથી. ઈયરફોન પહેરીને ઓફિસમાં કે ફેક્ટરીમાં કમ્પ્યુટર કે અન્ય મશીનો પર કામ થઈ શકે છે. વાંચી-લખી શકાય છે. ડ્રાઇવિંગ થઈ શકે છે. પ્રેઝન્ટેશન કે ગ્રૂપ ડિસ્ક્શનમાં ભાગ લઈ શકાય છે, જિમમાં કે બાગમાં દોડતી વખતે કે પ્રવાસમાં ઇયરફોનને સાથે રાખવાનું મોબાઇલ જેવું સામાન્ય છે. કુટુંબની સાથે ડાઇનિંગ ટેબલ પર ઇયરફોન સાંભળતા જમવામાં કશું અજુગતું લાગતું નથી. ટ્વિટર પર કોઈ સ્માર્ટી ડિંગ હાંકે છે : સંગીત સાંભળતા માથું હલાવતાં પણ હું સિક્રેટ વાત સાંભળું છું એની કોઈને ખબર પડતી નથી!
અભ્યાસોએ તારણ કાઢયું છે કે ઓફિસોના મોટાભાગના કર્મચારીઓ એકથી ત્રણ કલાક ઇયરફોન લગાવીને કામ કરે છે. મોલના કર્મચારીઓને કાઉન્ટર પર ઇયરફોન પહેરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. ઇયરફોન પહેરેલા કર્મચારીના બોડી લેંગ્વેજનો અભ્યાસ બતાવે છે કે તેઓ અન્ય કર્મચારીઓના પ્રમાણમાં વધારે બેધ્યાન હોય છે. તેઓની સાથે કામને લગતી પૂછપરછ કરતાં પણ સહકર્મચારીઓ અચકાય છે. ગ્રાહકો અને મુલાકાતીઓ ગુસ્સે થાય છે. તેઓની સંપૂર્ણ ધ્યાન આપવાની ક્ષમતા હોય છે. તેઓ કહે છે કે અમે તો અમારા કામમાં પૂરતું ધ્યાન આપીએ છીએ. પરંતુ આ ધ્યાન અન્ય કરતાં ત્રીસથી પચાસ ટકા ઓછું હોય છે. બહારના વાતાવરણના અવાજ કરતાં સંગીતમય ઘોંઘાટની વચ્ચે કામ કરવાની અને રહેવાની આદત પડી જાય છે. સામાજિક વ્યવહારોમાં કે ગ્રાહકોની સાથે સીધા સંપર્ક ધરાવતી નોકરીઓમાં આવી આદતો ઇચ્છનીય નથી. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ પ્રોગ્રામર્સ કે મ્યુઝિક કે ફિલ્મ બનાવવાની સાથે સંકળાયેલા લોકોને ઈયરફોનની કંપનીમાં કામ કરવું સારું લાગે છે, પરંતુ જ્યારે માણસ સાથે સંવાદની વાત આવે છે ત્યારે ઇયરફોનના સંગાથને કામચલાઉ વિરામ આપવાથી સામાજિક સંબંધોનું ગૌરવ સચવાય છે.

No comments:

Post a Comment