Monday, 8 August 2011

સન્મિત્ર સંસાર મેં મિલના મહામુશ્કેલ




મિત્રોવિહોણી જિંદગી ભારરૂપ લાગે છે. જેમને મિત્રો હોય છે એમની જિંદગીનો ભાર મિત્રો ઉપાડી લે છે. એટલે મિત્રો બનાવતા જ રહો. એમાંનાં કેટલાક સ્વાર્થી અને નકામા પણ હશે, પરંતુ કેટલાક પોતાના નિઃસ્વાર્થ પ્રેમથી તમારા જીવનને હર્યુંભર્યું રાખશે

કોઈ પણ વ્યક્તિ પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેન, સગાં-વહાલાં પસંદ કરી શકતી નથી. માત્ર પોતાના મિત્રો જ પસંદ કરી શકે છે અને એટલે જ જેને સન્મિત્ર મળે એ મહાભાગ્યશાળી હોય છે. ભાગ્યશાળી એ રીતે કે માણસનું ભાગ્ય એ જેને ચાહે છે અને જે એને ચાહે છે એની દ્વારા ઘડાય છે. જિંદગીની આ સફરમાં માણસ અનેક વ્યક્તિઓને મળે છે. એ દરેક એક યા બીજી રીતે એના વ્યક્તિત્વને અને એ રીતે એના ભાગ્યને ઘડે છે, પરંતુ જેને એ ચાહે છે અને જે એને ચાહે છે એની અસર એના વ્યક્તિત્વના ઘડતરમાં અને એ રીતે એના ભાગ્યના ઘડતરમાં વિશેષ હોય છે.
બીજી વિચારવા જેવી વાત એ છે કે, મિત્રોમાં કોઈ સિનિયોરિટી નથી હોતી, જેની સાથે વહેલી મિત્રતા બંધાય એ પાકા મિત્રો અને પછીના જીવનમાં જેમની સાથે મિત્રતા થાય એ કાચા પાકા મિત્રો હોય એવું બનતું નથી.
મારા બચપણનો વિચાર કરું છું ત્યારે જેમની સાથે હું રમ્યો હતો, ભણ્યો હતો, ઝઘડયો હતો અને ઝઘડીને ફરી રમ્યો હતો એવાં ઘણાં નામો યાદ આવે છે, પરંતુ એ બધા ત્યાર પછી દૂર ચાલ્યા ગયા છે. મારે જેમની સાથે દોસ્તી થઈ હોય અને લાંબા સમય સુધી ટકી રહી હોય એવા મિત્રો મને કુમારાવસ્થા-  અને ત્યાર પછીના સમયમાં મળ્યા છે. છર્ઙ્ઘઙ્મીજષ્ઠીહષ્ઠી જેને હું કુમારાવસ્થા કહીશ એ એક એવો સમય છે જ્યારે માણસ એક નવી જિંદગીના ઉંબરમાં જઈને ઊભો રહે છે. એ વખતે થયેલ પ્રેમ અને મૈત્રી બંને થોડાં કાચાં હશે, પણ એનું આકર્ષણ અનોખું જ હોય છે.
ભૂપત વડોદરિયા સાથે મારે એ અવસ્થામાં મિત્રતા બંધાઈ હતી. જે અનેક ચઢાવ-ઉતાર સાથે આજ સુધી ટકી રહી છે.
સવારે નાસ્તો કર્યો કે સીધા વડોદરિયાના ઘરે અથવા તો હું બહાર નીકળું ન નીકળું ત્યાં એ મને મળવા આવી પહોંચે. લોકો કહે છે એમ, “ખાઈને કોગળો બહાર. શરૂઆતમાં અમારા બીજા મિત્રો પણ હતા, જેમની સાથે અમે દેશના ભાવિ વિશે ચર્ચા કરતા. મહાત્મા ગાંધી સ્વરાજ લાવી શકશે ખરા? કે અંગ્રેજોને કાઢવા માટે ભગતસિંહ જેમ બોમ્બ અને બંદૂકની જરૂર છે? ભગતસિંહ સિવાય બીજા કોઈ ક્રાંતિકારીનું નામ અમને આવડતું નહોતું. એ વખતે અમારી સાથે બેસીને ચર્ચા કરનારા બીજા મિત્રો પણ હતા, પરંતુ મારી અને વડોદરિયાની મિત્રતા ટકી રહી. બીજા બધા ખરી ગયા. અમે બંને મિત્રો દિવસે એકાદ ઓટો શોધીને એ ઓટો ઉપર બેસીને ચર્ચા કર્યા કરતા. એક બેસે, બીજો ઊભો રહે. વળી ઊભો થયો હોય એ બેસે ને બીજો ઊભો થાય. ચર્ચા
ચાલ્યા કરે.
