Sunday, 7 August 2011

આત્મ વિકાસને સાધવા આ વાત પણ જરૂરી છે

એક ગુરુ તેમના શિષ્યને અવારનવાર તેનાં દોષો પ્રત્યે સાવધ કરતા હતા પરંતુ શિષ્યના ગળે ગુરુની વાત ઉતરતી ન હતી. એક દિવસ ગુરુએ શિષ્યને નદી પાર જઈ અમુક કાર્ય કરી આવવા કહ્યું, અને સાથે એક મશક આપી કે તેને તરવામાં રાહત મળે. બીજા દિવસે મશક લઈ શિષ્ય નદી પાર કરવા ગયો. પરંતુ મશકમાં નાનું છિદ્ર હતું. મશકમાં પાણી ભરાવા લાગ્યું. શિષ્ય તરવૈયો હતો તેથી જેમ તેમ કરી નદી પાર કરી ગયો પરંતુ બીજે દિવસે ગુરુ સાથે વાર્તાલાપમાં તેણે ગુરુજી પાસે મશક વિષે ફરિયાદ કરતાં કહ્યું કે તેમાં ઝીણું છિદ્ર હતું.

‘તો તેમાં શું થઈ ગયું? છિદ્ર તો ઝીણું જ હતું ને?’ ગુરુએ કહ્યું. પરંતુ ગુરુજી એ તો બહુ જ ખરાબ કહેવા ને? ઝીણાં છિદ્ર તો દેખાય નહીં અને ખબર ન પડતાં તેમાં પાણી ભરાવા લાગે. ગુરુએ કહ્યું. ‘એક ઝીણું છિદ્ર માનવીને દગો દઈ શકે તો આપણા ઝીણા ઝીણા દોષો શું આપણને દગો ન દઈ શકે? વર્ષો સુધી શાંત જણાતો માણસ કોઈ ભયંકર દુષ્કૃત્ય કરી બેસે છે તેનું કારણ આ ઝીણા ઝીણા દોષોનું લશ્કર તેના મનમાં એકઠું થઈ તેને ડૂબાડે છે.’ માનવીનું મન એ કાંઈ રમતનું મેદાન નથી કે ગમે તે દોષને તેમાં દાખલ થવા દેવાય.

માનવી મન તો ઈશ્વર સંસ્કાર ઘડતરનું સાધન છે. તેને દોષથી દૂષિત કેમ કરાય? દોષ કદી નાનો મોટો હોતો જ નથી. દોષ એ દોષ જ છે. ખટાશનું એક ટીપું માત્ર, દૂધને ફાડી નાખે છે અને વિષનું બિંદુ માત્ર માનવીને મોતને ઘાટ ઉતારે છે. તેથી નગણ્ય દેખાતા ઝીણા ઝીણા દોષો માનવીને ડૂબાડે છે. તે માટે સાવધાન રહેવું જ જોઈએ. શિષ્ય ગુરુની ટકોર સમજી ગયો.

No comments:

Post a Comment