Thursday, 18 August 2011

સંબંધોમાં ખોટી જીદ ક્યારેક ભારે પડી શકે...!


 
 
પોતે કહે એ રીતે જ પત્ની વર્તે એવો આગ્રહ રાખવાથી એની ઉષ્મા અને આશા મંદ પડી જાય છે. એ સાથ આપે છે, પણ લાગણીથી નહીં.

સંગીતાનાં લગ્ન થયા ત્યારે તો તે ખૂબ ખુશ હતી. મનગમતો પતિ, સાસરિયાં, એ બધાની સાથે પોતે હળીમળીને રહેશે અને પતિ પોતાને સ્વર્ગીય સુખનો અનુભવ કરાવશે એવા શમણા મનમાં લઇને એ સાસરે આવી. સમય પસાર થવા સાથે એને લાગ્યું કે એણે જે કલ્પનાનાં મહેલ રચ્યાં હતાં, તે તૂટવા લાગ્યાં છે.

કારણ? મિત્તલ - એનો પતિ જ્યારે જુઓ ત્યારે રાતના એને રીતસર ચૂંથી નાખતો. એ ક્યારેક ના કહે તો પણ એને તો જે રીતે વર્તવું હોય એ રીતે વર્તી, સંતોષ મેળવીને સૂઇ જતો. સંગીતાને કંઇ તકલીફ છે કે એને કેમ ઇચ્છા નથી એ વિશે પૂછવાની તો શું ધ્યાન આપવાની પણ એને જરૂર લાગતી નહીં.

ધીરે ધીરે સંગીતાએ મન મનાવી લીધું કે પોતે મિત્તલ માટે એક સાધનમાત્ર છે. એ હવે આનાકાની કરતી નહીં, પણ એનું મન આ સંબંધ માટે તૈયાર ન હોવાથી એ મિત્તલને કોઇ પ્રકારનો પ્રતિસાદ આપતી નહીં. જેમ કહે એમ કરતી અને ઢીંગલીની માફક પડી રહેતી. પરિણામે મિત્તલને લાગવા માંડ્યું કે સંગીતા ઠંડી છે. એ ફ્રિજિડ છે અને એ હવે ક્યારેક પોતાને સંતોષ ન થાય તે માટે સંગીતાના માથે દોષનો ટોપલો ઢોળવા લાગ્યો. કેમ આવું બને છે દાંપત્યજીવનમાં? શા માટે પત્ની પર ઠંડી હોવાનો કે ફ્રિજિડ હોવાનો દોષ ઢોળવામાં આવે છે?

લગ્ન બાદ પુરુષ એ વાત વિસરી જાય છે કે જેને પોતે પત્ની બનાવીને લાવ્યો છે એ માત્ર એક શરીર નથી. એને પણ મન છે, લાગણી, ઉષ્મા, હૂંફ પત્ની પણ ઝંખે છે. લગ્ન બાદ પતિને જાણે સંબંધ બાંધવા માટેની સામાજિક મંજુરી મળી ગઇ હોય એમ એ પત્નીને સાધન માનીને એની ઇચ્છા-અનિચ્છાની પરવા નથી કરતો. આવું થાય ત્યારે સંગીતા જેવી કોમળ હૈયાની સ્ત્રીને ઠેસ પહોંચે છે.

સહનશક્તિની મૂર્તિ ગણાતી હોવાથી અને એવા સંસ્કારોમાં ઉછરી હોવાથી પત્ની પોતાનાથી આપી શકે ત્યાં સુધી સાથ આપે છે. જ્યારે માનસિક રીતે થાકી જાય છે, ત્યારે એના માટે સંબંધ યાંત્રિક ક્રિયા બની જાય છે. એ માની લે છે કે પોતે પતિ માટે સાધન છે અને આ સાધનનો પતિ જે રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરી શકે છે. આમાં લાગણી, પ્રેમ કે ઉષ્માને સ્થાન નથી.

મન મરી ગયા બાદ એ પતિને સાથ આપે છે ખરી, પણ સાચી લાગણીથી નહીં. પરિણામે પતિને લાગે છે કે પત્નીને સંબંધ બાંધવામાં રસ નથી રહ્યો અને એ ઠંડી છે અથવા તો ફ્રિજિડ છે. હકીકત તો એ છે કે એને આવી ઠંડી કે ફ્રિજિડ બનાવવામાં મહત્વનો ફાળો પતિના વર્તનનો હોય છે. અલબત્ત, શારીરિક દ્રષ્ટિએ ફ્રિજિડની વ્યાખ્યા અહીં જણાવ્યા કરતાં અલગ છે, પણ અહીં આ શબ્દ એટલા માટે વાપર્યો છે કે પત્નીની ઇચ્છા જ મરી પરવારે ત્યારે એ ફ્રિજિડ બની જાય છે.

એના મનમાં પણ ઇચ્છા હોય છે કે સંબંધ માણતાં પહેલાં પોતે પતિ સાથે થોડી અંતરંગ પળ માણે, સ્પર્શસુખ અનુભવે, ક્યારેક પોતે ના કહે તો પતિ એને સંબંધ માણવા માટે તૈયાર કરે. પત્ની પણ સંબંધ બાંધવા માટે મનોમન કલ્પના કરતી હોય છે, જેમાં શારીરિક સ્થિતિથી લઇને પતિ સાથે કેવી રીતે વધારે આનંદ માણી શકાય એની કલ્પના એ કરે છે. આ વાત એ કદાચ સંકોચવશ જણાવતી નથી, પરંતુ ક્યારેક જો એ પ્રમાણે વર્તવા જાય તો પણ પતિ એ માટે તૈયાર હોતો નથી. એવામાં પત્ની શરણાગતિ સ્વીકારી લે છે અને સમય વીતવા સાથે પતિને અસંતોષ ઉત્પન્ન થવા લાગે છે કે પત્ની ઠંડી છે અથવા ફ્રિજિડ બની ગઇ છે.

પત્નીને પણ એવા અરમાન, આકાંક્ષા હોય છે કે પતિ સાથે અંતરંગ સંબંધોનો, એમાં ચરમસીમાનો આનંદ માણે. એ પણ કલ્પના કરે છે કે કે પતિ પોતાની સાથે અમુક રીતે વર્તે અથવા પોતાને એ રીતે તૈયાર કરે કે દાંપત્યનો વધુમાં વધુ આનંદ માણી શકાય, પ્રેમને વધારે ગાઢ બનાવી શકાય.

No comments:

Post a Comment