પછી અમને કવિતા, વાર્તા અને ખાસ તો નવલકથા લખવાનું ઘેલું લાગ્યું. કનૈયાલાલ મુનશી કરતાં વધારે સારી નવલકથા લખવા માટે અમે કટિબદ્ધ થયા અને કરણ વાઘેલા (કરણ ઘેલા) ઉપર લખવાનું શરૂ કર્યું. પછીની વાત બહુ લાંબી છે. જેનો ઉલ્લેખ આ નાનકડા લેખમાં કરી શકાય તેમ નથી.
પછીના દિવસોમાં ઘણા મિત્રો આવ્યા અને ગયા. એ બધામાં જેને પ્રિય મિત્રકહી શકું એનું એક નામ છે ભવાનીશંકર જોશીનું. એમની સાથે હું બોટાદ હાઈસ્કૂલમાં નોકરી કરતો હતો ત્યારે મિત્રતા બંધાઈ અને પછી વધુ ને વધુ ગાઢ બનતી ગઈ. એ મારા એવા મિત્ર હતા જેમની સાથે હું મારું દિલ ખોલીને વાત કરતો. જે વાતો મેં કોઈ સાથે ન કહી હોય એ વાતો ભવાનીશંકરને કહી છે. એમના મૃત્યુના ખબરથી મને જે આઘાત લાગ્યો હતો એને યાદ કરું છું ત્યારે અત્યારે પણ એક ખટકો લાગે છે. ભવાનીશંકરની સાથે જ મારે હસમુખ શેઠ સાથે મૈત્રી થઈ. અમે ત્રણે જણા કલાકો સુધી ઓટે બેસીને અનેક વિષયની અને અનેક વ્યક્તિની વાતો કરતાં. હસમુખ શેઠ અત્યારે મુંબઈ રહે છે અને ક્યારેક ફોન ઉપર વાત થાય છે. ભવાનીશંકરની ખોટ પૂરે એવો કોઈ મિત્ર ત્યાર પછી મારા જીવનમાં આવ્યો નથી.
ભવાનીશંકર જેવું જ બીજું એક નામ છે હસુભાઈ ત્રિવેદીનું. બોટાદ હાઈસ્કૂલમાં એ ૧૯૫૨ કે ૧૯૫૩માં આવ્યા. એમને ગાવાનો શોખ અને મને પણ એવો જ શોખ એટલે બંને વચ્ચે તરત જ મનમેળ થઈ ગયો. પછી ગાવાનું બાજુ પર રહી ગયું, મૈત્રી રહી ગઈ. હસુભાઈ પણ અચાનક જ ચાલ્યા ગયા.
બોટાદ હાઈસ્કૂલમાં મેં અગિયાર વર્ષ નોકરી કરી હસુભાઈ ત્રિવેદી ઉપરાંત એ સમય દરમિયાન હાઈસ્કૂલમાં નોકરી કરતાં શિક્ષકોમાં જેમને મિત્ર કહી શકું એવા ચાર શિક્ષકોનો ઉલ્લેખ પણ જરૂરી છે. પહેલું નામ છે  ગિરધરભાઈ પટેલ જેમને અમે જી. બી. પટેલ કહેતા હતા. બહુ ઓછાબોલા, પણ જેમના ઉપર પૂરો વિશ્વાસ મૂકી શકાય એવા માણસ.
બીજા મિત્ર અનંત પાઠક અને ત્રીજા મિત્ર જયંત ભટ્ટ જેમને અમે ગટુભાઈ કહેતા. અનંત પાઠક અને ગટુભાઈ બંને જ્યોતિષશાસ્ત્રના રસિયા, એમની સાથે રહેવાથી મને પણ જ્યોતિષમાં રસ જાગ્યો હતો. ગટુભાઈ જેવા પ્રેમાળ માણસો બહુ ઓછા હોય છે અને હસે તો એવું હસે કે હસતાં હસતાં એની તો ઠીક, એની સાથે હસનારની આંખોમાં પણ આંસુ આવી જાય. 
અનંત પાઠક વાર્તાઓ લખતા, પરંતુ પછી એમણે એ છોડી દીધું. ચોથા રામપ્રસાદ દવે જે અત્યારે રાજકોટ છે. રામપ્રસાદ સિવાયના બધા જ મિત્રો દિવંગત થઈ ગયા છે.
