Saturday, 6 August 2011

દીર્ઘજીવન માટે આયુર્વેદ વાંચો




પૂર્ણ આયુષ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિની આશા એવા લોકો રાખી શકે કે જેઓ પૂર્ણ સ્વસ્થ છે. શરીર અને જીવાત્માના સંયોગનું નામ જ જીવન છે અને જીવનની ઉપસ્થિતિ જ આયુષ્યછે. ઉત્તમ સ્વાસ્થ્ય સાથે નિર્મિઘ્ને દીર્ઘજીવનની ઇચ્છા રાખવી એ મનુષ્યમાત્રનું કર્તવ્ય હોવું જોઈએ.
ઉત્તમ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આયુર્વેદના ગ્રંથોમાં સ્વસ્થવૃત્ત અને સદ્વૃત્તના નિયમોનું પાલન કરવા માટે વિશેષ ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્રિવિધચર્યા એટલે કે દિનચર્યા, રાત્રિચર્યા તથા ઋતુચર્યા તથા ત્રણ ઉપસ્તંભો એટલે કે આહાર, નિદ્રા અને બ્રહ્મચર્યનું વિધિવત્ પાલન કરનાર મનુષ્ય સુખી ને દીર્ઘજીવન પ્રાપ્ત કરી શકે. આપણા દૈનિક આહાર વિહારાદિમાં કોઈ પણ પ્રકારનું વ્યવધાન જ વાતપિત્તાદિ દોષ પ્રકોપક બને છે અને તેનાથી જ શારીરિક અને માનસિક રોગોત્પત્તિની પૂરેપૂરી સંભાવના રહે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ આપણે જોઈએ છીએ કે શારીરિક અને માનસિક રોગીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે. અરે, વિકટ બનતી જાય છે. આ બધાનું મૂળ કારણ શાસ્ત્રોપદિષ્ટ સ્વસ્થવૃત્તના નિયમોનું ઉલ્લંઘન જ નથી લાગતું?
દુનિયાના આદિ જ્ઞાનસ્રોત વેદોથી લઇને સ્મૃતિગ્રંથો સુધીનું પર્યાવલોચન કરવાથી એ જ તથ્ય સામે આવશે કે મનુષ્યે કયા કયા દેશમાં રહીને કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તથા તેનું પાલન ન કરવાથી કઈ વ્યાધિઓથી પીડાવું પડે છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં આવા સમસ્ત સિદ્ધાંતો એના નિયમોનું યથાસ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ રીતે પ્રતિપાદન થયું છે. જેની પ્રેરણા લઇને માનવ આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક ત્રણે પ્રકારના તાપથી, વ્યાધિઓથી મુક્ત રહીને સફળ અને સ્વસ્થ જીવન જીવી શકે છે, પરંતુ આ માટે તમારે એક કામ કરવું પડશે. એ કામ છે આસ્થા પરિવર્તનકે જે અત્યંત આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી આપણને આયુર્વેદીય ઉપદેશો પર શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી તેના દ્વારા મળનાર અમૂલ્ય લાભનું મૂલ્યાંકન કરવું આપણા સામર્થ્ય બહારની વાત છે. આયુર્વેદ એ માત્ર ચિકિત્સાશાસ્ત્ર જ નથી એ જીવન વિજ્ઞાન પણ છે. એમાં માણસે કઈ રીતે રહેવું જોઈએ? કે જેથી બીમાર જ ન પડાય. અને ધારોકે બીમાર પડી ગયા તો તેમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય? શારીરિક અંગ-ઉપાંગોની માહિતી શારીરિક અને માનસિક દોષો અને તેનાથી ઉત્પન્ન થતાં વિભિન્ન રોગ તેનાં પૂર્વ રૂપો, લક્ષણો, ઉપચાર વગેરે ઔષધોના ગુણધર્મનો ખનિજ દ્રવ્યોના ઉપયોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, શાસ્ત્રસાધ્ય રોગ, સર્જરી- કયા રોગમાં કઈ રીતે ઓપરેશનો કરવાં, વૃદ્ધાવસ્થાના રોગ, પ્રસૂતિતંત્ર, પાચનતંત્રના રોગ, ચેપી રોગ, ગળાથી ઉપરના રોગો, રસાયન વિદ્યા, વાજીકરણ વિદ્યા, મંત્ર ચિકિત્સા, જ્યોતિષ દર્શન, યોગ વગેરે અનેક વિષયોનો સમાવેશ થાય છે. આમ, આયુર્વેદ એ જીવન વિજ્ઞાન હોવાથી દીર્ઘજીવનની ઇચ્છા રાખનારે એક વખત તો તેના મૂળ પ્રાચીન ગ્રંથો આદિથી અંત સુધી વાંચી જવા જોઈએ.
ઘરગથ્થુ ઉપચાર
જેમને અવારનવાર નસકોરી ફૂટતી હોય, દાંતમાંથી લોહી નીકળતું હોય, મોઢામાં ચાંદાં પડતાં હોય, આંખો, હાથ- પગનાં તળિયાં, છાતી, તાળવું, પેટ વગેરેમાં દાહ થતો હોય એ સર્વને માટે આમળાનું સેવન પરમ હિતકર છે. માત્ર દરરોજ બે આમળાં અથવા એક ચમચી આમળાનું ચૂર્ણ રોજ રાત્રે જમ્યા પછી.

No comments:

Post a Comment