Monday, 8 August 2011

મુખ રોગનું ઉત્તમ ઔષધ બાવળ

આમ તો બાવળએ ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ વનૌષધિ છે અને આપણે જાણીએ છીએ કે દાંતના આરોગ્ય માટે તે ઉત્તમ છે. આપણે ત્યાં સેંકડો વર્ષોથી દાંતની તંદુરસ્તી જાળવી રાખવા માટે તેનો ઉપયોગ થતો આવ્યો છે. અત્યારે આધુનિકતાને લઇને દાતણના બદલે બાવળની ટૂથપેસ્ટની બોલબાલા છે. જે પ્રમાણમાં લગભગ એટલી જ લાભદાયક હોય છે. આ વખતે આપણે આપણાં દંતરક્ષક ઔષધના ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડં જાણીએ,
ગુણકર્મો
 બાવળ ભારતમાં બધે જ ખાસ કરીને કાળી માટીના સૂકા વેરાન પ્રદેશોમાં વિશેષ પ્રમાણમાં થાય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તેનાં છોડ- વૃક્ષો ખાસ જોવા મળે છે. બાવળનાં કાંટેદાર વૃક્ષો પરથી ઉનાળામાં ગુંદર મેળવવામાં આવે છે. જે પૌષ્ટિક ઔષધ પાકોની બનાવટમાં વપરાય છે.
આયુર્વેદીય મતે બાવળ સ્વાદમાં તૂરો, ઠંડો, પચવામાં ભારે ગ્રાહી (સંકોચક) રક્ત શુદ્ધિકર તથા કફ અને પિત્તશામક છે. તે આમદોષ, રક્તવિકાર, કફ, પિત્ત, ત્વચાવિકાર, કૃમિ, ઉધરસ, બળતરા, વાયુદોષ, લોહીના ઝાડા અને મૂત્ર સંબંધી વિકારોને મટાડનાર છે. છાલ વિશેષ સંકોચક, તૂરી અને પચવામાં ભારે હોય છે. ઔષધ પ્રયોગ માટે બાવળની અંતરછાલ ઓછામાં ઓછાં ૭ વર્ષ જૂના વૃક્ષની લેવી જોઈએ. રાસાયણિક દૃષ્ટિએ બાવળની છાલમાં ૭થી ૧૨ % ટેનીન હોય છે. શિંગમાંથી ૧૨થી ૧૯ % ટેનીન મળી આવે છે. તેના ગુંદરમાં ગેલેક્ટોઅરેબન, અરેબિક એસિડ, જળ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ વગર ઘટકો રહેલા હોય છે.
ઉપયોગો
બાવળ એ મુખના રોગનું ઉત્તમ ઔષધ છે. મોઢામાં ચાંદાં પડયાં હોય, મોઢું આવી ગયું હોય, દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળતું હોય. દાંત હલી ગયો હોય કે ગળું લાલ થઈ ગયું હોય તેમાં બાવળ ખૂબ જ સારું પરિણામ આપે છે. આ રોગમાં બાવળની છાલનો ભુક્કો કરી, બે ચમચી જેટલા આ ભુક્કાનો પાણીમાં ઉકાળો કરી, ગાળીને રોજ સવાર- સાંજ તેના કોગળા કરવાથી ચાંદાં વગેરે મટે છે. આ ઉકાળામાં જો ખેરની છાલનો ભુક્કો પણ ઉમેરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે.
 બાવળનાં બીજમાં ભાંગેલા તૂટેલાં હાડકાંને જોડવાની શક્તિ રહેલી છે. એટલે અસ્થિભંગ (ફ્રેક્ચર) થયું હોય ત્યારે બીજાં ઔષધોની સાથે બાવળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ મધ સાથે આપવું. આ ઉપચારથી હાડકાં ઝડપથી જોડાઈને મજબૂત બને છે.
 બાવળનાં પાન ગ્રાહીએટલે કે આંતરડાં જેવાં અંગોમાં સંકોચ ઉત્પન્ન કરનાર છે. એટલે ઝાડા થયા હોય તો બાવળનાં પાનનો રસ કાઢી ત્રણ ત્રણ ચમચી જેટલો રસ દિવસમાં ત્રણ- ચાર વખત આપવો. ઝાડા જો રક્તમિશ્રિત થતાં હોય તો બાવળની છાલ અને કડાછાલનો સવાર-સાંજ તાજો ઉકાળો બનાવીને આપવો. બાવળની છાલ અને કડાની છાલ એ રક્તમિશ્રિત ઝાડાને મટાડનારાં બે ઉત્તમ ઔષધો છે.
બાવળનો ગુંદર ખૂબ જ પૌષ્ટિક છે. શરીરની પુષ્ટતા માટે ઘઉંનો રવો અને બાવળના ગુંદરનો ઘીમાં પાક કરી લેવો. જરૂર પ્રમાણે તેમાં બદામ,ચારોળી, પિસ્તાં, બેદાણા વગેરે ઉમેરી લાડુ બનાવીને લેવા. રોજ એક એક લાડુ ખાવાથી ધીમે ધીમે શરીર પુષ્ટ થાય છે. શક્તિ માટે બાવળનો ગુંદર સારો ગણાય છે.
બબૂલારિષ્ટ, બબૂલાદિ ગુટિકા, બબૂલ ગોંદપાક, અર્ક બબૂલ, લવંગાદિવટી વગેરે આયુર્વેદીય ઔષધોમાં બાવળ મુખ્ય ઔષધદ્રવ્ય તરીકે વપરાય છે. આ ઔષધો અનેકવિધ રોગમાં ઉપયોગી છે.

No comments:

Post a Comment