બોટાદમાં ગાળેલો સમય મારા જીવનનો સારામાં સારો સમય હતો. નવા નવા મિત્રો મારા જીવનમાં આવતા જ ગયા છે અને એટલે જ મને જીવન ક્યારેય ભારરૂપ લાગ્યું નથી.
ભૂપત વડોદરિયાએ અને મેં અનેક સાહસો કર્યાં છે, જેમાંનાં ઘણાં દુસ્સાહસ હતાં. એવું એક સાહસ કરવા માટે અગિયાર-બાર વર્ષની સરકારી હાઈસ્કૂલની નોકરી છોડી વડોદરિયાએ શરૂ કરવા ધારેલ તુષારનામના માસિકના તંત્રી બનવાનું હતું. બોટાદ છોડી હું રાજકોટ ગયો. એ માસિક એકાદ વર્ષ ચાલ્યું. ખાસ કોઈ તકલીફ નહોતી છતાં સંજોગોવશાત્ બંધ કરવું પડયું અને હું રાજકોટ છોડી સુરેન્દ્રનગર ગયો. એ વખતે મને રાજકોટમાં જ ફૂલછાબમાં નોકરી મળી શકે એમ હતી, પરંતુ મારા પ્રકાશક શિવજી આશરે જો હું બાર મહિને અમુક પુસ્તકો લખી આપું તો મહિને દોઢસો રૂપિયા આપવાની ઓફર કરી. તરત જ મેં એ સ્વીકારી અને રાજકોટ છોડી સુરેન્દ્રનગર રહેવા ગયો, કારણ કે સુરેન્દ્રનગર સસ્તું હતું અને ત્યાંના એક મિત્ર વસંતભાઈ દોશીએ શરૂઆતમાં મકાન વગેરેની સગવડ અને આર્થિક મદદ કરવાની જવાબદારી સ્વીકારી હતી. એ રીતે મારા જીવનનો બીજો તબક્કો શરૂ થયો અને માત્ર લેખન ઉપર જીવવું એટલે શું એનો અનુભવ થયો. સુરેન્દ્રનગરમાં મારા ઘણા મિત્રો થયા. એમાં વસંતભાઈ મુખ્ય છે. જેમની સાથે મૈત્રી હજી પણ ટકી રહી છે. સુરેન્દ્રનગરમાં મેં જિંદગીનાં અઢારથી વીસ વર્ષ ગાળ્યાં. હજી પણ એનું વળગણ એવું જ રહ્યું છે. સુરેન્દ્રનગર ક્યારેય જીવનમાંથી દૂર થયું નથી. વસંતભાઈ સિવાય, હાઈસ્કૂલમાં હું ભણતો ત્યારે જેમની સાથે કાચીપાકી મૈત્રી હતી એ મિત્ર સુરેન્દ્રનગરમાં એ વખતે જાણીતા ડોક્ટર હતા. એમનું નામ ડો. સી. યુ. દોશી (છન્નાલાલ ઉજમશીભાઈ દોશી) એમની સાથેની મૈત્રી ગાઢ બની. એક વાતનું મને સાનંદ આશ્ચર્ય થાય છે કે દરેક ગામમાં ડોક્ટરો સાથેના મારા સંબંધો માત્ર સુમેળભર્યા જ નહીં, પણ પ્રેમસભર રહ્યા છે.
સુરેન્દ્રનગરના મારા વસવાટ દરમિયાન ઘણા મિત્રો થયા જેમનાં નામની યાદી ઘણી લાંબી થાય તેમ છે. વસંતભાઈ દોશીને કારણે સ્વ. યુ. એ. પઠાણ, નાગજીભાઈ દેસાઈ અને સોમચંદભાઈ શાહ વગેરે સાથે મારા મૈત્રીસંબંધો બંધાયા હતા, પરંતુ અમુક વ્યક્તિઓ એવી હતી જેમની સાથે હું કઈ રીતે સંપર્કમાં આવ્યો, કઈ રીતે મૈત્રીસંબંધ બંધાયો એ મને સમજાતું નથી. એવા મિત્રોમાંના એક હતા સ્વ. બચુભાઈ વોરા. રૂપલ સિરેમિક્સના એ માલિક સાથે કોઈ અજબ રીતે સંબંધો બંધાયા અને એમના મૃત્યુ સુધી કાયમ રહ્યા. બચુભાઈના બીજા ભાઈઓ સાથે મારે અને મારા કુટુંબીઓને સારા સંબંધો રહ્યા, પરંતુ એમના એક ભાઈ હસમુખ વોરા, જે એક વખત ધારાસભ્ય હતા એમની સાથેના સંબંધો હજી પણ એવા જ રહ્યા છે અને અરવિંદભાઈ આચાર્યનું નામ તો મારા જીવનની કિતાબનું એક અગત્યનું નામ છે. ઉપરાંત એક અતિ પ્રેમાળ વ્યક્તિનો ઉલ્લેખ પણ જરૂરી છે. એ હતા સ્વ. અશ્વિનભાઈ શાહ.  એમના ભાઈ જયંતભાઈ શાહ આજે પણ એટલો જ સ્નેહ રાખે છે. આ ઉપરાંત એક નામ છે હર્ષદભાઈ પરીખનું. એ નહોતા સાહિત્યના કે નહોતા શિક્ષણના માણસ. એમને તો રેડિયોની રેડિયો રિપેરિંગની દુકાન હતી. મને માત્ર આપવા માટે જ જાણે મારા જીવનમાં એ આવ્યા હશે એમ લાગે છે.
સુરેન્દ્રનગરના મારા વસવાટ દરમિયાન સુરેન્દ્રનગરના ન હોય એવા ઘણા મિત્રો સાથે ગાઢ સંબંધો બંધાયા. એમાંના એક રમણિક રાઠોડ, ખૂબ જ પ્રેમાળ માણસ. બીજા રામદાન ગઢવી, ત્રીજા બનેસિંહ ગઢવી અને ચોથા હરિશંકર પંડયા.
હરિશંકર પંડયાને કારણે હું રાજકારણીઓ સાથે સંપર્કમાં આવ્યો. એમાંનાં બધાં નામોમાં સૌથી અગત્યનું નામ માધવસિંહ સોલંકીનું. મેં રાજકારણમાં રસ લેવાનું બિલકુલ છોડી દીધું- ક્ષેત્રસંન્યાસ જ લઈ લીધો- પણ માધવસિંહભાઈ સાથે મૈત્રી ટકી રહી, કારણ કે એમને રાજકારણ સિવાય પુસ્તકોમાં અને કુદરતમાં પણ રસ છે અને હું વાંચ્યા વિના જીવી શકું એમ નથી.
અહીં જે મિત્રોનો ઉલ્લેખ કર્યો છે એ સિવાયના અનેક મિત્રોએ મારા જીવનનાં સુખ-દુઃખમાં સાથ નિભાવ્યો છે. એમાંના કેટલાક તો લેખક મિત્રો છે. અહીં એમના નામના ઉલ્લેખ માત્રથી સંતોષ માનવાનું મારું મન ન કહે છે એટલે અંગત હોવા છતાં એવા મિત્રોનો ઉલ્લેખ કરવાનું મુલતવી રાખું છું.
આજે ચોર્યાસીમા વર્ષે જ્યારે વીતેલી જિંદગી ઉપર હું નજર કરું છું ત્યારે લાગે છે કે, મિત્રો ન હોત તો મારી જિંદગી તેવી લુખ્ખી હોત, કેવી ભયાનક હોત! એટલે તો આજે, આ ઉંમરે પણ મને બે સારા મિત્રો મળ્યા છે. એક છે ડો. પ્રફુલ્લકુમાર દાસ (પી. કે. દાસ) આઈએએસ અને બીજા છે જાણીતા ભૌતિકશાસ્ત્રી ડો. જે. જે. રાવલ (જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ). ડો. રાવલને તો હું આજ સુધી મળ્યો પણ નથી. ફોટા સિવાય જોયા પણ નથી, પરંતુ મિત્ર શબ્દના પૂરા અર્થમાં એ અને દાસસાહેબ બંને મારા મિત્રો છે.
જે લોકો મિત્રોવિહોણી જિંદગી જીવે છે એ લોકોને જિંદગી ભારરૂપ લાગે છે. જેમને મિત્રો હોય છે એમની જિંદગીનો ભાર મિત્રો ઉપાડી લે છે. એટલે મિત્રો બનાવતા જ રહો. એમાંનાં કેટલાક સ્વાર્થી અને નકામા પણ હશે, પરંતુ કેટલાક પોતાના નિઃસ્વાર્થ પ્રેમથી તમારા જીવનને હર્યુંભર્યું રાખશે- હરિયાળું રાખશે. નોર્મન ડગ્લાસે કહેલી વાત યાદ રાખજો : મિત્ર બનાવતી વખતે એક આંખ બંધ રાખજો- મિત્રતા ટકાવી રાખવી હોય તો બંને બંધ રાખજો.

No comments:

Post a Comment